સિલિકૉન વૅલી બૅન્ક, સિગ્નેચર બૅન્કનાં ઉઠમણાં, ક્રેડિટ સુઈસની અને યુરોપિયન બૅન્કોની ક્રાઇસિસ; ઇન શૉર્ટ, ઓવરઑલ ગ્લોબલ બૅન્કિંગ સેક્ટરમાં ક્રાઇસિસ, નાણાખેંચ, વિશ્વાસની વિટંબણા અને ભયની લાગણી સાથે વીતેલું સપ્તાહ પસાર થયું. જોકે સપ્તાહનો અંત પૉઝિટિવ રહ્યો
સ્ટૉક ટ્રેન્ડ
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
સિલિકૉન વૅલી બૅન્ક, સિગ્નેચર બૅન્કનાં ઉઠમણાં, ક્રેડિટ સુઈસની અને યુરોપિયન બૅન્કોની ક્રાઇસિસ; ઇન શૉર્ટ, ઓવરઑલ ગ્લોબલ બૅન્કિંગ સેક્ટરમાં ક્રાઇસિસ, નાણાખેંચ, વિશ્વાસની વિટંબણા અને ભયની લાગણી સાથે વીતેલું સપ્તાહ પસાર થયું. જોકે સપ્તાહનો અંત પૉઝિટિવ રહ્યો. હવે હાલ એ છે કે ગ્લોબલ સંજોગો ભારતીય માર્કેટમાં તેજીને ઝાઝું ટકવા દેશે નહીં અને સ્થાનિક આર્થિક પરિબળો બજારને ઝાઝું તૂટવા દેશે નહીં
આગલા સપ્તાહના અંતે અમેરિકાની સિલિકૉન વૅલી બૅન્કના ઉઠમણાના સમાચાર બાદ બીજા દિવસે સિગ્નેચર બૅન્કના પણ ઉઠમણાના અહેવાલ આવ્યા હતા, જેને પરિણામે ગયા સપ્તાહના પહેલા જ દિવસે ભારતીય શૅરબજારની દશા બગડી ગઈ હતી. આગલા સપ્તાહના બે દિવસ અને વીતેલા સપ્તાહનો પ્રથમ દિવસ એમ છેલ્લા ત્રણ ટ્રેડિંગ દિવસોમાં જ સેન્સેક્સમાં ૨૧૦૦ પૉઇન્ટનો ખાડો ખોદાઈ ગયો હતો. સોમવારે આમ તો શરૂઆત નવાઈ લાગે એમ પૉઝિટિવ થઈ હતી, પરંતુ ઘડીભર પછી માર્કેટે જે ટર્ન લીધો એમાં સેન્સેક્સ આખરમાં ૮૯૭ પૉઇન્ટ અને નિફ્ટી ૨૪૮ પૉઇન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ત્રણ દિવસમાં સવાસાત લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કૅપ તૂટી ગયું હતું. સિલિકૉન વૅલી અને સિગ્નેચર બૅન્કના બુરા અહેવાલે ગ્લોબલ માર્કેટ્સમાં પણ સેન્ટિમેન્ટ કથળેલું હતું. સ્મૉલ અને મિડ કૅપમાં પણ ગાબડાં જોવાયાં હતાં. જોકે બીજી બાજુ પૉઝિટિવ અહેવાલ એ હતા કે યુએસ ફેડરલ ડિપોઝિટ ઇન્શ્યુરન્સ કૉર્પોરેશન (એફડીઆઇસી)એ સિલિકૉન વૅલી બૅન્કની બધી ડિપોઝિટ્સ નવી બ્રિજ બૅન્કમાં ટ્રાન્સફર કરી દીધી હતી, જેથી બૅન્કના ગ્રાહકો માટે કામકાજ સરળતાથી ચાલી શકે. આ સંજોગોમાં બૅન્ક સ્ટૉક્સમાં તો વેચવાલીનું જબરદસ્ત મોજું ફરી વળ્યું હતું. ભારતીય બૅન્કો તુલનાત્મક રીતે બહેતર હોવા છતાં ગ્લોબલ અસરથી એ મુક્ત રહી શકી નહોતી, એ હિસાબે ભારતીય બૅન્ક સ્ટૉક્સમાં પણ ગાબડાં પડ્યાં હતાં. મજાની વાત એ હતી કે આવા કડાકાના સંજોગોમાં પણ અદાણીના ચોક્કસ સ્ટૉક્સમાં રિકવરી રહી હતી.
