Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ચીનનો ગ્રોથરેટ ધારણાથી વધુ બુલિશ રહેતાં સોનામાં ઘટ્યા મથાળેથી ફરી ઉછાળો

ચીનનો ગ્રોથરેટ ધારણાથી વધુ બુલિશ રહેતાં સોનામાં ઘટ્યા મથાળેથી ફરી ઉછાળો

Published : 19 April, 2023 02:59 PM | IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

ચીનના બુલિશ ગ્રોથરેટથી ક્રૂડ તેલની ડિમાન્ડ વધતાં ઇન્ફ્લેશન ઊંચું રહેવાની ધારણાથી સોનામાં તેજી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કૉમોડિટી કરન્ટ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ચીનનો ફર્સ્ટ ક્વૉર્ટરનો ગ્રોથરેટ ચાર ટકાની ધારણા સામે ૪.૫ ટકા રહેતાં અને અગાઉના ક્વૉર્ટરથી ઘણો ઊંચો રહેતાં સોનામાં ઘટ્યા મથાળેથી ફરી તેજી જોવા મળી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૬ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૮૮૮ રૂપિયા ઘટ્યાં હતાં. 


વિદેશી પ્રવાહ 



ચીનનો ઇકૉનૉમિક ગ્રોથરેટ ધારણા કરતાં સારો આવતાં ચાઇનીઝ યુઆન સામે ડૉલર નબળો પડતાં તેમ જ ચીન ક્રૂડ તેલનું સૌથી મોટું આયાતકાર હોવાથી આગામી સમયમાં ઇન્ફ્લેશન વધવાની ધારણાએ સોનામાં મજબૂતી જળવાયેલી હતી. સોનું સોમવારે ઘટીને ૨૦૦૦ ડૉલરની સપાટીની અંદર ઊતરી ગયું હતું જે ફરી મંગળવારે બપોર બાદ સુધરીને ૨૦૦૯ ડૉલર સુધી વધ્યું હતું. સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં. 


ઇકૉનોમિક ઇન્ડિકેટર

ચીનનો ઇકૉનોમિક ગ્રોથ ૨૦૨૩ના ફર્સ્ટ ક્વૉર્ટરમાં ૪.૫ ટકા રહ્યો હતો જે ૨૦૨૨ના ચોથા ક્વૉર્ટરમાં ૨.૯ ટકા રહ્યો હતો અને માર્કેટની ધારણા ચાર ટકાની હતી. ચીનનો ગ્રોથ છેલ્લા એક વર્ષનો સૌથી સ્ટ્રૉન્ગ રહ્યો હતો અને ગવર્મેન્ટ ઑથોરિટી દ્વારા કોરોનાનાં નિયંત્રણો દૂર કર્યા બાદ લેવાયેલી રૅપિડ ફોર્સની ઍક્શનની સીધી અસર ગ્રોથ પર જોવા મળી હતી. ખાસ કરીને માર્ચમાં રીટેલ સેલ્સ બે વર્ષની ઊંચાઈએ પહોંચતાં અને ઇન્ડ​સ્ટ્રિયલ પ્રોડક્શન પાંચ મહિનાની ઊંચાઈએ પહોંચતાં એની સીધી અસર ગ્રોથ પર જોવા મળી હતી. હાઉસિંગ પ્રાઇસ સતત અગિયારમાં મહિને ઘટતાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં વાઇબ્રન્સી વધી હતી. ચીને ૨૦૨૩માં પાંચ ટકા ગ્રોથનો ટાર્ગેટ નક્કી કર્યો છે. ૨૦૨૨માં ચીનનો ઇકૉનોમિક ગ્રોથ ત્રણ ટકા રહ્યો હતો. 
ચીનનું ઇન્ડ​સ્ટ્રિયલ આઉટપુટ માર્ચમાં ૩.૯ ટકા વધીને પાંચ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું જે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ૨.૪ ટકા રહ્યું હતું અને માર્કેટની ધારણા ચાર ટકા વધવાની હતી. મૅન્યુફૅક્ચરિંગ આઉટપુટ અને યુટિલિટીનો ગ્રોથ રોબેસ્ટ રહ્યો હતો. કોલ માઇનિંગ, ઑઇલ-ગૅસ, કેમિકલ રૉ-મટીરિયલ્સ, ફેરસ મેટલ સ્મે​લ્ટિંગ, નૉન ફેરસ સ્મે​લ્ટિંગ, નૉન મેટાલિક મિનરલ પ્રોડક્ટ, ઇલે​ક્ટ્રિકલ મશીનરી, ઇલેક્ટ્રિસિટી, કમ્યુનિકેશન, જનરલ મૅન્યુફૅક્ચરિંગ અને ઑટોમેટિવ દરેક સેક્ટરમાં ગ્રોથ જોવા મળ્યો હતો. 


અમેરિકન ડૉલર ઇન્ડેક્સ મંગળવારે સતત બીજે દિવસે ૧૦૨ના લેવલની ઉપર હતો. છેલ્લા બે દિવસમાં ડૉલર ઇન્ડેક્સ એક ટકા સુધર્યો હતો. ફેડના ગવર્નર ક્રિષ્ટોફર વોલરે ગયા શુક્રવારે  જણાવ્યું હતું કે ઇન્ટરેસ્ટ રેટમાં સળંગ વધારો છતાં હજુ સુધી કોઈ ઇન્ફ્લેશન બાબતે નોંધપાત્ર પ્રોગ્રેસ થઈ નથી. ફેડના બે ટકાના ઇન્ફ્લેશનના ટાર્ગેટ કરતાં હજુ ઇન્ફ્લેશન અઢી ગણો ઊંચો હોવાથી ફેડને ઇન્ફ્લેશનને નીચો લાવવા ઘણું વધુ કરવું પડશે. ક્રિષ્ટોફર વોલરની કમેન્ટનો સંકેત ઇકૉનૉમિસ્ટોની દૃષ્ટિએ એવો હતો કે મે મહિનામાં ફેડ પચીસ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા બાદ જૂનમાં પણ વધુ એક ઇન્ટરેસ્ટ રેટ વધારો લાવી શકે છે. આવા સંકેતને પગલે છેલ્લા બે દિવસથી ડૉલર સુધરી રહ્યો છે. જોકે મંગળવારે ચીનના ગ્રોથરેટના ડેટા ધારણા કરતાં વધુ સ્ટ્રૉન્ગ આવતાં ડૉલરમાં પીછેહઠ જોવા મળી હતી. ફેડ મે મહિનામાં પચીસ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એના ચાન્સ સીએમઈ ફેડ વૉચ અનુસાર ૮૭ ટકાએ પહોચતાં ડૉલરમાં વધુ મંદીની શક્યતા નથી. 

અમેરિકાની કૅપિટલ અને ફાઇનૅન્શિયલ અકાઉન્ટ સરપ્લસમાં ફેબ્રુઆરીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતાં સરપ્લસ ઘટીને ૨૮ અબજ ડૉલર રહી હતી જે જાન્યુઆરીમાં ૧૮૩.૧ અબજ ડૉલર હતી. ખાસ કરીને પ્રાઇવેટ આઉટફલો વધીને ૩૭.૪ અબજ ડૉલર રહેતાં સરપ્લસ ઘટી હતી. જોકે નેટ ઑફિશ્યલ ઇનફ્લો ૬૫.૫ અબજ ડૉલર રહ્યો હતો. અમેરિકાની લૉન્ગ ટર્મ સિક્યૉરિટીમાં ફૉરેન રેસિડન્ટે ૬૩.૬ અબજ ડૉલરની ખરીદી કરી હતી. 

અમેરિકાનો હોમબિલ્ડર્સ ઇન્ડેક્સ સતત ચોથા મહિને વધીને એપ્રિલમાં આઠ મહિનાની ઊંચાઈએ ૪૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જેના વિશે માર્કેટની ધારણા ૪૪ પૉઇન્ટની હતી. આગામી છ મહિનામાં બિલ્ડિંગ સેલ્સનું પ્રોજેક્શન ૪૯ પૉઇન્ટથી વધીને ૫૧ પૉઇન્ટે પહોંચ્યું હતું. અમેરિકાના મૉર્ગેજ રેટ સતત ઘટી રહ્યા હોવાથી હોમબિલ્ડર્સ ઇન્ડેક્સ સુધરી રહ્યો છે.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 

અમેરિકન ફેડ હજુ ઇન્ટરેસ્ટ રેટ વધારાને આગળ વધારવો કે બ્રેક લગાવવી એ વિશે ભારે અવઢવમાં છે. ફેડ ગવર્નર ક્રિષ્ટોફર વોલર સતત ઇન્ટરેસ્ટ રેટ વધારવાની જરૂરિયાત પર ભાર મૂકી રહ્યા છે ત્યારે ફેડના અન્ય ઑફિશ્યલ્સ રિસેશનનો હવાલો દઈને ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક લગાવવાની હિમાયત કરી રહ્યા છે. અમેરિકાના ઇકૉનોમિક ડેટા એક સપ્તાહ એકદમ નબળા આવે છે અને બીજા સપ્તાહે કેટલાક ડેટા સ્ટ્રૉન્ગ આવી રહ્યા હોવાથી માર્કેટમાં ફેડના સ્ટૅન્ડ અંગે બેતરફી ચર્ચા ચાલી રહી છે. ફેડ ૨-૩ મેએ યોજાનારી મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટ વધારશે એ નક્કી છે. ત્યાર બાદ ૧૩-૧૪ જૂન, ૨૫-૨૬ જુલાઈ અને ૧૯-૨૦ સપ્ટેમ્બરની મીટિંગમાં ફેડનો ઇન્ટરેસ્ટ રેટ વધારા અંગેનો નિર્ણય સોનાની માર્કેટ માટે નિર્ણાયક બનશે. મેની મીટિંગ પૂરી થયા બાદ જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ વધારશે કે કેમ  એના પર ચર્ચા શરૂ થશે. આથી સોનામાં માર્કેટની ચર્ચાને આધારે અને ઇકૉનોમિક ડેટા પરથી ઇન્ટરેસ્ટ રેટ વધશે કે કેમ એના વિશ્લેષણને આધારે વધ-ઘટ થશે. જો જૂનની મીટિંગમાં ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક લગાવશે તો સોનામાં રિયલ તેજી જોવા મળશે, ત્યાં સુધી સોનામાં કોઈ લૉન્ગ ટર્મ સ્ટૅન્ડ ન લેવામાં શાણપણ ગણાશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૬૦,૫૯૩
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૬૦,૩૫૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૪,૬૪૨
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

Whatsapp-channel Whatsapp-channel

19 April, 2023 02:59 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK