ફેડના મોટા ભાગના ઑફિશ્યલ્સની રેટ-કટ વિરુદ્ધની કમેન્ટથી સોનામાં વધી વેચવાલી ઃ મુંબઈમાં સોનાનો ભાવ ૮૪૪ અને ચાંદીનો ભાવ ૭૨૧ રૂપિયા ઘટ્યો
કોમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
અમેરિકી ઇન્ફ્લેશનનો અંદાજ ઊંચો રહેતાં રેટ-કટ લંબાવાની શક્યતાથી વર્લ્ડ માર્કેટમાં સોનું સોમવારે ૧૬થી ૧૭ ડૉલર ઘટીને ૨૩૪૩થી ૨૩૪૪ ડૉલરની રેન્જમાં પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૮૪૪ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૭૨૧ રૂપિયા ઘટ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ ૦.૦૧ ટકા વધીને ૧૦૫.૩૧ પૉઇન્ટે પહોંચ્યો હતો. ફેડના ગવર્નર માઇકલ બોમેને જણાવ્યું હતું કે ૨૦૨૪માં ઇન્ટરેસ્ટ-રેટમાં ઘટાડો કરવાનું કોઈ રીતે યોગ્ય નથી, જ્યારે ડલાસના ફેડ પ્રેસિડન્ટ લોરી લોગને જણાવ્યું હતું કે ઇન્ટરેસ્ટ-રેટમાં ઘટાડો કરવાનો વિચાર કરવાનું હાલ ઘણું વહેલું છે. ફેડના બે ઑફિશ્યલ્સની કમેન્ટ બાદ રેટ-કટ લંબાઈ જવાની શક્યતા વધતાં ડૉલર ઇન્ડેક્સ મજબૂત રહ્યો હતો. અમેરિકાનો કન્ઝ્યુમર કૉન્ફિડન્સ ઇન્ડેક્સ મે મહિનામાં ઘટીને છ મહિનાની નીચી સપાટીએ ૬૭.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે એપ્રિલમાં ૭૭.૨ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૭૬ પૉઇન્ટની હતી.
ADVERTISEMENT
ચીનનું કન્ઝ્યુમર ઇન્ફ્લેશન એપ્રિલમાં વધીને ૦.૩ ટકાએ પહોંચ્યું હતું જે માર્ચમાં ૦.૧ ટકા હતું. કન્ઝ્યુમર ઇન્ફ્લેશનમાં આ સતત ત્રીજે મહિને વધારો થતાં હવે ડિફ્લેશનનો ભય થોડો ઘટ્યો હતો. જોકે ચીનમાં ફૂડ પ્રાઇસ સતત દસમા મહિને ઘટી હતી અને પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન સતત ૧૯મા મહિને ઘટ્યું હતું. ચાલુ સપ્તાહે અમેરિકાના એપ્રિલ મહિનાના ઇન્ફ્લેશનના ડેટા જાહેર થવાના છે. આ ઉપરાંત અમેરિકાના રીટેલ સેલ્સના ડેટા, ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન, ટ્રેડ ડેટા, હાઉસિંગ સ્ટાર્ટ અને બિલ્ડિંગ પરમિટના ડેટા જાહેર થશે. આ ઉપરાંત ફેડના અનેક ઑફિશ્યલ્સની સ્પીચ યોજાયેલી છે જેમાં રેટ-કટ વિશે વધુ નિર્દેશો મળશે. ચાલુ સપ્તાહે ચીનના પણ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન, રીટેલ સેલ્સ, ફિક્સ્ડ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટ, હાઉસિંગ પ્રાઇસ અને અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ જાહેર થશે. જપાનનો ફર્સ્ટ ક્વૉર્ટરનો ગ્રોથ-રેટ ચાલુ સપ્તાહે જાહેર થશે.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
અમેરિકાના એપ્રિલ મહિનાના ઇન્ફ્લેશનના ડેટા ચાલુ સપ્તાહે ભારતીય ટાઇમ પ્રમાણે બુધવારે રાત્રે જાહેર થશે. અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટા અને ફેડનો ઇન્ટરેસ્ટ-રેટ ઘટાડાનો નિર્ણય એકબીજા સાથે સંકળાયેલો હોવાથી સોનાની તેજી-મંદી માટે ઇન્ફ્લેશનના ડેટા બહુ જ મહત્ત્વના બની રહેશે. અમેરિકન ઇન્ફ્લેશનનો ફેડનો ટાર્ગેટ બે ટકાનો છે જેને હાંસલ કરવા ફેડે માર્ચ ૨૦૨૨થી અગિયાર વખત ઇન્ટરેસ્ટ-રેટ વધારીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ-રેટને ૦.૨૫-૦.૫૦ ટકાથી વધારીને ૫.૨૫-૫.૫૦ ટકા કર્યો હતો. અમેરિકન ઇન્ફ્લેશન ૨૦૨૩માં સાડાચાલીસ વર્ષની ઊંચાઈએ ૯.૧ ટકાએ પહોંચ્યું હતું, જે ઘટીને જૂન ૨૦૨૩માં ત્રણ ટકા થયા બાદ ગયા માર્ચમાં વધીને ૩.૫ ટકા રહ્યું હતું. બુધવારે એપ્રિલ મહિનાનું ઇન્ફ્લેશન ઘટીને ૩.૪ ટકા આવવાની ધારણા છે. ફેડના ૯૦ ટકા ઑફિશ્યલ્સ માને છે કે જ્યાં સુધી ઇન્ફ્લેશનનો બે ટકાનો ટાર્ગેટ હાંસલ ન થાય ત્યાં સુધી ઇન્ટરેસ્ટ-રેટમાં ઘટાડો ન કરવો. આમ, જો અમેરિકાનું ઇન્ફ્લેશન બુધવારે ૩.૪ ટકા આવે તો ૨૦૨૪માં ઇન્ટરેસ્ટ-રેટમાં ઘટાડો શરૂ થવાની શક્યતા નહીં રહે, પણ જો ઇન્ફ્લેશન ૩.૪ ટકાથી ઘટીને ૩.૨ કે ૩.૧ ટકા આવશે તો સોનામાં મોટો ઉછાળો જોવા મળશે.