ADVERTISEMENT
સ્વિસ બૅન્કની પણ સમસ્યા
મંગળવારે બજારે વૉલેટિલિટી સાથે કરેક્શનનો દોર ચાલુ રાખ્યો હતો, અમેરિકન અસરમાં સેન્સેક્સ વધુ ઘટ્યા બાદ રિકવર થઈને આખરે ૩૩૭ પૉઇન્ટ અને નિફ્ટી સવાસો પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. બુધવારે સતત પાંચમા દિવસે માર્કેટમાં ધોવાણ ચાલુ રહ્યું હતું, સેન્સેક્સ ૩૪૪ પૉઇન્ટ અને નિફ્ટી ૭૧ પૉઇન્ટ ઘટવા સાથે સેન્સેક્સ ૫૮,૦૦૦નું લેવલ તોડીને, જ્યારે નિફ્ટી ૧૭,૦૦૦નું લેવલ તોડીને બંધ રહ્યા હતા. કોઈ પણ નક્કર કારણ વિના ગુરુવારે કરેક્શન અટકીને સાધારણ સુધારો નોંધાયો હતો. ત્યાં સ્વિસની અગ્રણી સંસ્થા ક્રેડિટ સુઈસની નાણાકીય સમસ્યા સામે આવીને ઊભી રહી ગઈ હતી. આની અસર કંઈક અંશે ગ્લોબલ રહેશે, પણ ભારતીય માર્કેટ પર થવાની શક્યતા ઓછી યા નહીંવત છે. તેમ છતાં, રિઝર્વ બૅન્ક હાલ વિશ્વની ક્રાઇસિસ ગ્રસ્ત બૅન્કો પર બારીક નજર રાખી રહી છે.
શુક્રવારે પૉઝિટિવ ટર્ન
શુક્રવારે માર્કેટે પૉઝિટિવ શરૂઆત કરી, સતત વૉલેટાઇલ રહ્યા બાદ અંતમાં પ્લસ બંધ રહ્યું હતું. ગ્લોબલ માર્કેટની રિકવરી સાથે ભારતીય સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે ૩૫૫ પૉઇન્ટ અને ૧૧૪ પૉઇન્ટ વધ્યા હતા. આમ તો ઇન્ડેક્સ વધુ ઉપર જઈ પ્રૉફિટ બુકિંગને પરિણામે પાછા ફર્યા હતા. ગ્લોબલ લેવલે બૅન્કોની ક્રાઇસિસને ઉકેલવા વિવિધ પગલાં અને ટેકાની જાહેરાતને કારણે શુક્રવારે રિકવરી આકાર પામી હતી. અન્યથા માર્કેટ વધુ તૂટવાની તલવાર માથે લટકતી જ હતી. અલબત્ત, હજી આ સપ્તાહમાં શું થશે એ કહેવું કઠિન હોવાથી સાવચેતી આવશ્યક બનશે. જાણીતા માર્કેટ-ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ વિજય કેડિયાના શબ્દોમાં કહીએ તો હાલ માર્કેટમાં ઇનઍક્ટિવ રહેવાની ઍક્ટિવિટી કરવી જોઈએ. અર્થાત માર્કેટમાં દુઃસાહસ કરવા કરતાં યા ઊંચાં જોખમ લેવાં કરતાં માર્કેટનું નિરીક્ષણ કરતા રહેવામાં શાણપણ છે.
આ પણ વાંચો: શેર પર NSE સર્વેલન્સ ક્રિયાઓ માટે લાગુ પડતા નિયમોની જાહેરાત
એસવીબીના ઉઠમણાની અસર ભારતીય ઇક્વિટી માર્કેટ પર ઝાઝી થવાની શક્યતા નથી. હા, સેન્ટિમેન્ટને કારણે સ્ટૉક્સ તૂટે એમ બને, ખાસ કરીને બૅન્ક સ્ટૉક્સ-ફાઇનૅન્શિયલ સ્ટૉક્સ પર વધુ અસર થઈ શકે, પરંતુ આ અસર ટૂંકા ગાળાની રહેશે એવી ધારણા મુકાય છે, જેથી આ ઘટાડાને ખરીદીની તક બનાવી શકાય. શુક્રવારે યુએસ બૅન્કોની આર્થિક કટોકટીમાંથી બહાર લાવવા ચોક્કસ કદમ ભરાવાની જાહેરાત સાથે યુએસ, યુરોપિયન, એસિયન માર્કેટમાં રિકવરીએ જોર પકડ્યું હતું. યુકે, જર્મની, ફ્રાન્સ, જપાન, તાઇવાન, ઑસ્ટ્રેલિયા અને સાઉથ કોરિયા સહિત ભારતીય માર્કેટમાં રિકવરી નોંધાઈ હતી.
