Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ટ્રમ્પની જીત બાદ ડિસેમ્બરમાં રેટ-કટના ચાન્સ ઘટતાં સોનું બે મહિનાના તળિયે

ટ્રમ્પની જીત બાદ ડિસેમ્બરમાં રેટ-કટના ચાન્સ ઘટતાં સોનું બે મહિનાના તળિયે

Published : 13 November, 2024 08:10 AM | IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

ચાઇનીઝ બૅન્કો દ્વારા અપાતી લોન ૧૫ વર્ષની નીચી સપાટીએ પહોંચીઃ મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસમાં સોનામાં ૨૪૮૨ રૂપિયાનો ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

કૉમોડિટી કરન્ટ

પ્રતીકાત્મક તસવીર


ટ્રમ્પની જીત બાદ ફેડની ડિસેમ્બરમાં યોજાનારી મીટિંગમાં રેટ-કટના ચાન્સ ૮૦ ટકાથી ઘટીને ૬૬ ટકા થતાં ડૉલર ઇન્ડેક્સ વધીને ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો જેને પગલે સોનાની ખરીદીનું આકર્ષણ ઘટતાં ભાવ બે મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા.


મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૯૪૦ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૨૬૦૭ રૂપિયા ઘટ્યો હતો. મુંબઈમાં સોના-ચાંદી સતત ત્રીજા દિવસે ઘટ્યાં હતતાં. છેલ્લા ત્રણ દિવસમાં સોનાનો ભાવ ૨૪૮૨ રૂપિયા અને ચાંદીનો ભાવ ૨૮૭૮ રૂપિયા ઘટ્યો હતો.



ઇકૉનૉમિક ઇન્ડિકેટર


અમેરિકન ડૉલર પર ‘ટ્રમ્પ ટ્રેડ્સ’ અસર ચાલુ થઈ ચૂકી હોવાથી ડૉલર ઇન્ડેક્સ ૦.૧૫ ટકા વધીને ચાર મહિનાની ઊંચાઈએ ૧૦૫.૭૨ પૉઇન્ટે પહોંચ્યો હતો. ડોનલ્ડ ટ્રમ્પે ચૂંટણીઢંઢેરામાં આપેલાં વચન અનુસાર ચીન, યુરોપિયન દેશો તથા અન્ય દેશોથી આયાત થતી ચીજો પર ટૅરિફ વધારો અને કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડાને કારણે ઇન્ફ્લેશન શૂટઅપ થશે તો ફેડ રેટ-કટ નહીં લાવી શકે એવી શક્યતાથી ડૉલર ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે. ઇન્ફ્લેશન વધવાની ધારણાએ સીએમઈ (શિકાગો મર્કન્ટાઇલ એક્સચેન્જ)ના ફેડવૉચ રિપોર્ટમાં ડિસેમ્બરમાં રેટ-કટના ચાન્સ ઘટીને ૬૬.૯ પૉઇન્ટ જ રહ્યા છે જે ત્રણ દિવસ અગાઉ ૮૦ ટકા હતા. વળી બુધવારે જાહેર થનારા ઑક્ટોબર મહિનાના ઇન્ફ્લેશનના ડેટા પણ વધીને આવવાની ધારણા હોવાથી ડૉલર ઇન્ડેક્સ વધ્યો હતો.

ચીનમાં ઇકૉનૉમિક સ્લોડાઉન સતત વધી રહ્યું હોવાથી તમામ સેક્ટર પર એની અસર પડી રહી છે. ચાઇનીઝ બૅન્કો દ્વારા અપાતી લોનની સાઇઝ ઑક્ટોબરમાં ૧૫ વર્ષની નીચી સપાટીએ ૫૦૦ અબજ યુઆને પહોંચી હતી જે ગયા વર્ષે ઑક્ટોબરમાં ૭૩૮ અબજ યુઆન હતી અને માર્કેટની ધારણા ૭૦૦ અબજ યુઆનની હતી. નવા ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ મંદીને કારણે ચાલુ થવાના ઓછા થતાં લોન લેનારાઓની સંખ્યા એકધારી ઘટી રહી છે. મંદીને કારણે સોશ્યલ ફાયનૅન્શિંગ ઘટીને ૧૪૦૦ અબજ યુઆને પહોંચ્યું હતું, જેની ધારણા ૧૪૫૦ અબજ યુઆનની હતી. 


શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ

ડોનલ્ડ ટ્રમ્પની જીત બાદ અમેરિકન ફેડને હવે રેટ-કટનો નિર્ણય લેવો અતિકઠિન સાબિત થવાનો છે. અમેરિકન ઇકૉનૉમિસ્ટો અને ઍનલિસ્ટો ૨૦૨૫માં હવે ડૉલરને વધુ મજબૂત થતો જોઈ રહ્યા છે. ટ્રમ્પના ટૅક્સ-કટ અને ટૅરિફ વધારાના નિર્ણયને પગલે ઇન્ફ્લેશન વધશે જેને કાબૂમાં ઇન્ટરેસ્ટ રેટ ઊંચા રાખવા જરૂરી બનશે. અમેરિકન ફેડ માટે રેટ-કટ મુશ્કેલ બની રહ્યા છે, પણ યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક ૨૦૨૪ના અંત પહેલાં ૫૦ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ ઓછામાં ઓછો ૨૫ બેસિસનો રેટ-કટ લાવશે. જપાનની પૉલિટિકલ સિચુએશન અનિશ્ચિત બની હોવાથી ૨૦૨૫ના ત્રીજા ક્વૉર્ટર સુધી ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થવાની શક્યતા એકદમ ઓછી દેખાય છે. આ તમામ પરિબળો જોતાં ડૉલર ઇન્ડેક્સ હવે સતત વધતો રહેશે જે હાલ ચાર મહિનાની ઊંચાઈએ પહોંચ્યા બાદ ૧૦૬ પૉઇન્ટ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. ડૉલરની મજબૂતી સોનાની તેજી માટે નેગેટિવ ફૅક્ટર બની રહેશે. જિયોપૉલિટિકલ ટેન્શનમાં ઘટાડો, ચીનની સેન્ટ્રલ બૅન્ક દ્વારા છેલ્લા ૬ મહિનાથી સોનાની ખરીદી બંધ થવી વગેરે સોનું ઘટવાનાં કારણો સતત ઉમેરાઈ રહ્યાં છે ત્યારે સોનામાં હવે તેજી માટેનું આકસ્મિક અને તગડું કારણ આવશે તો જ તેજી થશે અન્યથા ઘટાડાનો દોર લંબાતો જશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૪,૯૦૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૪,૬૦૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૮,૨૫૨
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

Whatsapp-channel Whatsapp-channel

13 November, 2024 08:10 AM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK