Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સ ૩૬૪ પૉઇન્ટ વધ્યો, પરંતુ માર્કેટકૅપ ૬.૩૪ લાખ કરોડ ગગડ્યું

સેન્સેક્સ ૩૬૪ પૉઇન્ટ વધ્યો, પરંતુ માર્કેટકૅપ ૬.૩૪ લાખ કરોડ ગગડ્યું

Published : 30 October, 2024 08:09 AM | Modified : 30 October, 2024 08:14 AM | IST | Mumbai
Anil Patel

વૈશ્વિક ક્રૂડમાં બે વર્ષનો મોટો કડાકો, બિટકૉઇન ૭૧,૦૦૦ ડૉલર પાર કરી ૪ મહિનાની ટોચે: ICICI બૅન્કની મજબૂતી બજારને ૨૪૨ પૉઇન્ટ ફળી, સ્ટેટ બૅન્ક તગડા ઉછાળે બન્ને બજારમાં ટૉપ ગેઇનર: આઇટીમાં નરમ વલણ વચ્ચે ૬૩ મૂન્સ પાંચ ટકાની તેજીમાં

બોમ્બે સ્ટોક એક્સચેન્જ

માર્કેટ મૂડ

બોમ્બે સ્ટોક એક્સચેન્જ


વૈશ્વિક ક્રૂડમાં બે વર્ષનો મોટો કડાકો, બિટકૉઇન ૭૧,૦૦૦ ડૉલર પાર કરી ૪ મહિનાની ટોચે: ICICI બૅન્કની મજબૂતી બજારને ૨૪૨ પૉઇન્ટ ફળી, સ્ટેટ બૅન્ક તગડા ઉછાળે બન્ને બજારમાં ટૉપ ગેઇનર: આઇટીમાં નરમ વલણ વચ્ચે ૬૩ મૂન્સ પાંચ ટકાની તેજીમાં, MCX નવી સર્વોચ્ચ સપાટીએ: એફકૉન્સ ઇન્ફ્રાનો ઇશ્યુ પોણાત્રણ ગણો ભરાઈને પૂરો થયો એની સાથે જ પ્રીમિયમ તૂટીને ૮ રૂપિયા થઈ ગયું: ડેનિશ પાવરમાં ૫૭ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો: ઓલા ઇલેક્ટ્રિકમાં ઑલટાઇમ બૉટમ બન્યું: લોઢાની મૅક્રોટેક સાડાછ ટકા ઊછળી, આશાપુરા માઇનકેમ ૧૧ ટકાના કડાકામાં વર્ષના તળિયે


વિશ્વબજારમાં ક્રૂડ લગભગ છ ટકા તૂટ્યું છે જે બે વર્ષનો મોટો ધબડકો છે. શુક્રવારે બેરલદીઠ ૭૬ ડૉલરે રહેલું બ્રેન્ટ ક્રૂડ નીચામાં ૭૧ થઈ હાલ રનિંગમાં ૭૨ ડૉલરની અંદર છે. ઈરાન પર અટૅકના મામલે ઇઝરાયલ ઠંડું પડી જતાં ક્રૂડમાં વૉર પ્રીમિયમ ગગડતાં ભાવ તૂટવા લાગ્યા છે. યુરોપની લાર્જેસ્ટ કાર ઉત્પાદક ફોક્સવેગન ભારે તકલીફમાં મુકાઈ છે. કંપની સંખ્યાબંધ પ્લાન્ટ બંધ કરવા સક્રિય બની છે જે એનાં ૮૭ વર્ષના ઇતિહાસમાંની પ્રથમ ઘટના છે. આના પરિણામે હજારો લોકોને ફરજિયાત લે-ઑફ પર જવું પડશે. ૧૦ ટકાનો વેતનકાપ નક્કી થયો છે. કામદારોની છટણી પણ કરાશે. માથે અમેરિકન પ્રમુખપદની ચૂંટણી છે ત્યારે બિટકૉઇન છેવટે ૭૦ની ઑર્બિટમાં આવી ગયો છે. રેટ ઉપરમાં ૭૧,૪૫૧ ડૉલર થઈ હાલ રનિંગમાં સવાચાર ટકા વધીને ૭૧,૧૬૧ ડૉલર દેખાય છે. છેલ્લા ૪ મહિનામાં પ્રથમ વાર બિટકૉઇન ૭૦,૦૦૦ ઉપર ગયો છે. મંગળવારે એશિયન બજાર મિશ્ર હતાં. ચાઇના તથા તાઇવાન સવા ટકાના ઘટાડે બંધ થયાં છે તો જપાન પોણો ટકો અને હૉન્ગકૉન્ગ અડધો ટકો પ્લસ હતું. યુરોપ રનિંગમાં અડધાથી પોણો ટકો અપ હતું. પાકિસ્તાની શૅરબજાર ૯૧,૩૫૮ની નવી વિક્રમી સપાટી નોંધાવી ૮૧૦ પૉઇન્ટ વધીને ૯૧,૦૦૬ બંધ રહ્યો છે.



