અમેરિકામાં મકાઈના ઉત્પાદનમાં ૯ ટકાનો ઘટાડો થવાનો અંદાજ: ભારતમાં પણ મકાઈની બજારમાં તેજીનો માહોલ રહેશે
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક બજારમાં મકાઈના ભાવ સરેરાશ ઊંચા રહે એવી આગાહી ઍનલિસ્ટો કરી રહ્યા છે. ઍનલિસ્ટો કહે છે કે વૈશ્વિક બજારમાં મકાઈના ભાવ ૨૦૨૩ના વર્ષમાં પણ ઊંચા રહેશે. યુક્રેનથી મકાઈની નિકાસ ચાલુ વર્ષે પણ સરેરાશ ઓછી જ રહે એવી ધારણા છે અને વિશ્વમાં ઍનિમલ ફીડ માટે મકાઈની માગ વધી રહી છે.
અમેરિકાના મકાઈના ઉત્પાદકોએ ૧૩.૭ અબજ બુશેલ્સનું ઉત્પાદન કર્યું, જે ૨૦૨૧ કરતાં ૯ ટકા ઓછું છે. અમેરિકામાં મકાઈનો ઉતારો પ્રતિ એકર ૧૭૩.૩ બુશેલ (એક બુશેલ એટલે ૨૬ કિલો) હોવાનો અંદાજ છે, જે ૨૦૨૧ના ૧૭૬.૭ બુશેલ પ્રતિ એકરના રેકૉર્ડ ઉચ્ચ ઊપજ કરતાં ૩.૪ બુશેલ્સ ઓછો છે. વાવેતર વિસ્તારમાં પણ ૭ ટકાનો ઘટાડો થયો છે એમ અમેરિકન કૃષિ સંસ્થાએ એના જાન્યુઆરી મહિનાના માસિક અહેવાલમાં જણાવ્યું હતું.
ADVERTISEMENT
વૈશ્વિક બજારમાં મકાઈના ભાવ અત્યારે ૬.૭૧ ડૉલર પ્રતિ બુશેલની સપાટી પર ટ્રેડ કરી રહ્યા છે, જેમાં છેલ્લા એક સપ્તાહ દરમ્યાન ત્રણ ટકાનો વધારો થયો છે. વૈશ્વિક બજારમાં મકાઈના ભાવ ઊંચા હોવાથી ભારતીય મકાઈની બજારમાં પણ ભાવ ઊંચા છે. ભારતીય મકાઈના ભાવ ક્વિન્ટલના ૨૩૫૦થી ૨૪૦૦ રૂપિયા વચ્ચે ચાલી રહ્યા છે. દેશમાં મકાઈની નિકાસમાગ સારી હોવાથી ભાવ સરેરાશ ઊંચા રહે એવી ધારણા છે.
વૈશ્વિક બજારમાં જ્યાં સુધી યુક્રેન-રશિયાથી અનાજની નિકાસ પહેલાંની જેમ નૉર્મલ ન થાય ત્યાં સુધી મોટી માત્રામાં નિકાસની ધારણા નથી. બીજી તરફ ઇથેનૉલ બનાવવા માટે પણ અનાજનો વપરાશ વધી રહ્યો હોવાથી એની અસર પણ બજાર પર જોવા મળી રહી છે. મકાઈની બજારમાં ચાલુ વર્ષે તેજીની અસર અન્ય અનાજના પાક જેવા કે જુવાર-બાજરી પર પણ જોવા મળી શકે છે એમ ટ્રેડરો કહે છે.