ફેડ સહિત તમામ સેન્ટ્રલ બૅન્કો દ્વારા ઇન્ટરેસ્ટ રેટ વધારવાના સંકેતો મળતાં ૨૦૨૪માં સોનામાં મોટી તેજીના ચાન્સ ઘટ્યા
પ્રતીકાત્મક તસવીર
યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટ વધારવાની તૈયારી દાખવતાં ડૉલરના ઘટાડાથી સોનામાં મજબૂતી જોવા મળી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૩ રૂપિયા વધ્યું હતું અને ચાંદી પ્રતિ કિલો ૧૯ રૂપિયા ઘટી હતી.
વિદેશ પ્રવાહ
યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે આગામી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવાની તૈયારી બતાવી હતી. આવો જ સંકેત ઑસ્ટ્રેલિયન સેન્ટ્રલ બૅન્ક દ્વારા બે દિવસ પહેલાં મળ્યો હોવાથી ડૉલર ઇન્ડેક્સ નજીવો ઘટ્યો હતો. ડૉલરની નબળાઈને પગલે સોનામાં પણ મજબૂતી જોવા મળી હતી. ચાલુ સપ્તાહે શુક્રવાર સુધીમાં સોનું ૦.૭ ટકા વધતાં સતત બીજે સપ્તાહે વીકલી વધારો જોવા મળ્યો હતો. શુક્રવારે સોનું વધીને એક તબક્કે ૧૯૯૫ ડૉલર થયા બાદ ૧૯૯૩થી ૧૯૯૪ ડૉલરના લેવલે પહોંચ્યું હતું. સોનું વધતાં ચાંદી અને પૅલેડિયમ સુધર્યાં હતાં.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ થૅન્ક્સગિવિંગ હૉલિડેને કારણે ૧૦૩.૮૨ પૉઇન્ટના લેવલે સ્ટેડી રહ્યા બાદ નજીવો ઘટ્યો હતો. ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન વધતાં તેમ જ અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ ઘટતાં હવે ૨૦૨૪માં ઇન્ટરેસ્ટ રેટ વધવા વિશે શંકા વધતાં ડૉલર ઇન્ડેક્સમાં વધુ ઘટાડો અટક્યો હતો. ફેડની ૧૩ ડિસેમ્બરે યોજાનારી મીટિંગમાં હાલ ઇન્ટરેસ્ટ રેટ હોલ્ડ રહેવાના ચાન્સ ૯૯.૪ ટકા છે અને ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થવાના ચાન્સ ઝીરો હોવાથી ડૉલર ઇન્ડેક્સમાં નવી તેજી જોવા મળી નહોતી. વળી યુરો, ઑસ્ટ્રેલિયન ડૉલર અને જૅપનીઝ યેનની મજબૂતીને કારણે ડૉલરને વધવાનો સપોર્ટ મળ્યો નહોતો.
યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની નવેમ્બરમાં યોજાયેલી મીટિંગની મિનિટ્સમાં ઇન્ફ્લેશન એકધારુ ઘટી રહ્યું હોવા છતાં તમામ મેમ્બરોએ ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો હતો. યુરો એરિયાનું ઇન્ફ્લેશન છેલ્લા ૧૨ મહિનાથી ઘટીને ઑક્ટોબરમાં ત્રણ ટકા રહ્યું હતું, જે નવેમ્બર ૨૦૨૩માં ૧૧.૧ ટકા હતું. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કનો ટાર્ગેટ ઇન્ફ્લેશનના બે ટકા હોવાથી ઇન્ટરેસ્ટ રેટ વધારાની જરૂરિયાત પર તમામ મેમ્બરોએ ભાર મૂક્યો હતો. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની મિનિટ્સ બાદ યુરો ડૉલર સામે વધીને ચાર મહિનાની ઊંચાઈએ ૧.૦૯ ડૉલરના લેવલે પહોંચ્યો હતો.
યુરો એરિયાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ પ્રિલિમિનરી ડેટામાં નવેમ્બરમાં વધીને છ મહિનાની ઊંચી સપાટીએ ૪૩.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઑક્ટોબરમાં ૪૩.૧ પૉઇન્ટ હતો તેમ જ માર્કેટની ધારણા ૪૩.૪ પૉઇન્ટની હતી. યુરો એરિયાના સર્વિસ સેક્ટરનો ગ્રોથ પ્રિલિમિનરી ડેટામાં નવેમ્બરમાં વધીને ૪૮.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૪૭.૮ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૮.૧ પૉઇન્ટની હતી. વાર્ષિક ધોરણે સર્વિસ સેક્ટરનો ગ્રોથ સતત ચોથે મહિને ઘટ્યો હતો. યુરો એરિયાના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ નવેમ્બરમાં વધીને ૪૭.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ત્રણ મહિનાની નીચી સપાટીએ ૪૬.૯ પૉઇન્ટ હતો.
