જપાન, ઇંગ્લૅન્ડ અને ચીનની સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટ હોલ્ડ રાખવાનો નિર્ણય લીધો
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
અમેરિકન ડૉલરની મંદી અને મિડલ-ઈસ્ટમાં હિઝબુલ્લા-ઇઝરાયલ વચ્ચે ભીષણ સંગ્રામ ચાલુ થતાં વર્લ્ડ માર્કેટમાં સોનું ફરી એક વખત નવી ટોચે ૨૬૧૫.૮૦ ડૉલરે પહોંચ્યા બાદ શુક્રવારે સાંજે ૨૬૧૩થી ૨૬૧૪ ડૉલરની રેન્જમાં હતું. ચાંદી પણ વધીને ૩૧.૪૨ ડૉલરે પહોંચ્યા બાદ સાંજે ૩૧.૨૬થી ૩૧.૩૬ ડૉલરની રેન્જમાં હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૬૦૮ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૪૯૯ રૂપિયા વધ્યો હતો. મુંબઈમાં સોનું-ચાંદી સતત બીજે દિવસે વધ્યાં હતાં. બે દિવસમાં સોનાનો ભાવ ૮૩૬ રૂપિયા અને ચાંદીનો ભાવ ૧૫૧૧ રૂપિયા વધ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ADVERTISEMENT
બૅન્ક ઑફ જપાને પૉલિસી-મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ હોલ્ડ રાખ્યા હતા. ચાલુ વર્ષે માર્ચ અને જુલાઈ બે વખત ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા બાદ હવે મેમ્બરોના મત મુજબ ઇકૉનૉમિક કન્ડિશનનો બરાબર અભ્યાસ કર્યા બાદ ઇન્ટરેસ્ટ રેટ વધારાશે. જપાનની ઇકૉનૉમિક કન્ડિશન વિશે બૅન્કે મોડરેટ રિકવરીનું પ્રોજેક્શન મૂક્યું હતું. જપાનનું ઇન્ફ્લેશન ધીમી ગતિએ વધતું રહેશે એવું બૅન્ક માની રહી છે. જપાનનું ઑગસ્ટ મહિનાનું ઇન્ફ્લેશન વધીને ૨.૮ ટકાએ પહોંચ્યું હતું જે જુલાઈમાં ૨.૭ ટકા હતું. જપાનનું ઇન્ફ્લેશન સતત ચોથે મહિને વધતાં બૅન્કે ઇન્ટરેસ્ટ રેટ હોલ્ડ રાખવાનું મુનાસિબ માન્યું હતું.
પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ બેન્ચમાર્ક લૅન્ડિંગ રેટ હોલ્ડ રાખ્યા હતા. વન યર લોન પ્રાઇમ રેટ ૩.૩૫ ટકા અને પાંચ વર્ષના લોન રેટ ૩.૮૫ ટકાએ જાળવી રાખતાં આશ્ચર્ય સર્જાયુ હતું, કારણ કે ફેડના રેટ-કટ બાદ ઇકૉનૉમિક કન્ડિશનને સ્ટૅબિલાઇઝ કરવા નવા સ્ટિમ્યુલેસ પૅકેજની જાહેરાતની ધારણા હતી. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે પણ બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ પાંચ ટકાએ જાળવી રાખ્યા હતા.
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ શુક્રવારે ઘટીને ૧૦૦.૪૧ પૉઇન્ટે પહોંચ્યા બાદ ૧૦૦.૪૭થી ૧૦૦.૪૮ પૉઇન્ટની રેન્જમાં હતો. ફેડે પચાસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ કર્યા બાદ ડૉલર ઇન્ડેક્સ હજી સેટ થઈ રહ્યો છે. ફેડના રેટ-કટના ડિસિઝન બાદના બે દિવસમાં ડૉલર ઇન્ડેક્સ એક તબક્કે ઘટીને ૧૦૦.૨૧ પૉઇન્ટ અને વધીને ૧૦૧.૧૩ પૉઇન્ટ સુધી ગયો હતો. ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલના રેટ-કટ માટે હવે ઉતાવળ કરવામાં નહીં આવે અને ફેડની મીટિંગમાં નવેમ્બર-ડિસેમ્બરમાં ૨૫-૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરવાની જાહેરાતને કારણે હવેના રેટ-કટ માટે માર્કેટ કન્ફયુસ મોડમાં છે. બૅન્ક ઑફ જપાન, બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ અને પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ ઇન્ટરેસ્ટ રેટ હોલ્ડ રાખતાં ડૉલરની મૂવમેન્ટ ધીમી પડી હતી.
અમેરિકામાં નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ૧૪મી સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ૧૨ હજાર ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ ૨.૧૯ લાખે પહોંચ્યા હતા જે માર્કેટની ૨.૩૦ લાખની ધારણા કરતાં ઘણા નીચા રહ્યા હતા. એક્ઝિસ્ટિંગ અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ૬૪૩૬ વધીને ૧,૮૪,૮૪૫એ પહોંચ્યા હતા.
અમેરિકન ૩૦ વર્ષીય મૉર્ગેજ રેટ ૧૯મી સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ઘટીને ૧૯ મહિનાની નીચી સપાટીએ ૬.૦૯ ટકાએ પહોંચ્યા હતા. ગયા વર્ષે આ સમયે મૉર્ગેજ રેટ ૭.૧૯ ટકા હતા. અમેરિકામાં એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ ઑગસ્ટમાં ૨.૫ ટકા ઘટીને ૩૮.૬ લાખે પહોંચ્યું હતું. એક્ઝિસ્ટિંગ હોમસેલ્સમાં સતત ચોથે મહિને ઘટાડો નોધાયો હતો.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
વર્લ્ડની મહત્ત્વની સેન્ટ્રલ બૅન્કોના ઇન્ટરેસ્ટ રેટ ડિસિઝન અને મિડલ-ઈસ્ટમાં સતત વધી રહેલા ટેન્શન સહિતની તમામ ઘટનાઓને પચાવીને સોનું તેજીની રાહે ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે, પણ મહત્ત્વની બાબત એ છે કે અમેરિકન રેટ-કટની અસર સોનામાં ઑલરેડી થઈ ચૂકી છે ત્યારે અત્યારે સોનાની તેજીને જિયોપૉલિટિકલ ટેન્શનનો સપોર્ટ મળી રહ્યો છે. સોનું છેલ્લા દસ મહિનામાં ૧૮૫૦ ડૉલરથી વધીને ૨૬૦૦ ડૉલર થયા બાદ હેલ્ધી તેજી માટે કરેકશન જરૂરી છે. જો આ કરેકશન નહીં આવે તો આગળ જતાં સોના અને ચાંદીમાં મોટી મંદી પણ આવી શકે છે. હાલના સમયમાં વધુ તેજીની આગાહીઓ વચ્ચે સાવચેતી ખૂબ જ જરૂરી બની છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૪,૦૯૩
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૩,૭૯૬
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૮,૯૧૭
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)