ઇકૉનૉમિક ક્રાઇસિસની આગાહીને પગલે સોનાનું સેફ હેવન સ્ટેટસ મજબૂત બનતાં સોનામાં ખરીદી વધી
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
જપાનની મૉનિટરી પૉલિસીમાં ચેન્જ આવવાની ધારણાને પગલે યેન ઊછળ્યો હતો અને ડૉલર ઘટ્યો હતો, જેને કારણે સોનું ઊછળીને છ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૧૮ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૮૭૮ રૂપિયા વધી હતી.
વિદેશી પ્રવાહ
ADVERTISEMENT
બૅન્ક ઑફ જપાન દ્વારા ઇઝી મૉનિટરી પૉલિસીના વલણમાં ફેરફાર થવાની આગાહીને પગલે જૅપનીઝ યેન ડૉલર સામે સાત મહિનાની ઊંચી સપાટીએ પહોંચતાં સોનામાં તેજીનો નવો ઉછાળો જોવા મળ્યો હતો. ૨૦૨૩ના આરંભથી બન્ને દિવસો દરમ્યાન સોનામાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સોનાનો ભાવ મંગળવારે એક તબક્કે વધીને સ્પોટમાં ૧૮૫૧.૩૦ ડૉલર થયો હતો, જે છેલ્લા છ મહિનાની સૌથી ઊંચી સપાટી હતી. ૨૦૨૨માં સોનું વધીને ૨૦૭૦ ડૉલર અને ઘટીને ૧૬૧૮ ડૉલર થયું હતું. સોનાના ઉછાળા સાથે ચાંદી પણ ૨૪.૬૬ ડૉલર સુધી ઊછળી હતી. પ્લૅટિનમ અને પૅલેડિયમમાં પણ તેજી જોવા મળી હતી.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઑફિશ્યલ ડેટામાં ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. પ્રાઇવેટ એજન્સી કેઝિનના રિપોર્ટ અનુસાર ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ પણ ડિસેમ્બરમાં ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ ૪૯ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે નવેમ્બરમાં ૪૯.૪ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૮.૮ પૉઇન્ટની હતી. કેઝિનના રિપોર્ટ અનુસાર મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં બાઇંગ ઍક્ટિવિટી આઠ મહિનાની નીચી સપાટીએ અને એમ્પ્લૉયમેન્ટ સતત નવમા મહિને ઘટ્યું હતું. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં ઇન્પુટ પ્રાઇસ પણ થોડી વધી હતી, એની પણ અસર જોવા મળી હતી.
યુરો એરિયાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ડિસેમ્બરમાં વધીને ૪૭.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે નવેમ્બરમાં ૪૭.૧ પૉઇન્ટ હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં ઇન્ફ્લેશન ઘટતાં અને સપ્લાય ચેઇન સ્ટૅબલ થવા લાગતાં ગ્રોથ વધ્યો હતો. એમ્પ્લૉયમેન્ટ ગ્રોથ હજી નરમ હોવા છતાં બૅકલોગ ઝડપથી ઘટી રહ્યો હોવાથી મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં બિઝનેસ કૉન્ફિડન્સ સતત બીજે મહિને વધ્યો હતો, જે ઑક્ટોબરમાં અઢી વર્ષની નીચી સપાટીએ હતો. ઇન્ફ્લેશન અને રિસેશનનું રિસ્ક હજી યથાવત્ હોવાથી મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ જળવાયેલો રહેવા વિશે શંકા છે.
બૅન્ક ઑફ જપાન દ્વારા આશ્ચર્યજનક રીતે ટેન યર ટ્રેઝરી બૉન્ડની અપર લિમિટ વધારતાં હવે નજીકના ભવિષ્યમાં અલ્ટ્રા લો મૉનિટરી પૉલિસીમાં ફેરફાર કરાશે એવી ધારણાએ જૅપનીઝ કરન્સી યેનનું મૂલ્ય વધીને સાત મહિનાની ઊંચાઈએ ડૉલર સામે ૧૩૦નું લેવલ જોવા મળ્યું હતું. કરન્સી બાસ્કેટમાં જૅપનીઝ યેનનું મૂલ્ય ૨૦૨૨માં ૧૪ ટકા ઘટ્યું હતું અને અમેરિકી ડૉલર સામે જૅપનીઝ યેનનું મૂલ્ય ગગડીને ૩૨ વર્ષના તળિયે પહોંચ્યું હતું, જ્યાંથી સતત સુધારો જોવા મળી રહ્યો છે. બૅન્ક ઑફ જપાનના ગવર્નર હરૂહિકો કુરોડાએ અલ્ટ્રા લો મૉનિટરી પૉલિસીમાં ફેરફાર કરવાનો ઇનકાર કર્યો હતો, પણ જૅપનીઝ ફાઇનૅન્શિયલ એજન્સીઓ મૉનિટરી પૉલિસીમાં બદલાવ થવાની આગાહી સતત કરી રહી છે.
