કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને ભારતની રાહે ફેડ પણ જૂનમાં ઇન્ટરેસ્ટ રેટના વધારાને બ્રેક લગાવે એવી શક્યતા
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકાનું ઇન્ફ્લેશન ઘટીને ૧૦ મહિનાની નીચી સપાટીએ પહોચતાં ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારો જૂનમાં અટકાવશે એવી ધારણાએ સોનામાં નવી તેજી જોવા મળી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૬૭ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૯૨૯ રૂપિયા વધી હતી.
વિદેશી પ્રવાહ
ADVERTISEMENT
અમેરિકન ઇન્ફ્લેશન સતત નવમા મહિને ઘટીને ૧૦ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં ફેડને હવે ઇન્ટરેસ્ટ રેટના વધારાને બ્રેક લગાવવાની ફરજ પડતાં સોનામાં નવેસરથી ઉછાળો નોંધાયો હતો. ફેડની માર્ચ મહિનામાં યોજાયેલી મીટિંગની મિનિટ્સ અનુસાર મે મહિનાની મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરવાનું નક્કી મનાઈ રહ્યું છે, પણ જૂનની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટના વધારાને બ્રેક લાગશે એવી ધારણા ધીમે-ધીમે મજબૂત બની રહી હોવાથી ડૉલર ઇન્ડેક્સ સતત ઘટી રહ્યો છે. સોનું ગુરુવારે વધીને ૨૦૨૯.૬૦ ડૉલર થયો હતો જે ગુરુવારે સાંજે ઘટીને ૨૦૨૬થી ૨૦૨૭ ડૉલર રહ્યો હતો. સોનું વધતાં ચાંદી અને પ્લૅટિનમ વધ્યાં હતાં, પણ પૅલેડિયમમાં ઘટાડો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનું ઇન્ફ્લેશન માર્ચમાં સતત નવમા મહિને ઘટીને પાંચ ટકાએ પહોંચ્યું હતું, જે છેલ્લા ૧૦ મહિનાનું સૌથી નીચું ઇન્ફ્લેશન છે. ગયા જૂનમાં ૯.૨ ટકા ઇન્ફ્લેશન થયા બાદ સતત ઘટી રહ્યું છે. ફેબ્રુઆરીમાં ઇન્ફ્લેશન છ ટકા હતું અને માર્ચ મહિનાના ઇન્ફ્લેશનની માર્કેટની ધારણા ૫.૨ ટકાની હતી. અમેરિકાનું ફૂડ ઇન્ફ્લેશન એક મહિનાની નીચી સપાટીએ ૮.૫ ટકાએ પહોંચ્યું હતું જે ફેબ્રુઆરીમાં ૯.૫ ટકા અને ગયા ઑગસ્ટમાં હાઇએસ્ટ ૧૧.૪ ટકા હતું. ફૂડ ઉપરાંત અમેરિકન એનર્જી કૉસ્ટ માર્ચમાં ૬.૪ ટકા અને ગેસોલીનના ભાવ ૧૭.૪ ટકા તથા ફ્યુઅલ ઑઇલના ભાવ ૧૪.૨ ટકા ઘટ્યા હતા.
ચીનની એક્સપોર્ટ માર્ચમાં ૧૪.૮ ટકા વધીને આઠ મહિનાની ઊંચાઈએ ૩૧૫.૫૯ અબજ ડૉલર નોંધાઈ હતી, જે જાન્યુઆરી-ફેબ્રુઆરીના કમ્બાઇન્ડ ડેટામાં ૬.૮ ટકા ઘટી હતી અને માર્કેટની ધારણા સાત ટકા ઘટાડાની હતી એની બદલે એક્સપોર્ટમાં જંગી ઉછાળો જોવા મળ્યો હતો. ગયા સપ્ટેમ્બર બાદ ચીનની એક્સપોર્ટમાં પ્રથમ વખત ઉછાળો નોંધાયો હતો અને ચાઇનીઝ ગવર્નમેન્ટના ઇકૉનૉમિક કન્ડિશનને સ્ટ્રૉન્ગ કરવાના ડાયનેમિક ઍક્શન પ્લાનની અસર જોવા મળી હતી. ચીનના સૌથી મોટા ટ્રેડ પાર્ટનર આશિયન દેશો છે જેમાં એક્સપોર્ટ ૩૫.૪૩ ટકા વધી હતી. ચાઇનીઝ પ્રોડક્ટની એક્સપોર્ટ રશિયામાં ૧૩૬.૪૩ ટકા અને યુરોપિયન દેશોમાં ૩.૩૮ ટકા વધી હતી. ચાઇનીઝ પ્રોડક્ટની એક્સપોર્ટ અમેરિકા, જપાન અને તાઇવાનમાં ઘટી હતી. ચીનની ઇમ્પોર્ટ માર્ચમાં ૧.૪ ટકા ઘટીને ૨૨૭.૪ અબજ ડૉલર નોંધાઈ હતી, જે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ૧૦.૨ ટકા ઘટી હતી અને માર્કેટની ધારણા પાંચ ટકા ઘટાડાની હતી. ખાસ કરીને કૉપરની ઇમ્પોર્ટ ૧૯ ટકા ઘટી હતી અને કોલસાની ઇમ્પોર્ટ ૧૫૧ ટકા વધી હતી, ક્રૂડ તેલ અને આયર્નઓરની પણ ઇમ્પોર્ટ વધી હતી.
ચીનની એક્સપોર્ટમાં મોટો ઉછાળો આવતાં ટ્રેડ સરપ્લસ માર્ચમાં વધીને ૮૮.૧૯ અબજ ડૉલરે પહોંચી હતી જે ગયા વર્ષે માર્ચમાં ૪૪.૩૫ અબજ ડૉલર હતી. અમેરિકા સાથેની ટ્રેડ સરપ્લસ માર્ચમાં ઘટીને ૨૭.૬ અબજ ડૉલરે પહોંચી હતી જે ફેબ્રુઆરીમાં ૪૧.૩ અબજ ડૉલર હતી. ટ્રેડ સરપ્લસ વધવા છતાં કસ્ટમ એજન્સીના સ્પોકપર્સનના જણાવ્યા અનુસાર ચીનની એક્સપોર્ટ વધવામાં ગ્લોબલ ડિમાન્ડના ઘટાડાની અને જિયોપૉલિટિકલ ટેન્શનના મુદ્દાઓ પડકારરૂપ છે.
અમેરિકાની બજેટ ડેફિસિટ માર્ચમાં વધીને ૩૭૮ અબજ ડૉલરે પહોંચી હતી, જે એક વર્ષ અગાઉ માર્ચમાં ૧૯૨ અબજ ડૉલર હતી. માર્કેટની ૩૦૨ અબજ ડૉલરની ડેફિસિટની ધારણા કરતાં ડેફિસિટ વધારે રહી હતી. અમેરિકાની બજેટ ડેફિસિટ બે વર્ષની ઊંચાઈએ પહોંચી હતી. અમેરિકન તિજોરીમાં ખર્ચ ૩૬ ટકા વધીને ૬૯૧ અબજ ડૉલરનો થયો હતો અને એની સામે આવક ૦.૬ ટકા ઘટીને ૩૧૩ અબજ ડૉલર રહી હતી.
વર્લ્ડ કૉમોડિટીના ભાવને બતાવતો સીઆરબી કૉમોડિટી ઇન્ડેક્સ ૩૦૦ પૉઇન્ટની ઉપર છેલ્લા ચાર મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. ખાસ કરીને ચીને કોરોનાનાં નિયંત્રણો દૂર કર્યાં બાદ તમામ ક્રૂડ તેલ, કૉપર સહિત તમામ ઍગ્રિકલ્ચર કૉમોડિટીના ભાવ વધ્યા હતા. કૉપરના ભાવ જુલાઈ ૨૦૨૨ની નીચી સપાટીથી ૩૦ ટકા વધ્યા હતા. એ જ રીતે ક્રૂડ તેલના ભાવ પણ છેલ્લા પાંચ મહિનાની ઊંચી સપાટીએ પ્રતિ બેરલ ૮૩ ડૉલરની ઉપર ચાલી રહ્યા છે. મોટા ભાગની ઍગ્રિકલ્ચર કૉમોડિટીના ભાવ પણ ત્રણ મહિનાની ઊંચાઈએ ચાલી રહ્યા છે.
