ટ્રમ્પે મેક્સિકો-કૅનેડાથી આયાત થતી ચીજો પર પચીસ ટકા ટૅરિફ લાદતાં ડૉલરની તેજીથી સોનામાં ખરીદી ઘટી
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
ઇઝરાયલ-હિઝબુલ્લા યુદ્ધ સમાપ્તિ નજીક પહોંચી ગયાની અમેરિકાની જાહેરાતને પગલે સોના-ચાંદીમાં ઘટાડો નોંધાયો હતો. વળી ટ્રમ્પે મેક્સિકો અને કૅનેડાથી આયાત થતી ચીજો પર પચીસ ટકા વધારાની ડ્યુટી લાદતાં ડૉલરમાં તેજી થતાં સોના-ચાંદીમાં ખરીદી ઘટી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૩૯૧ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૯૮૨ રૂપિયો ઘટ્યો હતો. સોના-ચાંદી મુંબઈમાં સતત બીજે દિવસે ઘટ્યાં હતાં. સોનાનો ભાવ બે દિવસમાં ૨૦૯૭ રૂપિયા અને ચાંદીનો ભાવ ૨૩૮૭ રૂપિયો ઘટ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ADVERTISEMENT
ડોનલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે સત્તાના સૂત્રો સંભાળશે એના પહેલા દિવસથી મેક્સિકો અને કૅનેડાથી આયાત થતી તમામ ચીજો પર વધારાની પચીસ ટકા અને ચીનથી આયાત થતી તમામ ચીજો પર વધારાની ૧૦ ટકા ટૅરિફ લાદવામાં આવશે. ટ્રમ્પની જાહેરાત બાદ ડૉલર ઇન્ડેક્સ વધીને ૧૦૭.૫૦ પૉઇન્ટે પહોંચ્યા બાદ ઘટીને ૧૦૬.૭૮થી ૧૦૬.૮૦ પૉઇન્ટ આસપાસ સ્ટેડી થયો હતો. ટ્રમ્પની જાહેરાત બાદ ચાઇનીઝ યુઆન અને અન્ય કરન્સી ઘટતાં ડૉલરની મજબૂતીને સપોર્ટ મળ્યો હતો.
મિડલ ઈસ્ટમાં એક મહિનાથી વધુ સમયથી લડી રહેલા ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે યુદ્ધ સમાપ્તિની ચર્ચા અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. ટ્રમ્પની જીત બાદ યમનના આતંકવાદી જૂથ હૌતીએ બિનશરતી યુદ્ધ સમાપ્તિની જાહેરાત કરી હતી. ત્યાર બાદ હિઝબુલ્લાનાં આતંકવાદી જૂથો પણ લેબૅનનમાં થોડા નરમ પડ્યાં હતાં. અમેરિકાના ટૉપ લેવલના ઑફિસરે પણ ઇઝરાયલ અને હિઝબુલ્લા બન્ને પક્ષ યુદ્ધ સમાપ્તિ માટે તૈયાર થયાની જાહેરાત કરી હતી. ઇઝરાયલની સિક્યૉરિટી કૅબિનેટની બેઠકમાં બન્ને પક્ષો વચ્ચે થયેલા યુદ્ધ સમાપ્તિની શરતોને મંજૂર કરવામાં આવશે.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની એન્ટ્રી ધમાકેદાર થવાના સંકેતો ચાલુ થઈ ચૂક્યા છે. મેક્સિકો અને કૅનેડાથી આયાત થતી તમામ ચીજો પર પ્રથમ દિવસથી જ પચીસ ટકા વધારાની ડ્યુટી અને ચીનથી આયાત થતી તમામ ચીજો પર વધારાની ૧૦ ટકા ડ્યુટી પ્રથમ દિવસથી લાગુ પાડવાની જાહેરાત ટ્રમ્પે કરી હતી. જોકે ચૂંટણીઢંઢેરામાં ચીનથી આયાત થતી ચીજો પર ૬૦ ટકા ડ્યુટી લાદવાની ખાતરી આપવામાં આવી હતી જે હાલપૂરતી માત્ર ૧૦ ટકા લાદવાનો નિર્ણય કરાયો હતો. ચીને ટ્રમ્પના નિર્ણયની ટીકા કરીને ટૅરિફ-વૉરથી કોઈને ફાયદો થવાનો નથી એવું કહ્યું હતું. અમેરિકાએ ટૅરિફ લાદતાં અનેક દેશોની કરન્સી પર દબાણ વધતાં ડૉલરની મજબૂતી વધવાની છે જેની અસરે ડૉલર ઇન્ડેક્સ આગામી દિવસોમાં વધુ મજબૂત થઈ શકે છે. ડોનલ્ડ ટ્રમ્પના અગાઉનાં ચાર વર્ષના શાસન દરમ્યાન અનેક નાટયાત્મક અને આક્રમક નિર્ણયો લેવાયા હતા અને દરેક નિર્ણયોની સોના-ચાંદીની બજાર પર જુદી-જુદી અસર જોવા મળી હોવાથી આગામી દિવસોમાં ટ્રમ્પના દરેક નિર્ણયોની સોના-ચાંદી પર તેજી-મંદી બન્ને તરફી અસરો જોવા મળશે. ડોનલ્ડ ટ્રમ્પ સત્તાના સૂત્રો ૨૦ જાન્યુઆરીએ સંભાળશે ત્યાર બાદ સોના-ચાંદીના ભાવની વધ-ઘટ મોટી રહેશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૫,૬૯૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૫,૩૮૭
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૮,૪૬૩
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)