શૅરબજારમાં દર થોડાં વર્ષે એક તબક્કો એવો આવે છે જ્યારે બજાર સતત અસ્થિર રહે છે અને રોકાણકારોએ સ્થિર રહીને અભ્યાસ કરવાનો હોય છે,
પ્રતીકાત્મક તસવીર
હવે શૅરબજાર વધશે કે ઘટશે એવા સવાલને બદલે કેટલું ઘટશે અને ક્યાં સુધી ઘટતું રહેશે એવા સવાલ શરૂ થાય તો નવાઈ નહીં. વૈશ્વિક વેપાર-યુદ્ધ આરંભાઈ ગયું કહી શકાય, મોટાં અર્થતંત્રોની આ લડાઈમાં શૅરબજારોને સતત ધરતીકંપ જેવા આંચકા લાગશે અને અબજોની મૂડીની ઇમારતો કડડડભૂસ થશે. મોટે પાયે રોકાણકારો ઘવાશે. બહુ સાચવીને, સમજીને નિર્ણય લેવાનો સમય છે
ટ્રમ્પસાહેબના ટ્રેડ-ટૅરિફ વિશેના નિર્ણયોએ આખું જગત માથે લીધું છે, સાવ સાદી ગામઠી ગુજરાતીમાં કહીએ તો ત્રાસ-ત્રાસ કરી નાખ્યો છે. વેપાર-ધંધા, આયાત-નિકાસ અને અર્થતંત્ર-શૅરબજારોની દશા બેસી ગઈ છે, ગયા શુક્રવારે બજારમાં ટૅરિફના નામે ટેરિબલ વાતાવરણ રચાયું હતું અને શૅરોના કડડડભૂસની કતાર લાગી હતી, હાલ તો આ માહોલે એવી અનિશ્ચિતતાનું સર્જન કરી દીધું છે કે બજારને ક્યારે અને કેવી કળ વળશે એ કહેવું-ધારવું પણ કઠિન બન્યું છે. અલબત્ત, ટ્રમ્પના નિર્ણયોની નેગેટિવ અસરથી અમેરિકા પણ મુક્ત નહીં જ રહે.
ADVERTISEMENT
હાલના ગ્લોબલ નેગેટિવ સંજોગોની અસરોથી ભારત પણ બાકાત રહી શકે નહીં. જગતભરનાં બજારો અત્યારે નેગેટિવ ચાલ ચાલી રહ્યાં છે. આ આર્થિક યુદ્ધ જલદીથી પતે એવી શક્યતા જણાતી નથી, જેથી ભય અને જોખમ દરેકના માથે લટકતાં રહેશે, આવામાં સાવચેતી જ બહેતર ઉપાય છે, જેમની પાસે જોખમ લેવાની આર્થિક ક્ષમતા છે અને ધીરજ છે તેઓ આ
સમયને બેધડક તકમાં બદલી શકે છે. જોકે માર્કેટ સતત વૉલેટાઇલ રહેશે એ યાદ રાખવું. આ સંજોગોમાં વેલ-ડાઇવર્સિફાઇડ પણ રહેવું જોઈશે. ઇક્વિટીઝ, ગોલ્ડ અને ફિક્સ્ડ ઇન્કમનાં સાધનોમાં રોકાણ વહેંચી રાખવું હિતાવહ.
નિરાશા ખરી, પણ પૅનિકની જરૂર નથી
શૅરબજારમાં હવે શું થતું રહેશે? શું ધ્યાન રાખવું જોઈશે? આવા સવાલો સતત થયા કરે છે, કારણ કે અમેરિકન ઇકૉનૉમી સહિત ગ્લોબલ ઇકૉનૉમીના સંજોગો અને ટ્રમ્પે શરૂ કરેલા ટૅરિફ-વૉરે એવી અનિશ્ચિતતા ઊભી કરી છે કે બજારે અને રોકાણકારોએ આમ વિચારવું પડે છે. એમાં વળી સંજોગોને આધીન ફૉરેન ઇન્વેસ્ટર્સના સતત વેચાણના દોરને કારણે ભારતીય માર્કેટમાં લાંબી અને વિક્રમી તેજી બાદ આવેલા કરેક્શનના દોરે પણ સૌને વિચારવા મજબૂર કર્યા છે. આ સંજોગોમાં ટૂંકા ગાળા માટે લાર્જકૅપ સ્ટૉક્સ રેન્જબાઉન્ડ રહેશે, જ્યારે કે ઇકૉનૉમીના ગ્રોથ સાથે નિફ્ટી પણ વૃદ્ધિ પામશે. હા, સ્મૉલ અને મિડકૅપ સ્ટૉક્સ પ્રત્યે સાવચેતી જરૂરી બનશે, આવો મત બજારના અનુભવીઓ-નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. અલબત્ત, હવે ઝડપી કરેક્શનનો સમય પૂરો થયો હોવાનું લાગે છે. જોકે રિક્વરી ઝડપી નહીં આવે, સમય લેશે અને ધીમે-ધીમે આવશે.