જપાનનું ઇન્ફ્લેશન ઑક્ટોબરમાં વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ ૩.૩ ટકાએ પહોંચ્યું હતું જે સપ્ટેમ્બરમાં ત્રણ પૉઇન્ટ હતું. હાઉસહોલ્ડ યુટિલિટી, ફર્નિચર, કલ્ચર અને રિક્રીએશનનો ખર્ચ વધતાં જપાનનું ઇન્ફ્લેશન વધ્યું હતું. જપાનમાં ફૂડ પ્રાઇસ ઑક્ટોબરમાં ૮.૬ ટકા વધ્યું હતું જે સપ્ટેમ્બરમાં નવ ટકા વધ્યું હતું. જપાનનું કોર ઇન્ફ્લેશન ઑક્ટોબરમાં ૨.૯ ટકા રહ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૧૩ મહિનાની નીચી સપાટીએ ૨.૮ ટકા રહ્યું હતું.
જપાનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ પ્રિલિમિનરી ડેટામાં નવેમ્બરમાં ઘટીને નવ મહિનાની નીચી સપાટીએ ૪૮.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૪૮.૭ પૉઇન્ટ હતો. જપાનના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં સતત છઠ્ઠે મહિને ઘટાડો જોવા મળ્યો હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં નવા ઑર્ડર અને આઉટપુટ બન્ને ઝડપથી ઘટી રહ્યા છે, જ્યારે એમ્પ્લૉયમેન્ટ સતત બીજે મહિને ઘટ્યું હતું. ફ્યુઅલ, લેબર કૉસ્ટ મોંઘી થઈ હતી અને કરન્સી નબળી પડી રહી હોવાથી આઉટપુટ કૉસ્ટ વધી હતી. જોકે ઇન્પુટ કૉસ્ટ ઇન્ફ્લેશન ઘટીને ૨૭ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. જપાનના સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ પણ નજીવો વધ્યો હોવાથી જપાનના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ પ્રિલિમિનરી ડેટામાં નવેમ્બરમાં ઘટીને ૧૧ મહિનાની નીચી સપાટીએ ૫૦ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઑક્ટોબરમાં ૫૦.૫ પૉઇન્ટ હતો.
બ્રિટનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ પ્રિલિમિનરી ડેટામાં નવેમ્બરમાં વધીને ૪૬.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૪૪.૮ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૫ પૉઇન્ટની હતી. બ્રિટનના સર્વિસ સેક્ટરનો ગ્રોથ પ્રિલિમિનરી ડેટામાં નવેમ્બરમાં વધીને ૪૯.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૪૯.૩ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૯.૨ પૉઇન્ટની હતી. વાર્ષિક ધોરણે સર્વિસ સેક્ટરનો ગ્રોથ સતત ચોથા મહિને ઘટ્યો હતો. મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ મન્થ્લી વધતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ નવેમ્બરમાં વધીને ૫૦.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૪૮.૭ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા પણ ૪૮.૭ પૉઇન્ટની હતી.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
ઑસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટ વધારવાની તૈયારી બતાવ્યા બાદ હવે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે પણ આગામી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો સંકેત આપ્યો હતો. અમેરિકન ઇન્ફ્લેશનનું એક્સપેક્ટેશન વધ્યું હોવાથી ફેડને પણ આગામી દિવસોમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવાની ફરજ પડશે. જો ફેડ ઇન્ટરેસ્ટ રેટ નહીં વધારે તો પણ ઇન્ટરેસ્ટ રેટ નજીકના ભવિષ્યમાં ઘટવાની શક્યતા હવે ધૂંધળી બની રહી છે. ફેડની ડિસેમ્બર અને જાન્યુઆરી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ હોલ્ડ રહેવાના ચાન્સ હજી પણ ૯૦ ટકા ઉપર છે. અમેરિકી ડૉલરની મૂવમેન્ટ હાલ અનિશ્ચિતતાને કારણે અટકી ગઈ છે. અમેરિકા સહિત તમામ દેશોનું ઇન્ફ્લેશન નવેમ્બર અને ડિસેમ્બરમાં કેવું રહે છે? એ ઇન્ટરેસ્ટ રેટનો નિર્ણય લેવા માટે નિર્ણાયક બનશે. જપાન લાંબા સમયથી નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી અપનાવી રહ્યું હોવા છતાં ઑક્ટોબર મહિનાનું હેડલાઇન ઇન્ફ્લેશન ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું છે. જૅપનીઝ કરન્સી યેન ઝડપથી ઘટી રહ્યો હોવાથી બૅન્ક ઑફ જપાનનું હવે પછીનું સ્ટેન્ડ ડૉલરની દિશા નક્કી કરવા માટે મહત્ત્વનું બની રહેશે. ૨૦૨૪માં સોનામાં મોટી તેજી આવવાના ચાન્સ છેલ્લા બે દિવસથી થોડા ઘટ્યા છે.