ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ ૧૮ મહિનાની ટોચે: ગ્લોબલ વૉર્મિંગની અસરે વરસાદ-ગરમી-ઠંડીના અસંતુલનથી કૃષિઉત્પાદનને ગંભીર અસર: ભારતમાં ઘઉં અને તેલ-તેલીબિયાંના ભાવમાં આસમાની ઉછાળો
કૉમોડિટી વૉચ
પ્રતીકાત્મક તસવીર
ગ્લોબલ વૉર્મિંગનાં વરવાં પરિણામો હવે સપાટી પર આવી રહ્યાં છે. ગ્લોબલ વૉર્મિંગને કારણે વરસાદ, ગરમી અને ઠંડીની ઋતુમાં અસંતુલન વધતાં દરેક દેશમાં કૃષિઉત્પાદનને માઠી અસર પહોંચી છે. ભારત અને ચીન જેવા જંગી વસ્તી ધરાવતા દેશોમાં મોંઘવારીનો પડકાર કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. ઇટલીની રાજધાની રોમમાં આવેલી ઇન્ટરનૅશનલ એજન્સી યુનાઇટેડ નેશન્સના ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન (ફાઓ) દ્વારા દર મહિને ગ્લોબલ ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. ઑક્ટોબર મહિનાનો આ ઇન્ડેક્સ વધીને ૧૮ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. હાલ યુરોપિયન સમૂહના ૨૯ દેશો અને કાળા સમુદ્ર વિસ્તારના દેશો રશિયા, યુક્રેન, ઉઝબેકિસ્તાન વગેરેમાં દુકાળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે જેને કારણે આ દેશોમાં ઉત્પાદિત કૃષિપેદાશોના ભાવ આસમાની ઊંચાઈએ પહોંચ્યા છે. બ્રાઝિલ-આર્જેન્ટિનામાં છેલ્લા છ મહિનાથી અપૂરતો વરસાદ પડી રહ્યો છે. એ જ રીતે મલેશિયા, ઇન્ડોનેશિયામાં કમોસમી વરસાદનો માર પડી રહ્યો છે. અમેરિકામાં ચાલુ વર્ષે જુલાઈથી નવેમ્બર દરમ્યાન પચીસ વાવાઝોડાં આવવાની આગાહી અંતર્ગત હાલ દર અઠવાડિયે એક નવું વાવાઝોડું ઉદ્ભવે છે અને અનેક વિસ્તારમાં તબાહી મચાવી રહ્યું છે. આવી અનેક ઘટના વિશ્વના કોઈ પણ ખૂણે છાશવારે બની રહી છે.