ખરીફ સીઝનમાં કાંદા-બટાટા અને ટમેટાંનું વાવેતર વધતાં સરકારનો મોંઘવારી ઘટવાનો દાવો ઃ ટમેટાંના ભાવ છેલ્લા એક મહિનામાં ૫૬ ટકા અને કાંદાના ભાવ ૩૧ ટકા વધ્યા
કૉમોડિટી વૉચ
પ્રતીકાત્મક તસવીર
લોકશાહીનું મહાપર્વ ચૂંટણીઓની મોસમ પૂરી થયા બાદ પ્રજાની હાડમારીમાં ઘટાડો થવાને બદલે દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને રોજબરોજના ખાન-પાનમાં વપરાતી જીવનજરૂરી ચીજોની મોંઘવારીથી આમપ્રજા ત્રાહિમામ્ થઈ ચૂકી છે. કાંદા એ ગરીબોની કસ્તૂરી ગણાય છે અને આ યાદીમાં ધીમે-ધીમે બટાટા અને ટમેટાં પણ ઉમેરાઈ ગયાં છે. આ ત્રણેય જીવનજરૂરી ચીજોના ભાવમાં છેલ્લા એક મહિનામાં મોટો વધારો થયો છે. ટમેટાંના ભાવ છેલ્લા એક મહિનામાં ૬૨ ટકા અને કાંદાના ભાવ છેલ્લા એક મહિનામાં ૩૧ ટકા વધ્યા છે. બટાટાના ભાવમાં પણ છેલ્લા એક મહિનામાં ૧૬ ટકાનો વધારો નોંધાયો છે. દેશમાં મે-જૂન મહિનામાં હીટવેવની અસર અને ડીઝલના ઊંચા ભાવને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘું હોવાથી આ ત્રણેય જીવનજરૂરી ચીજોની મોંઘવારી બેફામ વધી રહી છે. દાળ-કઠોળ અને ખાવાના તેલના ભાવ લાંબા સમયથી ઊંચા ચાલી રહ્યા છે. દાળ-કઠોળમાં તુવેર, અડદ અને ચણાના ભાવ હજી પણ સતત વધી રહ્યા છે. આમપ્રજાને મોંઘવારીની હાડમારીથી બચાવવાનો મોટો પડકાર હાલ સરકાર સામે ઊભો થયો છે ત્યારે સરકાર દ્વારા જીવનજરૂરી ચીજોની મોંઘવારીને કાબૂમાં લાવવા પૂરતા પ્રયાસ થઈ રહ્યાનો દાવો થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં જીવનજરૂરી ચીજોના ભાવ નીચા આવશે એવી સરકાર દ્વારા હૈયાધારણ પણ આપવામાં આવી છે. અગાઉ પણ આવી હૈયાધારણ છતાં મોંઘવારી કાબૂમાં આવી નહોતી. આથી આ વખતે મોંઘવારી કાબૂમાં આવશે કે કેમ? એ વિશે આમજનતાને શંકા છે.
છેલ્લા એક મહિનાનો ભાવવધારો
ADVERTISEMENT
સરકારના અધિકૃત ડેટા અનુસાર ૫ જુલાઈએ સમગ્ર ભારતમાં ટમેટાંનો સરેરાશ છૂટક ભાવ કિલોના ૫૮.૨૫ રૂપિયા હતા જે એક મહિના અગાઉ ૩૫.૮૫ રૂપિયા હતા. આમ, એક મહિનામાં ટમેટાંના ભાવમાં ૨૨.૪૦ રૂપિયા એટલે કે ચોખ્ખો ૬૨ ટકાનો વધારો નોંધાયો છે. એ જ રીતે હાલ બટાટાનો ભાવ છૂટક બજારમાં એક કિલોનો સમગ્ર દેશમાં સરેરાશ ૩૫.૩૪ રૂપિયા છે જે એક મહિના અગાઉ ૩૦.૩૮ રૂપિયા હતો. આમ, એક મહિનામાં બટાટા ૪.૯૬ રૂપિયા એટલે કે ૧૬ ટકા મોંઘા થયા છે. કાંદાનો છૂટક બજારમાં ભાવ હાલ કિલોનો ૪૩.૦૧ રૂપિયા છે જે એક મહિના અગાઉ ૩૨.૭૫ રૂપિયા હતો. કાંદાના ભાવમાં એક મહિનામાં ૧૦.૨૬ રૂપિયા એટલે કે ૩૧ ટકાનો વધારો નોંધાયો છે. ટમેટાંના ભાવમાં સૌથી વધુ ૬૨ ટકાનો વધારો થયો છે. કાંદાના ભાવ પણ ખાસ્સા એવા વધ્યા છે. કાંદાનો ભાવવધારો એ નવી વાત નથી. દર ચાર-પાંચ મહિને કાંદાના ભાવ આસમાની ઊંચાઈએ પહોંચે છે અને ત્યાર બાદ સરકાર ઊંઘમાંથી સફાળી જાગીને કાંદાના ભાવને કાબૂમાં લેવા ચાબુક ઉગામે ત્યારે ખેડૂતોને કાંદા પાણીના ભાવે વેચવાનો વખત આવે છે. કાંદાના ભાવ બાબતે કાં તો આમપ્રજાને માર પડે અથવા તો ખેડૂતોને માર પડે એવું વર્ષોથી ચાલ્યું આવે છે, પણ બન્ને વર્ગને વાજબી ભાવ મળે એવું મેકૅનિઝમ ક્યારેય ગોઠવાયું નથી.
મોંઘવારી ઘટાડવાનો સરકારનો દાવો
સરકારના ગ્રાહક બાબતોના મંત્રાયલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘આ વર્ષે સારા અને સમયસર ચોમાસાના વરસાદે ડુંગળી અને અન્ય બાગાયતી પાકો જેવા કે ટમેટાં અને બટાટા સહિતના ખરીફ પાકોને મોટો વેગ આપ્યો છે.’ કૃષિ મંત્રાયલનો દાવો છે કે મોંઘવારીને કાબૂમાં લેવા કાંદા અને ટમેટાં-બટાટા વગેરે શાકભાજીના વાવેતરને વધારવા ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેને કારણે કાંદા, ટમેટાં અને બટાટા જેવા મુખ્ય શાકભાજીની ખરીફ વાવણી માટેના લક્ષિત વિસ્તારમાં ગયા વર્ષની સરખામણીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ વર્ષે ખરીફ કાંદા હેઠળ લક્ષ્યાંક ૩.૬૧ લાખ હેક્ટરનો છે જે ગયા વર્ષની સરખામણીએ ૨૭ ટકા વધુ છે અને તમામ મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં પાકની વર્તમાન વાવણીની કામગીરીમાં સારી પ્રગતિ છે. કર્ણાટકમાં, ટોચના ખરીફ કાંદા ઉત્પાદક, એના ૧.૫૦ લાખ હેક્ટરના લક્ષિત વિસ્તારના ૩૦ ટકામાં વાવણી પૂર્ણ થઈ ગઈ છે. દેશમાં કાંદાની દર મહિને ૧૭ લાખ ટનની જરૂરિયાત છે એની સામે રવી સીઝનમાં કાંદાનું ૧૯૧ લાખ ટનનું ઉત્પાદન થયું હોવાનો અંદાજ હોવાથી કાંદાના સ્થાનિક વપરાશને પહોંચી વળવા માટે સરકાર પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સરકાર દ્વારા દેશમાં વાવેતર અને સપ્લાયની સ્થિતિ બતાવીને મોંઘવારી કાબૂમાં આવશે એવી હૈયાધારણ આપવામાં આવી છે.
નાશિકના ખેડૂતોએ કાંદાની ખરીદી બાબતે CBI-EDની તપાસની માગણી કરી
મહારાષ્ટ્રમાં કાંદાના ખેડૂતો કેન્દ્ર સરકારની પ્રાઇસ સ્ટૅબિલાઇઝેશન સ્કીમ હેઠળ નૅશનલ ઍગ્રિકલ્ચરલ કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (નાફેડ) અને નૅશનલ કો-ઑપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઑફ ઇન્ડિયા (NCCF) દ્વારા કાંદાની ખરીદીની પ્રક્રિયાને લઈને નારાજ છે. તેઓએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસની માગણી કરી છે. આ વર્ષે નાફેડ અને NCCFને બફર સ્ટૉક બનાવવા માટે કુલ પાંચ લાખ ટન કાંદા ખરીદવાનું કામ સોંપવામાં આવ્યું છે, જેમાં પ્રત્યેક સંસ્થા અઢી લાખ ટન ખરીદી કરશે. જોકે મહારાષ્ટ્રમાં પસંદગીની ફાર્મર પ્રોડ્યુસર કંપનીઓ અને ફેડરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી ખરીદી, ચકાસણી હેઠળ આવી છે. ઘણાં ફેડરેશન અને એફપીઓ વાસ્તવમાં ખેડૂતો પાસેથી સીધા કાંદા ખરીદતા નથી એના બદલે તેઓ તેમના વેરહાઉસમાં બજારમાંથી સસ્તા કાંદા ખરીદીને એનો સંગ્રહ કરી રહ્યાં છે. વધુમાં કેટલાક ચોક્કસ વેપારીઓ પાસેથી તેઓ નીચા ભાવે કાંદા ખરીદે છે અને આ કાંદાને સરકારના બફર સ્ટૉકના ભાગરૂપે રજૂ કરે છે. આના પરિણામે કરોડો રૂપિયાનું નાણાકીય કૌભાંડ થયું હોવાનો આક્ષેપ મહારાષ્ટ્ર રાજ્ય કાંદા ઉત્પાદક સંઘના પ્રમુખ ભરત દિઘોલેએ કર્યો છે અને આ બાબતે CBI અને EDની તપાસની માગણી કરી છે.