ઘરઆંગણે સેન્સેક્સ ફ્લૅટ ઓપનિંગ બાદ ઇન્ટ્રા-ડેમાં ૧૬૦૦ પૉઇન્ટથી વધુની બેતરફી વધઘટ બાદ ૬૪ પૉઇન્ટની આગેકૂચમાં ૮૦,૩૬૯ તથા નિફ્ટી ૧૨૮ પૉઇન્ટ વધીને ૨૪,૪૬૭ બંધ થયો છે. ૮૦,૦૩૭ ખુલ્યા બાદ શૅર આંક નીચામાં ૭૯,૪૨૧ અને ઉપરમાં ૮૦,૪૫૦ થયો હતો. સેન્સેક્સ નિફ્ટીના અડધા ટકા જેવા સુધારા સામે બૅન્કેક્સ સવાબે ટકા, ફાઇનૅન્સ બે ટકા, કૅપિટલ ગુડ્સ સવા ટકો, ‌રિયલ્ટી દોઢ ટકા, પાવર ઇન્ડેક્સ એક ટકો, યુટિલિટીઝ બેન્ચમાર્ક સવા ટકો ઊંચકાયા છે. બૅન્ક નિફ્ટી બે ટકા કે ૧૦૬૧ પૉઇન્ટ તો પીએસયુ બૅન્ક નિફ્ટી સાડાત્રણ ટકા મજબૂત થયા છે. સામે નિફ્ટી ઑટો ૧.૭ ટકા, નિફ્ટી ફાર્મા મજબૂત માર્કેટ બ્રેડ્થને લઈ NSE ખાતે વધેલા ૧૭૨૮ શૅરની સામે ૧૦૬૦ કાઉન્ટર માઇનસ હતાં.


બજારનું માર્કેટકૅપ ૬.૩૪ લાખ કરોડ ઘટીને ગઈ કાલે ૪૩૪.૮૬ લાખ કરોડ નોંધાયું છે. રિલાયન્સ ૦.૪ ટકાના સુધારામાં ૧૩૪૦ હતો. સ્પર્મા એસજેએસ ટેક્નૉલૉજી રિઝલ્ટના જોરમાં જાળવી રાખતાં ૧૫.૩ ટકા ઊછળી ૪૯૭ના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે બીજા દિવસે ટૉપ ગેઇનર બન્યો છે. પચીસમીએ ભાવ ૩૭૮ હતો. આશાપુરા માઇનકેમ ઘટાડાની ચાલમાં ૧૯૯ની વર્ષની બૉટમ બનાવી ૧૧ ટકાના ધબડકામાં ૨૧૬ હતો.

જિલેટ ઇન્ડિયા રિઝલ્ટ પાછળ ૮૫૯ના ઉછાળે નવા શિખરે 


સૂઝલોન એનર્જીનો નફો ૯૬ ટકા વધી ૨૦૦ કરોડ આવતાં શૅર પ્રારંભિક તેજીમાં ૭૩ વટાવ્યા પછી પ્રૉફિટ બુકિંગ કામે લાગતાં પોણાત્રણ ટકા ગગડી ૬૯ નીચે ગયો છે. નબળાં પરિણામમાં ઇન્ડિયન ઑઇલ બે ટકા નરમ હતો. જિલેટ ઇન્ડિયાએ આવકમાં ૧૭ ટકાના વધારા સામે ચોખ્ખા નફામાં ૪૩ ટકાનો વધારો મેળવતાં શૅર ૨૯ ગણા વૉલ્યુમે ૯૭૧૫ના બેસ્ટ લેવલે જઈ ૧૦ ટકા કે ૮૫૯ની છલાંગ મારી ૯૪૧૨ રહ્યો છે. ઑટો કમ્પોનન્ટ કંપની SJS એન્ટરપ્રાઇઝિસ બહેતર પરિણામ પાછળ ૧૧૮૭ની ટોચે જઈ ૧૧.૪ ટકા કે ૧૧૭ના ઉછાળે ૧૧૪૮ વટાવી ગયો છે. ટાઇમેક્સ સવાદસ ટકા, માન્યવર સવાઆઠ ટકા અને લોઢાની મૅક્રોટેક સાડાછ ટકા ઊચકાયા છે. આઇટીમાં હેવીવેઇટ્સ તથા ચલણી જાતોની પીછેહઠ વચ્ચે ૬૩ મૂન્સ પાંચ ટકાની તેજીમાં ૫૦૫ વટાવી ગયો છે. 

સુપ્રિયા લાઇફ સવાઆઠ ટકા, કોવઈ મેડી પોણાદસ ટકા અને અમી ઑર્ગેનિક્સ પોણાતેર ટકાના જમ્પ સાથે હેલ્થકૅરમાં ઝળક્યા હતા. કૅપિટલ ગુડ્સમાં કલ્પતરુ પ્રોજેક્ટ પોણાસાત ટકાની મજબૂતીમાં ૧૨૬૧ બંધ આપીને મોખરે હતો. થર્મેક્સ ચારેક ટકા ગગડ્યો છે. ડીક્સન ટેક્નૉલૉઝિસ આનંદ રાઠીવાળા ૧૭,૦૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ છે. શૅર ગઈ કાલે પોણાપાંચ ટકા કે ૬૮૯ના ઉછાળે ૧૪,૯૩૧ થયો છે. ફેસવૅલ્યુ બેની છે. ભાવ વર્ષ પૂર્વ ૫૦૦૦ હતો.

સતત ખોટ કરતી સ્વિગી એકના શૅરનો ૩૯૦ના ભાવથી ઇશ્યુ લાવશે

જયપુરની ડેનિશ પાવર શૅરદીઠ ૩૮૦ની ઇશ્યુ પ્રાઇસ અને ૨૪૬ના ગ્રે માર્કેટના પ્રીમિયમ સામે ૫૭૦ ખૂલી નીચામાં ૫૪૧ થયા બાદ ઉપલી સર્કિટમાં ૫૯૮ વટાવી ત્યાં જ બંધ થતાં ૫૭ ટકાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. યુનાઇટેડ હીટ ટ્રાન્સફર ૫૯ની ઇશ્યુ પ્રાઇસ તથા ૧૭ના પ્રીમિયમ સામે ૬૧ ખૂલી ૫૮ થયા બાદ ઉપરમાં ૬૪ થઈ ત્યાં જ બંધ થતાં ૮.૪ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. OBCS પર્ફેક્શન ૧૦૦ની ઇશ્યુ પ્રાઇસ અને ૬ના પ્રીમિયમ સામે ૧૧૦ ખૂલી ઉપલી સર્કિટમાં ૧૧૫ વટાવી ત્યાં જ બંધ થતાં ૧૫ ટકાનું રીટર્ન લિસ્ટિંગમાં મળ્યું છે. 

