ફેડ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના નિર્ણયની રાહે સોના-ચાંદીમાં ટ્રેડિંગ વૉલ્યુમ એકદમ ઓછું
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
ઑસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટ વધારતાં અને અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ વધીને આવતાં સોના-ચાંદી રેન્જબાઉન્ડ રહ્યાં હતાં. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૪૯ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૩૫૮ રૂપિયા વધી હતી.
વિદેશી પ્રવાહ
ADVERTISEMENT
અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ત્રણ વર્ષની નીચી સપાટીએથી એપ્રિલમાં સુધરતાં અને ફેડની મીટિંગના આઉટકમની પૂર્વસંધ્યાએ સોનામાં વધુ ઘટાડો અટક્યો હતો. વળી ઑસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટ વધારતાં ડૉલર ઇન્ડેક્સમાં પણ વધુ તેજી અટકી હતી. ફેડની મીટિંગનું આઉટકમ બુધવારે આવશે અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની મીટિંગ ગુરુવારે યોજાવાની છે. આથી હાલ બન્ને સેન્ટ્રલ બૅન્કના નિર્ણયની રાહે સોનામાં ટ્રેડિંગ વૉલ્યુમ ઓછું હોવાથી ભાવ રેન્જબાઉન્ડ હતા. અમેરિકી ડૉલર રેન્જબાઉન્ડ હોવાથી ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમમાં ઘટાડો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઇન્ડેક્સ એપ્રિલમાં વધીને ૪૭.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે માર્ચમાં ત્રણ વર્ષની નીચી સપાટીએ ૪૬.૩ પૉઇન્ટ હતો અને માર્કેટની ૪૬.૮ પૉઇન્ટની ધારણા કરતાં ઊંચો રહ્યો હતો. જોકે વાર્ષિક ધોરણે જોઈએ તો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઇન્ડેક્સ સતત છઠ્ઠે મહિને ઘટ્યો હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં હજી પણ આઉટપુટ અને ન્યુ ઑર્ડર ઘટી રહ્યા છે, પણ એમ્પ્લૉયમેન્ટ લેવલ સ્ટેડી છે. ઇન્પુટ કૉસ્ટ અત્યાર સુધી ઘટી રહ્યા હતા એ એપ્રિલમાં વધ્યા હતા. પ્રાઇવેટ એજન્સી સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સના રિપોર્ટ અનુસાર મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઇન્ડેક્સ એપ્રિલમાં વધીને ૫૦.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં ૪૯.૨ પૉઇન્ટ હતો અને પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૫૦.૪ પૉઇન્ટ હતો.
અમેરિકાનું કન્સ્ટ્રક્શન્સ સ્પેન્ડિંગ માર્ચમાં ૦.૩ ટકા વધ્યું હતું જે ફેબ્રુઆરીમાં ૦.૩ ટકા ઘટ્યું હતું. ખાસ કરીને મૅન્યુફૅક્ચરિંગ યુનિટ, એજ્યુકેશનલ બિલ્ડિંગ અને લોજિંગનું કન્સ્ટ્રક્શન્સ વધ્યું હતું જ્યારે રેસિડેન્શિયલ અને કમર્શિયલ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન્સ ઘટ્યું હતું.
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ મંગળવારે વધીને ૧૦૨ના લેવલે પહોંચ્યો હતો જે છેલ્લાં ત્રણ સેશનથી સતત વધી રહ્યો છે. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન્સ ડેટા વધીને આવતાં ફેડને ઇન્ટરેસ્ટ રેટ વધારવાના નિર્ણયમાં અડચણ નહીં આવે એવી ધારણાને પગલે ડૉલર ઇન્ડેક્સ સુધર્યો હતો. ફેડની બેદિવસીય મીટિંગ ચાલુ થઈ ચૂકી છે જેમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારો નક્કી છે, પણ જૂન અને જુલાઈમાં ફેડનું ઇન્ટરેસ્ટ રેટ વધારા વિશે શું સ્ટેન્ડ હશે? એનો આછેરો સંકેત બેદિવસીય મીટિંગ પછીના આઉટકમમાં મળશે એવી ધારણા છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાએ પૉલિસી મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો અનઅપેક્ષિત નિર્ણય લીધો હતો. ઑસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બૅન્કે ૨૫ બેસિસ પૉઇન્ટ વધારીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને અગિયાર વર્ષ અને એક મહિનાની ઊંચાઈએ પહોંચાડ્યા હતા. છેલ્લા એક વર્ષમાં રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાએ અગિયારમી વખત ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા હતા. ગઈ મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવાને બ્રેક લગાવતાં ચાલુ મીટિંગમાં વધુ એક વખત ઇન્ટરેસ્ટ રેટ વધારવાને બ્રેક લગાવાશે એવી ધારણા હતી, પણ ઑસ્ટ્રેલિયાનું ઇન્ફ્લેશન સાત ટકાની વધુ પડતી હાઈ સપાટીએ હોવાથી રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાના મોટા ભાગના મેમ્બરોએ ઇન્ટરેસ્ટ રેટ વધારાને બહાલી આપી હતી. ઇન્ટરેસ્ટ રેટ વધારાના નિર્ણયને પગલે ઑસ્ટ્રેલિયન ડૉલર વધીને એક સપ્તાહની ઊંચાઈએ ૦.૬૭ (અમેરિકન) ડૉલરે પહોંચ્યો હતો.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
ચાલુ સપ્તાહમાં ફેડ, યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક સહિત અનેક બૅન્કોની પૉલિસી મીટિંગ હોવાથી કરન્સી ફેલ્ક્ચ્યુએશન મોટા પ્રમાણમાં જોવા મળશે. રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાએ એક વખત ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક લગાવીને ફરી ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું ચાલુ કર્યું છે. ફેડ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક પણ ચાલુ સપ્તાહની મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એ નક્કી છે. ભાવિ ઇન્ટરેસ્ટ રેટ વિશેના નિર્ણયો કેવા રહેશે? એ હવે અગત્યનું બની રહેશે અને એ વિશેની કોઈ પણ ચર્ચા કે સંકેત સોના-ચાંદીની વધ-ઘટમાં મોટો ભાગ ભજવશે. આગામી બે મહિના સોના-ચાંદીના ભાવની લૉન્ગ ટર્મ વ્યુહ માટે અતિ મહત્ત્વના સાબિત થશે. ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક લગાવવાનો કોઈ પણ સંકેત આપશે તો એ સોના-ચાંદીમાં નવી તેજીનું કારણ બનશે. એની સાથે જો યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક જો લાંબા સમય સુધી ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું ચાલુ રાખશે એવો કોઈ સંકેત આપશે તો સોના-ચાંદીની તેજી બેવડાશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૬૦,૪૧૭
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૬૦,૧૭૬
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૪,૨૨૬
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)