ટ્રમ્પની ટૅરિફ ટ્રબલ અમેરિકાને પણ નડશે
હાલ અમેરિકા રિસેશન તરફ જઈ રહ્યું હોવાના હાલ-હવાલ વચ્ચે જાણીતા માર્કેટ-માસ્ટર નીલેશ શાહના મતે અમેરિકન ટૅરિફ-યુદ્ધની નેગેટિવ અસર ખુદ અમેરિકાને પણ ભારે પડશે, અગાઉ ૧૮૨૮માં અને ૧૯૩૦માં આમ થયું હતું અને તેણે રિસેશનનો સામનો કરવાનો થયો હતો. તુલસીદાસની પંક્તિ ટાંકીને તેમણે કહ્યું કે સમરથ કો ન દોષ ગોસાંઈ. ટ્રમ્પ હાલ ટ્રેડ-ટૅરિફ વિશે આડેધડ મનસ્વી પગલાં ભરી રહ્યા છે, કેમ કે અમેરિકાનું વિશ્વ પર પ્રભુત્વ ગણાય છે. જ્યારે કે આયાત પર ઊંચી ડ્યુટીની અસરે અમેરિકામાં પણ ચીજવસ્તુઓ મોંઘી થશે અને એની અસર અમેરિકન ગ્રાહકો પર અવશ્ય પડશે. અમેરિકામાં મોંઘવારી વધશે. ટ્રમ્પની ટૅરિફ-ટ્રબલ ભારતમાં લાંબી ચાલશે નહીં એવું માનનાર વર્ગ કહે છે. અલબત્ત, અમુક સેક્ટર્સ પર અસર થઈ શકે, પરંતુ ઓવરઑલ માર્કેટને બહુ અસર થશે નહીં.
એ ખરું છે કે FIIના સતત વેચાણની આપણી બજાર પર ભારે અસર થઈ છે, પરંતુ હવે આ વેચાણની ગતિ-જોર ધીમા પડ્યાં હોવાથી સુધારાની આશા પણ ઊભી થઈ છે. જોકે આ સાથે સ્થાનિક રોકાણકારોની લેવાલી બજારનો મજબૂત ટેકો પણ બની હોવાનું નોંધવું જરૂરી છે. તાજેતરમાં FII પુનઃ બાયર્સ બનતાં ભાવો સુધરવા લાગ્યા, જેને ધ્યાનમાં રાખીને સ્થાનિક રોકાણકારો ઘટાડાને ખરીદીની તક તરીકે ઉપયોગ કરવા લાગ્યા હતા. નિષ્ણાતોના મતે જો ભારતીય અર્થતંત્રનો સુધારો ચાલુ રહ્યો તો ફૉરેન ઇન્વેસ્ટર્સ ફરી સક્રિય થશે. આ પહેલાં રોકાણ કરવામાં જોખમ ખરું, પરંતુ એને તક પણ ગણાય.
વૉલેટિલિટી અને કરેક્શન જોરમાં
નવા નાણાકીય વર્ષમાં શૅરબજારનો આરંભ મંગળવારે થયો, પરંતુ અમંગળ થયો. શરૂઆત જ મોટા કડાકા સાથે થઈ, પહેલા જ દિવસે સેન્સેક્સમાં ૧૪૦૦ પૉઇન્ટ અને નિફ્ટીમાં ૩૫૦ પૉઇન્ટનું ગાબડું પડ્યું હતું. આપણે સતત એક વાતની ચર્ચા દોહરાવતા રહ્યા છીએ કે ટ્રમ્પની ટ્રબલ ચાલુ રહેશે અને ત્યાં સુધી બજાર ઠેકાણે પડશે નહીં. જોકે બુધવારે બજારે મસ્ત રિકવરી દર્શાવીને સેન્સેક્સને ૬૦૦ પૉઇન્ટ અને નિફ્ટીને દોઢસો પૉઇન્ટનો સુધારો આપ્યો હતો. ગુરુવારે પુનઃ વૉલેટિલિટી અને કરેક્શન ચાલ્યાં, પરંતુ શુક્રવારે ટૅરિફના અહેવાલોની ગંભીર અસર જોવા મળી અને સેન્સેક્સ ૧૦૦૦ પૉઇન્ટથી વધુ તૂટી ગયો હતો. આમ તો હાલ આ મૂવમેન્ટ શૉર્ટ ટર્મ ગણાય. સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સમાં સાચવવું પડે એનું કારણ એ છે કે દર દસ સ્ટૉક્સમાંથી ૭થી ૮ સ્ટૉક્સ ઓવરવૅલ્યુડ લાગે છે. આમ પણ બજાર જ્યારે ચાર વર્ષની સળંગ તેજી બાદ ૩૦થી ૫૦ ટકા સુધી તૂટી ગયું ત્યારે વેચાણકારો (સેલર્સ) લગભગ બહાર નીકળી ગયા હતા, જેથી ઘટાડાનું જોર ઘટી ગયું. એમ છતાં માર્કેટ હજી ઘટી શકે છે.