મેઇન બોર્ડમાં એફકૉન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો શૅરદીઠ ૪૬૩ની અપરબૅન્ડ સાથે ૫૪૩૦ કરોડનો ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે કુલ ૨.૮ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં ૪૨વાળું પ્રીમિયમ તૂટીને ૮ રૂપિયા થઈ ગયું છે. ઉષા ફાઇનૅન્સ સર્વિસિસનો શૅરદીઠ ૧૬૮ના ભાવનો ૯૮૪૫ લાખનો SME IPO સોમવારે કુલ ૧૯.૪ ગણો ભરાઈને પૂરો થયો છે. પ્રીમિયમ ઘટીને ૧૦ બોલાય છે. ઝોમેટોની હરીફ સ્વિગી લિમિટેડ દ્વારા આઇપીઓની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. કંપની એક રૂપિયાના શૅરદીઠ ૩૭૧થી ૩૯૦ની પ્રાઇસ બૅન્ડમાં ૧૧,૩૨૭ કરોડનો ઇશ્યુ લઈ ૬ નવેમ્બરે મૂડીબજારમાં આવશે. કુલ ઇશ્યુમાં ૬૮૨૮ કરોડ ઑફર ફૉર સેલ પેટેના છે. કંપની સતત ખોટમાં હોવાથી ભરણામાં QIB પોર્શન ૭૫ ટકા રાખવો પડ્યો છે. રીટેલ પોર્શન ૧૦ ટકા છે. ગયા વર્ષે ૧૧,૬૩૪ કરોડની આવક પર ૨૩૫૦ કરોડની નેટ લોસ કરનારી સ્વિગીએ ચાલુ વર્ષે પ્રથમ ત્રણ માસમાં ૩૩૧૦ કરોડની આવક પર ૬૧૧ કરોડની ચોખ્ખી ખોટ કરી છે. અગાઉનાં બે વર્ષમાં તેની ચોખ્ખી ખોટ ૭૮૦૮ કરોડ થઈ ચૂકી છે. દેવું ૨૫૭ કરોડ નજીક છે. ફૂડ ડિલિવરી માર્કેટમાં કંપનીનો માર્કેટ શૅર ૪૫ ટકા અને ક્વીક કૉમર્સ સેગમેન્ટમાં ૨૫ ટકા જેવો છે. તેની સામે ઝોમાટો અનુક્રમે ૫૫ ટકા અને ૪૫ ટકાનો બજાર હિસ્સો ધરાવે છે. ઝોમાટો એકના શૅરદીઠ ૭૬ના ભાવથી ૯૩૭૫ કરોડનો ઇશ્યુ લાવી હતી. ગ્રે માર્કેટમાં પ્રીમિયમના સોદા હાલ નથી. અમદાવાદ ખાતે ૧૧૦-૧૨૦ જેવા રેટની ધારણા મુકાતી હતી. બાય ધ વે, ઝોમાટો ગઈ કાલે પોણા ટકાના ઘટાડે ૨૫૨ બંધ રહ્યો છે. ૨૪ સપ્ટેમ્બરે શૅરમાં ૨૯૮ની ઑલટાઇમ હાઈ બની હતી, જ્યારે જુલાઈ ૨૦૨૨માં ભાવ ૪૧ની અંદર ઑલ ટાઇમ તળિયે ગયો હતો. સ્વિગીનું શું થશે એ તમે નક્કી કરી લો.

બૅન્ક નિફ્ટી ૧૦૬૧ પૉઇન્ટ વધ્યો, ફાઇનૅન્સને મોટો ટેકો મળ્યો 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના સથવારે બે ટકા કે ૧૦૬૧ પૉઇન્ટ તો પીએસયુ બૅન્ક નિફ્ટી બારેબાર શૅર પ્લસમાં આપી સાડાત્રણ ટકાથી વધુ ઊછળ્યો છે. બૅન્કિંગના ૪૧માંથી ૬ શૅર માઇનસ હતા. બંધન બૅન્ક સર્વાધિક ત્રણ ટકા બગડ્યો છે. સામે ફેડરલ બૅન્ક પરિણામની તેજીમાં પોણાનવ ટકા ઊછળી ૧૦૧ થયો છે. રિઝલ્ટનું જોર આગળ ધપાવતાં ઇન્ડિયન બૅન્ક વધુ સાડાપાંચ ટકાના જમ્પમાં ૫૮૧ હતો. આ ઉપરાંત સેન્ટ્રલ બૅન્ક, કૅનેરા બૅન્ક, આઇઓબી, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, જનસ્મૉલ બૅન્ક, આરબીએલ બૅન્ક, કર્ણાટકા બૅન્ક જેવી જાતો ત્રણથી સવાચાર ટકા
મજબૂત હતી. 

હેવીવેઇટની આગેવાની હેઠળ બૅન્કિંગમાં સાર્વત્રિક વૃદ્ધિ વચ્ચે હોમફર્સ્ટ સવાઆઠ ટકા, પૂનાવાલા ફીનકૉર્પ ૬ ટકા, હુડકો અને મફીન ગ્રીન ફાઇનૅન્સ (જૂની-APM ફાઇનૉન્સ) ૬-૬ ટકા, મનપ્પુરમ પાંચ ટકા, REC તથા PFC પોણાપાંચ ટકા, ઝાનાર્ક સાડાચાર ટકા વધતાં ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૫૧માંથી ૧૧૪ શૅરના સથવારે બે ટકા વધ્યો છે. MCX ૬૮૭૪ના શિખરે જઈ ૪.૨ ટકા કે ૨૭૨ની તેજીમાં ૬૮૩૪ થયો છે. BSE પોણાત્રણ ટકાની આગેકૂચમાં ૪૨૮૪ હતો. સ્પંદન સ્ફૂર્તિ પરિણામ પાછળ ૩૭૫ની વર્ષની બૉટમ બનાવી ૧૭.૫ ટકાના કડાકામાં ૩૮૦ની અંદર ઊતરી ગયો હતો. પિલાણી ઇન્વેસ્ટમેન્ટ સવાઆઠ ટકા કે ૬૫૬ રૂપિયા તૂટી છે. 

નબળાં રિઝલ્ટમાં મારુતિની ગાડી બગડી, તાતા મોટર્સ પણ ગગડ્યો

દેશના કાર-ડિલરો પાસે વણવેચાયેલી કારનો મોટો ભરાવો થયો છે. કહે છે કે આશરે ૮૦,૦૦૦ કરોડનો માલભરાવો છે. આવા માહોલમાં મારુતિ સુઝુકી દ્વારા ૩૭૯૧ કરોડની બજારની એકંદર અપેક્ષા સામે ૧૮ ટકાના ઘટાડામાં ૩૧૦૩ કરોડના નેટ નફા સાથે નબળાં પરિણામ જાહેર થતાં શૅર બમણા વૉલ્યુમે ૧૦,૭૪૪ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૪ ટકાથી વધુ ૪૭૨ રૂપિયા તૂટી ૧૧,૦૧૦ બંધ આવી સેન્સેક્સમાં ટૉપ લૂઝર બન્યો છે. નિફ્ટીમાં ભાવ ૩.૮ ટકા કે ૪૩૭ના ઘટાડે ૧૧,૦૪૭ હતો. તાતા મોટર્સનાં પરિણામ ૮મીએ છે. શૅર ત્રણ ગણા કામકાજમાં ૮૨૬ થઈ અંતે ૪ ટકાથી વધુ ખરડાઈ ૮૪૩ના બંધમાં સેન્સેક્સ ખાતે સેકન્ડ વર્સ્ટ તો નિફ્ટી ટૉપ લૂઝર હતો. મહિન્દ્ર દોઢ ટકો ડાઉન હતો. આ ત્રણ શૅર બજારને ૧૫૧ પૉઇન્ટ નડ્યા હતા. અન્ય ઑટો હેવી વેઇટ્સમાં હીરો મોટોકૉર્પ અઢી ટકા, અશોક લેલૅન્ડ પોણાબે ટકા, બજાજ ઑટો દોઢ ટકો ઘટ્યા છે. હ્યુન્દાઇ મોટર્સ અઢી ટકા ઘટીને ૧૭૫૯ હતો. ઓલા ઇલેક્ટ્રિક ૭૫ની અંદર ઑલટાઇમ તળિયે જઈ પોણાબે ટકા ઘટી ૭૬ રહ્યો છે. 