ભારતની એક્સપોર્ટ માર્ચમાં ૧૩.૯ ટકા ઘટીને ૩૮.૩૮ અબજ ડૉલરે પહોંચી હતી, જ્યારે ઇમ્પોર્ટ ૭.૯ ટકા ઘટીને ૫૮.૧૧ અબજ ડૉલરે પહોંચી હતી. એક્સપોર્ટ કરતાં ઇમ્પોર્ટ વધુ હોવાથી ભારતની ટ્રેડ ડેફિસિટ માર્ચમાં વધીને ૧૯.૭૦ અબજ ડૉલરે પહોંચી હતી જે ફેબ્રુઆરીમાં ૧૮.૫૧ અબજ ડૉલર હતી. ૨૦૨૨-’૨૩ના નાણાકીય વર્ષમાં ભારતીય એક્સપોર્ટ છ ટકા વધીને ૪૪૭.૫ અબજ ડૉલરે પહોંચી હતી, જ્યારે ઇમ્પોર્ટ ૧૬.૫ ટકા વધીને ૭૧૪.૨ અબજ ડૉલરે પહોંચી હતી. ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટ અને ઇલેક્ટ્રૉનિક્સ ગુડ્સની ઇમ્પોર્ટ વધતાં ભારતની ઇમ્પોર્ટ મોટા પ્રમાણમાં વધી હતી.
યુરો એરિયાનું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ ફેબ્રુઆરીમાં ૧.૫ ટકા વધ્યું હતું જે સતત બીજે મહિને વધ્યું હતું અને માર્કેટની ધારણા એક ટકા વધારાની હતી એના કરતાં ઇન્ડસ્ટ્રિયલ
આઉટપુટ વધારે વધ્યું હતું. છેલ્લા એક વર્ષમાં ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ બે ટકા પવધ્યું હતું, જેની ધારણા દોઢ ટકા વધારાની હતી.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
અમેરિકન ઇન્ફ્લેશન ઝડપથી ઘટી રહ્યું હોવા છતાં ફેડના મોટા ભાગના મેમ્બરો મે મહિનામાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારવાની તરફેણ કરી રહ્યા છે, પણ હવે વર્લ્ડના અનેક દેશો ઇન્ટરેસ્ટ રેટ વધારવાની હોડમાંથી નીકળી રહ્યા છે. લેટેસ્ટ કૅનેડાની સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું માંડી વાળ્યું હતું. એ અગાઉ ઑસ્ટ્રેલિયા અને ભારતની સેન્ટ્રલ બૅન્કે પણ ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા નહોતા. અમેરિકાના છેલ્લાં બે સપ્તાહથી આવી રહેલા ઇકૉનૉમિક ડેટા રિસેશનના સ્પષ્ટ સંકેતો આપે છે. લેટેસ્ટ ડેટા અનુસાર અમેરિકાની બજેટ ડેફિસિટ બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી. અમેરિકન ઇકૉનૉમી નબળી પડી રહી છે અને એની સામે ચાઇનીઝ ઇકૉનૉમી ઝડપથી સ્ટ્રૉન્ગ બની રહી છે. આ બે વિરુદ્ધ સ્થિતિ સોનાની તેજી માટે સપોર્ટિવ બની રહી છે. અમેરિકન ફેડ મે મહિનાની મીટિંગ પછી ગમે ત્યારે ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક લગાડવાનો સંકેત આપશે ત્યારે સોનામાં નવેસરથી તેજીનો આરંભ થશે અને આ તેજી એ વખતની સ્થિતિ અનુસાર ૨૧૦૦થી ૨૩૦૦ ડૉલર સુધી પહોંચી શકે છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૬૦,૮૮૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૬૦,૬૩૬
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૫,૮૬૯
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)