યુરોપ સહિત અન્ય દેશોના રેટ-કટથી ડૉલરની મજબૂતી વધતાં સોનાની ખરીદીનું આકર્ષણ ઘટ્યું: મુંબઈમાં સોનામાં ૧૨૨૫ રૂપિયા અને ચાંદીમાં ૩૩૨૪ રૂપિયાનો એકદિવસીય ઘટાડો
કૉમોડિટી કરન્ટ
સોના-ચાંદીની પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ અને પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન વધતાં ૨૦૨૫માં રેટ-કટના ચાન્સિસ વધુ ઘટતાં સોના-ચાંદી સતત બીજે દિવસે વર્લ્ડ માર્કેટમાં ઘટ્યાં હતાં. સોનું ૨૭૨૬.૯૦ની સપાટીથી ઘટીને ૨૬૬૩.૦૦ અને ચાંદી ૩૨.૪૭ ડૉલરથી ઘટીને ૩૦.૬૧ ડૉલરે પહોંચી હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૨૨૫ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૩૩૨૪ રૂપિયા ઘટ્યો હતો.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકામાં નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહને અંતે ૧૭ હજાર વધીને ૨.૪૨ લાખે પહોંચ્યા હતા જેના વિશે માર્કેટની ધારણા ૨.૨૦ લાખની હતી. અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સમાં છેલ્લા બે મહિનાનો સૌથી મોટો વધારો નોંધાયો હતો. એક્ઝિસ્ટિંગ અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ૯૯,૧૪૦ વધીને ૩.૧૦ લાખે પહોંચ્યા હતા. અમેરિકાના હેડલાઇન પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ નવેમ્બરમાં વધીને ત્રણ ટકાએ પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૨.૬ ટકા હતો જ્યારે કોર ઇન્ડેક્સ ૩.૪ ટકાએ જળવાયેલો હતો.
યુરો એરિયા, કૅનેડા અને સ્વિટ્ઝરલૅન્ડની સેન્ટ્રલ બૅન્કોએ રેટ-કટ લાવતાં તેમ જ અમેરિકાનું પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન ધારણા કરતાં વધુ આવતાં તેમ જ અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ પણ વધીને આવતાં ૨૦૨૫માં રેટ-કટના ચાન્સિસ વધુ ધૂંધળા બનતાં ડૉલર ઇન્ડેક્સ ૦.૦૩ ટકા વધીને ૧૦૭.૧૯ પૉઇન્ટની ઊંચાઈએ પહોંચ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ વધતાં ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ ૦.૦૧ ટકા વધીને ત્રણ સપ્તાહની ઊંચાઈએ ૪.૩૩૪ ટકાએ પહોંચ્યાં હતાં.
અમેરિકાના ૩૦ વર્ષના મૉર્ગેજ રેટ ૧૨મી ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે સતત ત્રીજે સપ્તાહે ઘટીને ૬.૬ ટકાએ પહોંચ્યા હતા. મૉર્ગેજ રેટ ઘટવાની સાથે કન્ઝ્યુમર ડિમાન્ડ પણ વધી રહી હોવાથી અને સ્ટૉક માર્કેટમાં તેજીનો દોર ચાલુ થયો હોવાથી હોમબાયરની ડિમાન્ડ વધી રહી છે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ડોનલ્ડ ટ્રમ્પે શાસનની ધુરા સંભાળ્યા પહેલાં મેક્સિકો, કૅનેડા અને ચીન ઉપર વધારાની ટૅરિફ લાદવાની જાહેરાત કર્યા બાદ હવે ટ્રમ્પના સિક્યૉરિટી ઍડ્વાઇઝરે ઈરાન અને રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પના શાસનકાળમાં અનેક નવા-જૂના થવાના સંકેતો અત્યારથી મળવાના શરૂ થયા છે. કૅનેડા અને મેક્સિકો પર ટ્રમ્પ દરરોજ શાબ્દિક પ્રહારો કરીને પ્રેશર વધારી રહ્યા છે. ઇઝરાયલને ખુલ્લું સમર્થન આપીને ઇઝરાયલ સામે જંગે ચડેલા તમામ ઇસ્લામિક દેશોને ટ્રમ્પે અનેક પ્રકારની ધમકીઓ આપી છે. આમ ટ્રમ્પના ચાર વર્ષના શાસનકાળમાં અનેક નવી-નવી કન્ટ્રોવર્સી ઊભી થવાની છે ત્યારે સોના-ચાંદીના ભાવને મૉનિટરી કારણો કરતાં અનેક પ્રકારની ઊભી થનારી ક્રાઇસિસનાં કારણોની મોટી અસર પડશે જેને કારણે આગામી દિવસોમાં સોના-ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડનો નવો સિલસિલો ચાલુ થશે જે સોના-ચાંદીને સતત નવી ઊંચાઈ તરફ લઈ જશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૬,૯૨૨
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૬,૬૧૪
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૯,૯૭૬
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)