યુરો અને બ્રિટિશ પાઉન્ડ વધતાં અમેરિકી ડૉલર ઘટીને બે મહિનાના તળિયે પહોંચતાં સોનામાં ખરીદી વધી
કૉમોડિટી કરન્ટ
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
અમેરિકન મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ૩૪ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં અને ડૉલર ઘટીને બે મહિનાના તળિયે પહોંચતાં સોનામાં તેજીરૂપી નવો ઉછાળો જોવા મળ્યો હતો.
વિદેશી પ્રવાહ
ADVERTISEMENT
અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ૩૪ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં અને ક્રૂડ તેલની તેજીને પગલે અમેરિકા સિવાયના દેશોની સેન્ટ્રલ બૅન્ક દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં મોટો વધારો થવાની શક્યતાએ ડૉલર બે મહિનાની નીચી સપાટીએ પહોંચતાં સોનું ૨૦૦૦ ડૉલરની વધુ નજીક પહોંચ્યું હતું. સોનું સોમવારે વધીને ૧૯૯૧.૬૦ ડૉલર થયા બાદ મંગળવારે ઘટીને ૧૯૭૬ ડૉલર થયા બાદ ૧૯૮૦થી ૧૯૮૧ ડૉલરે રેન્જબાઉન્ડ રહ્યું હતું. સોનાને પગલે ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઊછળ્યા બાદ ઘટ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ માર્ચમાં ઘટીને ૩૪ મહિનાની નીચી સપાટીએ ૪૬.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો અને મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સતત પાંચમા મહિને ઘટ્યો હતો. ફેબ્રુઆરીમાં મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ૪૭.૭ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૭.૫ પૉઇન્ટની હતી. અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઘટતાં ફરી રિસેશનનો ભય સામે દેખાવા લાગ્યો છે. ન્યુ ઑર્ડર, એમ્પ્લૉયમેન્ટ, બ્લૅકલોગ અને પ્રોડક્શનમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો. પ્રાઇસ પ્રેશર ઘટ્યું હોવા છતાં સપ્લાયર ડિલિવરી ઘટી હતી.
અમેરિકાનો લૉજિસ્ટિક મૅનેજર ઇન્ડેક્સ માર્ચમાં ઘટીને ઑલટાઇમ લો સપાટીએ ૫૧.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો. આ ઇન્ડેક્સની શરૂઆત ૨૦૧૬માં થઈ હતી ત્યારથી અત્યાર સુધીનો આ સૌથી નીચો ઇન્ડેક્સ જોવા મળ્યો છે. ટ્રાન્સપોર્ટેશન પ્રાઇસનો ઇન્ડેક્સ પાંચ ટકા ઘટીને ઑલટાઇમ લો સપાટીએ ૩૧.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો, જ્યારે ટ્રાન્સપોર્ટેશન યુટિલાઇઝેશનનો ઇન્ડેક્સ પણ ઘટીને ૫૦ પૉઇન્ટે પહોંચ્યો હતો, જેમાં કોઈ પ્રોગ્રેસ જોવા મળ્યો નહોતો. જોકે ટ્રાન્સપોર્ટેશન ઍક્ટિવિટીનો ઇન્ડેક્સ એક ટકા વધીને ૭૧.૪ પૉઇન્ટે અને વેરહાઉસ કૅપેસિટીનો ઇન્ડેક્સ ૧.૬ ટકા વધીને ૫૮.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો.
આપણો પાડોશી દેશ પાકિસ્તાન હવે દેવાળું ફૂંકવાની નજીક પહોંચતાં પાકિસ્તાની રૂપિયાનું મૂલ્ય ઘટીને ઑલટાઇમ લો સપાટીએ ૨૮૭ પ્રતિ ડૉલર થયો હતો. ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડની ૬.૫ અબજ ડૉલરની લોન ભરવામાં પાકિસ્તાન નિષ્ફળ જતાં અનેક શરતોનો સામનો પાકિસ્તાન કરી રહ્યું છે. હાલ પાકિસ્તાન સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ અમીરાતની લોન મેળવવા આજીજી કરી રહ્યું છે. પાકિસ્તાનના ફાઇનૅન્સ મિનિસ્ટરે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયા તરફથી થોડી રાહત મળવાના સંકેતો મળ્યા છે. સ્ટેટ બૅન્ક ઑફ પાકિસ્તાને માર્ચમાં ૩૦૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો નિર્ણય લીધો હતો. ડિફૉલ્ટેશનને રોકવા પાકિસ્તાનની સેન્ટ્રલ બૅન્કે ૧૦૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૩૧ વર્ષની ઊંચાઈએ ૨૧ ટકાએ પહોંચાડ્યા છે. પાકિસ્તાનમાં ઇન્ફ્લેશન ૬૦ વર્ષની ઊંચાઈએ માર્ચમાં ૩૫.૪ ટકાએ પહોંચ્યું હતું.
