યુરોની મજબૂતીથી ડૉલર ઘટતાં સોનામાં ઘટ્યા મથાળે ફરી ખરીદીનું આકર્ષણ વધ્યું
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના પૉલિસીમેકરોએ ઇન્ફ્લેશનને રોકવા ઇન્ટરેસ્ટ રેટમાં સતત વધારો કરવો પડશે એવી કમેન્ટથી યુરો સામે ડૉલર ઘટતાં સોનું વધ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૫ રૂપિયા વધ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૧૪૦ રૂપિયા ઘટી હતી.
વિદેશી પ્રવાહ
ADVERTISEMENT
યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના પૉલિસીમેકરોનું સ્પષ્ટ માનવું છે કે ક્રૂડ તેલની તેજીને પગલે ૨૦૨૩માં ઇન્ફ્લેશન ઊંચું રહેશે આથી યુરોપિયન સેન્ટ્રલ બૅન્કને ઇન્ટરેસ્ટ રેટમાં સતત વધારો કરવો પડશે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના પૉલિસીમેકરોની કમેન્ટને પગલે યુરો સામે ડોલર ઘટતાં સોનામાં મંગળવાર બપોર બાદ નવેસરથી તેજી શરૂ થઈ હતી. સોનું સોમવારે એક તબક્કે ઘટીને ૧૯૮૧.૪૦ ડૉલર થયા બાદ મંગળવારે વધીને ૨૦૦૮.૯૦ ડૉલર થયું હતું. સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ચીનનું ઇન્ફ્લેશન માર્ચમાં ઘટીને દોઢ વર્ષની નીચી સપાટીએ ૦.૭ ટકાએ પહોંચ્યું હતું જે ફેબ્રુઆરીમાં એક ટકો હતું અને માર્કેટની ધારણા પણ એક ટકાની હતી. ચીનમાં ફૂડ અને નૉન-ફૂડ બન્ને આઇટમોના ભાવ ઘટતાં ઇન્ફ્લેશન ઘટ્યું હતું. ખાસ કરીને ફૂડ ઇન્ફ્લેશન ઘટીને માર્ચમાં ૧૦ મહિનાની નીચી સપાટીએ ૨.૪ ટકા રહ્યું હતું જે ફેબ્રુઆરીમાં ૨.૬ ટકા હતું. ફૂડ ઇન્ફ્લેશન સતત બારમાં મહિને ઘટ્યું હતું. દૂધ, કુકિંગ ઑઇલ અને ફ્રેશ વેજિટેબલના ભાવ ઘટતાં ફૂડ ઇન્ફ્લેશન ઘટ્યું હતું. મન્થ્લી બેઝ પર ઇન્ફ્લેશન સતત બીજે મહિને ૦.૩ ટકા ઘટ્યું હતું. ચીનનું પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન માર્ચમાં ઘટીને ૩૩ મહિનાની નીચી સપાટીએ ૨.૫ ટકા રહ્યું હતું જે ફેબ્રુઆરીમાં ૧.૪ ટકા ઘટ્યું હતું અને સતત છઠ્ઠે મહિને પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન ઘટ્યું હતું. રો-મટીરિયલ્સ અને પ્રોસેસિંગ આઇટમોના ભાવ ઘટતાં પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન ઘટ્યું હતું. જોકે મન્થ્લી બેઝ પર પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન ટકેલું હતું.
અમેરિકાનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન માર્ચમાં વધીને ૪.૭ ટકાએ પહોંચ્યું હતું જે ફેબ્રુઆરીમાં બે વર્ષની નીચી સપાટીએ ૪.૨ ટકા હતું. છેલ્લા પાંચ મહિનામાં ઇન્ફ્લેશન એક્સપેક્ટેશનમાં પહેલો વધારો જોવા મળ્યો છે. અમેરિકન પબ્લિકની ધારણા છે કે હાઉસિંગ પ્રાઇસ ૧.૮ ટકા વધશે, જેની ધારણા ફેબ્રુઆરી મહિનામાં ૧.૪ ટકા વધારાની હતી. આ ઉપરાંત કૉલેજ એજ્યુકેશન, મેડિકલ કૅર અને ગૅસના ભાવ વધવાની ધારણા છે. આગામી ત્રણ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન વધીને ૨.૮ ટકાએ પહોંચ્યું હતું જે ફેબ્રુઆરીમાં ૨.૭ ટકા હતું અને આગામી પાંચ વર્ષના ઇન્ફ્લેશનનું એક્સપેક્ટેશન ઘટીને ૨.૫ ટકાએ પહોંચ્યું હતું. બૅન્ક ઑફ જપાનના નવા ગવર્નર તરીકે કજૂઓ ઉડાએ ચાર્જ સંભાળી લીધો હતો. ગવર્નર હરૂહિકો કૂરોડાએ લાંબા સમય સુધી નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી જાળવી રાખી હતી. નવા ગવર્નર કજૂઓ ઉડાએ ઇનોગ્રેશન સ્પીચમાં મૉનિટરી પૉલિસીમાં કોઈ ચેન્જ ન કરવાનો સંકેત આપ્યો હતો, પણ નવા ગવર્નરે એવી પણ કમેન્ટ કરી હતી કે બહુ મોડું થાય એ પહેલાં ઇઝી મૉનિટરી પૉલિસીમાં બદલાવ પણ લાવવો જોઈએ. આ કમેન્ટ બાદ ઇકૉનૉમિસ્ટો એવું અનુમાન લગાવી રહ્યા છે કે નવા ગવર્નર થોડા સમય બાદ મૉનિટરી પૉલિસીમાં ચેન્જ લાવશે. ઇનોગ્રેશન સ્પીચ પછી જૅપનીઝ યેન ડૉલર સામે એક ટકો ઘટ્યો હતો.
અમેરિકન ડૉલર સોમવારે ઓવરનાઇટ વધીને ૧૦૩ના લેવલે પહોંચ્યો હતો. અમેરિકાના અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ ૩.૬ ટકાથી ઘટીને ૩.૫ ટકાએ પહોંચતાં અને નવી નોકરીઓ ધારણા પ્રમાણે વધતાં ફેડ મે મહિનામાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવા ચાન્સ પણ વધીને ૭૦ ટકાએ પહોંચતાં ડૉલરને મજબૂતી મળી હતી. બૅન્ક ઑફ જપાનના નવા ગવર્નર કજૂઓ ઉડાએ નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી ચાલુ રાખવાની જાહેરાત કરતાં જૅપનીઝ યેન સામે ડૉલર સુધર્યો હતો, એની પણ અસર જોવા મળી હતી.
અમેરિકાની હોલસેલ ઇન્વેન્ટરી ફેબ્રુઆરીમાં ૦.૧ ટકા વધી હતી જે જાન્યુઆરીમાં ૦.૬ ટકા ઘટી હતી અને માર્કેટની ધારણા હોલસેલ ઇન્વેન્ટરી ૦.૨ ટકા વધવાની હતી. ડ્યુરેબલ ગુડ્સનો સ્ટૉક ૦.૫ ટકા વધ્યો હતો, જ્યારે નૉન-ડ્યુરેબલ ગુડ્સનો સ્ટૉક ૦.૫ ટકા ઘટ્યો હતો. છેલ્લા એક વર્ષમાં અમેરિકાની હોલસેલ ઇન્વેન્ટરી ૧૨ ટકા વધી હતી.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
ઓપેક (ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ) પર સાઉદી અરબિયાનું વર્ચસ છે અને નવું સંગઠન ઓપેક પ્લસમાં રશિયાનું વર્ચસ વધી રહ્યું છે. વર્ષો સુધી સાઉદી અરેબિયા અમેરિકાના ઇશારે ક્રૂડ તેલના ઉત્પાદનમાં ફેરફાર કરતું આવ્યું છે, પણ તાજેતરમાં ક્રૂડ તેલના ઉત્પાદનમાં રોજિંદો ૧૧.૬ લાખ બેરલનો કાપ મુકાયો એ અમેરિકા અને સાઉદી અરેબિયાના ઘનિષ્ઠ સંબંધો નબળા પડી રહ્યાનો સંકેત છે. સાઉદી અરેબિયા હવે અમેરિકાથી દૂર જઈને ચીન અને રશિયા સાથે ઘનિષ્ઠ સંબંધો બનાવી રહ્યાના સ્પષ્ટ સંકેતોથી અમેરિકાનો ક્રૂડ તેલના ભાવને નીચા રાખવાનો ઇરાદો સફળ નહીં થાય. આનો સીધો મતલબ છે કે રશિયા, સાઉદી અરેબિયા અને ઓપેકના મેમ્બર દેશો આગામી સમયમાં અમેરિકાને હંફાવવા ક્રૂડ તેલના ભાવને ઊંચા રાખવા શક્ય પ્રયાસ કરતા રહેશે, જેનાથી ક્રૂડ તેલના ભાવ હવે ટૂંકા ગાળામાં નીચા જવાની શક્યતા દેખાતી નથી. ફેડ મે મહિના પછી ઇન્ટરેસ્ટ રેટમાં વધારાને બ્રેક લગાવીને ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડાની પહેલ કરશે તો ક્રૂડ તેલના ભાવ ૧૦૦ ડૉલરની સપાટીને પણ કૂદી જશે અને ઇન્ફ્લેશન ફરી નવી ઊંચાઈ તરફ જશે, જેનાથી સોનામાં નવેસરથી તેજી શરૂ થવાના ચાન્સ છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૬૦,૩૯૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૬૦,૧૪૮
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૪,૪૧૬
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)