અદાણી એન્ટરપ્રાઇઝિસની આવક અપેક્ષા કરતાં ઓછી આવી છે પણ નેટ નફો વધી આઠ ગણો, ૧૭૪૨ કરોડ થયો છે. શૅર દોઢ ટકાના સુધારામાં ૨૮૪૧ હતો. અદાણી પોર્ટ્સ દ્વારા ૨૬૦૧ કરોડની ધારણા સામે ૪૦ ટકાના વધારામાં ૨૪૪૫ કરોડ નેટ નફો દર્શાવાયો છે. શૅર દોઢ ટકો વધી ૧૩૭૪ વટાવી ગયો છે. 

સારાં પરિણામ અને રીરેટિંગનું જોશ જાળવી રાખતાં ICICI બૅન્ક ત્રણ ટકા પ્લસની તેજીમાં ૧૩૩૨ બંધ આપી બજારને સર્વાધિક ૨૪૨ પૉઇન્ટ ફળ્યો છે. જેનાં રિઝલ્ટ ૮મીએ છે એ સ્ટેટ બૅન્ક ત્રણ ગણા બેન્ચમાર્ક ખાતે બેસ્ટ ગેઇનર હતો. એના લીધે બજારને ૧૩૫ પૉઇન્ટનો ફાયદો થયો છે. HDFC બૅન્કે એક ટકાના સુધારામાં ૧૭૫૧નો બંધ આપી એમાં ૧૦૧ પૉઇન્ટનો ઉમેરો કર્યો છે. કોટક બૅન્ક અડધો ટકો તો ઍક્સિસ બૅન્ક સવા ટકો અપ હતા. ઇન્ડ્સઇન્ડ દોઢ ટકો માઇનસ થયો છે બજાજ ફાઇ, બજાજ ફીનસર્વ, NTPC, આઇશર, તાતા કન્ઝ્યુમર, ગ્રાસિમ દોઢથી સવાબે ટકા વધ્યા હતા. ભારત ઇલેક્ટ્રિકમાં ધારણાથી સારાં પરિણામને લઈ મૉર્ગન સ્ટેનલીનો ૩૬૪ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આવ્યો છે. શૅર પાંચ ટકાની તેજીમાં ૨૮૪ નજીક સરક્યો છે. SBI લાઇફ સાડાત્રણ ટકા તો HDFC લાઇફ સવાત્રણ ટકા ઊંચકાયા છે.

સિપ્લાએ ધારણાથી સારો દેખાવ કર્યો છે પણ શૅર ૧૫૧૬ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પ્રૉફિટ બુકિંગમાં ૧૪૫૦ થઈ પોણાબે ટકા ઘટી ૧૪૭૮ હતો. લાર્સન પરિણામની પૂર્વસંધ્યાએ સવા ટકો પ્લસ થયો છે. ભારતી ઍરટેલ અપેક્ષાથી ઓછા નફામાં નીચામાં ૧૬૧૦ બતાવી દોઢેક ટકો ઘટી ૧૬૩૭ હતો. સનફાર્મા, ઇન્ફોસિસ, JSW સ્ટીલ, હિન્દુસ્તાન યુનિલીવર, બ્રિટાનિયા એકથી પોણાબે ટકા અને ડૉ. રેડ્ડીઝ લૅબ પોણાત્રણ ટકા કટ થયો છે.

Whatsapp-channel Whatsapp-channel

30 October, 2024 08:14 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK