આર્જેન્ટિના પેસો તૂટ્યો : ફેડ-ઈસીબી-યુકેના ‘રેટ પીક’ પર બજારની નજર
કરન્સી કૉર્નર
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
યુરો ઝોનમાં વરસો પછી વિકાસની ઘરવાપસી થતી લાગે છે. સર્વિસ સેક્ટરનો વિકાસદર મજબૂત દેખાય છે. શ્રમબજાર પણ સુધારો બતાવે છે. વીજળી અને ગૅસના ભાવમાં મોટી મંદી પછી મોંઘવારીમાં પણ આગળ જતાં ઘટાડાના સંકેત મળે છે. ડૉલરની વ્યાપક નરમાઈ, ઇમર્જિંગ કરન્સીમાં સુધારો અને યુકે પાઉન્ડની તેજીનો લાભ પણ યુરોપિયન કરન્સીને મળી રહ્યો છે. કૅરી ટ્રેડ સ્પેક્યુલેટર્સ હવે ડૉલર વેચીને હંગેરી ફોરિન્ટ અને ઝાક કોરુનામાં તેજી જુએ છે. નોર્ડિંક કરન્સી નોર્વે ક્રોનર અને સ્વિડિશ ક્રોનાની તેજી ધીમી પડી છે. યુરો ગયા ઑક્ટોબરમાં ઘટીને ૦.૯૪ થઈ ગયા પછી હાલ ૧.૦૯૮૦ છે અને આગામી થોડા દિવસોમાં ૧.૧૧-૧.૧૨ થઈ શકે છે. રૂપિયા સામે પણ યુરો ૭૮ના લેવલથી વધીને હાલ ૯૦ થઈ ગયો છે, આગળ પર ૯૨-૯૩ થઈ શકે છે. યુરોપિયન શૅરો પણ મજબૂત થયા છે.
યુકેમાં ગયા ઑક્ટોબરમાં રાજકીય અસ્થિરતા ચરમસીમા પર હતી ત્યારે પાઉન્ડ ઘટીને ૧.૩૯૮ થઈ ગયો હતો. બોન્ડ બજારોમાં ભારે ગભરાટ હતો. જોકે એક વરસમાં યુકેનાં બજારો ઘણાં સુધર્યાં છે. હાલમાં યુકેમાં ફરી રાજકીય અસ્થિરતા દેખાવા લાગી છે, પણ બજારો પર એની નેગેટિવ અસર નથી. પાઉન્ડમાં તેજી હજી પણ આગળ વધતી લાગે છે. પાઉન્ડ ૧.૨૪૫૦થી વધીને ૧.૨૬૦૦ તરફ જશે. યુકે રિયલ એસ્ટેટમાં પણ તેજીનો ચમકારો છે. ડૉલર સામે પાઉન્ડ વધતાં રૂપિયા સામે પણ પાઉન્ડ વધ્યો છે. પાઉન્ડ ડૉલરની રેન્જ ૧.૨૨-૧.૨૬ અને રૂપી-પાઉન્ડની રેન્જ ૯૮-૧૦૪ દેખાય છે.
ADVERTISEMENT
સ્થાનિક બજારમાં રૂપિયામાં ધીમો સુધારો હતો. શુક્રવારે ઑફશૉર બજારમાં રૂપિયો ૮૧.૯૬ થઈ છેલ્લે ૮૨.૦૧ બંધ હતો. લાંબા સમયથી રૂપિયો ૮૧.૮૦-૮૩.૨૦ વચ્ચે કન્સોલિડેટ થઈ રહ્યો છે. ડૉલરની આંતરિક નરમાઈ અને અર્થતંત્રમાં તેજીના સંકેતો છે. જાન્યુઆરી-માર્ચ ક્વૉર્ટર માટે આર્થિક વિકાસદર ૫.૪ ટકા રહેવાનું અનુમાન છે, જે ઑક્ટોબર-ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૪.૮ ટકા હતો. સરકારનો ફુગાવાનો લક્ષ્યાંક ૪-૬ ટકા વચ્ચે છે. તાજેતરમાં ફુગાવો ૫.૬૬ આવ્યો છે. એ જોતાં કદાચ આગામી બેઠકમાં રિઝર્વ બૅન્ક વ્યાજદર વધારો ટાળે. ‘પોઝ’ કદાચ લંબાઈ પણ ખરો. ક્રૂડ ઑઇલની તેજી અટકે અને ચોમાસાનો સમયસર આરંભ થાય તો રૂપિયામાં ૮૦-૮૦.૫૦ થવાની સંભાવના છે. વૈશ્વિક બજારોમાં ક્રૂડ, ગૅસ અને મેટલ્સમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. હાલમાં રૂપિયાની રેન્જ ૮૨-૮૨.૯૦ છે, પણ જો રૂપિયો ૮૧.૭૧ નીચે સ્ટેબલ થાય તો નવી રેન્જ ૮૧.૩૦-૮૨.૪૦ ખૂલે. નિકાસકારોએ ઉછાળે ડૉલર વેચી હેજ વધારી શકાય. આયાતકારોએ થોડું અન્ડર હેજ રહી ઘટાડે ડૉલર બુક કરી શકાય.
