કન્ઝ્યુમર એક્સપેક્ટેશનના ડેટામાં રિસેશનનાં ક્લિયર સિગ્નલ મળતાં સોનામાં ખરીદી વધી
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકન કન્ઝ્યુમર કૉન્ફિડન્સ ડેટા ૯ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં અને કન્ઝ્યુમર એક્સપેક્ટેશન ડેટામાં રિસેશનના ક્લિયર સિગ્નલ મળતાં સોનું ફરી ૨૦૦૦ ડૉલરને પાર કરી ગયું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૫૩ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૨૫ રૂપિયા વધી હતી
વિદેશી પ્રવાહ
ADVERTISEMENT
અમેરિકાના કન્ઝ્યુમર કૉન્ફિડન્સના ડેટા ૯ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. સોનું મંગળવારે ઓવરનાઇટ વધીને ૨૦૦૫ ડૉલરે પહોંચ્યું હતું, જે બુધવારે ૧૯૯૯થી ૨૦૦૨ ડૉલરની રેન્જમાં રહ્યું હતું. અમેરિકાના કન્ઝ્યુમર એક્સપેક્ટેશન ડેટામાં રિસેશનના ક્લિયર સિગ્નલ મળી રહ્યા હોવાથી સોનામાં ઘટ્યા મથાળેથી નવી લેવાલી જોવા મળી હતી. સોનું સુધરતાં પ્લૅટિનમ અને પૅલેડિયમ સુધર્યાં હતાં, જ્યારે ચાંદી ઘટી હતી.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો કન્ઝ્યુમર કૉન્ફિડન્સ ઇન્ડેક્સ એપ્રિલમાં ઘટીને ૯ મહિનાની નીચી સપાટીએ ૧૦૧.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં ૧૦૪ પૉઇન્ટે હતો. કન્ઝ્યુમરની શૉર્ટ ટર્મ ઇન્કમ, બિઝનેસ અને લેબર માર્કેટની કન્ડિશનના આઉટલૂકને બતાવતો એક્સપેક્ટેશન ઇન્ડેક્સ એપ્રિલમાં ઘટીને ૬૮.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે માર્ચમાં ૭૪ પૉઇન્ટ હતો. એક્સપેક્ટેશન ઇન્ડેક્સ છેલ્લા ૧૪ મહિનાથી ૮૦ પૉઇન્ટની નીચે છે, જે રિસેશનના ક્લિયર સિગ્નલ આપે છે. અમેરિકન પબ્લિકના કરાયેલા સર્વેમાંથી માત્ર ૧૩.૫ ટકા બિઝનેસ કન્ડિશન ઇમ્પ્રુવ થવા માટે આશાવાદી છે, જે એક મહિના અગાઉ ૧૬.૪ ટકા પબ્લિક આશાવાદી હતી, જ્યારે ૨૧.૫ ટકા પબ્લિક બિઝનેસ કન્ડિશન ખરાબ થવા વિશે માની રહ્યા છે, જે અગાઉ ૧૯.૨ ટકા પબ્લિક માનતી હતી.
અમેરિકામાં સિંગલ ફૅમિલી નવા રહેણાક મકાનોનું વેચાણ માર્ચમાં ૯.૩ ટકા વધીને એક વર્ષની ઊંચાઈએ ૬.૮૩ લાખે પહોંચ્યું હતું, જેના વિશે ધારણા ૬.૩૦ લાખની હતી. નવા સિંગલ રહેણાક મકાનોના ઍવરેજ ભાવ ૫.૬૨ લાખ ડૉલર હતા, જે એક વર્ષ અગાઉ ૫.૧૧ લાખ ડૉલર હતા. હાલ ૪.૩૨ લાખ સિંગલ ફૅમિલી રહેણાક મકાનો અનસોલ્ડ છે, જે ૧૧ મહિનાના સૌથી ઓછા છે.
અમેરિકાના ટૉપ લેવલનાં ૨૦ શહેરોનો હોમ પ્રાઇસ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં ૦.૪ ટકા વધ્યો હતો, જે વધારો છેલ્લાં ૧૧ વર્ષનો સૌથી ઓછો હતો. જાન્યુઆરીમાં આ હોમ પ્રાઇસ ઇન્ડેક્સ ૨.૬ ટકા વધ્યો હતો, જ્યારે ઑલ ઓવર અમેરિકાના સિંગલ ફૅમિલી રહેણાક મકાનોના ભાવનો ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં ૦.૫ ટકા વધ્યો હતો, જે જાન્યુઆરીમાં ૦.૧ ટકા વધ્યો હતો.
