ઇઝરાયલ-હમાસ યુદ્ધ સમાપ્તિની ઑફર નેતન્યાહુએ ફગાવી દેતાં બન્ને પક્ષે આક્રમકતા વધી
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટ સામે મિડલ ઈસ્ટમાં સતત ટેન્શન વધી રહ્યું હોવાથી બેતરફી કારણોથી સોનું દિશાવિહીન બન્યું છે. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ
૧૦ ગ્રામ ૧૨ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૬૮૮ રૂપિયા વધ્યો હતો.
વિદેશ પ્રવાહ
છેલ્લા બે મહિનાથી અમેરિકાના ૯૫ ટકાથી વધુ ઇકૉનૉમિક ડેટા ધારણા કરતાં વધુ સ્ટ્રૉન્ગ આવી રહ્યા છે જેને પગલે અમેરિકન ડૉલર મજબૂત બની રહ્યો છે અને ઇન્ટરેસ્ટ રેટ ઘટાડો મોડો શરૂ થશે એના ચાન્સ વધી રહ્યા છે. બીજી તરફ ઇઝરાયલ દ્વારા ચાર મહિનાથી હમાસના આંતકવાદીઓને ઢેર કરવાના આક્રમક પ્રયાસો બાદ હમાસે યુદ્ધ-સમાપ્તિની ઑફર કરી હતી એને પણ ઇઝરાયેલે ફગાવી દીધી છે. ઉપરાંત આતંકવાદીઓ પર અમેરિકાએ પણ અટૅક ચાલુ કરતાં મિડલ-ઈસ્ટમાં ટેન્શન વધ્યું છે. આમ સોનાની તેજી-મંદીનાં બે તરફી કારણોથી સોનું દિશાવિહીન બનીને ટૂંકી વધ-ઘટે અથડાઈ રહ્યું છે. વર્લ્ડ માર્કેટમાં શુક્રવારે સોનું વધીને ૨૦૩૫.૫૦ ડૉલર થયા બાદ ઘટીને ૨૦૩૦ ડૉલર થયા બાદ સાંજે ૨૦૩૨થી ૨૦૩૩ ડૉલરની રેન્જમાં હતું. આવી રેન્જ લાંબા સમયથી જોવા મળી રહી છે. શુક્રવારે ચાંદી સુધરી હતી, જ્યારે પ્લૅટિનમ અને પૅલેડિયમ ડૉલરની મજબૂતીને કારણે ઘટ્યાં હતાં.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ શુક્રવારે ૦.૦૭ ટકા વધીને ૧૦૪.૨૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ગુરુવારે ૧૦૪.૧૭ પૉઇન્ટ હતો. સીએમઈ ફેડ વૉચના રિપોર્ટ અનુસાર માર્ચ બાદ હવે મે મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ હોલ્ડ રહેવાના ચાન્સ દિવસે-દિવસે વધી રહ્યા છે. હાલ મે મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ હોલ્ડ રહેવાના ચાન્સ ૩૮ ટકાએ પહોંચ્યા હતા જે એક દિવસ અગાઉ ૩૩.૮ હતા. આથી માર્ચ અને મે મહિનાની ફેડની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ હોલ્ડ રહેવાના ચાન્સ વધી રહ્યા છે. અમેરિકાના અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ ડેટા પણ સ્ટ્રૉન્ગ આવ્યા હોવાથી ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાના ચાન્સ વધુ ઘટ્યા હતા. બોસ્ટન ફેડ પ્રેસિડન્ટ સુશાન કૉલિંગે ઇન્ટરેસ્ટ રેટ વર્ષના અંતે ઘટાડવાની ભલામણ કરી હતી. અમેરિકન ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ નજીવા ઘટીને ૪.૧૬ ટકાના લેવલે પહોંચ્યાં હતાં. ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ સતત મજબૂત બની રહ્યાં છે.
અમેરિકાના નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ ૨ ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહના અંતે નવ હજાર ઘટીને ૨.૧૮ લાખે પહોંચ્યા હતા જેના વિશે માર્કેટની ધારણા ૨.૨૦ લાખની હતી. એક્ઝિસ્ટિંગ અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ ૨૩ હજાર ઘટીને ૧૮.૭૧ લાખે પહોંચ્યા હતા. અમેરિકાના ૩૦ વર્ષના મૉર્ગેજ રેટ ૮મી ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહના અંતે એક બેસિસ પૉઇન્ટ વધીને ૬.૬૪ ટકાએ પહોંચ્યા હતા જે એક વર્ષ અગાઉ ૬.૧૨ ટકા હતા.
અમેરિકન ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડો જે રીતે પાછો ઠેલાઈ રહ્યો છે એવી જ સ્થિતિ હવે યુરો એરિયામાં બની રહી છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક ૨૦૨૪ના પ્રારંભે ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરશે એવી શક્યતા છેલ્લા બે મહિનાથી ચર્ચાઈ રહી હતી, પણ યુરો એરિયાના ચીફ ઇકૉનૉમિસ્ટ ફિલિપ્સ લેને અને બેલ્જિયમની સેન્ટ્રલ બૅન્કના ચીફ પેરી વૉન્ચે જણાવ્યું હતું કે ઇન્ફલેશન બે ટકાના ટાર્ગેટ સુધી ઘટશે એના હજી વધુ સંકેતો મળે ત્યાર બાદ જ યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવો જોઈએ. આ કમેન્ટ બાદ હવે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક એપ્રિલ સુધી ઇન્ટરેસ્ટ રેટમાં કોઈ ઘટાડો નહીં કરે એવી શક્યતા વધતાં
યુરોનું મૂલ્ય કરન્સી બાસ્કેટમાં ઘટીને અઢી મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. ચીનમાં જાન્યુઆરીમાં ૪.૯૨ ટ્રિલ્યન (લાખ કરોડ) યુઆનની બૅન્ક-લોન લેવામાં આવી હતી જે છેલ્લાં ૨૦ વર્ષની સૌથી વધુ હતી. માર્કેટની ધારણા ૪.૫૦ હતી. મૉર્ગેજ લોન વધીને ૯૮૦.૧ અબજ યુઆન અને કૉર્પોરેટ લોન વધીને ૯૮૦.૧ અબજ ડૉલરની હતી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલા યુદ્ધની સમાપ્તિ માટે હમાસ દ્વારા જે ઑફર મૂકવામાં આવી હતી જેને ઇઝરાયેલી પ્રાઇમ મિનિસ્ટર બેન્ઝામિન નેતન્યાહુએ ફગાવી દીધા બાદ બન્ને પક્ષે એકબીજાને ખતમ કરવા મરણિયા પ્રયાસો શરૂ થયા છે. હમાસના આંતકવાદીઓ પર ઇઝરાયલના બેરહમ હુમલાઓથી ગિન્નાયેલા યમન, ઈરાન અને અન્ય મુસ્લિમ દેશોના આતંકવાદીઓ લાલ સમુદ્રમાંથી પસાર થઈ રહેલી સ્ટીમરો પર હુમલાઓ કરી રહ્યા છે. આથી અમેરિકાએ હવે આ તમામ આતંકવાદી ગ્રુપને ખતમ કરવા લાલ સમુદ્રમાં મિલિટરી ઍક્શન લેવાનાં ચાલુ કર્યાં છે. આ ઍક્શનના ભાગરૂપે અમેરિકાએ ઈરાનસમર્થક આંતકવાદી ગ્રુપના કમાન્ડરનો બુધવારે ખાતમો બોલાવ્યો હતો. ઇઝરાયલ બાદ હવે અમેરિકાએ પણ આંતકવાદી ગ્રુપ પર અટૅક કરવાનું ચાલુ કરતાં આંતકવાદી ગ્રુપો વધુ આક્રમક બન્યાં છે. આ પ્રકારની ગતિવિધિ વધતાં મિડલ-ઈસ્ટમાં ટેન્શન વધ્યું છે જેની અસરે સોનાના ભાવને સેફ હેવન ડિમાન્ડનો સપોર્ટ મળી રહ્યો છે. જોકે અમેરિકાના ઇકૉનૉમિક ડેટા એકધારા સ્ટ્રૉન્ગ આવી રહ્યા હોવાથી ડૉલરની મજબૂતીને કારણે હવે સોનાને સેફ હેવન ડિમાન્ડનો સપોર્ટ પણ મળતો બંધ થયો છે છતાં પણ મિડલ-ઈસ્ટમાં ટેન્શન વધી રહ્યું છે એ પણ હકીક્ત છે. સોનાને જો સેફ હેવન ડિમાન્ડનો સપોર્ટ મળતો બંધ થશે તો આગામી સપ્તાહે સોનામાં વધુ ઘટાડો જોવા મળે એવી શક્યતા છે.