ડૉલર ઇન્ડેક્સ સતત ચાર દિવસ વધ્યા બાદ ઘટતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
ઇઝરાયલ-ઈરાન, રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સાથે ચીન-તાઇવાન અને ઉત્તર કોરિયા-દક્ષિણ કોરિયા વચ્ચે યુદ્ધ જેવા માહોલની શક્યતા તથા ભારત-કૅનેડા વચ્ચે રાજકીય તનાવ વધતાં સોના-ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડ વધી હતી. વળી ડૉલર ઇન્ડેક્સ સતત ચાર દિવસ વધ્યા બાદ ઘટતાં ખરીદીનું આકર્ષણ પણ વધ્યું હતું, જેને કારણે સોનું-ચાંદી વિશ્વ બજારમાં વધ્યાં હતાં. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૬૨૩ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૭૧૨ રૂપિયા વધ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ADVERTISEMENT
અમેરિકન રેટ-કટની અનિશ્ચિતતા વધતી જતી હોવાથી ડૉલર ઇન્ડેક્સ સતત ચાર દિવસ વધ્યા બાદ બુધવારે ઘટ્યો હતો. ઍટલાન્ટા ફેડ પ્રેસિડન્ટ રાફેલ બોસ્ટિકે ૨૦૨૪ની બાકી રહેલી મીટિંગમાંથી એક મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ લાવવાની ભલામણ કરી હતી. અમેરિકાનું કોર ઇન્ફ્લૅશન માર્કેટની ધારણાથી વધુ રહેતાં હવે ફેડના ઑફિશ્યલ્સનો ટોન સાવચેતીભર્યો થયો હોવાથી રેટ-કટની અનિશ્ચિતતા વધી હતી. અગાઉ નવેમ્બરમાં ૫૦ બેસિસ પૉઇન્ટ અને ડિસેમ્બરમાં પણ ૨૫ કે ૫૦ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ આવશે એવું નિશ્ચિત મનાતું હતું, પણ સપ્ટેમ્બર મહિનાનું ઇન્ફ્લેશન વધતાં હવે નવેમ્બર કે ડિસેમ્બરમાં બેમાંથી એક જ મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ આવવાની શક્યતા બતાવાઈ રહી હોવાથી બુધવારે ડૉલર ઇન્ડેક્સમાં તેજી અટકી હતી. જોકે બુધવારે એક તબક્કે ડૉલર ઇન્ડેક્સ વધીને નવી બે મહિનાની ઊંચી સપાટી ૧૦૩.૪૦ પૉઇન્ટે પહોંચ્યો હતો, પણ ત્યાંથી ઘટીને ફરી ૧૦૩.૧૭ પૉઇન્ટ થયો હતો. રેટ-કટની અનિશ્ચિતતા વધતાં ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ પણ ૦.૦૩૨ ટકા ઘટીને ચાર ટકાએ પહોંચ્યા હતા.
યુરો એરિયા બાદ હવે બ્રિટનનું હેડલાઇન કન્ઝયુમર ઇન્ફ્લેશન પણ ઘટીને સાડાત્રણ વર્ષની નીચી સપાટીએ સપ્ટેમ્બરમાં ૧.૭ ટકાએ પહોંચ્યું હતું, જે અગાઉના બે મહિના ૨.૨ ટકા હતું અને માર્કેટની ૧.૯ ટકાની ધારણા કરતાં પણ નીચું રહ્યું હતું. કોર ઇન્ફ્લેશન પણ ઘટીને સપ્ટેમ્બરમાં ત્રણ વર્ષની નીચી સપાટીએ ૩.૨ ટકાએ પહોંચ્યું હતું, જે ઑગસ્ટમાં ૩.૬ ટકા હતું. ઇન્ફ્લેશન બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડના બે ટકાના ટાર્ગેટની નીચે આવતાં હવે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ નેક્સ્ટ મીટિંગમાં રેટ-કટનો નિર્ણય લેશે એવી ધારણાએ બ્રિટિશ પાઉન્ડ કરન્સી બાસ્કેટમાં ઘટીને બે મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
સોનાની માર્કેટને મૉનિટરી ફન્ડામેન્ટ્સનો સપોર્ટ હાલ નથી, કારણ કે અમેરિકાના રેટ-કટનું ભવિષ્ય અત્યંત પ્રવાહી છે. જોકે જિયોપૉલિટિકલ ટેન્શન અનેક પ્રકારે વધી રહ્યું હોવાથી મોટાં ફન્ડો અને સ્ટ્રૅટાજિક ઇન્વેસ્ટરો સોનામાં ધીમી ગતિએ સેફ હેવન બાઇંગ વધારી રહ્યા હોવાથી સોનામાં મજબૂતી ટકેલી છે. રશિયા-યુક્રેન, ઇઝરાયલ-હમાસ, ઇઝરાયલ-હિઝબુલ્લા, ઇઝરાયલ-હુથી વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ઉપરાંત ચીન-તાઇવાન અને ઉત્તર કોરિયા-દક્ષિણ કોરિયા વચ્ચે શરૂ થયેલી યુદ્ધ પહેલાંની કવાયતને કારણે વર્લ્ડમાં ચારે તરફ જિયોપૉલિટિકલ ટેન્શન વધી રહ્યું છે, અધૂરામાં પૂરું, ભારત-કૅનેડા વચ્ચે આતંકવાદીઓને સમર્થન આપવા બાબતે ટેન્શન વધ્યું છે, જેમાં અમેરિકાએ કૅનેડાનું આડકતરું સમર્થન કરતાં રાજકીય કડવાશ વધી રહી છે. આમ તમામ કારણો જ્યાં સુધી મોજૂદ હશે ત્યાં સુધી સોનાના ભાવ હાઈ લેવલે હોવા છતાં મજબૂતી જળવાયેલી રહેશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૬,૫૫૩
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ); ૭૬,૨૪૬
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૧,૫૧૨
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)