Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બાઇડને યુક્રેનને અમેરિકન મિસાઇલથી રશિયા પર અટૅકની છૂટ આપતાં સોના-ચાંદી વધ્યાં

બાઇડને યુક્રેનને અમેરિકન મિસાઇલથી રશિયા પર અટૅકની છૂટ આપતાં સોના-ચાંદી વધ્યાં

Published : 19 November, 2024 07:53 AM | IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

મુંબઈમાં સોનામાં ૧૦૬૦ રૂપિયા અને ચાંદીમાં ૨૧૮૬ રૂપિયાનો ઘટ્યા ભાવથી ઉછાળો

પ્રતીકાત્મક તસવીર

કૉમોડિટી કરન્ટ

પ્રતીકાત્મક તસવીર


અમેરિકન ઑનગોઇંગ પ્રેસિડન્ટ બાઇડને યુક્રેનને અમેરિકન મિસાઇલથી રશિયા પર અટૅક કરવાની છૂટ આપતાં બન્ને દેશો વચ્ચે યુદ્ધનો માહોલ ફરી ગરમાયો હતો. એને પગલે સોના-ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડ વધતાં ભાવ વધ્યા હતા. વળી ડૉલર ઘટતાં પણ ખરીદીનું આકર્ષણ વધ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૬૯ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૨૧૮૬ રૂપિયા વધ્યો હતો.


ઇકૉનૉમિક ઇન્ડિકેટર



અમેરિકાનું રીટેલ સેલ્સ ઑક્ટોબરમાં ૦.૪ ટકા વધ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૦.૮ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૩ ટકા વધારાની હતી. અમેરિકાનું ઇન્ડ​સ્ટ્રિયલ પ્રોડક્શન ઑક્ટોબરમાં ૦.૩ ટકા ઘટ્યું હતું જે સપ્ટેમ્બરમાં પણ ૦.૫ ટકા ઘટ્યું હતું. મિલ્ટન અને હેલેના નામનાં વાવાઝોડાં તથા ઍરક્રાફ્ટ પ્રોડ્યુસર્સની હડતાળને કારણે છેલ્લા બે મહિનાથી ઇન્ડ​સ્ટ્રિયલ પ્રોડક્શન ઘટી રહ્યું છે. અમેરિકાની એક્સપોર્ટ પ્રાઇસ ઑક્ટોબરમાં ૦.૮ ટકા અને ઇમ્પોર્ટ પ્રાઇસ ૦.૩ ટકા વધી હતી.


ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલની રેટ-કટની જરૂરત ન હોવાની કમેન્ટ અને બૅન્ક ઑફ જપાનના ચૅરમૅન કાજુઓ ઉડાની ગ્રૅજ્યુઅલી ઇન્ટરેસ્ટ રેટ વધારવાની કમેન્ટને પગલે યેન વધુ નબળો પડતાં અમેરિકન ડૉલર ઇન્ડેક્સ વધીને બે વર્ષની ઊંચાઈએ ૧૦૬.૭૮ પૉઇન્ટે પહોંચ્યો હતો, પણ અમેરિકાના રીટેલ સેલ્સના ડેટા ધારણા કરતાં વધુ મજબૂત આવતાં અને ફેડનાં કેટલાંક ઑફિશિયલ્સ હજી પણ રેટ-કટ વિશે આશાવાદી હોવાથી ડૉલર ઇન્ડેક્સ બે વર્ષની ઊંચાઈએ ૧૦૬.૫૫ પૉઇન્ટ સુધી ઘટ્યો હતો.

અમેરિકાની બિઝનેસ ઇન્વેન્ટરી સપ્ટેમ્બરમાં ૦.૧ ટકા વધી હતી જે ઑગસ્ટમાં ૦.૩ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૦.૨ ટકા વધારાની હતી. બિઝનેસ ઇન્વેન્ટરીમાં સતત છઠ્ઠે મહિને વધારો થયો હતો.


ચીનમાં ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઑક્ટોબરમાં ઘટીને ૫૨.૬૧ અબજ ડૉલર રહ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૬૦.૪૧ અબજ ડૉલર હતું. જાન્યુઆરીથી ઑક્ટોબર દરમ્યાન ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ગયા વર્ષથી ૨૯.૮ ટકા ઘટીને ૬૯૩.૨૧ અબજ ડૉલર રહ્યું હતું જે જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમ્યાન ૩૦.૪ ટકા ઘટ્યું હતું. ચીનમાં જર્મની, ઑસ્ટ્રેલિયા અને સિંગાપોરથી ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વધ્યું હતું.

ચાલુ સપ્તાહે અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ, સર્વિસ અને પ્રાઇવેટ સેક્ટરના પ્રિલિમિનરી ગ્રોથના ડેટા જાહેર થશે. આ ઉપરાંત બિ​લ્ડિંગ પરમિટ, હાઉસિંગ સ્ટાર્ટ અને એ​ક્ઝિ​સ્ટિંગ હોમસેલ્સના ડેટા પણ જાહેર થશે. અમેરિકન ફેડના વિવિધ ઑફિશ્યલ્સ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના પ્રેસિડન્ટ લગાર્ડેની સ્પીચ પણ ઇન્ટરેસ્ટ રેટ બાબતે મહત્ત્વની બની રહેશે. જપાનના ઇન્ફ્લેશનના ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. ઉપરાંત યુરો એરિયા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા અને જપાનના પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ, સર્વિસ અને પ્રાઇવેટ સેક્ટરના ડેટા પણ જાહેર થશે.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૯૯૬ દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં ફરી નવો વળાંક આવ્યો છે. રશિયાએ ગયા શનિવારે યુક્રેનનાં એનર્જી-મથકો પર ઍરસ્ટ્રાઇક કરતાં યુક્રેન પ્રેસિડન્ટ ઝેલેન્સ્કીને જો બાઇડને રશિયન ટેરિટરીમાં અમેરિકન બનાવટની બેલા​સ્ટિક મિસાઇલની અટૅક કરવાની છૂટ આપી હતી. આવી છૂટ પ્રથમ વખત આપવામાં આવી હતી. બાઇડન હવે ઑનગોઇંગ પ્રેસિડન્ટ હોવા છતાં ૨૦ જાન્યુઆરી સુધી પ્રેસિડન્ટશિપનો ચાર્જ તેમની પાસે રહેશે. આથી ડોનલ્ડ ટ્રમ્પ સત્તાની ધુરા સંભાળે એ પહેલાં રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ બાબત બાઇડન હજી પણ આકરા નિર્ણય લઈ શકે છે જેની અસરે સોનામાં ફરી સેફ હેવન ડિમાન્ડ વધતાં નીચા મથાળેથી સુધારો થવાની સંભાવના વધી રહી છે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૪,૮૦૮
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૪,૫૦૮
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૯,૨૮૯
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

Whatsapp-channel Whatsapp-channel

19 November, 2024 07:53 AM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK