અમેરિકન ઇન્ફ્લેશન એક વર્ષની નીચી સપાટીએ પહોંચતાં ડૉલરની મંદીથી સોનામાં ખરીદી વધી
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકા અને બ્રિટનનું ઇન્ફ્લેશન ધારણાથી વધુ ઘટતાં સોનામાં નવેસરથી લેવાલી નીકળી હતી અને ભાવ પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૫૬ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૪૮૧ રૂપિયા વધી હતી.
વિદેશી પ્રવાહ
ADVERTISEMENT
અમેરિકા અને બ્રિટનનું ઇન્ફ્લેશન ધારણાથી નીચું આવતાં સોનામાં નવો ઉછાળો નોંધાયો હતો. અમેરિકાનું ઇન્ફ્લેશન સતત પાંચમા મહિને ઘટ્યું હતું અને એક વર્ષની નીચી સપાટીએ આવતાં ફેડ હવે ઇન્ટરેસ્ટ રેટ વધારો આગળ જતાં વધુ ધીમો પાડશે એ ધારણાએ ડૉલર છ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. સોનું ઓવરનાઇટ ૨.૪ ટકા વધીને ૧૮૨૫.૫૦ ડૉલર થયા બાદ બુધવારે ૧૮૦૭થી ૧૮૦૮ ડૉલરે સ્થિર થયું હતું. સોનું ઊંચા મથાળેથી ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનું નવેમ્બર મહિનાનું ઇન્ફ્લેશન નવેમ્બરમાં સતત પાંચમા મહિને ઘટીને ૭.૧ ટકા નોંધાયું હતું જે એક વર્ષની નીચી સપાટીએ અને માર્કેટની ૭.૩ ટકાની ધારણા કરતાં નીચું રહ્યું હતું. ઑક્ટોબરમાં ઇન્ફ્લેશન ૭.૭ ટકા અને જુલાઈમાં હાઇએસ્ટ ૯.૧ ટકા હતું. ખાસ કરીને અમેરિકામાં એનર્જી કૉસ્ટ નવેમ્બરમાં ૧૩.૧ ટકા વધી હતી જે ઑક્ટોબરમાં ૧૭.૬ ટકા વધી હતી, ગૅસોલીન, ઇલેક્ટ્રિસિટી અને ફ્યુઅલ ઑઇલના ભાવનો વધારો ધીમો પડ્યો હતો. મન્થ્લી બેઝ પર ઇન્ફ્લેશન ૦.૧ ટકા વધ્યું હતું જે છેલ્લા ત્રણ મહિનાનો સૌથી ઓછો વધારો હતો. ફેડનો ઇન્ફ્લેશનનો ટાર્ગેટ બે ટકાનો છે. હજી ફેડના ટાર્ગેટથી ઇન્ફ્લેશન સાડાત્રણ ગણો વધુ છે.
અમેરિકાનું ઇન્ફ્લેશન ધારણાથી નીચું આવતાં ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારાની સાઇકલ ધારણાથી વહેલી પૂરી કરશે એ ધારણાએ ડૉલર ઇન્ડેક્સ ઘટીને ૧૦૪ના લેવલે પહોંચ્યો હતો, જે છેલ્લા છ મહિનાનું સૌથી નીચું લેવલ હતું. ડૉલર ઘટતાં ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ પણ ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ ૩.૪ ટકા રહ્યા હતા. ડૉલર ઘટતાં યુરો અને બ્રિટિશ પાઉન્ડ છ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક બન્ને ગુરુવારે ૫૦-૫૦ બેસિસ પૉઇન્ટ વધારે એવી શક્યતા છે.
બ્રિટનનું ઇન્ફ્લેશન નવેમ્બરમાં ઘટીને ૧૦.૭ ટકા રહ્યું હતું જે ઑક્ટોબરમાં ૧૧.૧ ટકા હતું અને માર્કેટની ધારણા ૧૦.૯ ટકાની હતી. બ્રિટનમાં ટ્રાન્સપોર્ટ, મોટરફ્યુઅલ, સેકન્ડ હૅન્ડ કાર, ક્લોધિંગ-ફુટવેર, કલ્ચર, કમ્યુનિકેશનની પ્રાઇસિંગ ઘટતાં એની ઇન્ફ્લેશન પર અસર જોવા મળી હતી. જોકે રેસ્ટોરાં અને હોટેલના ટૅરિફ વધ્યા હતા. ફૂડ ઇન્ફ્લેશન વધીને ૧૬.૫ ટકાએ પહોંચ્યું હતું જે ઑક્ટોબરમાં ૧૬.૪ ટકા હતું.
અમેરિકાનો સ્મૉલ બિઝનેસ ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ નવેમ્બરમાં વધીને ૯૧.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૯૧.૩ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૯૦.૪ પૉઇન્ટની હતી. ઇન્ફ્લેશનમાં ઘટાડો અને આગામી છ મહિનાની બિઝનેસ કન્ડિશનનું ભાવિ વધુ ઉજ્જ્વલ બનતાં સ્મૉલ બિઝનેસ ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ સુધર્યો હતો. જોકે વર્કર શૉર્ટેજનો ઇશ્યુ હજી સ્મૉલ બિઝનેસ ઓનરોને મહત્તમ સતાવી રહ્યો છે.
