ઑક્ટોબરના અંતે સોનું વધીને ૨૭૯૦.૧૫ ડૉલરની સર્વોત્તમ ઊંચાઈએ પહોંચ્યું હતુંઃ મુંબઈમાં સોનાનો ભાવ ૨૦૨૪માં ૨૦.૪૨ ટકા અને ચાંદીનો ભાવ ૧૭.૧૯ ટકા વધ્યો
કૉમોડિટી કરન્ટ
સોનું-ચાંદીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
૨૦૨૪નું વર્ષ સોનાની તેજી માટેનું ઉત્તમ વર્ષ રહ્યું હતું. સોનાએ ૨૦૨૪માં ૨૬ ટકાનું હૅન્ડસમ રિટર્ન આપ્યું હતું. ૨૦૧૦ પછીનો સોનાનો આ સૌથી મોટો ઉછાળો હતો. ૨૦૨૪માં વર્લ્ડ માર્કેટમાં સોનું ઑક્ટોબરના અંતે સર્વોત્તમ ઊંચાઈએ ૨૭૯૦.૧૫ ડૉલર પહોંચ્યું હતું.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૪ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૧૫૮ રૂપિયા ઘટ્યો હતો.
ADVERTISEMENT
મુંબઈ જ્વેલરી માર્કેટમાં ૨૦૨૪ના પ્રારંભના આગલા દિવસે સોનાનો ભાવ ૬૩,૨૪૬ રૂપિયા અને ચાંદીનો ભાવ ૭૩,૩૯૫ રૂપિયો હતો. સોનું ૨૦૨૪ના અંતે ૭૬,૧૬૨ રૂપિયા રહેતાં આખા વર્ષ દરમ્યાન ૧૨,૯૧૬ રૂપિયા (૨૦.૪૨ ટકા)નો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ ૨૦૨૪ના અંતે ૮૬,૦૧૭ રૂપિયા રહેતાં આખા વર્ષ દરમ્યાન ૧૨,૬૨૨ રૂપિયા (૧૭.૧૯ ટકા)નો ઉછાળો જોવા મળ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ ૨૦૨૪ના છેલ્લા દિવસે નજીવો ઘટીને ૧૦૭.૯૫થી ૧૦૭.૯૭ પૉઇન્ટની રેન્જમાં રહ્યો હતો. જૅપનીઝ ઇન્ફ્લેશન નવેમ્બરમાં અગાઉના ૨.૩ ટકાથી વધીને ૨.૯ ટકાએ પહોંચતાં બૅન્ક ઑફ જપાનને ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની જરૂર ઊભી થતાં આગામી મીટિંગમાં રેટ-ઇન્ક્રીઝની શક્યતા વધતાં જૅપનીઝ યેનની મજબૂતીથી ડૉલર પર દબાણ વધ્યું હતું. ડૉલર ઇન્ડેક્સના ઘટાડાની સાથે ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ ઘટીને ૪.૫૩ ટકાએ પહોંચ્યાં હતાં.
ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઑફિશ્યલ ડેટા અનુસાર ડિસેમ્બરમાં ઘટીને ૫૦.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં સાત મહિનાની ઊંચાઈએ ૫૦.૩ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા પણ ૫૦.૩ પૉઇન્ટની હતી. ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ મન્થ-ટુ-મન્થ ઘટ્યો હોવા છતાં વાર્ષિક ધોરણે સતત ત્રીજા મહિને વધ્યો હતો, જ્યારે સર્વિસ સેક્ટરનો ગ્રોથ ડિસેમ્બરમાં વધીને નવ મહિનાની ઊંચાઈએ ૫૨.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં પચાસ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૦.૨ પૉઇન્ટની હતી. ચીનની ઇકૉનૉમીમાં સર્વિસ સેક્ટરનું વેઇટેઝ ૫૩ ટકા હોવાથી સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધતાં ચીનના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ પણ ડિસેમ્બરમાં વધીને નવ મહિનાની ઊંચાઈએ ૫૨.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૫૦.૮ પૉઇન્ટ હતો.
અમેરિકામાં એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ નવેમ્બરમાં ૨.૨ ટકા વધ્યું હતું જે ઑક્ટોબરમાં ૧.૮ ટકા ઘટ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૭ ટકા વધારાની હતી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
વર્લ્ડના રિચેસ્ટ મૅન અને હવે ડોનલ્ડ ટ્રમ્પના મુખ્ય ઍડ્વાઇઝર બનેલા ટેસ્લાના CEO ઍલન મસ્કે અમેરિકાની નૅશનલ ડેબ્ટ વિશે ગંભીર ચેતવણી ઉચ્ચારી જણાવ્યું હતું કે હાલ અમેરિકાની નૅશનલ ડેબ્ટ વધીને ૩૬.૧૭ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરે પહોંચી છે જેનું ઇન્ટરેસ્ટ પેમેન્ટ ચૂકવવા માટે અમેરિકાની કુલ રેવન્યુના ૨૩ ટકા વપરાશે જેને કારણે અમેરિકા પાસે હવે સોશ્યલ સિક્યૉરિટી માટે ફન્ડ બચ્યું જ નથી. ચાલુ નાણાકીય વર્ષમાં અમેરિકાની કુલ રેવન્યુ ૪.૯૨ ટ્રિલ્યન ડૉલરમાંથી ઇન્ટરેસ્ટ પેમેન્ટ માટે ૧.૧૨ ટ્રિલ્યન ડૉલર વપરાયા હતા. મસ્કે અમેરિકન ગવર્નમેન્ટ ઑથોરિટીને વધી રહેલી ડેબ્ટ સામે તાત્કાલિક પગલાં લેવા અનુરોધ કર્યો હતો. અન્યથા આગામી દિવસોમાં ઇન્ફ્લેશન સ્કાઇરૉકેટ થતું જોવા મળશે અને ડૉલરનું મૂલ્ય પાણી-પાણી થઈ જશે. આ બન્ને સ્થિતિમાં સોનામાં મોટો ઉછાળો આવશે. ઍલન મસ્કની ચેતવણીના પ્રત્યુત્તરમાં જે. પી. મૉર્ગેને ઇન્વેસ્ટરોને સોનામાં ઇન્વેસ્ટ કરવાની સલાહ આપી હતી.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૬,૧૬૨
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૫,૮૫૭
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૬,૦૧૭
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)