આપણા દેશની વિવિધ સરકારો દ્વારા મહિલાઓના હિતની સુરક્ષા કરવા માટે અને તેમના માટે આર્થિક સ્થિરતા સુનિશ્ચિત કરવાના હેતુથી સમયે-સમયે વિવિધ પહેલ કરવામાં આવી છે.
ફાઇનૅન્સ પ્લાન
પ્રતીકાત્મક તસવીર
પ્રાચીન સમયથી આપણે મહાન મહિલાઓની કથાઓ સાંભળી છે. એમાં મોટા ભાગની કથાઓ સ્ત્રીશક્તિની, તેની હિંમતની, સહનશક્તિની અને મહાનતાની ગાથા હોય છે. રાણી લક્ષ્મીબાઈ જેવી બહાદુર મહિલા જે તેના રાજ્ય માટે લડી; હિરકણી, જે તેના બાળક સુધી પહોંચવા માટે કાળી રાત્રિમાં પર્વતની ટોચ પરથી ખીણમાં આવેલા તેના ગામ સુધી નીચે ઊતરવાના તેના બહાદુર કૃત્ય માટે જાણીતી છે; ચારણકન્યા, એક નાની કન્યા જેણે સિંહ સામે બાથ ભીડી હતી. ઘણી પરીકથાઓ એવી છે જે નાયિકાની આસપાસ કેન્દ્રિત હોય છે અને એણે અત્યાર સુધીની દરેક પેઢીઓને પ્રેરણા આપી છે. લિટલ રેડ રાઇડિંગ હૂડની પરીકથા જેમાં એક નાની ચતુર છોકરીની વાર્તા આવે છે, જે જંગલી વરુને ધૂળચાટતો કરી દે છે, સિન્ડ્રેલાની વાર્તામાં એવી છોકરીની વાત છે જેણે પોતાનાં સપનાં સાકર કર્યાં હતાં. આમ દરેક સ્ત્રી આવી હિંમતવાન તેમ જ ચતુર હોય છે જ અને જ્યારે પણ તે તેના લક્ષ્ય સુધી પહોંચવાનો નિર્ણય લે, ત્યારે તે પર્વતોને પણ ખસેડી શકે છે.
મહિલાઓની આ ભાવનાને સલામ કરતાં, આપણા દેશની વિવિધ સરકારો દ્વારા મહિલાઓના હિતની સુરક્ષા કરવા માટે અને તેમના માટે આર્થિક સ્થિરતા સુનિશ્ચિત કરવાના હેતુથી સમયે-સમયે વિવિધ પહેલ કરવામાં આવી છે. મહિલાઓના ફાયદા માટે ઉપલબ્ધ કેટલીક યોજનાની સૂચિ અહીં સવિસ્તર આપવામાં આવી છે.
ADVERTISEMENT
સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ (એસએસએ) યોજના
સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ એ ભારત સરકારના પીઠબળ સાથેની બચત યોજના છે, જે કન્યાનાં માતા-પિતા અથવા કન્યાના કાનૂની વાલીઓને લક્ષ્યાંકિત કરે છે. ૧૦ વર્ષની અંદરની કન્યાના નામ પર ખાતું ખોલાવી શકાય છે. આ અકાઉન્ટને સક્રિય રાખવા માટે, દર વર્ષે ઓછામાં ઓછા ૨૫૦/- રૂપિયા જમા કરાવવા પડે છે. વધુમાં વધુ ૧,૫૦,૦૦૦ રૂપિયા સુધી જમા કરી શકાય છે. વ્યાજનો દર ત્રિમાસિક ધોરણે જાહેર કરવામાં આવે છે. અકાઉન્ટ ખોલવાની તારીખથી ૧૫ વર્ષ સુધી રોકાણ કર્યા કરવું પડે છે. એ જ તારીખથી ૨૧ વર્ષે અકાઉન્ટની અવધિ સમાપ્ત થાય છે. જોકે કન્યા ૧૮ વર્ષની થાય ત્યાર બાદ કોઈ વિશિષ્ટ હેતુ માટે રકમનો વહેલો ઉપાડ કરી શકાય છે. એસએસએમાં કરવામાં આવેલું રોકાણ ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન ૮૦-સી હેઠળ પણ કપાતને પાત્ર છે.
મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના એક ભાગરૂપે પોતાના ૨૦૨૩-’૨૪ના બજેટ વક્તવ્યમાં આપણાં માનનીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજનામાં એક વાર રોકાણ કરી શકાય છે, જે બે વર્ષ માટે હોય છે અને આ નાની બચત યોજનાને સરકારનું સમર્થન છે, એથી ક્રેડિટ રિસ્કનો પ્રશ્ન ઊભો થતો નથી. આ યોજનામાં મહત્તમ બે લાખ રૂપિયા સુધી કન્યા અથવા સ્ત્રીને નામે જમા કરી શકાય છે અને એમાં વાર્ષિક ૭.૫ ટકાનું નિશ્ચિત વ્યાજ મળે છે. વ્યાજ ત્રિમાસિક ધોરણે અને પરિપક્વતાના સમયે ચૂકવવામાં આવે છે. વાલીના નામ સાથે સગીર કન્યાના નામ પર પણ આ યોજનામાં રોકાણ કરવાની મંજૂરી છે.
મૅરિડ વુમન્સ પ્રૉપર્ટી ઍક્ટ
આ સામાન્ય રીતે ‘એમડબ્લ્યુપીએ’ તરીકે પણ ઓળખાય છે. આ ઍક્ટ અનુસાર મહિલાના પતિ દ્વારા એના પોતાના જીવન માટે કોઈ પણ ઇન્શ્યૉરન્સ પૉલિસી લેવામાં આવે અને એ પૉલિસીને ‘એમડબ્લ્યુપીએ’ હેઠળ તેની પત્ની અથવા બાળકો અથવા તેમનામાંથી કોઈ પણની તરફેણમાં એન્ડોર્સ કરવામાં આવે તો એ હંમેશાં જેના નામે એન્ડોર્સ કરી હોય તેમની જ સંપત્તિ રહેશે. પતિના લેણદારોમાંથી કોઈનો પણ આ પૉલિસી પર કોઈ અધિકાર નહીં હોય. પતિનાં માતા-પિતાનો અથવા પતિને પોતાને પણ એમાંથી લાભનો કોઈ અધિકાર નહીં હોય. આ ઍક્ટ અનુસાર, જ્યાં સુધી પૉલિસીમાં આપેલા નામવાળી કોઈ પણ લાભાર્થી જીવિત હોય ત્યાં સુધી અન્ય કોઈ બીજાને આ ફાયદાનો કોઈ અધિકાર નહીં મળે. આમ એમડબ્લ્યુપીએ એક સરળ પદ્ધતિ દ્વારા એક પરીણિત માણસ સુનિશ્ચિત કરી શકે છે કે પૉલિસીમાં જેના નામ છે તે તેના આશ્રિત(ઓ)ના ફાયદાઓ એ અકબંધ રાખી શકે છે. આમ કરવા માટે ઔપચારિક રીતે અલગથી કોઈ સેટલમેન્ટ ડિડ અથવા ટ્રસ્ટ બનાવ્યા વિના જ તેઓને એ સુરક્ષિત કરી શકે છે. એમડબ્લ્યુપીએ મુજબ, ટ્રસ્ટ બનાવવાની ઔપચારિક પ્રક્રિયા વિના જ ટ્રસ્ટી તરીકે લાભાર્થીઓનાં નામે આપમેળે એક ટ્રસ્ટ બની જાય છે.
મહિલાઓ આર્થિક રીતે સ્વતંત્ર બને એ માટે આવી યોજનાઓનો લાભ લેવો જોઈએ, એવી હિમાયત સાથે આપ સૌને મહિલા દિવસની અનેક શુભકામના!