Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકાની મુશ્કેલીગ્રસ્ત ફર્સ્ટ રિપબ્લિકન બૅન્કની ઍસેટ ખરીદવાની જેપી મૉર્ગનની જાહેરાતથી સોનું ઘટ્યું

અમેરિકાની મુશ્કેલીગ્રસ્ત ફર્સ્ટ રિપબ્લિકન બૅન્કની ઍસેટ ખરીદવાની જેપી મૉર્ગનની જાહેરાતથી સોનું ઘટ્યું

02 May, 2023 03:58 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

ફેડની મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધવાનું નક્કી હોવાથી સોનામાં પ્રૉફિટ બુકિંગ વધ્યું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કૉમોડિટી કરન્ટ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


અમેરિકાની મુશ્કેલીગ્રસ્ત ફર્સ્ટ રિપબ્લિકન બૅન્કની ઍસેટ ખરીદવાની જેપી મૉર્ગનની જાહેરાત તેમ જ ફેડની આજથી શરૂ થતી બેદિવસીય મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટ વધવાનું નક્કી હોવાથી સોનામાં પ્રૉફિટ બુકિંગ વધતાં ભાવ ઘટ્યા હતા. 


વિદેશી પ્રવાહ 



અમેરિકન ટૉપ લેવલની ફાઇનૅન્શિયલ કંપની જેપી મૉર્ગનની તકલીફમાં મુકાયેલી ફર્સ્ટ રિપબ્લિકન બૅન્કની મોટા ભાગની જવાબદારી અને મોટા ભાગની ઍસેટ પોતાના કબજામાં લેવાની જાહેરાત કરતાં બૅન્કિંગ ક્રાઇસિસ હળવી થયાના અહેસાસે સોનામાં ઘટાડો જોવા મળ્યો હતો. વળી ફેડની આગામી મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો નક્કી હોવાથી સોનામાં પ્રૉફિટ બુકિંગ જોવા મળ્યું હતું. સોનું ઘટતાં પૅલેડિયમ ઘટ્યું હતું, પણ યુરોની મજબૂતીને કારણે ચાંદી અને પ્લૅટિનમ સુધર્યાં હતાં. 


ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઑફિશ્યલ ડેટા અનુસાર એપ્રિલમાં ઘટીને ચાર મહિનાની ઊંચી સપાટીએ ૪૯.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે માર્ચમાં ૫૧.૯ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૧.૪ પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ ઍક્ટિવિટીમાં છેલ્લા પાંચ મહિનામાં પ્રથમ વખત ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને ગ્લોબલ ડિમાન્ડ નબળી પડતાં ચાઇનીઝ મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ધીમો પડ્યો હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં નવા ઑર્ડર અને બાઇંગ ઍક્ટિવિટી ઘટી હતી તેમ જ એક્સપોર્ટ સેલ્સ છેલ્લા ચાર મહિનામાં પ્રથમ વખત ઘટ્યું હતું. જોકે છેલ્લા સાત મહિનાથી સતત વધતી ઇન્પુટ કૉસ્ટ એપ્રિલમાં ઘટી હતી અને આઉટપુટ કૉસ્ટ સતત બીજે મહિને ઘટી હતી. 


ચીનના સર્વિસ સેક્ટરનો ગ્રોથ એપ્રિલમાં ઘટીને ૫૬.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે માર્ચમાં ૧૨ વર્ષની ઊંચાઈએ ૫૮.૨ પૉઇન્ટ હતો. સતત ચાર મહિના સુધી સર્વિસ સેક્ટરનો ગ્રોથ સતત વધ્યા બાદ એપ્રિલમાં ઘટ્યો હતો. સર્વિસ સેક્ટરમાં નવા ઑર્ડર સતત ચોથે મહિને વધ્યા હતા, પણ વધારો ધીમો પડ્યો હતો. ઇન્પુટ કૉસ્ટ અને આઉટપુટ કૉસ્ટમાં નોંધપાત્ર વધારો થતાં સર્વિસ સેક્ટરના ગ્રોથને અસર થઈ હતી. ચીનનો મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઘટતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ એપ્રિલમાં ઘટીને ૫૪.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે માર્ચમાં રેકૉર્ડબ્રેક ઊંચાઈએ ૫૭ પૉઇન્ટ હતો. પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ એપ્રિલમાં ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની પૉલિસી મીટિંગ ગુરુવારે યોજાવાની છે, જેમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધવાનું નક્કી મનાય છે, કારણ કે યુરો એરિયા ઇન્ફ્લેશન હજી પણ યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના બે ટકાના ટાર્ગેટથી સાડાત્રણ ગણું ૬.૯ ટકા છેલ્લે માર્ચમાં રહ્યું હતું.

