ટ્રમ્પની બીજી એપ્રિલથી ટૅરિફવધારો લાગુ કરવાની નવી જાહેરાતથી સોનામાં ખરીદી વધી
સોનું-ચાંદીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમેરિકન ફેડે ટ્રમ્પનો ટૅરિફવધારો એકધારો આગળ વધી રહ્યો હોવાથી આગામી દિવસોમાં ઇન્ફ્લેશન વધવાની આગાહી કરતાં વર્લ્ડ માર્કેટમાં સોનું સતત બીજે દિવસે નવી ટોચે ૨૯૫૫.૮૦ ડૉલરની સપાટીએ પહોંચ્યું હતું. સોનું વધતાં ચાંદી પણ વધીને ૩૩.૪૦ ડૉલરની સપાટીએ પહોંચી હતી. ડોનલ્ડ ટ્રમ્પે અગાઉ જાહેર કરેલો ટૅરિફવધારો બે એપ્રિલથી લાગુ કરવાની નવી જાહેરાત કરી હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૧૩ રૂપિયા ઘટ્યો હતો. જોકે ચાંદી સતત ત્રીજે દિવસે પ્રતિ કિલો ૨૨૩ રૂપિયા વધી હતી. ચાંદીનો ભાવ છેલ્લા ત્રણ દિવસમાં ૧૮૪૩ રૂપિયા વધ્યો હતો.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ફેડની જાન્યુઆરીમાં યોજાયેલી મીટિંગની મિનિટ્સમાં તમામ મેમ્બરોએ અનિશ્ચિતતાભર્યા માહોલમાં એકદમ સાવચેતીભર્યો અભિગમ રાખવાનો મત વ્યક્ત કર્યો હતો. ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ટૅરિફવધારાની હિલચાલથી ઇકૉનૉમિક કન્ડિશન સતત બદલતી રહી છે. મોટા ભાગના મેમ્બરોને ટ્રેડ અને ઇમિગ્રેશન પૉલિસીમાં થઈ રહેલા ફેરફારથી ઇન્ફ્લેશનમાં આગામી દિવસોમાં વધારો થવાની શક્યતા દેખાય છે. ફેડની મીટિંગ બાદ મોટા ભાગના ઍનલિસ્ટોનું માનવું છે કે ૨૦૨૫માં ઓછામાં ઓછો એક રેટ-કટ ફેડ લાવશે અને ટ્રમ્પનું રેટ-કટનું દબાણ વધશે તો બે રેટ-કટ પણ આવી શકે છે.
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ ફેડની મીટિંગના સાવચેતીભર્યા અભિગમ બાદ ૦.૧૯ ટકા ઘટીને ૧૦૬.૯૮ પૉઇન્ટે પહોંચ્યો હતો. ટ્રમ્પની ઇન્ટરેસ્ટ-રેટ નીચા રાખવાની અપીલ બાદ ઇન્ફ્લેશન ગમે એટલું વધે ઇન્ટરેસ્ટ-રેટમાં વધારો થવાની કોઈ શક્યતા ન હોવાથી ડૉલર ઇન્ડેક્સ સતત ઘટી રહ્યો છે.
ચીનની સેન્ટ્રલ બૅન્કે સતત ચોથી વખત લોન પ્રાઇમ રેટ જાળવી રાખવાનો નિર્ણય પૉલિસી મીટિંગમાં લીધો હતો. એક વર્ષના લોન પ્રાઇમ-રેટને ૩.૧ ટકા અને પાંચ વર્ષના લોન પ્રાઇમ-રેટને ૩.૬ ટકા જાળવી રાખ્યા હતા. ગયા વર્ષે જુલાઈ અને ઑક્ટોબરમાં લોન પ્રાઇમ-રેટમાં ઘટાડો કર્યા બાદ બન્ને રેટ હાલ અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ છે.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
ફેડની જાન્યુઆરી મહિનાની મીટિંગની મિનિટ્સમાં તમામ મેમ્બરોએ ઇન્ફ્લેશનમાં વધારો થવાની શક્યતા બતાવી હતી છતાં એક પણ મેમ્બરે ઇન્ફ્લેશનના વધારા સામે ઇન્ટરેસ્ટ-રેટમાં વધારો કરવાની વાત કહી નહોતી. જૂન ૨૦૨૨માં અમેરિકન ઇન્ફ્લેશન ૪૦ વર્ષની ઊંચાઈએ ૯.૧ ટકાએ પહોંચ્યું ત્યારથી ફેડે ઇન્ટરેસ્ટ-રેટમાં શ્રેણીબદ્ધ વધારો કરવાનું ચાલુ કરીને ગયા સપ્ટેમ્બરમાં ઇન્ટરેસ્ટ-રેટને ઘટાડીને ૨.૪ ટકાએ પહોંચાડ્યો હતો. માર્ચ ૨૦૨૨થી માંડીને જુલાઈ ૨૦૨૩ સુધીમાં ફેડે ૧૧ વખત ઇન્ટરેસ્ટ-રેટ વધારીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ-રેટને ૦.૨૫ ટકાથી વધારીને ૫.૫ ટકાએ પહોંચાડ્યો હતો. હાલ હેડલાઇન ઇન્ફ્લેશન ત્રણ ટકા અને કોર ઇન્ફ્લેશન ૩.૩ ટકા છે. ફેડના ઇન્ફ્લેશનનો ટાર્ગેટ બે ટકાનો છે ત્યારે ઇન્ટરેસ્ટ-રેટમાં વધારો કરવાની કોઈ વાત નથી કરતું એ બતાવે છે કે ટ્રમ્પ ઇન્ટરેસ્ટ-રેટમાં વધારાને કોઈ રીતે સ્વીકારે એમ નથી તેમ જ યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક સહિત તમામ બૅન્કોએ ત્રણથી ચાર વખત રેટ-કટ કર્યા હોવાથી હવે ફેડને ઇન્ટરેસ્ટ-રેટમાં વધારો કરવો પોસાય એમ નથી. આમ, અમેરિકાના ઇન્ટરેસ્ટ-રેટ વધવાના ચાન્સ હવે એકદમ ઓછા હોવાથી ડૉલર સતત ઘટતો રહેશે જે સોનાની તેજીને સપોર્ટ કરશે. વળી સોનું ઇન્ફ્લેશનના વધારા સામે બેસ્ટ હેજિંગ ટૂલ્સ હોવાથી આગામી દિવસોમાં સોનાને ડૉલરની મંદીનો અને ઇન્ફ્લેશનના વધારા સામેની હેજિંગ ડિમાન્ડ, બન્નેનો સપોર્ટ મળતો રહેશે.