વ્યાજદરના વધારાને બ્રેક લાગશે?
દરમ્યાન વીતેલા સપ્તાહમાં ભારતમાં રીટેલ ઇન્ફ્લેશનનો રેટ જાન્યુઆરીની સરખામણીએ સાધારણ ઘટીને ૬.૪ ટકા આવ્યો હતો. જોકે આરબીઆઇનું લક્ષ્ય આ રેટને ૨થી ૬ ટકા વચ્ચે લાવવાનું છે. આ સાથે હોલસેલ ફુગાવાનો દર ૩.૯ ટકાના લેવલ પર આવીને બે વરસની નીચલી સપાટી પર આવ્યો છે. તેમ છતાં, આરબીઆઇ તરફથી વ્યાજ વધારાની સંભાવના પૂર્ણપણે નકારી શકાતી નથી. હાલ તો આરબીઆઇની નજર અમેરિકન બૅન્કોની ક્રાઇસિસ અને ફેડ રિઝર્વ પર છે. હજી તો ફેડરલ રિઝર્વ વ્યાજદર માટે શું વલણ અપનાવે છે એ જોવાનું બાકી છે. એક શક્યતા વ્યાજદર વધારાને બ્રેક લાગે એવી ઊભી થઈ છે. અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે ભારતીય કૉર્પોરેટ્સ ઇચ્છે છે કે રિઝર્વ બૅન્ક હવે વ્યાજદરના વધારાને ધીમો પાડે અથવા એને બ્રેક આપે. હાલ વ્યાજનો ભાર કૉર્પોરેટ્સને બોજરૂપ લાગવા માડ્યો છે. ભારતની ટ્રેડ ડેફિસિટમાં પણ ગયા વરસના સમાન ગાળાની તુલનાએ આ ફેબ્રુઆરીમાં ઘટાડો થયો હોવાના પૉઝિટિવ અહેવાલ છે. યુએસમાં હાલ જે સ્થિતિ સર્જાઈ છે એને ધ્યાનમાં રાખતાં વ્યાજદરના વધારાની આક્રમકતા ઘટે એવી ઉમ્મીદ જાગી છે. આ વધારો હવે ૫૦ બેસિસ પૉઇન્ટને સ્થાને ૨૫ બેસિસ પૉઇન્ટ રહી શકે છે. બજારના આશાવાદીઓ તો ત્યાં સુધી ધારણા બાંધી રહ્યા છે કે રિઝર્વ બૅન્ક અને ફેડ રિઝર્વ આ વખતે વ્યાજદરનો વધારો ટાળી નાખે એવું પણ બને. જો આમ થાય તો માર્કેટમાં હાલ જેમ કડાકા આવ્યા એમ તેજીના ઉછાળા પણ આવી શકે.
તૂટતું બજાર ખરીદીની તક ખરી, પણ હાલ ભારતીય શૅરબજાર અત્યારે મધ્ય સ્થિતિમાં છે, એ પીક-ઊંચાઈ પરથી નીચે આવ્યું છે, જે આમ તો ખરીદવાની તક આપતું ગણાય, પરંતુ હજી એ કેટલું ઘટી શકે એ કહી શકાય નહીં. અદાણી પ્રકરણ ધીમે-ધીમે ડિસ્કાઉન્ટ થઈ રહ્યું છે, બાકી યુએસ બૅન્કની તાજી સમસ્યા અહીંની માર્કેટને બહુ અસર કરે એવી શક્યતા નહીંવત્ છે. જોકે ભારતીય માર્કેટમાં બ્રૉડબેઝ્ડ તેજીની શક્યતા નજીકના ભવિષ્યમાં દેખાતી નથી, માત્ર ચોક્કસ સ્ટૉક્સ વધ-ઘટ કર્યા કરે છે અને કરતા રહેશે. ખાસ કરીને ઇન્ડેક્સ સ્ટૉક્સની વૉલેટિલિટી બજારને વૉલેટાઇલ રાખશે. બીજું મોટું પરિબળ ફૉરેન ઇન્વેસ્ટર્સની લે-વેચનું રહેશે. અત્યારે તો ફૉરેનર્સ વેચવાલ છે અને સ્થાનિક ફન્ડ્સ ખરીદનાર છે. ગ્લોબલ સંજોગો બજારના ચાલ અને તાલ નક્કી કરે છે.