બૅન્ક ઑફ જપાને ટૅરિફવધારાથી ટ્રેડવૉરનું જોખમ વધતું હોવાથી ઇન્ટરેસ્ટ રેટ યથાવત્ રાખ્યા : મુંબઈમાં સોનું સતત છઠ્ઠે દિવસે વધ્યું : છ દિવસમાં સોનામાં ૨૭૧૭ રૂપિયાનો ઉછાળો
પ્રતીકાત્મક તસવીર
રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં પુતિને ૩૦ દિવસના યુદ્ધ-વિરામની ઑફરનો ઇનકાર કરતાં તેમ જ ઇઝરાયલ-હમાસ અને અમેરિકા-હૂતી યુદ્ધ સતત આક્રમક બની રહ્યું હોવાથી એની અસરે જિયોપૉલિટિકલ ટેન્શન વધતાં વર્લ્ડ માર્કેટમાં સોનું ૨૦૨૫માં ૧૪મી વખત નવી ઑલટાઇમ હાઈ સપાટીએ ૩૦૪૫.૯૦ ડૉલરે પહોંચ્યું હતું.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૯૫ રૂપિયા વધ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ સતત વધ્યા બાદ પ્રત્યાઘાતી પ્રતિ કિલો ૪૩૨ રૂપિયા ઘટ્યો હતો. મુંબઈમાં સોનું સતત છઠ્ઠે દિવસે વધ્યું હતું અને છ દિવસમાં ૨૭૧૭ રૂપિયા વધ્યું હતું.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકી ૩૦ વર્ષના મૉર્ગેજ રેટ સતત નવ સપ્તાહ ઘટ્યા બાદ પાંચ બેસિસ પૉઇન્ટ વધીને ૧૪મી માર્ચે પૂરા થયેલા સપ્તાહના અંતે ૬.૭૨ ટકાએ પહોંચ્યા હતા જે એક વર્ષ અગાઉ ૬.૯૭ ટકા હતા. મૉર્ગેજ રેટ સતત નવ સપ્તાહ ઘટ્યા હોવાથી મૉર્ગેજ ઍપ્લિકેશનનો ઉપાડ ગયા સપ્તાહે ૬.૨ ટકા વધ્યો હતો.
બૅન્ક ઑફ જપાને અપેક્ષાથી વિપરિત બેન્ચમાર્ક ઇન્ટરેરટ રેટને ૦.૫ ટકાએ જાળવી રાખવાનું નક્કી કર્યું હતું. ગત મીટિંગમાં સતત ત્રીજી વખત ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યા બાદ વધુ પચીસ બેસિસ પૉઇન્ટનો ઇન્ટરેસ્ટ રેટવધારો આવવાની ધારણા હતી. બૅન્કના મોટા ભાગના મેમ્બરોનું માનવું હતું કે ટ્રમ્પના શ્રેણીબદ્ધ ટૅરિફવધારાને કારણે વર્લ્ડની ઇકૉનૉમી નબળી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને હાલ ઇન્ટરેસ્ટ રેટ વધારવાને બદલે સાવચેતીભર્યું સ્ટૅન્ડ રાખવું જોઈએ. જપાનનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન જાન્યુઆરીમાં ૧.૧ ટકા ઘટ્યું હતું. જોકે એક્સપોર્ટ ફેબ્રુઆરીમાં ૧૧.૪૦ ટકા વધી હતી અને ઇમ્પોર્ટ ૦.૭ ટકા ઘટતાં ટ્રેડ બૅલૅન્સ ડેફિસિટમાંથી સરપ્લસમાં શિફ્ટ થઈ હતી અને ફેબ્રુઆરીમાં ટ્રેડ સરપ્લસ ૫૮૪.૫ અબજ યેન રહી હતી જે એક વર્ષ અગાઉ ૪૧૫.૪૩ અબજ યેનની ડેફિસિટ હતી.