યુરો એરિયાનું ઇન્વેસ્ટમેન્ટ સેન્ટિમેન્ટ ડિસેમ્બરમાં વધીને ૧૦ મહિનાની ઊંચાઈએ માઇનસ ૨૩.૬ પૉઇન્ટે પહોંચ્યું હતું જે નવેમ્બરમાં ૩૮.૭ પૉઇન્ટ હતું અને માર્કેટની ધારણા માઇનસ ૨૫.૭ પૉઇન્ટની હતી. એનર્જી માર્કેટમાં તેજી અટકી હોવાથી અને આગામી છ મહિનામાં ઇન્ફ્લેશન ઘટવાની ધારણાને પગલે ઇન્વેસ્ટમેન્ટ સેન્ટિમેન્ટ સુધર્યું હતું.
બ્રિટનમાં રિસેશનના ભય વચ્ચે જૉબમાર્કેટની સ્થિતિ સતત સુધરી રહી છે. બ્રિટનમાં ઑક્ટોબરમાં પૂરા થતા ત્રણ મહિના દરમ્યાન ૨૭,૦૦૦ નવી નોકરીઓ ઉમેરાઈ હતી, જે અગાઉના ત્રણ મહિનામાં ૫૨,૦૦૦ ઘટી હતી અને માર્કેટની ધારણા ૧૭,૦૦૦ નવી નોકરીઓ ઉમેરાવાની હતી. ફુલ ટાઇમ નોકરીઓ કરનારાઓની સંખ્યા કોરોનાના પહેલાંની સ્થિતિએ પહોંચી હતી અને પાર્ટ ટાઇમ નોકરી કરનારાઓની સંખ્યા વધી હતી.
જપાનનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ઑક્ટોબરમાં ૩.૨ ટકા ઘટ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૧.૭ ટકા અને પ્રિલિમિનરી ડેટામાં ૨.૬ ટકા ઘટ્યું હતું. જપાનના ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટમાં સતત બીજે મહિને ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા એક વર્ષમાં ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ ૦.૩ ટકા વધ્યું હતું. ખાસ કરીને ઇલેક્ટ્રૉનિક્સ પાર્ટ્સ અને ડિવાઇસનાં ઉત્પાદનમાં ઑક્ટોબરમાં ૪.૧ ટકાનો ઘટાડો થયો હતો જે સપ્ટેમ્બરમાં માત્ર ૦.૪ ટકા ઘટાડો થયો હતો. જપાનનો બિઝનેસ મૂડ ઇન્ડેક્સ ચોથા ક્વૉર્ટરમાં ઘટીને ૭ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે થર્ડ ક્વૉર્ટરમાં ૮ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૬ પૉઇન્ટની હતી. જપાનનો બિઝનેસ મૂડ સતત સાતમા ક્વૉર્ટરમાં ઘટ્યો હતો.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
અમેરિકાનું ઇન્ફ્લેશન ધારણાથી વધુ ઘટ્યું હોવાથી વિશ્વમાં ઇન્ફ્લેશન શું હવે કાબૂમાં આવી ગયું? એવો પ્રશ્ન ચર્ચાશે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૧૦ મહિનાથી ચાલી રહેલા યુદ્ધની અસરે નૅચરલ ગૅસ, ક્રૂડ તેલ અને બીજી એનર્જી આઇટમોના ભાવ ભડકે બળવા લાગતાં અનેક દેશોના ઇન્ફ્લેશન વધ્યા હતા, પણ ચીનમાં કોરોનાના લૉકડાઉનને કારણે વપરાશ ઘટશે એવી ધારણાએ ક્રૂડ તેલ ૧૧૦ ડૉલરથી ઘટીને ૭૦ ડૉલર થતાં સ્વાભાવિક ઇન્ફ્લેશન પણ ઘટ્યું છે, પણ ચીન હવે ઝડપથી રીઓપનિંગ કરી રહ્યું છે. ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઑપેક) ઉપરાંત રશિયા ક્રૂડ તેલના ઉત્પાદનમાં કાપ મૂકવા તત્પર છે. અમેરિકા, બ્રિટન, યુરોપ વગેરે દેશમાં ફેબ્રુઆરી સુધી ભયંકર ઠંડી પડશે આથી નૅચરલ ગૅસનો વપરાશ વધવાનો છે આથી ઇન્ફ્લેશનનો વધારો કાબૂમાં આવી ગયો એ માનવું વહેલું ગણાશે અને સોના-ચાંદીના ભાવ પર ઇન્ફ્લેશનની અસર વિશે ધારણાઓ બાંધીને વેપાર કરવો નુકસાનકારક બની શકે છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૪,૩૮૬
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૪,૧૬૯
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૭,૬૪૨
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)