ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક લગાવશે તો ડૉલર ઘટવાની શક્યતાએ સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
સોનામાં સતત તેજીની આગેકૂચ ચાલુ રહી હતી. ફેડે ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક લગાવવાનો સંકેત આપતાં ડૉલર ઘટવાની શક્યતાએ સોનામાં સતત ખરીદી વધી રહી છે. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૫૬૭ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૬૨૦ રૂપિયા વધ્યાં હતાં.
વિદેશી પ્રવાહ
અમેરિકન ફેડરલ રિઝર્વે ઇન્ટરેસ્ટ રેટમાં વધારાને બ્રેક લગાવવાનો સંકેત આપ્યા બાદ છેલ્લા બે દિવસથી સોનું સતત વધી રહ્યું છે. ગુરુવારે સોનું વધીને ૨૦૦૪.૫૦ ડૉલરની સપાટીએ પહોંચ્યું હતું. અમેરિકી ડૉલર ઘટીને સાત સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા બાદ શુક્રવારે થોડું સુધરતાં સોનું સવારે ઘટ્યું હતું, પણ આ ઘટાડો લાંબો ટક્યો નહોતો અને સોનું શુક્રવારે પણ ઘટ્યા બાદ વધીને ૨૦૦૧.૩૦ ડૉલર થયું હતું. શુક્રવારે સાંજે સોનું ૧૯૯૮થી ૧૯૯૯ ડૉલરની રેન્જમાં હતું. સોનું વધતાં ચાંદી પણ વધી હતી, પણ પ્લૅટિનમ અને પૅલેડિયમ ઘટ્યાં હતાં.
ADVERTISEMENT
ઇકૉનોમિક ઇન્ડિકેટર
બ્રિટનમાં એકતરફ મોંઘવારી એની પરાકાષ્ઠાએ છે ત્યારે ફેબ્રુઆરી મહિનામાં આશ્ચર્યજનક રીતે રીટેલ સેલ્સમાં ૧.૨ ટકાનો વધારો નોંધાયો હતો, જેમાં જાન્યુઆરીમાં ૦.૯ ટકાનો વધારો હતો અને માર્કેટની ધારણા ૦.૨ ટકા વધારાની હતી. રીટેલ સેલ્સમાં ફેબ્રુઆરીમાં થયેલો વધારો છેલ્લા ચાર મહિનાનો સૌથી મોટો વધારો હતો. રીટેલ સેલ્સમાં વધારો થવાનું મુખ્ય કારણ ડિસ્કાઉન્ટેડ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં નોન ફુડ આઇટમોનું સેલ્સ ફેબ્રુઆરીમાં ૨.૪ ટકા વધ્યું હતું અને ફુડ સ્ટોરનું સેલ્સ પણ ૦.૯ ટકા વધ્યું હતું જો કે છેલ્લા ત્રણ મહિનામાં રીટેલ સેલ્સ ૦.૩ ટકા ઘટ્યું હતું.
બ્રિટનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ પ્રિલિમિનરી રિપોર્ટમાં માર્ચમાં ઘટીને ૪૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૪૯.૩ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૯.૮ પૉઇન્ટની હતી. બ્રિટનના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં સતત આઠમા મહિને ઘટાડો જોવા મળ્યો હતો. બ્રિટનનો પ્રિલિમિનરી સર્વિસ સેક્ટરનો ગ્રોથ માર્ચમાં ઘટીને ૫૨.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૩.૫ પૉઇન્ટ હતો તેમ જ માર્કેટની ધારણા ૫૩ પૉઇન્ટની હતી. બ્રિટનનો મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઘટતાં પ્રાઇવેટ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ માર્ચમાં ઘટીને ૫૨.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં આઠ મહિનાની ઊંચી સપાટીએ ૫૩.૧ પૉઇન્ટ હતો. પ્રાઇવેટ સેક્ટરના ગ્રોથ વિશે માર્કેટની ધારણા ૫૨.૮ પૉઇન્ટની હતી.
યુરો એરિયાનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ માર્ચમાં ઘટીને ૪૭.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૪૮.૫ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૯ પૉઇન્ટની હતી. યુરો એરિયાના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં સતત બીજે મહિને ઘટાડો જોવા મળ્યો હતો. યુરો એરિયાના સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ માર્ચમાં વધીને ૧૦ મહિનાની ઊંચી સપાટીએ ૫૫.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૨.૭ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૨.૫ પૉઇન્ટની હતી. યુરો એરિયાના સર્વિસ સેક્ટરના ગ્રોથના સહારે પ્રાઇવેટ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ માર્ચમાં વધીને ૫૪.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં બાવન પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૧.૯ પૉઇન્ટની હતી. પ્રાઇવેટ સેક્ટરમાં નવા ઑર્ડર સતત બીજે મહિને ઘટ્યા હતા અને ઇન્ફ્લેશન પ્રેશર ઘટતાં ઇનપુટ કૉસ્ટ ઘટી હતી એનો ફાયદો મળ્યો હતો.
જપાનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ પ્રિલિમિનરી રિપોર્ટમાં માર્ચમાં વધીને ૪૮.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૪૭.૭ પૉઇન્ટ હતો. મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ વાર્ષિક ધોરણે સતત પાંચમા મહિને ઘટ્યું હતું. જપાનનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ માર્ચમાં વધીને ૫૪.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૪ પૉઇન્ટ હતો. જપાનના સર્વિસ સેક્ટરમાં સતત સાતમા મહિને વધારો જોવા મળ્યો હતો. જપાનના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ માર્ચમાં વધીને ૫૧.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૧.૧ પૉઇન્ટ હતો. જપાનના પ્રાઇવેટ સેક્ટરના ગ્રોથમાં સતત ત્રીજા મહિને વધારો થયો હતો.
જપાનનું ઇન્ફ્લેશન ફેબ્રુઆરીમાં ઘટીને ૩.૩ ટકાએ પહોંચ્યું હતું જે જાન્યુઆરીમાં ૪૧ વર્ષની ઊંચાઈએ ૪.૩ ટકા હતું. જપાનનું ઇન્ફ્લેશન ફેબ્રુઆરીમાં છ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું જે એક મહત્ત્વનું ડેવલપમેન્ટ હતું. બૅન્ક ઑફ જપાન દ્વારા નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસીને લાંબા સમયથી જાળવી રાખવામાં આવી હતી. જાન્યુઆરીમાં ઇન્ફ્લેશન ૪૧ વર્ષની ઊંચાઈએ પહોંચતાં બૅન્ક ઑફ જપાન નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસીમાં ફેરફાર કરશે કે કેમ એ પ્રશ્ન ચર્ચાવાનો શરૂ થયો હતો.
અમેરિકી ડૉલર શુક્રવારે ૧૦૨.૬ના લેવલે સ્ટેડી હતો. ફેડરલ રિઝર્વે ૨૫ બેસિસ પૉઇન્ટ વધાર્યા બાદ ઇન્ફ્લેશન સામેની લડત ચાલુ રાખવાની જાહેરાત કરીને હજુ જરૂર પડશે તો ઇન્ટરેસ્ટ રેટ વધારવામાં આવશે એવી કમેન્ટ કરી હતી જેને પગલે ડૉલર વધુ ઘટતો અટક્યો હતો. કાચી પડેલી ક્રેડિટ સુઈસને યુનાઇટેડ બૅન્ક ઑફ સ્વિટ્ઝરલૅન્ડે ટેકઓવર કરતાં અને અમેરિકન બૅન્કિંગ ડિપોઝિટરોને સરકારે તેમની ડિપોઝિટની ખાતરી આપતાં બૅન્કિંગ ક્રાઇસિસ હળવી થયાની શક્યતાએ ડૉલર નજીવો સુધર્યો હતો.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
૨૦૨૨માં વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોએ કરેલી સોનાની ખરીદી છેલ્લાં ૫૫ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી. ૨૦૨૩ના આરંભથી ચીનની સેન્ટ્રલ બૅન્ક દ્વારા સોનાની સતત ખરીદી ચાલુ છે. અમેરિકી ડૉલરને પછાડવા અનેક દેશો આતુર હોવાથી ૨૦૨૩માં અનેક દેશોની સેન્ટ્રલ બૅન્કો દ્વારા સોનાની મોટી ખરીદી થવાની ધારણા છે. રશિયાએ ૨૦૨૦ અને ૨૦૨૧માં સોનાની મોટી ખરીદી કરી હતી ત્યાર બાદ ૨૦૨૨માં યુક્રેન સાથે યુદ્ધ ચાલુ થયા બાદ રશિયા દ્વારા સોનાની ખરીદીના ડેટા જાહેર થયા નહોતા, પણ રશિયાની સેન્ટ્રલ બૅન્કે જાહેર કર્યું હતું કે યુક્રેન સાથે યુદ્ધ ચાલુ થયા બાદ
અત્યાર સુધીમાં રશિયાએ ૩૧ ટન સોનાની ખરીદી કરી છે. ૨૦૨૩માં સેન્ટ્રલ બૅન્કોની ખરીદીનો પ્રવાહ આગળ જતાં જો વધશે તો સોનાની તેજી માટે મોટો સપોર્ટ બનશે.