જૅપનીઝ યેનની મજબૂતીને પગલે અમેરિકન ડૉલર વધુ ઘટીને ૧૦૩.૫ના લેવલે પહોંચ્યો હતો. ૨૦૨૨માં અમેરિકન ડૉલર ૧૪ ટકા સુધર્યો હતો, પણ ૨૦૨૩ના આરંભથી અમેરિકન ડૉલર સતત નબળો પડી રહ્યો છે. વર્લ્ડની ટૉપમોસ્ટ એજન્સીઓ પણ ડૉલરની નબળાઈની આગાહી કરી રહી છે, કારણ કે ફેડરલ રિઝર્વ ૨૦૨૩માં ઇન્ટરેસ્ટ રેટના વધારાને સતત ધીમો કરશે, કારણ કે અમેરિકન ઇકૉનૉમિક ઇન્ડિકેટર સતત રિસેશનનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે. આગામી ત્રણ દિવસમાં અમેરિકન મૅન્યુફૅક્ચરિંગ તથા સર્વિસ સેક્ટરના ગ્રોથ ડેટા, ફેડની ડિસેમ્બરની મીટિંગની મિનિટ્સ અને ડિસેમ્બરના નૉન-ફાર્મ પેરોલ ડેટા જાહેર થશે એ ડૉલરની દિશા નક્કી કરશે.
ઑસ્ટ્રેલિયાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ડિસેમ્બરમાં ઘટીને અઢી વર્ષની નીચી સપાટીએ ૫૦.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે નવેમ્બરમાં ૫૧.૪ પૉઇન્ટ હતો અને પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૫૦.૪ પૉઇન્ટ હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં ન્યુ ઑર્ડર ૧૫ મહિના પછી પ્રથમ વખત ઘટ્યા હતા અને એક્સપોર્ટ ડિમાન્ડ વર્લ્ડ રિસેશનની અસરે નોંધપાત્ર ઘટી હતી. હાયર રો મટીરિયલ્સ પ્રાઇસ અને આઉટપુટ કૉસ્ટમાં વધારાની અસર મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં મોટે પાયે થઈ હતી.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
સોનામાં ૨૦૨૩ના આરંભથી તેજીનો ધમધમાટ ચાલુ થયો છે. સોનામાં ડિસેમ્બરથી શરૂ થયેલી તેજી જેવો જાન્યુઆરી શરૂ થયો ત્યારથી જાણે કે એક્સિલેટર દબાવ્યું હોય એમ ઝડપથી આગળ વધી રહી છે. જૅપનીઝ યેનની મજબૂતીથી ડૉલર સતત નરમ બની રહ્યો છે તેમ જ ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડના ઍનલિસ્ટે અમેરિકા, યુરોપિયન દેશો અને ચીનમાં રિસેશનની મોટી અસર દેખાવાની આગાહી કરી હોવાથી એની અસરે સોનામાં સતત ખરીદીનું આકર્ષણ વધી રહ્યું છે. વળી સ્ટૉક માર્કેટમાં રિસેશનની અસર દેખાશે તો ગ્લોબલ ઇન્વેસ્ટરોને કોઈ મજબૂત વિકલ્પ શોધવો પડશે અને હાલ ઇન્વેસ્ટમેન્ટ માટે સોના સિવાય કોઈ વિકલ્પ નથી. ઇકૉનૉમિક ક્રાઇસિસ, જિયોપૉલિટિકલ ક્રાઇસિસ અને ડૉલરની નબળાઈ, આ ત્રણેય કારણો જ્યારે ભેગાં થાય ત્યારે સોનામાં તેજી બુલંદ બને છે. હાલ ગ્લોબલ લેવલે આ ત્રણેય કારણો સતત મજબૂત બની રહ્યાં છે. છેલ્લા છ મહિના દરમ્યાન અનેક ઍનલિસ્ટોએ આગાહી કરી હતી કે ૨૦૨૩માં સોનું વધીને ૨૧૦૦ ડૉલરની સપાટીને પાર કરશે. ૨૦૨૩ના આરંભે સોનામાં તેજીની આગેકૂચ જે રીતે જોવા મળી રહી છે એ જોતાં ઍનલિસ્ટોએ આપેલો ટાર્ગેટ ઝડપથી જોવા મળી શકે છે. ચીને કોરોનાનાં નિયંત્રણો દૂર કરીને ઇન્ફેક્શન સમગ્ર વિશ્વમાં ફેલાશે એવો ભય હેલ્થ ઍનલિસ્ટો વ્યક્ત કરી રહ્યા હોવાથી સોનાના ઇન્વેસ્ટરોએ કોરોનાના કેસ વધે તો એની અસરોનો અભ્યાસ પણ નિયમિત કરવો જોઈએ.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૫,૫૮૧
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૫,૩૫૯
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૯,૨૨૭
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)