દરમ્યાન અમેરિકાની ઍક્શનના જવાબમાં ચીને પણ શુક્રવારે તમામ અમેરિકન માલો પર ૩૪ ટકા ડ્યુટી જાહેર કરતાં અમેરિકન શૅરબજારની પણ હાલત કથળી ગઈ હતી. ચીનના આ કદમથી હવે પછી ગ્લોબલ ટ્રૅડ-વૉર આકાર પામે એવી ભીતિ સેવાઈ રહી છે.
આ યુદ્ધમાં અન્ય એશિયન દેશોની તુલનાએ ભારત સંભવત બહેતર સ્થિતિમાં જણાય છે. જોકે એને કારણે ભારતમાં વિદેશી રોકાણપ્રવાહ વધશે એવી આશા રાખી શકાય નહીં, કેમ કે FII વૅલ્યુએશન પર ખાસ જુએ છે. અલબત્ત, એ ખરું કે ભારતની ઇકૉનૉમી સ્થાનિક માગ પર વધુ આધાર રાખે છે.
મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત
માર્ચમાં GST કલેક્શન ૧૦ ટકા જેટલું વધ્યું હતું જે ૧.૯૬ લાખ કરોડ રૂપિયાનું થયું હતું.
રિઝર્વ બૅન્કની કમિટીમાં નાણાંનીતિની ચર્ચા થઈ ગઈ છે, હવે એની જાહેરાત ૯ એપ્રિલે થવાની હોવાથી બજારની વિશેષ નજર એના પર રહેશે.
SEBI હવે વ્યક્તિગત વિદેશી રોકાણકારોને શૅરબજારમાં સીધું રોકાણ કરવાની મંજૂરી આપવાનું વિચારે છે. અત્યારે આ વિદેશી વ્યક્તિગત રોકાણકારો ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI) મારફત જ રોકાણ કરી શકે છે.
કૅબિનેટે ગયા શુક્રવારે ત્રણ રાજ્યોમાં ચાર રેલવે પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી છે, જેમાં ૧૮,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રોકાણ થશે.
રોકાણકારોએ આ સંજોગોમાં શું કરવું?
વર્તમાન સંજોગોમાં રોકાણકારોએ શું કરવું જોઈએ એ બાબતો પર ધ્યાન આપીએ. જે કંપનીઓ સ્થાનિક ડિમાન્ડને આધારે કામ કરે છે, વિકાસ કરે છે એના પર ફોકસ કરવું જોઈએ; જેમ કે બૅન્કો, એફએમસીજી કંપનીઓ અને ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓ. અલબત્ત, આમાં પણ વૅલ્યુએશન વિશે સાવચેત રહેવું જોઈએ, વધુપડતા ઊંચા ભાવ ટાળવા અને ભાવ બહુ નીચા ગયા હોય તો અવશ્ય વિચારવું. અમેરિકામાં કામ કરતી ભારતીય ટેક કંપનીઓ માટે ઊભી થયેલી દશા વિશે પણ સજાગ રહેવું જોઈશે. ફાર્મા કંપનીઓ માટે હજી સ્થિતિ અધ્ધર છે, જેથી સ્ટૉક્સ પણ હજી સસ્તા ગણાય નહીં. લાર્જ કૅપ સ્ટૉક્સ પર જ વધુ આધાર રાખવો. લાર્જ કૅપ સ્ટૉક્સમાં લૉન્ગ ટર્મ રોકાણનો હજી પણ અવસર ગણાય.
વિશેષ ટિપ
શૅરબજારમાં દર થોડાં વર્ષે એક તબક્કો એવો આવે છે જ્યારે બજાર સતત અસ્થિર રહે છે અને રોકાણકારોએ સ્થિર રહીને અભ્યાસ કરવાનો હોય છે, કારણ કે આ સમય પરીક્ષાનો હોય છે, પરીક્ષામાં સફળ થવા માટે અભ્યાસ જરૂરી હોય છે. આ અભ્યાસ બરાબર થાય તો સંપત્તિ-સજર્નનું બહેતર ફળ મળે છે.

