સરકારના સલાહકારને લખ્યો પત્ર : વીજ-સપ્લાયના ૮૦૦ મિલ્યન ડૉલર લેવાના બાકી
ગૌતમ અદાણી
અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણીએ બંગલાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસને પત્ર લખીને બંગલાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ પાસેથી ૮૦૦ મિલ્યન ડૉલર (આશરે ૬૭૧૧ કરોડ રૂપિયા)ની લેણી રકમ તાત્કાલિક ચૂકવવાનું કહ્યું છે.
આ પત્રમાં ગૌતમ અદાણીએ લખ્યું છે કે ‘અમારા લેણિયાતો અમારી પાસે તેમની બાકીની રકમ ચૂકવવાની માગણી કરી રહ્યા છે એથી બંગલાદેશને આપેલા કમિટમેન્ટને પૂરું કરવામાં અમને તકલીફ પડી રહી છે. તમે આ મુદ્દે દખલ લઈને બંગલાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ પાસેથી આ રકમ તાકીદે ચૂકવવાની વ્યવસ્થા કરશો. અમે અમારાં નિયમિત બિલ પણ સમયસર ચૂકવવાની માગણી કરીએ છીએ.’
ADVERTISEMENT
બંગલાદેશમાં સત્તાપરિવર્તન બાદ આ રકમની ચુકવણી થઈ નથી છતાં હજી સુધી અદાણી પાવર દ્વારા વીજ-સપ્લાય ચાલુ છે. અદાણી પાવર ઝારખંડમાં આવેલા કોલસા આધારિત એના આધુનિક પાવર પ્લાન્ટમાંથી બંગલાદેશને ૧.૬ મેગાવૉટ વીજપુરવઠો પૂરો પાડે છે. આ માટે ડેડિકેટેડ પાવર સપ્લાય લાઇનો તૈયાર કરવામાં આવી છે અને ગયા જૂનથી આ પુરવઠો પૂરો પાડવાની શરૂઆત થઈ છે. આ પાવર પ્લાન્ટ તૈયાર કરવા અદાણી પાવરે બે અબજ ડૉલરનું રોકાણ કર્યું છે. આ સિવાય અદાણી ગ્રુપ બંગલાદેશમાં ચોખા, તેલ અને બીજી જીવનાવશ્યક ચીજ-વસ્તુઓનો પુરવઠો પણ પૂરો પાડે છે.