યુરો એરિયાનું ઇન્ફ્લેશન ફેબ્રુઆરીમાં ઘટીને ૨.૩ ટકા રહ્યું હતું જે જાન્યુઆરીમાં છ મહિનાની ઊંચાઈએ ૨.૫ ટકાએ પહોંચ્યું હતું અને માર્કેટની ધારણા ૨.૪ ટકાની હતી. ખાસ કરીને એનર્જી પ્રોડક્ટના પ્રાઇસ સારા એવા ઘટતાં ઇન્ફ્લેશન ઘટ્યું હતું. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે સતત છ વખત રેટ-કટ કર્યા બાદ પણ ઇન્ફ્લેશન બૅન્કના બે ટકાના ટાર્ગેટથી ઊંચું હોવાથી હવે રેટ-કટ માટે સાવચેતી રાખવી પડશે.
બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની પૉલિસી-મીટિંગ બાદ ભારતીય સમય પ્રમાણે સાંજે ૫.૩૦ વાગ્યે ઇન્ટરેસ્ટ રેટ વિશેનું ડિસિઝન જાહેર થશે. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે જુલાઈ ૨૦૨૪થી જાન્યુઆરી સુધીમાં કુલ ત્રણ વખત રેટ-કટ લાવીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૫.૨૫થી ૪.૫૦ ટકાએ લાવી દીધો છે. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ ઉપરાંત આજે ચીનના પ્રાઇમ લોન-રેટનું પણ ડિસિઝન ભારતીય સમય પ્રમાણે સવારે ૬.૪૫ વાગ્યે આવશે જે છેલ્લા ચાર મહિનાથી યથાવત્ રાખવામાં આવી રહ્યા છે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલતા યુદ્ધને સમાપ્ત કરવા અથાગ પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે રશિયાએ અમેરિકાની એક મહિનો યુદ્ધ-વિરામની દરખાસ્તને અંશત: સ્વીકારીને યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર પર એક મહિનો અટૅક ન કરવાનું સ્વીકાર્યું હતું, પણ ૩૦ દિવસ સુધી સંપૂર્ણ યુદ્ધ-સમાપ્તિની ઑફર સ્વીકારી નહોતી. હવે ૨૩મી માર્ચે ટ્રમ્પ અને પુતિન વચ્ચે સાઉદી અરેબિયામાં મંત્રણા થવાનું નક્કી થયું છે. આમ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત સતત લંબાઈ રહ્યો છે. બીજી તરફ ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ સમજૂતીની દિશાને બદલે આક્રમક બની રહ્યું છે. ઇઝરાયલે ફરી ફુલ મિલિટરી ફોર્સ હમાસ સાઇટ પર ઉતારી દીધાની જાહેરાત કરી હતી. ઇઝરાયલની આર્મીએ જણાવ્યું હતું કે હમાસ ઇઝરાયલ પર અટૅક કરવા માટે તૈયાર કરી રહેલ સાઇટ પર પૂરી તાકાતથી અટૅક કર્યો છે. ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર બેન્જામિન નેતન્યાહુએ હાલના આક્રમણને હજી શરૂઆત ગણાવી હતી. અમેરિકા અને હૂતી આતંકવાદી જૂથ વચ્ચેની લડાઈમાં હૂતી આતંકવાદીઓએ અમેરિકન સ્ટીમર પર અટૅક કરતાં બન્ને પક્ષે અટૅક વધુ આક્રમક બન્યો હતો. આમ, હાલ ચાલી રહેલાં ત્રણેય યુદ્ધ સમાપ્ત થવાને બદલે વધુ આક્રમક બની રહ્યાં હોવાથી સોના-ચાંદીને ફરી ફુલ મોડમાં જિયોપૉલોટિકલ ટેન્શનનો સપોર્ટ મળી રહ્યો છે જે હજી પણ મળતો રહેશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૮,૬૪૯
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૮,૨૯૪
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૯,૯૬૮
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