ફેબ્રુઆરીમાં ૮.૫૦ ટકાની સરખામણીમાં માર્ચમાં મોટો ઘટાડો નોંધાયો હતો, છતાં પણ યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના ટાર્ગેટથી સાડાત્રણ ગણું ઇન્ફ્લેશન હોવાથી અનેક મેમ્બરો ૫૦ બેસિસ પૉઇન્ટ વધારવા યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક પર દબાણ વધારી રહ્યા છે. જો ૫૦ બેસિસ પૉઇન્ટ વધશે તો ડૉલર પર દબાણ વધશે અને આવી ધારણાને પગલે સોમવારે યુરોનું મૂલ્ય ડૉલર સામે એક વર્ષની ઊંચી સપાટીએ ૧.૧૦૯૫ ડૉલરે પહોંચ્યું હતું. 

ભારતનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ એપ્રિલમાં વધીને ચાર મહિનાની ઊંચી સપાટીએ ૫૭.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે માર્ચમાં ૫૬.૪ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૫.૮ પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ આઉટપુટ અને ન્યુ ઑર્ડર બન્ને પણ ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે ટ્રાન્સપોર્ટેશન અને રો મટીરિયલ્સનો ખર્ચ વધતાં ઇન્પુટ કૉસ્ટ વધી હતી અને આઉટપુટ કૉસ્ટ વધીને ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં સેન્ટિમેન્ટ સુધર્યું હતું જે માર્ચમાં આઠ મહિનાની નીચી સપાટીએ હતું. અમેરિકી ડૉલર ઇન્ડેક્સ સોમવારે સુધરીને ૧૦૨ના લેવલે પહોંચ્યો હતો જે સતત ત્રીજા સેશનમાં વધ્યો હતો. ફેડની બે દિવસીય મીટિંગ મંગળવારે-બુધવારે યોજાશે જેમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધવાનું નક્કી છે, પણ આગામી મીટિંગમાં પણ ઇન્ટરેસ્ટ રેટ વધવાનો સંકેત આ મીટિંગમાં મળવાની શક્યતાને પગલે ડૉલર સુધર્યો હતો. ચાલુ સપ્તાહ અનેક રીતે સોના-ચાંદીની માર્કેટ સહિત તમામ ઇકૉનૉમિક ઍક્ટિવિટી માટે મહત્ત્વનું છે. ચાલુ સપ્તાહે ફેડ, યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને રિઝર્વ બૅન્ક ઑફ આ.સ્ટ્રેલિયાની પૉલિસી મીટિંગ યોજવાની છે. અમેરિકાની ટૉપ લેવલની કંપની ફાઇઝર, ઉબેર, ઍપલ, કવોલકોમ સહિત અનેક કંપનીઓનાં રિઝલ્ટ ચાલુ સપ્તાહે છે. અમેરિકા સહિત અનેક દેશોના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ડેટા ઉપરાંત અમેરિકાના નૉન-ફાર્મ પે-રોલ ડેટા જાહેર થશે. ઇટલી, ફિલિપીન્સ, સ્વિટ્ઝરલૅન્ડ, દક્ષિણ કોરિયા અને નેધરલૅન્ડ્સની સેન્ટ્રલ બૅન્કની પણ પૉલિસી મીટિંગ ચાલુ સપ્તાહે યોજાશે. 

સોનાની ટૅરિફ ઘટી, ચાંદીમાં સ્ટેબલ રહી

સરકારે સોનાની ટૅરિફ વૅલ્યુમાં સાત ડૉલરનો ઘટાડો કરીને ૬૩૯ ડૉલર પ્રતિ ૧૦ ગ્રામ કરી છે, જે ૬૪૬ ડૉલર પહેલાં હતી, જ્યારે ચાંદીની ટૅરિફ વૅલ્યુ પ્રતિ કિલો ૮૧૫ ડૉલર કરી છે.
સરકારે બ્રાસ સ્ક્રૅપ અને સોપારીની ટૅરિફ વૅલ્યુમાં પણ કોઈ ફેરફાર કર્યો નથી અને બ્રાસ સ્ક્રૅપની ૫૧૫૪ ડૉલર અને સોપારીની ૧૦,૩૭૯ ડૉલર પ્રતિ ટન પર જાળવી રાખી છે.

Whatsapp-channel Whatsapp-channel

02 May, 2023 03:58 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK