રૂપિયામાં સુધારો : યુરોપમાં બૅન્કિંગ ક્રાઇસિસ વિશે ચિંતા યથાવત્
કરન્સી કૉર્નર
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ફેડે વ્યાજદરમાં પા ટકાનો વધારો કર્યો છે. ફેડે રેટ-કટની વાત ટાળી છે. બે ટકા ફુગાવો લાવવાની વાત દોહરાવી છે. બજારને જોકે ફેડની વાત પર ભરોસો નથી. બજારને ચાલુ વરસે રેટ-કટ દેખાય છે. ડૉલેકસમાં અન્ડરટોન નરમ છે. યુરો, યેન, પાઉન્ડ, યુઆન સહિત મોટા ભાગની કરન્સી ડૉલર સામે ઠીક-ઠીક મજબૂત થઈ છે. રૂપિયો પણ ડૉલર ઘટ્યા ભાવથી સુધર્યો છે. અમેરિકામાં સિલિકૉન વૅલી માટે હજી ફેડરલ ડિપોઝિટ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશનને કોઈ ગ્રાહક મળ્યો નથી. વૉલ સ્ટ્રીટ કહે છે કે બૅન્કોને રાહત આપવા વૉશિંગ્ટને આક્રમક દરમ્યાનગીરી કરવી જોઈએ. મદદની વાત તો દૂર રહી, વૉશિંગ્ટન બૅન્કો પર નિયમનો સખત કરવાના સંકેત આપે છે. બૅન્કરો બાઇડન વહીવટી તંત્રથી નારાજ છે. જોકે સિલિકૉન વૅલીની નાદારીમાં ફેડ અને અમેરિકી ટ્રેઝરીની ગફલત બહાર આવી છે. બાઇડન સરકારે ડિપોઝિટરનાં નાણાં સલામત છે એમ કહી તો દીધું છે, પણ એ વિશે કોઈ નક્કર પ્લાન રજૂ કર્યો નથી. અત્યારે અમેરિકન નાગરિકો નાની બૅન્કોમાંથી ફટાફટ નાણાં ઉપાડી રહ્યા છે. જો ૧૬૭ વર્ષ જૂની ક્રેડિટ સુઈસ પાણીના ભાવે વેચાય તો બીજી બૅન્કોનું શું ગજું? સિલિકૉન વૅલી ફિયાસ્કા પછી અંદાજે બે ટ્રિલ્યન ડૉલર કદ ધરાવતા વેન્ચર કૅપિટલ બજારને ૫૦૦ અબજ ડૉલર જેટલી હીટ લાગે એવી શક્યતા છે. અમેરિકામાં બૉન્ડ યીલ્ડમાં શાર્પ કરેક્શન આવ્યું છે. ફેડ ચૅરમૅન પૉવેલે વ્યાજદર ઘટાડો નહીં આવે એમ કહ્યું છે, પણ બજારને લાગે છે કે ૨૦૨૩માં ૭૫-૧૦૦ બેસિસ પૉઇન્ટ જેવો રેટ-કટ આવશે.
યુરોપની વાત કરીએ તો યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ૫૦ બેસિસ પૉઇન્ટ વ્યાજદર વધાર્યા છે. ફુગાવો મચક આપતો નથી એટલે બન્ને સેન્ટ્રલ બૅન્કોએ નાણાકીય સંકટની પરવા કર્યા વિના વ્યાજદર વધાર્યા છે. સ્વિસ બૅન્કિંગ પર સંકટનાં વાદળ મંડરાતાં હોવાથી હાલ પૂરતો યુરો સેફ હેવન રોલમાં આવ્યો છે. યુરો ગયા વરસે ૦.૯૪ થયા પછી હાલમાં ૧.૦૮ થયો છે અને ૧.૧૦ સુધી જઈ શકે છે. ઓવરઑલ રેન્જ ૧.૦૫-૧.૧૨ જેવી રહી શકે. યુરો રૂપિયા સામે નોંધપાત્ર વધ્યો છે. યુરો રુપી ૮૦થી વધીને ૯૦.૨૦ થઈ છેલ્લે ૮૮.૮૦ હતો.
ADVERTISEMENT
શૉર્ટ ટર્મ રેન્જ ૮૬-૯૧ દેખાય છે. યુરોપિયન ક્રાઇસિસમાં યુરો મજબૂત થતો લાગે છે.
યુકેમાં ફુગાવો ૧૦ ટકાથી વધારે રહેતાં બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઇન્ટ વધારો કર્યો છે. પાઉન્ડમાં નોંધપાત્ર સુધારે છે અને આગળ જતાં પાઉન્ડ ૧.૨૪-૧.૨૫ થવાની શક્યતા છે. ગયા વરસે રાજકીય અસ્થિરતાના માહોલમાં એક તબક્કે પાઉન્ડ ૧.૦૫ થઈ ગયો હતો. એ પછી સુધરીને હાલ ૧.૨૨ થયો છે. હવે બજારોની નજર જર્મનીની બે મોટી બૅન્કો કૉમર્સ એજી અને ડોઇસ બૅન્ક પર છે. ડોઇસ બૅન્કના શૅરોમાં ભારે વેચવાલી આવતાં ભાવો ઘટ્યા હતા. યુરોપમાં બૅન્કિંગ ક્રાઇસિસ વણસે તો ઇટલી અને ફ્રાન્સની અમુક બૅન્કો પણ તકલીફમાં આવે તો ઈસીબીને ફરી ક્યુઈ સપોર્ટ આપવો પડે.
ઘરઆંગણે રૂપિયો એક તબક્કે ૮૨.૦૮ થઈ છેલ્લે ૮૨.૩૬ બંધ હતો. ડૉલેક્સની નરમાઈ અને એશિયાઈ ઇમર્જિંગ બજારોમાં કોરિયા વૉન, યેન અને ઇન્ડોનેશિયા રૂપિયા જેવી કરન્સી ઊછળતાં રૂપિયો થોડો સુધર્યો હતો. સૌથી વધારે ઉછાળો કોરિયા વૉનમાં છે. રૂપિયો પાઉન્ડ અને યુરો સામે ઠીક-ઠીક નબળો પડ્યો છે. ડૉલરની બ્રોડ નરમાઈ જોતાં રૂપિયો યુરો અને પાઉન્ડ સામે વધુ નરમ પડી શકે છે. ક્રૂડ અને ગૅસની મંદી અને ડૉલરની નરમાઈ રૂપિયા માટે રાહતના સમાચાર છે, પણ કમોસમી વરસાદને પગલે ઘઉંના ભાવમાં આગઝરતી તેજી ફુગાવાના મોરચે ચિંતાજનક છે. સારું ચોમાસું આવે તો સેકન્ડ હાફમાં ફુગાવો અને વ્યાજદર ઘટી શકે.
ક્રિપ્ટોકરન્સીમાં બીટકૉઇન હજી મક્કમ છે. ભાવ ૨૭,૫૦૦ આસપાસ જળવાયેલા છે. કરન્સી બજારોમાં શૉર્ટ ટર્મ રેન્જ જોઈએ તો રૂપીડૉલર ૮૨.૧૦-૮૩.૦૦, ડૉલેક્સ ૧૦૧.૮૦-૧૦૪.૫૦, યુરો ૧.૦૬-૧.૧૨, પાઉન્ડ ૧.૧૮-૧.૨૪, યેન ૧૨૮-૧૩૫, બીટકૉઇન ૨૩,૦૦૦-૩૦,૦૦૦ ડૉલર ગણાય. ક્રાઇસિસમાં યુરોરૂપી ૮૬-૯૧, પાઉન્ડરૂપી ૯૭-૧૦, યેનરૂપી ૦.૫૮-૦૬૨ રેન્જ દેખાય છે.