આજની તારીખે બૅન્કિંગ, વીમો અને ફિનટેક ઉદ્યોગમાં ડિજિલૉકર અત્યંત ઉપયોગી સાધન બની ગયું છે
વીમાની વાત
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
આધુનિક જમાનામાં દસ્તાવેજો બનાવ્યા વગર ચાલતું નથી. આ દસ્તાવેજો સાચવવાનું પણ એટલું જ મહત્ત્વનું છે. આમ છતાં, સમયના અભાવે એની સાચવણી ઘણી દુષ્કર બની ગઈ છે. આવામાં સરકારે ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે ડિજિલૉકર નામની ઘણી જ મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે, જે અનેક પ્રકારના દસ્તાવેજોને ડિજિટલ સ્વરૂપે સાચવી રાખવામાં અને એને શૅર કરવામાં ઉપયોગી ભૂમિકા ભજવે છે.
આજની તારીખે બૅન્કિંગ, વીમો અને ફિનટેક ઉદ્યોગમાં ડિજિલૉકર અત્યંત ઉપયોગી સાધન બની ગયું છે. આપણો વિષય વીમાનો હોવાથી એના વિશે વાત કરીએ.
ADVERTISEMENT
આજની તારીખે એચડીએફસી અર્ગો, બજાજ એલિયાન્ઝ, યુનાઇટેડ ઇન્ડિયા વગેરે સહિતની ૨૪ આરોગ્ય વીમા કંપનીઓ ડિજિલૉકરમાં રજિસ્ટર્ડ છે.
૧. ગઈ પહેલી જાન્યુઆરીથી વીમા ક્ષેત્રે પણ કેવાયસી (નો યૉર ક્લાયન્ટ) ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આધાર કાર્ડ, પૅન કાર્ડ વગેરે જેવા દસ્તાવેજો ડિજિલૉકરમાં રાખીને કેવાયસી માટે તરત શૅર કરવાની સુવિધા ઉપલબ્ધ છે. દરેક દસ્તાવેજની સાથે આપવામાં આવેલા શૅરના વિકલ્પનો ઉપયોગ કરીને કંપનીના ઈ-મેઇલ પર અથવા બીજી કોઈ રીતે આ દસ્તાવેજો શૅર કરી શકાય છે.
એકની એક માહિતી અનેક જગ્યાએ પૂરી પાડવાની કડાકૂટમાંથી નાગરિકોને બચાવવા માટે સરકારે આગામી નાણાકીય વર્ષના બજેટમાં યુનિફાઇડ ફાઇલિંગ પ્રોસેસ શરૂ કરવાની જાહેરાત કરી છે.
૨. ઈ-સાઇન ફીચરનો ઉપયોગ : ડિજિલૉકરમાં ઈ-સાઇનનો વિકલ્પ છે. એની મદદથી તમે દસ્તાવેજો પર ઇલેક્ટ્રૉનિકલી સહી કરી શકો છો. આ ફીચર કાનૂની દૃષ્ટિએ વૈધ છે અને એનાથી સમય-શક્તિની બચત થાય છે.
૩. વીમા પૉલિસીનું નવીનીકરણ : આધાર નંબર સાથે લિન્ક કરવામાં આવેલા ડિજિલૉકરમાં જો વીમા પૉલિસીઓ અપલોડ કરવામાં આવી હશે તો પૉલિસીના નવીનીકરણ માટે યાદ દેવડાવવાની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત તમે અગાઉ કરેલા પેમેન્ટની વિગતો, ક્લેમની પતાવટની સ્થિતિ વગેરે જેવી જાણકારી પણ ડિજિલૉકરમાં ઉપલબ્ધ છે. તમે તમારી તમામ વીમા પૉલિસીઓનું ડિજિલૉકર મારફતે નવીનીકરણ પણ કરાવી શકો છો.
૪. સિંગલ ઈ-ઇન્શ્યૉરન્સ અકાઉન્ટ : નૅશનલ ઇન્શ્યૉરન્સ ડિપોઝિટરીએ સિંગલ ઈ-ઇન્શ્યૉરન્સ અકાઉન્ટ મારફતે દરેક વ્યક્તિની તમામ વીમા પૉલિસીઓને સાચવી રાખવા માટેની સુવિધા પૂરી પાડી છે. એક જ જગ્યાએથી બધી પૉલિસીઓ તરત જોઈ શકાય છે.
૫. ક્લેમની ઝડપી પતાવટ : વીમાના ક્લેમના દસ્તાવેજો અને પુરાવા ઑનલાઇન સુપરત કરી શકાય છે. આ રીતે ક્લેમની પતાવટ ઝડપી અને કડાકૂટ વગરની બની જાય છે.
૬. નૉમિની અને અધિકૃત પ્રતિનિધિ : ગ્રાહકો પોતાના વીમાના અકાઉન્ટ માટે નૉમિનીની અને અધિકૃત પ્રતિનિધિની નિમણૂક કરી શકે છે. એના દ્વારા નૉમિની વીમાધારક વતી ક્લેમ કરી શકે છે. વીમાધારક અપંગ થઈ જાય અથવા તેમનું મૃત્યુ થાય એ સંજોગોમાં આ સુવિધા ઉપયોગી થાય છે. જો ડિજિલૉકર અકાઉન્ટમાં નૉમિનીની નિમણૂક કરવામાં આવી નહીં હોય તો પૉલિસીના દસ્તાવેજ મુજબ ક્લેમ નૉમિનીને ટ્રાન્સફર કરવામાં આવશે.
એકંદરે ડિજિલૉકર સરળતા માટેનું સલામત માધ્યમ છે. એ ફક્ત વીમાધારકને નહીં, વીમા કંપનીઓને પણ મદદરૂપ થાય છે.