યુરો એરિયાનું પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન ફેબ્રુઆરીમાં ઘટીને ૧૩.૨ ટકાએ પહોંચ્યું હતું જે જાન્યુઆરીમાં ૧૫.૧ ટકા હતું અને માર્કેટની ધારણા ૧૩.૩ ટકાની હતી. પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન ફેબ્રુઆરીમાં દોઢ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હતું. એનર્જી પ્રાઇસ ફેબ્રુઆરીમાં ૧૭.૪ ટકા વધ્યા હતા જે જાન્યુઆરીમાં ૨૦.૭ પૉઇન્ટ વધ્યા હતા, જ્યારે કૅપિટલ ગુડ્સ ઇન્ફ્લેશન ૭.૩ ટકા સ્ટેડી હતું. મન્થ્લી બેઇઝ પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન ૦.૫ ટકા ઘટ્યું હતું જેની ધારણા ૦.૩ ટકા ઘટાડાની હતી.
યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના ગવર્નિંગ કાઉન્સિલના મેમ્બર રૉબર્ટ હોલ્ઝમૅને આગામી મીટિંગમાં ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની શક્યતા બતાવી હતી. યુરો એરિયાનું ઇન્ફ્લેશન માર્ચમાં ઘટીને એક વર્ષની નીચી સપાટીએ ૬.૯ ટકા હતું, પણ યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના બે ટકાના ટાર્ગેટ કરતાં સાડાત્રણ ગણું હોવાથી ઇન્ફ્લેશનને રોકવા યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના તમામ મેમ્બરો આક્રમક ઇન્ટરેસ્ટ રેટ વધારા માટે સહમત છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક દ્વારા નવી કમેન્ટ આવતાં યુરો કરન્સી બાસ્કેટમાં બે મહિનાની ઊંચાઈએ ૧.૦૯ ડૉલર થયો હતો.
બ્રિટનનું ઇન્ફ્લેશન માર્ચમાં વધીને ૧૦.૪ ટકાએ પહોંચતાં બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડના ગવર્નર એન્ડ્રુ બેલીએ આગામી મીટિંગમાં ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારાનો સંકેત આપતાં બ્રિટિશ પાઉન્ડ કરન્સી બાસ્કેટમાં દસ મહિનાની ઊંચાઈએ ૧.૨૫ ડૉલરના લેવલે પહોંચ્યો હતો. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારે એના ચાન્સિસ હાલ ૬૬ ટકા છે, જ્યારે ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખવામાં આવે એના ચાન્સિસ ૩૪ ટકા છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાએ સતત દસ વખત ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા બાદ એપ્રિલ મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક લગાવી હતી. ઑસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બૅન્કે બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૩.૬ ટકાના લેવલે સ્ટેડી રાખ્યો હતો. મે ૨૦૨૨માં ઇન્ટરેસ્ટ રેટ વધારવાની શરૂઆત કર્યા બાદ સતત દસ વખત ઇન્ટેરસ્ટ રેટમાં વધારો કર્યો હતો. રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાના ગવર્નર ફિલિપ્સ લોવેએ જણાવ્યું હતું કે ઇકૉનૉમિક ગ્રોથ ધીમો પડતાં ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક લગાવવી અનિવાર્ય હતી.
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ ઘટીને બે મહિનાની નીચી સપાટીએ ૧૦૧.૯૧ના લેવલે પહોંચ્યો હતો. અમેરિકન મૅન્યુફૅક્ચરિંગ ડેટા નબળા આવતાં તેમ જ અન્ય કરન્સી મજબૂત બનતાં ડૉલર પર દબાણ વધ્યું હતું. સેન્ટ લ્યુસના ફેડ પ્રેસિડન્ટ જેમ્સ બુલાર્ડે બ્લુમબર્ગ ટીવીને જણાવ્યું હતું કે ઓપેક પ્લસ દ્વારા ક્રૂડ તેલના ઉત્પાદનમાં કાપ મૂકવાના નિર્ણયને પગલે ફેડની ઇન્ફ્લેશનના વધારા સામેની લડાઈ વધુ ચૅલૅન્જિંગ બની છે.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
ઓપેક પ્લસ દ્વારા ક્રૂડ તેલના ઉત્પાદનમાં કાપ મુકાતાં ક્રૂડ તેલના ભાવ વધીને ૮૦ ડૉલર અને બ્રેન્ટ વધીને ૮૫ ડૉલરે પહોંચતાં હવે દરેક દેશોને ઇન્ફ્લેશનને નાથવા ઇન્ટરેસ્ટ રેટ વધારવા પડશે. અમેરિકન ફેડરલ રિઝર્વે ઑલરેડ્ડી ઇન્ટરેસ્ટ રેટને ટૉપ લેવલે પહોંચાડી દીધા હોવાથી હવે વધુ ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટે જગ્યા નથી. આ સંજોગોમાં ડૉલર અન્ય કરન્સી સામે વધુ ઘટશે અને સોનાની તેજી માટે આગામી સમયમાં માર્ગ વધુ મોકળો બનશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૯,૭૧૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૯,૪૭૬
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૧,૭૦૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)