Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ચાઇનીઝ સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક રિબાઉન્ડ અને ડૉલરની નબળાઈથી સોનું ૯ મહિનાની ઊંચાઈએ

ચાઇનીઝ સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક રિબાઉન્ડ અને ડૉલરની નબળાઈથી સોનું ૯ મહિનાની ઊંચાઈએ

Published : 17 January, 2023 04:51 PM | IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

ચાઇનીઝ ન્યુ યર અને ભારતમાં શરૂ થયેલી લગ્નની સીઝનની ડિમાન્ડનો સોનાની તેજીને સપોર્ટ મળશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કૉમોડિટી કરન્ટ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ચીને કોરોનાનાં નિયંત્રણો દૂર કર્યા બાદ સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક રિકવરીના સંકેતો સામે ડૉલરની નબળાઈને કારણે સોનું ૯ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૨૧ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૦૫૨ રૂપિયા વધી હતી. 


વિદેશી પ્રવાહ 



અમેરિકી ડૉલરની આગળ વધતી નબળાઈને કારણે વિશ્વબજારમાં સોનું ૯ મહિનાની ઊંચી સપાટીએ સ્પોટમાં ૧૯૨૩ ડૉલર અને ફ્યુચરમાં ૧૯૨૯ ડૉલર સુધી વધ્યું હતું. ચાઇનીઝ ઇકૉનૉમી સ્ટ્રૉન્ગ થયાના સંકેતો અને અમેરિકી ડૉલરની નબળાઈએ સોનાને તેજી માટેનો રસ્તો આપ્યો હતો. જોકે સોમવારે બપોર બાદ સોનામાં પ્રૉફિટ બુકિંગ ચાલુ થતાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, જેને પગલે ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં. 


ઇકૉનૉમિક ઇન્ડિકેટરો

ચીનમાં કોરોનાનાં નિયંત્રણો દૂર થયા બાદ હવે ઇકૉનૉમિક ઍક્ટિવિટી ઝડપથી પાટે ચડી રહી છે, ખાસ કરીને સ્ટૉક માર્કેટમાં વિદેશી ઇન્વેસ્ટરોની ખરીદી વધી રહી હોવાથી સોમવારે ચાઇનીઝ બન્ને સ્ટૉક ઇન્ડેક્સ એકથી દોઢ ટકો વધીને ચાર મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા. ખાસ કરીને ટેક્નૉલૉજી અને હેલ્થકૅર સ્ટૉકમાં સોમવારે ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકા સહિત અનેક દેશોના ઇન્ફ્લેશન ઘટી રહ્યા હોવાથી ઇન્ટરેસ્ટ રેટ વધારાનું દબાણ પણ દૂર થતાં સ્ટૉક ઇન્વેસ્ટરોની ખરીદીનું આકર્ષણ વધી રહ્યું છે. ચાઇનીઝ કરન્સી યુઆનનું મૂલ્ય પણ ડૉલર સામે છ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. 


ચીનમાં ન્યુ હોમ પ્રાઇસ ડિસેમ્બરમાં ૧.૫ ટકા ઘટ્યા હતા જે નવેમ્બરમાં ૧.૬ ટકા ઘટ્યા હતા અને સતત આઠમા મહિને ઘટ્યા હતા. ચીનનાં તમામ મોટાં શહેરોમાં હોમ પ્રાઇસ સતત ઘટ્યા હતા. ચીનમાં કોરોનાના કારણે ઉત્પન્ન થયેલી નબળી આર્થિક સ્થિતિમાં અનેક હાઉસિંગ ડેવલપર્સ ડિફૉલ્ટ થયા હતા એને પગલે હાઉસિંગ સેલ્સ પર મોટી અસર પહોંચી હતી. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ પ્રૉપર્ટી સેક્ટર માટે અનેક પગલાં જાહેર કરતાં ટૂંક સમયમાં હાઉસિંગ પ્રાઇસ ફરી વધશે એવી ધારણા છે. 

ભારતનું હોલસેલ ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં ઘટીને બાવીસ મહિનાની નીચી સપાટીએ ૪.૯૫ ટકાએ પહોંચ્યું હતું જે નવેમ્બરમાં ૫.૮૫ ટકા હતું અને માર્કેટની ધારણા ૫.૬ ટકાની હતી. મૅન્યુફૅક્ચરિંગ પ્રોડક્ટ, પ્રાઇમરી આર્ટિકલ અને ફૂડ પ્રાઇસ ઘટતાં એની અસરે હોલસેલ ઇન્ફ્લેશનમાં ઘટાડો નોંધાયો હતો. જોકે બેઝિક મેટલ અને ફ્યુઅલ પ્રોડક્ટના ભાવ વધ્યા હતા. 
જપાનના મશીન ટુલ્સ ઑર્ડર ડિસેમ્બરમાં એક ટકો વધ્યા હતા, જે છેલ્લા ત્રણ મહિનામાં પ્રથમ વખત વધ્યા હતા. મશીન ટુલ્સ ઑર્ડર નવેમ્બરમાં ૭.૭ ટકા ઘટ્યા હતા. ખાસ કરીને મશીન ટુલ્સની નિકાસ ડિસેમ્બરમાં ૧૧.૬ ટકા વધી હતી, જે પણ ત્રણ મહિના પછી પ્રથમ વખત વધી હતી. ડોમેસ્ટિક ઑર્ડર ૧૭.૩ ટકા ઘટ્યા હતા, જે સતત ચોથા મહિને ઘટ્યા હતા. જોકે વાર્ષિક ધોરણે મશીન ટુલ્સ ઑર્ડર સતત ૨૩મા મહિને વધ્યા હતા. 

