ચીનની ફિઝિકલ રેવન્યુ ઘટતાં ગ્લોબલ ઇકૉનૉમિક ક્રાઇસિસના ચાન્સ વધ્યા
પ્રતીકાત્મક તસવીર
ટ્રમ્પ દ્વારા ટૅરિફવધારા વિશે બેતરફી નિવેદનોથી અનિશ્ચિતતા વધતાં તેમ જ ઇઝરાયલે ગાઝા પર સતત આઠમા દિવસે આક્રમણ ચાલુ રાખતાં જિયોપૉલિટિકલ ટેન્શનની અસરે સોના-ચાંદી વર્લ્ડ માર્કેટમાં વધ્યાં હતાં. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૩૦૨૬.૭૦ ડૉલર અને ચાંદી વધીને ૩૩.૫૧ ડૉલરે પહોંચ્યાં હતાં.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૨ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૫૧૫ રૂપિયા વધ્યો હતો.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો માર્ચનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ પ્રિલિમિનરી એસ્ટિમેટ ઘટીને ૪૯.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૨.૭ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૧.૮ પૉઇન્ટની હતી. સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ ૫૪.૩ પૉઇન્ટ રહ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૧ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૦.૮ પૉઇન્ટની હતી. સર્વિસ સેક્ટરના ગ્રોથના સપોર્ટથી પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ પણ વધીને ૫૩.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૧૦ મહિનાની નીચી સપાટીએ ૫૧.૬ પૉઇન્ટ હતો. પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ વધતાં ડૉલરની મજબૂતી જળવાયેલી હતી, ડૉલર ઇન્ડેક્સ ૧૦૪.૩૭ સુધી વધીને ત્રણ સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યો હતો. વળી ઍટ્લાન્ટાના ફેડ પ્રેસિડન્ટ રાફેલ બોસ્ટિકે ઇન્ફ્લેશન ઘટવાની પ્રોગ્રેસ અત્યંત ધીમી હોવાથી ૨૦૨૫માં બેને બદલે એક જ પચીસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ આવવાની શક્યતા બતાવતાં ડૉલર ઇન્ડેક્સને સપોર્ટ મળ્યો હતો.
ચીને અનેક સ્ટિમ્યુલસ પૅકેજ જાહેર કર્યા છતાં ઇકૉનૉમિક કન્ડિશન હજી નબળી સ્થિતિમાંથી બહાર નીકળવા સંઘર્ષ કરી રહી છે ત્યારે ચીનની ફિઝિકલ રેવન્યુ જાન્યુઆરી-ફેબ્રુઆરી બે મહિનામાં ગયા વર્ષથી ૧.૬ ટકા ઘટી હતી. ૨૦૨૫માં ગવર્નમેન્ટ ઑથોરિટીએ સેટ કરેલો પાંચ ટકાનો ગ્રોથ મેળવવા ૩.૪ ટકા સ્પેન્ડિંગ વધાર્યું હતું જેને કારણે ફિઝિકલ ડેફિસિટનો ટાર્ગેટ ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ના ચાર ટકા મુકાયો હતો જે ગયા વર્ષે ત્રણ ટકા હતો.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ટ્રમ્પનું ટૅરિફવધારા વિશેનું સ્ટૅન્ડ હજી પણ અસ્પષ્ટ હોવાથી માર્કેટમાં અનિશ્ચિતતા સતત વધી રહી છે. ટ્રમ્પે સોમવારે જણાવ્યું હતું કે અમેરિકામાં આયાત થતાં વેહિકલો અને ઑટોમોબાઇલ પાર્ટ્સ પર બીજી એપ્રિલથી પચીસ ટકા ટૅરિફ લાગુ થશે, પણ કેટલાક દેશોને ટૅરિફમાં રાહત પણ મળી શકે છે. ટમ્પે વેનેઝુએલાથી જે દેશો ક્રૂડ તેલની આયાત કરે છે એ તમામ દેશોથી અમેરિકામાં આયાત થતી ચીજો પર ટૅરિફવધારો લાગુ કરશે. હાલ વેનેઝુએલાથી ભારત, ચીન અને સ્પેન મોટે પાયે ક્રૂડ તેલની આયાત કરી રહ્યા છે. ભારતે અમેરિકાથી આયાત થતી ચીજોની ટૅરિફમાં ૫૫ ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી હતી અને વધુ ઘટાડો કરવાની પણ ખાતરી આપી હતી. હાલના તબક્કે બીજી એપ્રિલ સુધી ટૅરિફવધારાના અમલ વિશે અનિશ્ચિતતા વધતી રહેશે આથી સોના-ચાંદીમાં પણ તેજી-મંદીની ઊથલપાથલ વધતી જોવા મળશે. ઇઝરાયલે છેલ્લા આઠ દિવસથી પૅલેસ્ટીનનાં શહેરો અને ગાઝા પર બમણા જોરથી અટૅક ચાલુ કરતાં જિયોપૉલિટિકલ ટેન્શનનો સપોર્ટ સોના-ચાંદીની તેજીને મળી રહ્યો હોવાથી ટૅરિફવધારાની અનિશ્ચિતતામાં સોનું વધુ પડતું ઘટવાની શક્યતા નથી, પણ સોનામાં ફરી એક મોટો ઉછાળો આવી શકે છે.

