વર્લ્ડ બૅન્કિંગ ક્રાઇસિસથી ફેડની ઇન્ટરેસ્ટ રેટ વધારવા વિશે કફોડી સ્થિતિથી સોનામાં સતત વધતી ખરીદી
પ્રતીકાત્મક તસવીર
યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ૫૦ બેસિસ પૉઇન્ટ વધારતાં યુરો સામે ડૉલર ઘટતાં સોનામાં વધુ મજબૂતી જોવા મળી હતી. રૂપિયાની મજબૂતી વધતાં મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૨૧ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૫૩૮ રૂપિયા ઘટ્યાં હતાં.
વિદેશી પ્રવાહ
ADVERTISEMENT
યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ગુરુવારે પૉલિસી મીટિંગમાં ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારો કરતાં યુરો મજબૂત બન્યો હતો અને ડૉલર ઘટ્યો હતો. આથી સોનામાં તેજીની આગેકૂચ વધી હતી અને ભાવ દોઢ મહિનાની ઊંચી સપાટીએ જળવાયેલા રહ્યા હતા. સોનું શુક્રવારે એક તબક્કે વધીને ૧૯૩૫ ડૉલર થયા બાદ છેલ્લે ૧૯૩૨થી ૧૯૩૩ ડૉલર હતું. સોનું વધતાં ચાંદી અને પ્લૅટિનમ પણ વધ્યાં હતાં, જોકે પૅલેડિયમમાં ઘટાડો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૩.૫૦ ટકાએ ૧૪ વર્ષની ઊંચાઈએ પહોંચાડ્યા હતા. યુરો એરિયાનું ઇન્ફ્લેશન સેન્ટ્રલ બૅન્કના બે ટકાના ટાર્ગેટથી સાડાચાર ગણું હોવાથી ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવો અનિવાર્ય હતો. વળી બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ડિસેમ્બર-૨૦૨૧થી અને ફેડે માર્ચ-૨૦૨૨થી ઇન્ટરેરસ્ટ રેટ વધારવાની શરૂઆત કરી હતી એની સરખામણીમાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે જુલાઈ-૨૦૨૨માં ઇન્ટરેસ્ટ રેટ વધારવાની શરૂઆત કરી હતી. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે જુલાઇમાં ૫૦ બેસિસ પૉઇન્ટ, સપ્ટેમ્બર-નવેમ્બરમાં ૭૫-૭૫ બેસિસ પૉઇન્ટ અને ડિસેમ્બર, ફેબ્રુઆરી, માર્ચમાં ૫૦-૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા હતા. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ૨૦૨૩માં ઇન્ફ્લેશન ઍવરેજ ૫.૩ ટકા, ૨૦૨૪માં ૨.૯ ટકા અને ૨૦૨૫માં ૨.૧ ટકા રહેવાનું પ્રોજેક્શન રાખ્યું છે. યુરો એરિયાનું ઇન્ફ્લેશન જાન્યુઆરીમાં ૮.૫ ટકા હતું. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક હજુ આગામી ઓછામાં ત્રણ મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં ૨૫થી ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરશે એવી ધારણા છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના ઇન્ટરેસ્ટ રેટ વધારા બાદ યુરો ડૉલર સામે વધીને ૧.૦૬ના લેવલે પહોંચ્યો હતો.
પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ રિઝર્વ રિક્વાયરમેન્ટ રેશિયોમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો હતો જેની અસર ૨૭મી માર્ચથી થશે. નવેમ્બર-૨૨ પછી પ્રથમ વખત પીપલ્સ બૅન્કે રિર્ઝવ રિક્વાયરમેન્ટ રેશિયો ઘટાડ્યો હતો. ચીનની મોટી બૅન્કોનો રિઝર્વ રિક્વાયરમેન્ટ રેશિયો હવે ૧૦.૭૫ ટકા રહેશે જે છેલ્લાં ૧૬ વર્ષનો સૌથી નીચો છે, જ્યારે ફાઇનૅન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ માટે ઍવરેજ રેશિયો ૭.૬ ટકા રહેશે.
