અમેરિકાની એક્સપોર્ટ વધીને એક વર્ષની ઊંચાઈએ પહોંચતાં ડૉલર અને બૉન્ડ-યીલ્ડ વધ્યાં
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
ફેડના મોટા ભાગના મેમ્બરો ઇન્ટરેસ્ટે રેટમાં વધારો કરવાની તરફેણમાં રહેતાં ડૉલર અને બૉન્ડ-યીલ્ડની મજબૂતીથી સોનું સતત ત્રીજે દિવસે ઘટ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૯ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૪૯૬ રૂપિયા ઘટ્યાં હતાં. મુંબઈમાં દિવાળીના તહેવારો પહેલાં છેલ્લા ચાર દિવસથી સોનાનો ભાવ ઘટી રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં સોનાનો ભાવ ૫૫૨ રૂપિયા ઘટ્યો હતો.
વિદેશ પ્રવાહ
ADVERTISEMENT
ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલની અગત્યની સ્પીચ પહેલાં મોટા ભાગના ફેડ મેમ્બરોએ ઇન્ટરેસ્ટ રેટ વધારાની તરફેણમાં કમેન્ટ કરતાં ડૉલર સતત બીજે દિવસે વધ્યો હતો અને ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ વધ્યાં હતાં જેને કારણે સોનાની ખરીદીનું આકર્ષણ ઘટ્યું હતું અને સોનું મંગળવારે ઘટીને ૧૯૫૬.૭૦ ડૉલર થયા બાદ બુધવારે પણ સવારથી સોનું ઘટતું રહ્યા બાદ સાંજે ૧૯૬૧થી ૧૯૬૨ ડૉલરની રેન્જમાં હતું. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો ડૉલર ઇન્ડેક્સ એકધારો મજબૂત બની રહ્યો છે, બુધવારે સવારે ડૉલર ઇન્ડેક્સ ૦.૧૪ ટકા વધીને ૧૦૫.૬૭ પૉઇન્ટે પહોંચ્યો હતો. ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલની સ્પીચમાં ઇન્ટરેસ્ટ રેટની દિશા વિશે સ્પષ્ટ સંકેત મળવાની ધારણાએ ડૉલરમાં ખરીદી વધી રહી છે. અમેરિકન ઇન્ટરેસ્ટ રેટ હાલ મહત્તમ ઊંચાઈએ પહોંચ્યા હોવાની કમેન્ટ અન્ય ફેડ ઑફિશ્યલ્સ તરફથી આવી રહી છે. મિનિયોપૉલિસીના ફેડ પ્રેસિડન્ટ નીલ કાશકરીએ જણાવ્યું હતું કે ઇન્ફ્લેશન સામેની જીત હવે નજીક દેખાઈ રહી છે, જ્યારે શિકાગો ફેડ પ્રેસિડન્ટ ઑગસ્ટિંગ ગોલ્સ્બેએ હજી પણ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થવાની શક્યતા બતાવી હતી. અમેરિકન ટ્રેડ ડેફિસિટ ધારણા કરતાં વધુ આવતાં ઇકૉનૉમિક ફ્રન્ટ પર સ્થિતિ ખરાબ બની રહી છે.
અમેરિકાની એક્સપોર્ટ સપ્ટેમ્બરમાં ૨.૨ ટકા વધીને એક વર્ષની ઊંચાઈએ ૨૬૧.૧ અબજ ડૉલરે પહોંચી હતી. ખાસ કરીને ઇન્ડસ્ટ્રિયલ સપ્લાય અને મટીરિયલની એક્સપોર્ટ મોટે પાયે વધી હતી. સોયાબીન અને મકાઈની એક્સપોર્ટ વધી હોવાથી ફૂડ, ફીડ અને બેવરેજની એક્સપોર્ટ વધી હતી. અમેરિકાની ઇમ્પોર્ટ પણ ૨.૭ ટકા વધીને સાત મહિનાની ઊંચાઈએ પહોંચી હતી જે સપ્ટેમ્બરમાં ૮.૬ અબજ ડૉલર વધીને ૩૨૨.૭ અબજ ડૉલરે પહોંચી હતી. એક્સપોર્ટના વધારા સાથે ઇમ્પોર્ટ પણ વધતાં અમેરિકાની ટ્રેડ ડેફિસિટ સપ્ટેમ્બરમાં વધીને ૬૧.૫ અબજ ડૉલરે પહોંચી હતી જે ઑગસ્ટમાં ૫૮.૭ અબજ ડૉલર હતી અને માર્કેટની ધારણા ૫૯.૯ અબજ ડૉલરની હતી. જોકે ટ્રેડ ડેફિસિટ સતત ઘટી રહી છે
અમેરિકાનો લૉજિસ્ટિક મૅનેજર ઇન્ડેક્સ ઑક્ટોબરમાં સતત ત્રીજે મહિને વધીને નવ મહિનાની ઊંચાઈએ ૫૬.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૫૨.૪ પૉઇન્ટ હતો. વેરહાઉસ કૅપિસિટી અને ટ્રાન્સપોર્ટેશન કૅપિસિટી ઘટતાં લૉજિસ્ટિક ઍક્ટિવિટી વધી હતી. ટ્રાન્સપોર્ટેશન પ્રાઇસ ઘટતાં ઍક્ટિવિટીમાં વધારો થયો હતો.
