ટ્રમ્પના શાસનમાં ગેરકાયદે વસાહતીઓની હકાલપટ્ટીથી ઇકૉનૉમિક ક્રાઇસિસ વધવાની ધારણા
કૉમોડિટી કરન્ટ
સોનું-ચાંદીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમેરિકાનું કોર પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન વધીને આવતાં અને કન્ઝ્યુમર ઇન્ફ્લેશન ઊંચું આવવાની ધારણાથી ૨૦૨૫માં રેટ-કટના ચાન્સ વધુ ઘટતાં સોના-ચાંદીમાં નવો ઉછાળો નોંધાયો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૭૦૦ ડૉલર નજીક ૨૬૯૭.૩૦ ડૉલરે અને ચાંદી વધીને ૩૦.૨૭ ડૉલરે પહોંચી હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૯૬ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૮૨૦ રૂપિયો વધ્યો હતો.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનું પ્રોડ્યુસર્સ હેડલાઇન ઇન્ફ્લેશન સતત ત્રીજે મહિને ૩.૩ ટકા રહ્યું હતુ. જેના વિશે માર્કેટની ધારણા ૩.૪ ટકાની હતી. પ્રોડ્યુસર્સ કોર ઇન્ફ્લેશન વધીને ૩.૫ ટકાએ પહોંચ્યો હતો જેના વિશે માર્કેટની ધારણા ૩.૮ ટકાની હતી. બન્ને ઇન્ડેક્સ માર્કેટની ધારણા કરતાં નીચા રહ્યા હતા, પણ કોર ઇન્ડેક્સ અગાઉના મહિનાથી વધ્યો હતો.
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ હાલ અનિશ્ચિતતા વચ્ચે રેન્જ બાઉન્ડ ટ્રેડ કરી રહ્યો છે. બુધવારે ડૉલર ઇન્ડેક્સ ૧૦૯.૨૦થી ૧૦૯.૩૦ પૉઇન્ટની રેન્જમાં હતો. અમેરિકાના પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન વધીને આવતાં રેટ-કટના ચાન્સ ઘટ્યા હતા. માર્કેટની ધારણા છે કે ૨૦૨૫ના જુલાઈ બાદ પચીસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ આવી શકે છે. ડોનલ્ડ ટ્રમ્પના સત્તાગ્રહણ સમારોહ સુધી પૉલિસીની અનિશ્ચિતતા ચાલુ રહેશે.
અમેરિકાનો ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં ઘટીને ૫૧.૯ પૉwઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૪૦ મહિનાની ઊંચાઈએ ૫૪ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૫.૧ પૉઇન્ટની હતી. અમેરિકાની આગામી છ મહિનાની ઇકૉનૉમિક કન્ડિશનને બતાવતો ઇન્ડેક્સ પણ ઘટીને ૫૨.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૫૫.૬ પૉઇન્ટ હતો. ગવર્નમેન્ટની ઇકૉનૉમિક પૉલિસી પર પબ્લિકના વિશ્વાસને બતાવતો ઇન્ડેક્સ પણ ૪૭.૭ પૉઇન્ટથી ઘટીને ૪૩.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો. જોકે અમેરિકન પબ્લિકની પર્સનલ ફાઇનૅન્શિયલ સ્થિતિને બતાવતો ઇન્ડેક્સ ૫૮.૭ પૉઇન્ટથી વધીને જાન્યુઆરીમાં ૬૦.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો.
અમેરિકાની બજેટ ડેફિસિટ ઑક્ટોબરથી ડિસેમ્બર દરમ્યાન વધીને ૭૧૦.૯ અબજ ડૉલરે પહોંચી હતી જે ગયા વર્ષના આ સમયગાળાથી ૩૯.૪ ટકા વધુ હતી. અમેરિકાની ટૅક્સ-રિસીટ ઘટતાં ડેફિસિટ વધી હતી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ડોનલ્ડ ટ્રમ્પના સત્તાગ્રહણ બાદ સૌથી વધુ મુદ્દો ગેરકાયદે વસાહત કરતા નાગરિકોની હકાલપટ્ટીનો રહેશે. ટ્રમ્પે ઇલેક્શન કૅમ્પેનમાં ગેરકાયદે વસનારાઓની હકાલપટ્ટીનો મુખ્ય મુદ્દો બનાવ્યો હોવાથી ટ્રમ્પ દ્વારા સૌથી પહેલી ઍક્શન હકાલપટ્ટીની હશે. ઇકૉનૉમિક એક્સપર્ટો આ મુદ્દાને ઇકૉનૉમિકલી સેન્સિટિવ માની રહ્યા છે, કારણ કે હાલ અમેરિકાની કુલ વસ્તીના છ ટકા વસ્તી (૧.૩૦ કરોડ) ગેરકાયદે રહેતા વસાહતીઓની છે. આ ગેરકાયદે રહેતા વસાહતીઓ અમેરિકાના ઍગ્રિકલ્ચર, સર્વિસ અને કન્સ્ટ્રક્શન્સ સેક્ટરમાં કામ કરી રહ્યા છે અને આ તમામ વસાહતીઓ હાલ સૌથી સસ્તા લેબર છે. આ વસાહતીઓની હકાલપટ્ટી બાદ અમેરિકામાં લેબર કૉસ્ટમાં મોટો વધારો થવાની શક્યતા ઇકૉનૉમિસ્ટો બતાવી રહ્યા છે જેને કારણે અમેરિકામાં નાણાકીય ક્રાઇસિસ વધવાની શક્યતા છે જેનાથી સોના-ચાંદીની તેજીનું એક નવું કારણ ઉમેરાશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૮,૩૦૮
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૭,૯૯૪
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૯,૮૦૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)