અત્યાર સુધીમાં કુલ પાંચ ટેન્ડરમાં એફસીઆઇના ૨૯ લાખ ટન ઘઉંનું વેચાણ : સરકાર ૧૫ માર્ચે છેલ્લું ઑક્શન યોજશે અને ત્યાર બાદ સરકારી ખરીદી શરૂ થશે
પ્રતીકાત્મક તસવીર
દેશમાં ઘઉંના આસમાને પહોંચેલા ભાવને રોકવા માટે સરકારે ફેબ્રુઆરીની શરૂઆતમાં ઘઉં વેચાણ કરવાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત ગયા સપ્તાહે યોજાયેલા પાંચમા ઈ-ઑક્શનમાં એફસીઆઇના કુલ ૫.૩૯ લાખ ટન ઘઉંનું વેચાણ થયું છે. અત્યાર સુધીમાં પાંચ ઑક્શનમાં કુલ ૨૯ લાખ ટન ઘઉંનું વેચાણ થયું છે. આ તબક્કામાં ઘઉંના સરેરાશ ઑક્શન ભાવમાં ૨૭૫ રૂપિયા જેવો ઘટાડો થયો છે.
એફસીઆઇ દ્વારા ગયા બુધવારના રોજ યોજવામાં આવેલા ટેન્ડરમાં કુલ ૧૧.૮ લાખ ટન ઘઉં ઑફર કરવામાં આવ્યા હતા, જેમાંથી ૫.૩૯ લાખ ટન ઘઉં માટે કુલ ૨૩ રાજ્યોમાંથી ૬૫૭ ડેપો માટે કુલ ૧૨૪૮ બીડ મળી હતી. પાંચમા ઑક્શનમાં સરેરાશ ઘઉંના રિઝર્વ ભાવ ૨૧૪૦.૨૮ રૂપિયા હતા, જેની સામે વેચાણ ૨૧૯૭.૯૧ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર થયા હતા. પાંચમા ઑક્શનમાં પણ અગાઉની જેમ જ સૌથી વધુ બીડ ૧૦૦થી ૪૯૯ ટન વાળાની હતી.
ADVERTISEMENT
એફસીઆઇ દ્વારા પહેલું ઑક્શન પહેલી અને બીજી ફેબ્રુઆરીએ યોજવામાં આવ્યું ત્યારે એમાં ૯.૧૩ લાખ ટન ઘઉંનું ૨૪૭૪ રૂપિયાના ભાવથી વેચાણ થયું હતું, જ્યારે બીજું ઑક્શન ૧૫ ફેબ્રુઆરીના હતું, જેમાં ૩.૮૫ લાખ ટન ઘઉં ૨૩૩૮ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના સરેરાશ ભાવથી વેચાણ થયું હતું. જ્યારે ત્રીજા ઑક્શનમાં ૨૧૭૩ રૂપિયાના ભાવથી ૫.૦૭ લાખ ટન અને ચોથા ઑક્શનમાં ૨૧૯૩.૮૨ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવથી ૫.૪૦ લાખ ટન ઘઉંનું વેચાણ થયું હતું.
આમ સરકાર દ્વારા કુલ પાંચ ઑક્શન માટે ૪૫ લાખ ટન ઘઉંની ફાળવણી થઈ છે, એમાંથી ૨૮.૮૬ લાખ ટન ઘઉંનું વેચાણ થયું છે. ચોથા ઑક્શન સુધીમાં કુલ ૨૩.૪૭ લાખ ટન ઘઉંના વેચાણમાંથી ૧૯.૫૧ લાખ ટન ઘઉંની ડિલિવરી પણ ડેપો પરથી થઈ ચૂકી છે અને બજારમાં આ ઘઉં આવવા લાગ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા આગામી સપ્તાહે એટલે કે ૧૫ માર્ચના રોજ આ ક્વોટા હેઠળનું છેલ્લું ઑક્શન થશે અને ત્યાર બાદ સરકાર આગળ ઉપર ઑક્શન ચાલુ રાખે છે કે બંધ કરે છે એના ઉપર સૌની નજર છે. સરકાર સામાન્ય રીતે ૧૫ માર્ચ બાદ ખરીદી શરૂ કરતી હોય છે અને પહેલી એપ્રિલથી તો મોટા ભાગનાં રાજ્યોમાં સરકારી ખરીદી થશે એટલે સરકાર વેચાણ કરવાની કામગીરી બંધ કરશે.