અમેરિકામાં હાઉસહોલ્ડ ડેબ્ટ સતત વધી રહી છે, ૨૦૨૩ના થર્ડ ક્વૉર્ટરમાં હાઉસહોલ્ડ ડેબ્ટ ૧.૩ ટકા વધીને ૧૭.૨૯ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરે પહોંચી હતી જે નવી રેકૉર્ડબ્રેક ઊંચાઈ હતી. મૉર્ગેજ બૅલૅન્સ વધીને ૧૨.૧૪ ટ્રિલ્યન, ક્રેડિટ કાર્ડ બૅલૅન્સ વધીને ૧.૦૮ ટ્રિલ્યન ડૉલર, સ્ટુડન્ટ લોન બૅલૅન્સ વધીને ૧.૬ ટ્રિલ્યન ડૉલર અને ઑટો લોન બૅલૅન્સ પણ વધીને ૧.૬ ટ્રિલ્યન ડૉલરે પહોંચી હતી. ૨૦૧૧થી અમેરિકન હાઉસહોલ્ડ ડેબ્ટ વધી રહી છે. ક્રેડિટ કાર્ડ બૅલૅન્સ થર્ડ ક્વૉર્ટરમાં સૌથી વધુ વધી હતી જેને ઇકૉનૉમિસ્ટો સ્ટ્રૉન્ગ કન્ઝ્યુમર સ્પેન્ડિંગ અને રિયલ ઇકૉનૉમિક ગ્રોથને સંકેત આપી રહ્યા છે.
અમેરિકામાં કન્ઝ્યુમર ક્રેડિટ સપ્ટેમ્બરમાં ૯.૦૬ અબજ ડૉલર વધી હતી જે ઑગસ્ટમાં ૧૫.૭ અબજ ડૉલર ઘટી હતી. જોકે માર્કેટની ધારણા ૧૧.૭ અબજ ડૉલર વધારાની હતી. ક્રેડિટ કાર્ડનો વપરાશ વધી રહ્યો છે અને ઑટો તથા સ્ટુડન્ટ લોન લેનારાઓની સંખ્યા પણ વધી રહી હોવાથી કન્ઝ્યુમર ક્રેડિટ સપ્ટેમ્બરમાં વધી હતી.
જપાનના ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન, એમ્પ્લૉયમેન્ટ અને રીટેલ સેલ્સ ઍક્ટિવિટીને બતાવતો કો-ઇન્સિડન્ટ ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં વધીને ત્રણ મહિનાની ઊંચી સપાટીએ ૧૧૪.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૧૧૪.૬ પૉઇન્ટ હતો. કો-ઇન્સિડન્ટ ઇન્ડેક્સનો વધારો ઇકૉનૉમિક રિકવરીનો સંકેત આપે છે. જપાનમાં જૉબ-ઑફર અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટને બતાવતો લીડિંગ ઇકૉનૉમિક ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં ઘટીને ૧૦૮.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૧૦૯.૨ પૉઇન્ટ હતો. જપાનમાં કન્ઝ્યુમર કન્ફિડન્સ છ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં લીડિંગ ઇકૉનૉમિક ઇન્ડેક્સ ઘટ્યો હતો.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
વર્લ્ડના ૪૦ ટૉપ લેવલના દેશોનું ઍવરેજ ઇન્ફ્લેશન ઑક્ટોબર મહિનામાં ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હોવાનું સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સ દ્વારા તૈયાર કરાયેલા ડેટામાં જણાવાયું હતું. જોકે હજી ગુડ્સ અને સર્વિસ સેક્ટરનું ઇન્ફ્લેશન કોરોના પહેલાંની સ્થિતિએ પહોંચ્યું નથી, પણ આગામી મહિનાઓમાં ઇન્ફ્લેશનરી પ્રેશર અનેક દેશોમાં ઓછું થવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. અમેરિકાનું ઇન્ફ્લેશન ૯.૧ ટકાથી ઘટીને હાલ ૩.૭ ટકાએ પહોંચ્યું છે જે જૂનમાં એક વખત ત્રણ ટકા થયું હતું. ઇન્ફ્લેશનરી પ્રેશર ઘટતાં ઇન્ટરેસ્ટ વધારાની સાઇકલ ૨૦૨૪માં પૂરી થઈને ઇન્ફ્લેશન ઘટાડવાનો દોર ચાલુ થશે. સી.એમ.ઈ. ફેડ વૉચ જુલાઈ ૨૦૨૪માં અમેરિકન ઇન્ટરેસ્ટ રેટ ઘટવાના ચાન્સ ૮૮ ટકા બતાવી રહ્યું હોવાથી ૨૦૨૪માં ડૉલર ઇન્ડેક્સ ૧૦૦ પૉઇન્ટની નીચે ૨૦૨૪માં જઈ શકે છે જે સોનાની તેજીને સપોર્ટિવ રહેશે. ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ ૩૧મા દિવસમાં પ્રવેશ્યું હતું.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૬૦,૫૪૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૬૦,૨૯૮
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૭૦,૨૦૯
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)