ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ સામે પગલાં લેવા બાઇડને મીટિંગ બોલાવતાં ટેન્શન વધ્યું : મુંબઈમાં ૨૦૨૫ના પ્રારંભિક ત્રણ દિવસમાં સોનામાં ૧૩૪૨ રૂપિયા અને ચાંદીમાં ૨૧૦૪ રૂપિયા વધ્યા
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
ઇઝરાયલે ગાઝા પર અને રશિયાએ યુક્રેન પર ડ્રોનથી નવો અટૅક કરતાં જિયોપૉલિટિકલ ટેન્શન વધ્યું હતું જેને કારણે સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધતાં વર્લ્ડ માર્કેટમાં સોનું ત્રણ સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યું હતું.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૨૫ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૯૫૪ રૂપિયા વધ્યો હતો. મુંબઈમાં સોના-ચાંદીના ભાવ ૨૦૨૫ના પ્રથમ ત્રણેય દિવસ વધ્યો હતો. સોનાનો ભાવ ત્રણ દિવસમાં ૧૩૪૨ રૂપિયા અને ચાંદીનો ભાવ ૨૧૦૪ રૂપિયા વધ્યો હતો.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાના નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ ૨૦૨૪ના છેલ્લા સપ્તાહમાં નવ હજાર ઘટીને આઠ મહિનાની નીચી સપાટીએ ૨.૧૧ લાખની સપાટીએ પહોંચ્યા હતા જેની ધારણા ૨.૨૨ લાખની હતી.
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ વધીને ૨૭ મહિનાની ઊંચી સપાટીએ ૧૦૯.૩૯એ પહોંચ્યા બાદ પ્રૉફિટ બુકિંગથી ઘટીને ૧૦૯.૧૨થી ૧૦૯.૧૪ પૉઇન્ટની રેન્જમાં રહ્યો હતો. અમેરિકી અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ ઘટતાં લેબર માર્કેટની મજબૂતીથી રેટ-કટની શક્યતા વધુ ઘટતાં તેમ જ ચીનના ટ્રેઝરી બૉન્ડ નવી નીચી સપાટીએ પહોંચતાં યુઆનની નબળાઈનો સપોર્ટ તેમ જ અન્ય કરન્સી નબળાઈનો સપોર્ટ પણ ડૉલર ઇન્ડેક્સને મળ્યો હતો. ચીનની સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડીને સ્ટિમ્યુલસ પૅકેજ લાવવાનો સંકેત આપતાં ચાઇનીઝ ટ્રેઝરી ટેન યર બૉન્ડનાં યીલ્ડ ઘટીને ૧.૬ ટકાની નવી નીચી સપાટીએ પહોંચ્યાં હતાં.
અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ પ્રાઇવેટ એજન્સી સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સના રિપોર્ટ અનુસાર ડિસેમ્બરમાં સતત છઠ્ઠે મહિને ઘટીને ૪૯.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૪૯.૭ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૯.૮ પૉઇન્ટની હતી. અમેરિકી રેટ-કટના ચાન્સિસ ઘટવા લાગતાં મૉર્ગેજ રેટ ફરી વધવા લાગ્યા છે. અમેરિકાના ૩૦ વર્ષના મૉર્ગેજ રેટ ૨૭મી ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે બાવીસ બેસિસ પૉઇન્ટ વધીને પાંચ મહિનાની ઊંચી સપાટીએ ૬.૯૭ ટકાએ પહોંચ્યા હતા. મૉર્ગેજ રેટ વધતાં મૉર્ગેજ ઍપ્લિકેશન કરનારાઓની સંખ્યા પણ ૧૨.૬ ટકા ઘટી હતી જે અગાઉના સપ્તાહે ૧૦.૭ ટકા ઘટી હતી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકામાં ટ્રમ્પની જીત બાદ પ્રારંભિક તબક્કામાં જિયોપૉલિટિકલ ટેન્શન ઓછું થવાની ધારણા મુકાઈ રહી છે, પણ ટ્રમ્પની જીત બાદ જિયોપૉલિટિકલ ટેન્શન ઘટવાને બદલે વધી રહ્યું છે. નવા ડેવલપમેન્ટ અનુસાર રશિયાએ યુક્રેનનાં અનેક મથકો પર ડ્રોન અટૅક કર્યો હતો તેમ જ ઇઝરાયલે ગાઝા પર અટૅક વધાર્યા હતા. ઈરાન દ્વારા ન્યુક્લિયર બૉમ્બ બનાવવાની હિલચાલ ચાલુ થતાં અમેરિકી વર્તમાન પ્રેસિડન્ટ જો બાઇડને ઈરાનના ન્યુક્લિયર મથકો પર અટૅક કરવાની ચર્ચા માટે ઇમર્જન્સી મીટિંગ બોલાવી હતી. ટ્રમ્પે પણ ઇલેક્શન કૅમ્પેનમાં ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાદીને ઈરાન પાસેથી ચીન-ભારત સહિત જે દેશો ક્રૂડ તેલ ખરીદે છે એના પર ૧૦૦ ટકા ટૅરિફ લાદવાની વાત કહી હતી. આમ રશિયા-યુક્રેન, ઇઝરાયલ-ગાઝા બાદ હવે અમેરિકા-ઈરાન વચ્ચે વધી રહેલું ટેન્શનથી જિયોપૉલિટિકલ સિચુએશન ખરાબ થવા લાગી છે જેની અસરે સોના-ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડ વધી છે જે આગામી દિવસોમાં વધતી રહેશે અને સોના-ચાંદીની તેજીને સપોર્ટ કરશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૭,૫૦૪
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૭,૧૯૪
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૮,૧૨૧
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)