અમેરિકામાં માર્ચમાં બિલ્ડિંગ પરમિટ રેટ ૧૪.૩ લાખે પહોંચ્યો હતો, જેની ધારણા ૧૪.૧ લાખની હતી. અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ એકધારા વધી રહ્યા હોવાથી અને ઇન્ફ્લેશનને કારણે કન્ઝ્યુમર પ્રાઇસ પણ વધી રહ્યા હોવાથી બિલ્ડિંગ પરમિટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મલ્ટિ સેગમેન્ટ બિલ્ડિંગની પરમિટ ૨૦ ટકા ઘટી હતી, જ્યારે સિંગલ ફૅમિલી બિલ્ડિંગની પરમિટ ૪.૨ ટકા વધી હતી.
ઑસ્ટ્રેલિયાનું ઇન્ફ્લેશન ફર્સ્ટ ક્વૉર્ટરમાં ઘટીને ૭ ટકાએ પહોંચ્યું હતું, જે અગાઉના ક્વૉર્ટરમાં ૩૦ વર્ષની ઊંચાઈએ ૭.૮ ટકા હતું અને માર્કેટની ૬.૯ ટકાની ધારણા કરતાં થોડું વધુ હતું. ફર્સ્ટ ક્વૉર્ટરનું ઇન્ફ્લેશન છેલ્લાં ત્રણ ક્વૉર્ટરનું સૌથી નીચું હતું. ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશન, હાઉસિંગ, ફર્નિશિંગ, રિક્રીએશનના ભાવ ઘટતાં ઇન્ફ્લેશન ઘટ્યું હતું જર્મનીનો મે મહિનાનો કન્ઝ્યુમર મોરલ ઇન્ડેક્સ સતત સાતમા મહિને વધીને ૧૩ મહિનાની ઊંચાઈએ માઇનસ ૨૫.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે માર્કેટની માઇનસ ૨૭.૯ પૉઇન્ટથી મજબૂત રહ્યો હતો. ઇન્કમ એક્સપેક્ટેશન પહેલી વખત રશિયા-યુક્રેન યુદ્ધ પહેલાંની સ્થિતિએ પહોંચી હતી. કન્ઝ્યુમર એક્સપર્ટના જણાવ્યા અનુસાર કન્ઝ્યુમર ક્લાઇમેટ ઝડપથી સ્પીડ અપ થઈ રહ્યું છે.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
સોનાની વધ-ઘટ હવે અમેરિકન ઇકૉનૉમિક ડેટા અને રિસેશનની સ્થિતિને આધારે થઈ રહી છે. અમેરિકાના કન્ઝ્યુમર ડેટાએ રિસેશનના ક્લિયર સિગ્નલ આપી દીધા હોવાથી સોનામાં ઘટાડાના ચાન્સ ફરી ઘટ્યા છે. અમેરિકાના ઇકૉનૉમિક ડેટામાં મોટો ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો હોવાથી હાલ રિસેશન વિશે કોઈ સ્પષ્ટ આગાહી કરી શકે તેમ નથી. સોનું ૨૦૦૦ ડૉલરની આસપાસ ઘૂમી રહ્યું હોવાથી સોનામાં કોઈને મોટી મંદી દેખાતી નથી એ સ્પષ્ટ થાય છે, પણ નવી તેજી માટે હજી ક્લિયર સિગ્નલ મળી રહ્યાં નથી, જેને કારણે સોનું વધુ પડતું વધી શકતું નથી. ફેડ મે મહિનાની મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટ વધારશે એ નક્કી છે, પણ જૂન અને જુલાઈ મીટિંગમાં ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારે છે કે એક વખત બ્રેક મારે છે એની પરથી સોનાની તેજી-મંદી નક્કી થશે. ફેડ ઉપરાંત યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને અન્ય સેન્ટ્રલ બૅન્કના ઇન્ટરેસ્ટ રેટ વિશેના નિર્ણયો ડૉલરની તેજી-મંદી નક્કી કરશે અને તેના પરથી સોનાની તેજી-મંદી નક્કી થશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૬૦,૪૩૨
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૬૦,૧૮૯
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૪,૨૦૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)