આ પણ વાંચો : ક્રૂડ તેલના ઉત્પાદન પર ફરી ટને ૬૪૦૦ રૂપિયાનો વિન્ડફૉલ ટૅક્સ
ઇમર્જિંગ બજારોમાં ચીનની રિકવરી અપેક્ષા કરતાં ધીમી છે, પણ ડૉલરની નરમાઈ, યુઆનનો સુધારો અને કૉમોડિટીમાં ડિમાન્ડ રિકવરીથી લેટિન અમેરિકાને અને એશિયાની કૉમોડિટી ઇકૉનૉમીને ફાયદો થયો છે. લેટિન અમેરિકામાં ચીલી પેસો સ્ટાર પર્ફોર્મર છે. એશિયામાં ઇન્ડોનેશિયા રૂપિયામાં મજબૂતી છે. ગયા સપ્તાહે ચીનનો જીડીપી વિકાસદર મજબૂત આવ્યો છે. યુઆન હાલમાં સ્ટેબલ છે.
એશિયામાં યેન ૧૩૨-૧૩૬ની રેન્જમાં કારોબાર કરે છે. ૧૫૧થી ઊછળીને ૧૨૬ થયા પછી હાલ યેન સાઇડ પૅટર્નમાં સ્ટેબલ છે. અન્ડર ટોન મક્કમ છે. ડૉલરની નરમાઈ જોતાં યેન થર્ડ ક્વૉર્ટરમાં ૧૨૦-૧૨૨ તરફ જઈ શકે. ૧૩૭થી વધુ તૂટવાની શક્યતા હાલ દેખાતી નથી. અન્ય એશિયાઈ કરન્સીમાં કોરા ન, ફાઇ ભાત, ફિલિ પેસો પણ સ્ટેબલ છે. આર્જેન્ટિનામાં પેસોના ડીવૅલ્યુએશનની અફવાથી પેસો તૂટ્યો હતો, પણ પાછળથી અફવાનું ખંડન થયું હતું.
બજારની નજર હવે ત્રીજી મેની ફેડની બેઠક પર છે. ફેડ વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઇન્ટ વધારો કરશે એ વાત ડિસ્કાઉન્ટ થઈ ગઈ છે. યુકે અને ઈસીબી પણ કદાચ નાના વધારા કરશે. જોકે બજારોને ડૉલર, પાઉન્ડ કે યુરો - કઈ કરન્સીમાં વ્યાજદરો ટૉપઆઉટ થાય છે એ જાણવાની તીવ્ર ઇંતેઝારી છે. અમેરિકામાં રિસેશનની વાતો જોરોથી ચાલે છે. ફેડ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ થોડો ઘટ્યો છે. જમીની સ્તરે અમેરિકાની ઇકૉનૉમી ઘણી મજબૂત દેખાય છે. મંદીની વાતો હેડલાઇનમાં શોર મચાવે છે. ચીનમાં ઇકૉનૉમિક રિકવરી અનઇવન છે, પણ રિકવરી હોવી એ પણ નાનું આશ્વાસન નથી. યુરોપ, અમેરિકા, ચીન, ભારત, ગલ્ફ એમ મહત્ત્વનાં અર્થતંત્રો જોતાં એકંદરે ગ્લોબલ આઉટલુક પૉઝિટિવ દેખાય છે.