અમેરિકી ડૉલરની સતત આગળ વધતી તેજીને બૅન્ક ઑફ જપાને બ્રેક લગાવી હતી. સતત નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસીને જાળવી રાખવાના બૅન્ક ઑફ જપાનના નિર્ણયને પગલે જૅપનીઝ યેન સામે ડૉલર સતત મજબૂત બની રહ્યો હતો. બૅન્ક ઑફ જપાને ટેન યર બૉન્ડનું ટોલરન્સ બેન્ડ વધારતાં યેન મજબૂત બનવા લાગ્યો હતો. હાલ જૅપનીઝ યેન અમેરિકી ડૉલર સામે સાત મહિનાની ઊંચાઈએ પહોંચ્યો છે. બૅન્ક ઑફ જપાનના ગવર્નર હરૂહૂકો કુરોડાની મુદત ટૂંક સમયમાં પૂરી થયા બાદ નવા ગવર્નર મૉનિટરી પૉલિસીનું સ્ટેન્ડ બદલાવે એવી શક્યતાથી જૅપનીઝ યેન સતત મજબૂત બની રહ્યો છે. જૅપનીઝ યેન સહિત ઑસ્ટ્રેલિયા-ન્યુ ઝીલૅન્ડના ડૉલરની મજબૂતીને પગલે અમેરિકી ડૉલર હાલ ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ ૧૦૨ના લેવલે પહોંચ્યો હતો. 

ચાલુ સપ્તાહે ચીનના ફોર્થ ક્વૉર્ટરના ગ્રોથ ડેટા, ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન અને રીટેલ સેલ્સના ડેટા જાહેર થશે, જે ચીનની ઇકૉનૉમિક કન્ડિશનમાં કોરોનાનાં નિયંત્રણો દૂર થયા બાદ શું અસર થઈ? એ વિશે સ્પષ્ટ તારણ આપશે. અમેરિકાના રીટેલ સેલ્સ, પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇ્ફ્લેશન, હાઉસિંગ ઇન્ડિકેટર અને અનેક કંપનીઓનાં કૉર્પોરેટ પરિણામ ચાલુ સપ્તાહે જાહેર થશે. બ્રિટન, જપાન, કૅનેડા, સાઉથ આફ્રિકા વગેરે દેશોના ઇન્ફ્લેશન ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ  

અમેરિકી ડૉલર પર ચારેતરફથી દબાણ વધ્યું છે. ખાસ કરીને બૅન્ક ઑફ જપાનનું સ્ટેન્ડ દરેક તબક્કે ડૉલરને ઘટાડી રહ્યું છે. બૅન્ક ઑફ જપાનના ગવર્નર હરૂહૂકો કુરોડાની વિદાય બાદ જો મૉનિટરી પૉલિસીનું સ્ટેન્ડ યુ ટર્ન લેશે તો ડૉલરને સૌથી મોટો ધક્કો પહોંચી શકે છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ ફેડની જેમ જ રેટ હાઇક સાઇકલ ધીમી પાડશે તો ડૉલરને વધુ કોઈ મોટી અસર નહીં થાય, પણ અન્ય કરન્સીની મજબૂતી સામે ડૉલર સતત ઘટી રહ્યો હોવાથી ડૉલર ૨૦ વર્ષની ઊંચાઈએથી ગગડીને ૭ મહિનાની નીચી સપાટીએ ૧૦૨ના લેવલે પહોંચ્યો છે અને ડૉલરની તેજીના કોઈ સંકેતો દૂર-દૂર સુધી મળતા ન હોવાથી સોનામાં એકધારી તેજી દૂર-દૂર સુધી દેખાઈ રહી છે. ચીનની લુનાર ન્યુ યરની અને ભારતમાં શરૂ થયેલી લગ્ન સીઝનની ખરીદીનો સપોર્ટ સોનાની તેજીને મળશે એ નક્કી છે. ભારતીય બજેટમાં સોનાની ડ્યુટી વિશેનો કોઈ ફેરફાર પણ સોનાની તેજી-મંદીને અસર કરશે. 

સોનાની ટૅરિફ વધી, ચાંદીમાં ઘટાડો

કેન્દ્ર સરકારે સોનાની ટૅરિફ વૅલ્યુમાં પ્રતિ ૧૦ ગ્રામ બાવીસ ડૉલરનો વધારો કરીને ૬૦૬ ડૉલર પ્રતિ ટન કરી છે, જ્યારે ચાંદીની ટૅરિફ વૅલ્યુમાં ૯ ડૉલરનો ઘટાડો કરીને ૭૭૦ ડૉલર પ્રતિ ટન કરી છે. આ ઉપરાંત બ્રાસ સ્ક્રૅપની ટૅરિફ વૅલ્યુમાં ૬૬ ડૉલરનો વધારો કરીને પ્રતિ ટન ૪૯૦૦ ડૉલર કરી છે, જે અગાઉ ૪૮૩૪ ડૉલર પ્રતિ ટન હતી.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૬,૮૮૩
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૫,૬૫૫
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૯,૧૬૭
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

Whatsapp-channel Whatsapp-channel

17 January, 2023 04:51 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK