ભાગ્યે જ આપણે વર્ષની શરૂઆતથી જ આ બાબતની યોજના શરૂ કરીએ છીએ
ફાઇનૅન્સ પ્લાન
પ્રતીકાત્મક તસવીર
નાણાકીય વર્ષનું છેલ્લું ક્વૉર્ટર જ્યારે લોકોને મૃત્યુતુલ્ય ભય સતાવતો હોય છે, કેમ કે આ ગાળામાં લોકો પોતાનું ટૅક્સ-પ્લાનિંગ કરવા માટે છેક છેલ્લી ઘડી સુધી દોડાદોડ કરતા હોય છે, એ સમય આવી પહોંચ્યો છે! વર્ષના આ સમય દરમ્યાન મહત્તમ લોકો ટૅક્સ બચાવવા માટે રોકાણ કરતા હોય છે અથવા પૈસા દાન કરવા માગતા હોય છે. હા, આ ટૅક્સ-પ્લાનિંગ કરવાનો સમય છે. આપણામાંના મોટા ભાગના લોકો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના સમયગાળામાં ટૅક્સ-પ્લાનિંગ કરવાની શરૂઆત કરતા હોય છે. ભાગ્યે જ આપણે વર્ષની શરૂઆતથી જ આ બાબતની યોજના શરૂ કરીએ છીએ. આથી આપણે હોલિસ્ટિક અભિગમ અપનાવ્યા વિના આડેધડ નાણાકીય નિર્ણયો લઈને ટૅક્સ-પ્લાનિંગનું કામ પતાવી દઈએ છીએ.
સમયને અભાવે લેવાતા અયોગ્ય નિર્ણયો
જ્યારે આપણે કોઈ ટ્રિપ/યાત્રાએ જવા માગીએ ત્યારે એના માટે અગાઉથી યોજના બનાવીએ છીએ, પરંતુ જ્યારે ટૅક્સની વાત આવે ત્યારે આપણે છેક છેલ્લી ઘડી સુધી ટાળતા રહીને નછૂટકે હજી વધુ ટાળી ન શકાય એવી છેલ્લી ઘડીએ જ એની યોજના બનાવીએ છીએ. ફાઇનૅન્શિયલ પ્લાનર તરીકે મારી સામે એવા વિવિધ દાખલા આવે છે જ્યાં કોઈ વ્યક્તિ કરવેરાની બચત માટે એમ સમજીને પાંચ વર્ષની ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરે છે કે તેને ગમે ત્યારે તોડી શકાશે (જ્યારે ટૅક્સ-સેવિંગ માટે રોકાણ કર્યું હોય ત્યારે આ ફિક્સ્ડ ડિપોઝિટ સમયાવધિ પહેલાં તોડી શકાતી નથી.) અથવા કોઈ એવી વ્યક્તિ કે જે જોખમ લેવા માગતી નથી, પરંતુ ટૅક્સ બચાવવાની ઉતાવળમાં છેક છેલ્લી ઘડીએ વિચાર્યા વગર જ તેણે ટૅક્સ માટેની ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ સ્કીમ્સમાં રોકાણ કરી દીધું હોય. મારા એક સહકાર્યકર્તાએ મારી સાથે એક દાખલો શૅર કર્યો. તેનો મિત્ર એક મલ્ટિ-નૅશનલ કંપનીમાં કામ કરતો હતો. તેણે ટૅક્સ સેવિંગ કર્યા હોવાના પુરાવા કંપનીમાં રજૂ કર્યા ન હોવાથી તેને માર્ચ મહિનાનો પગાર ઓછો મળ્યો હતો.
ADVERTISEMENT
શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણે આવી સમસ્યાનો સામનો કેમ કરવો પડે છે? એનું કારણ એ છે કે જ્યારે ટૅક્સ-પ્લાનિંગની વાત આવે છે ત્યારે આપણે મોટા ચિત્રને ધ્યાનમાં લેતા નથી. એ સમયે આપણું ધ્યાન ફક્ત ટૅક્સ બચાવવા પર જ હોય છે. જો આપણે આપણી નાણાકીય બાબતોને હોલિસ્ટિક દૃષ્ટિકોણથી જોવાનું શરૂ કરીએ તો કેવળ ટૅક્સ બચાવવાના હેતુથી જ આપણે બિનજરૂરી હોય એવાં ઉત્પાદનોમાં રોકાણ કરીશું નહીં. આનાથી ટૅક્સની બચત પણ સુયોગ્ય રીતે રોકાણના વિકલ્પોની પસંદગી કરીને થઈ શકે. ચાલો પહેલાં નાણાકીય આયોજનની પ્રક્રિયામાં સામેલ પગલાંઓને આપણે સંક્ષિપ્તમાં સમજીએ.
આખી પ્રક્રિયાની સમગ્રતાને સમજીને આયોજન કરવું
ફાઇનૅન્શિયલ ફ્રીડમ મેળવવાના માર્ગ પર ચાલવા માટે ફાઇનૅન્શિયલ પ્લાનિંગની પ્રક્રિયામાં વ્યક્તિએ સમજી-વિચારીને આયોજનબદ્ધ રીતે દરેક પગલું ભરવાની જરૂર છે. પ્રથમ પગલું તમારી સંપત્તિની સુરક્ષા કરવાનું છે. આમાં કટોકટી માટેનું આયોજન, હેલ્થ ઇન્શ્યૉરન્સ, લાઇફ ઇન્શ્યૉરન્સ તેમ જ અન્ય જરૂરી એવા જનરલ ઇન્શ્યૉરન્સ લેવા આવશ્યક છે. ત્યાર બાદ, આપણે આપણાં નાણાકીય લક્ષ્યો માટે આયોજન કરવું જોઈએ. આપણાં આ લક્ષ્યો આપણે રોકાણ કરીને અથવા જરૂરિયાત અનુસાર લોન લઈને પ્રાપ્ત કરી શકીએ છીએ. ફાઇનૅન્શિયલ પ્લાનિંગની પ્રક્રિયામાં સામેલ આગળનું પગલું છે આગામી પેઢીને પોતાની સંપત્તિને સ્થાનાંતરિત કરવાનું છે. ટૅક્સ-પ્લાનિંગ કરવું એ સમગ્ર આયોજન પ્રક્રિયાનો એક ભાગ બની જાય છે. જ્યારે આપણે આપણી નાણાકીય યોજનાઓ બનાવવાની શરૂઆત કરીએ છીએ ત્યારે જે હેલ્થ ઇન્શ્યૉરન્સ ખરીદીએ એના માટે જે પ્રીમિયમ ભરવામાં આવે છે એની પર સેક્શન ૮૦ડી હેઠળ ટૅક્સમાં કપાત મળે છે. ત્યાર બાદ, લાઇફ ઇન્શ્યૉરન્સ માટે ભરેલા પ્રીમિયમ પર સેક્શન ૮૦સી હેઠળ ટૅક્સમાં કપાત મળે છે. આ સેક્શનમાં કપાત મેળવવા માટે અન્ય ચોક્કસ પ્રોડક્ટ્સ પણ ઉપલબ્ધ છે. ઉપરાંત, હોમલોન માટે, બાળકોની ટ્યુશન ફી (બે બાળકો સુધી જ) વગેરે માટે ચુકવણી કરાઈ હોય ત્યારે ટૅક્સમાં અમુક ફાયદાઓ મળે છે. જો આપણે અમુક સંસ્થાઓને દાન આપીએ તો, સેક્શન ૮૦જી હેઠળ કરવેરાનો લાભ પણ મેળવી શકીએ છીએ. આમ કરલાભ દરેક તબક્કે ઉપલબ્ધ છે.
કરલાભો કાં તો કરાયેલા ખર્ચ સામે અથવા કરાયેલાં રોકાણો સાથે જોડાયેલા છે. રોકાણો આપણાં નાણાકીય લક્ષ્યો પર આધારિત છે. એથી જો આપણે આપણાં લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો બાકીનું બધું આપોઆપ વ્યવસ્થિત રીતે ગોઠવાતું જાય છે. આથી કેવળ ટૅક્સની બચત કરવાના હેતુથી નિર્ણય લેવાને બદલે સમગ્ર રોકાણની યોજનાને ધ્યાનમાં રાખીને હોલિસ્ટિક અભિગમ અપનાવવાનું મહત્વપૂર્ણ છે. બાકીની દરેક વસ્તુની જેમ, આપણે અગાઉથી જ આપણી નાણાકીય યોજનાઓ પણ સારી રીતે બનાવવી જોઈએ. આમાં દેખીતી રીતે ટૅક્સ-પ્લાનિંગ પણ સામેલ છે. કરબચતનાં સાધનોમાં રોકાણ કરવા માટે આપણે નાણાકીય વર્ષના છેલ્લા ત્રણ મહિનાની રાહ જોવી ન જોઈએ. પ્રક્રિયા તરીકે, છેલ્લી ઘડીની મુશ્કેલીઓ ટાળવા માટે વર્ષની શરૂઆતથી જ આ આયોજન હાથ ધરવાનું આવશ્યક છે.