અમેરિકી ડૉલર શુક્રવારે ઘટીને ૧૦૪ના લેવલે પહોંચ્યો હતો. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરતાં યુરોની મજબૂતીને પગલે ડૉલર ઘટ્યો હતો તેમ જ ઑસ્ટ્રેલિયન ઇન્ફ્લેશન ઘટતાં ઑસ્ટ્રેલિયન ડૉલરની મજબૂતી સામે અમેરિકી ડૉલર ઘટ્યો હતો ઉપરાંત અમેરિકાની બે બૅન્કોના ઉઠમણાને પગલે વધુ બૅન્કો કાચી પડવાની શક્યતાઓ ઍનલિસ્ટો દ્વારા ચર્ચાવાની શરૂ થતાં ફેડ આગામી મીટિંગમાં બૅન્કિંગ ક્રાઇસિસનો સામનો કઈ રીતે કરવો? એના પર ફોકસ રાખીને ઇન્ટરેસ્ટ રેટ વધારો માત્ર ૨૫ બેસિસ પૉઇન્ટ જ કરે એવી શક્યતાઓ વધતાં ડૉલર ઘટ્યો હતો.
અમેરિકન બિલ્ડિંગ પરમિટ ફેબ્રુઆરીમાં ૧૩.૮ ટકા વધીને પાંચ મહિનાની ઊંચાઈએ ૧૫.૨૪ લાખે પહોંચી હતી જે જાન્યુઆરીમાં ૦.૧ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૧૩.૪૦ લાખની હતી. ડિસેમ્બરમાં બિલ્ડિંગ પરમિટ ૩૧ મહિનાની નીચી સપાટીએ ૧૩.૩૭ લાખ હતી. સિંગલ ફૅમિલી બિલ્ડિંગની પરમિટ ૭.૬ ટકા વધીને ૭.૭૭ લાખે પહોંચી હતી, જ્યારે મલ્ટિ ફૅમિલી બિલ્ડિંગની પરમિટ ૨૧.૧ ટકા વધીને ૭.૪૭ ટકાએ પહોંચી હતી.
અમેરિકામાં બેરોજગારી ભથ્થું લેનારા નવા કૅન્ડિડેટની સંખ્યા ૧૧મી માર્ચે પૂરા થયેલા સપ્તાહના અંતે ૨૦ હજાર ઘટીને ૧.૯૨ લાખે પહોંચી હતી જેના વિશે માર્કેટની ધારણા ૨.૦૫ લાખની હતી. બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યાનો ઘટાડો જુલાઈ પછીનો સૌથી મોટો હતો, જ્યારે રેગ્યુલર બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૨૧,૩૯૬ ઘટીને ૨.૧૭ લાખે પહોંચી હતી.
અમેરિકાના હાઉસિંગ સ્ટાર્ટના નંબર ફેબ્રુઆરીમાં ૯.૮ ટકા વધીને પાંચ મહિનાની ઊંચાઈએ ૧૪.૫ લાખે પહોંચ્યા હતા જે માર્કેટની ૧૩.૧ લાખની ધારણા કરતાં ઊંચા હતા.
હાઉસિંગ સ્ટાર્ટના નંબર વધતાં હાઉસિંગ માર્કેટની સ્થિતિ સુધરી હતી. સિંગલ ફૅમિલી હાઉસિંગ સ્ટાર્ટમાં ૧.૧ ટકાનો વધારો થયો હતો, જ્યારે મલ્ટિ ફૅમિલી હાઉસિંગ સ્ટાર્ટ ૨૪.૧ ટકા વધ્યા હતા.
ઑસ્ટ્રેલિયાનું ઇન્ફ્લેશન ફેબ્રુઆરીમાં ઘટીને ૧૦.૯ ટકાએ પહોંચ્યું હતું જે જાન્યુઆરીમાં રેકૉર્ડબ્રેક ઊંચાઈએ ૧૧.૨ ટકા હતું. ઇન્ફ્લેશન ઘટવા માટે મુખ્યત્વે ફૂડ અને નૉન આલ્કોહૉલિક બેવરેજિસના ભાવનો વધારો ધીમો પડવાનું હતું. જોકે મન્થ્લી બેઝ પર ઇન્ફ્લેશન ૦.૯ ટકા વધ્યું હતું. રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાએ ઇન્ફ્લેશન વધારવા માટે સતત દસમી વખત ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા હતા હવે એનું પરિણામ મળી રહ્યું છે. ઑસ્ટ્રેલિયાનું ઇન્ફ્લેશન ઘટતાં ઑસ્ટ્રેલિયન ડૉલર પણ સુધર્યો હતો.