મોટા ભાગની આરોગ્ય વીમા કંપનીઓ પૉલિસીમાં વાર્ષિક ધોરણે અથવા બેથી ત્રણ વર્ષ થયા પછી હેલ્થ ચેક-અપની નિઃશુલ્ક સેવા આપતી હોય છે
વીમાની વાત
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
વર્તમાન યુગમાં ક્યારેક બધી રીતે તંદુરસ્તી સાચવનારા લોકોને પણ બીમારીઓ થતી હોય છે. આવામાં રોગનિવારણ માટે ક્યારેક અમુક પરીક્ષણો પણ કરાવવાં પડતાં હોય છે. આ પરીક્ષણો ઘણાં ઉપયોગી પુરવાર થયાં છે, કારણ કે બીમારીનાં પ્રારંભિક લક્ષણો દેખાય ત્યારે સમયસર સારવાર શરૂ કરાવી શકાય છે.
સામાન્ય સંજોગોમાં કરવામાં આવતાં પરીક્ષણો આ પ્રમાણે છે : સીબીસી (કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ), ઈસીજી (ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ), લિપિડ પ્રોફાઇલ, છાતીનો એક્સ-રે, બ્લડશુગર, પેશાબ-ઝાડાની ટેસ્ટ, સીરમ ક્રિયેટિનિન, બ્લડ-પ્રેશર, કિડની ફંક્શન ટેસ્ટ, લિવર ફંક્શન ટેસ્ટ અને થાઇરૉઇડ ટેસ્ટ.
ADVERTISEMENT
મોટા ભાગની આરોગ્ય વીમા કંપનીઓ પૉલિસીમાં વાર્ષિક ધોરણે અથવા બેથી ત્રણ વર્ષ થયા પછી હેલ્થ ચેક-અપની નિઃશુલ્ક સેવા આપતી હોય છે. તમારો ક્લેમ થયો હોય કે નહીં, એની સાથે એ પરીક્ષણોનો સંબંધ રાખવામાં આવતો નથી. ખરું પૂછો તો વીમા કંપનીઓને પણ આ પરીક્ષણોનો લાભ થતો હોય છે. જો વીમાધારક બીમારીઓથી બચે તો તેમનો ક્લેમ ન આવે અને ક્લેમ ન આવે તો કંપનીએ ક્લેમ ચૂકવવો ન પડે એટલું સીધુંસાદું ગણિત આમાં કામ કરે છે.
સામાન્ય સંજોગોમાં નિઃશુલ્ક આરોગ્ય પરીક્ષણોમાં વ્યક્તિગત પૉલિસીમાં બેથી પાંચ હજારનાં અને પારિવારિક ફ્લોટર પૉલિસીમાં અઢીથી દસ હજાર રૂપિયાનાં પરીક્ષણો કરી આપવામાં આવે છે.
અહીં જણાવવું રહ્યું કે પૉલિસીના સમ અશ્યૉર્ડના આધારે પરીક્ષણોનો લાભ આપવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે આરોગ્ય વીમાના પ્રીમિયમનો ખર્ચ આવકવેરા ધારાની કલમ ૮૦ડી હેઠળ ડિડક્શનને પાત્ર છે.
જોકે મોટા ભાગના લોકોને એ ખબર નથી કે રોગનિવારણ માટેના હેલ્થ ચેક-અપનો ખર્ચ પણ કલમ ૮૦ડી હેઠળ ક્લેમ કરી શકાય છે. લોકો હેલ્થ ચેક-અપ કરાવવાના ખર્ચની ચિંતા કર્યા વગર ચેક-અપ કરાવે એ હેતુથી સરકારે ૮૦ડી હેઠળનું આ ડિડક્શન આપવાની શરૂઆત કરી છે.
આ કલમ હેઠળ રોગનિવારણ માટેના હેલ્થ ચેક-અપ માટેનો ૫,૦૦૦ રૂપિયા સુધીનો ખર્ચ ડિડક્શન તરીકે લઈ શકાય છે. આ ડિડક્શન પણ કરદાતાને લાગુ પડતી આરોગ્ય વીમાના પ્રીમિયમ માટે મળતા ડિડક્શનની ૨૫,૦૦૦ કે ૫૦,૦૦૦ રૂપિયાની કુલ મર્યાદાની અંદર આવી જાય છે. આ ડિડક્શન વ્યક્તિ પોતાના માટે તથા પોતાના પર નિર્ભર પરિવારજનો માટે લઈ શકે છે. એમાં જીવનસાથી, નિર્ભર સંતાનો અને નિર્ભર માતાપિતાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : બહુવર્ષીય આરોગ્ય વીમા યોજનાના લાભ
અહીં એ પણ જણાવવું રહ્યું કે ૫,૦૦૦ રૂપિયા પોતાના માટે, જીવનસાથી માટે તથા નિર્ભર સંતાનો માટેના ચેક-અપના અને ૫,૦૦૦ રૂપિયા નિર્ભર માતાપિતા માટેના ચેક-અપના મળીને કુલ ૧૦,૦૦૦ રૂપિયાનું ડિડક્શન લઈ શકાય છે.
કલમ ૮૦ડીનો લાભ વ્યક્તિગત (જેમાં બિનરહીશ પણ આવી જાય) અને એચયુએફ કરદાતા ક્લેમ કરી શકે છે. રોગનિવારણ માટેના હેલ્થ ચેક-અપનો ખર્ચ રોકડમાં પણ કરી શકાય છે, એનું કારણ એ છે કે આવકવેરા ખાતું રિટર્ન ફાઇલ કરતી વખતે એ ડિડક્શનના ક્લેમ માટે કોઈ દસ્તાવેજ કે રસીદ માગતું નથી. જોકે પછીથી કોઈ સવાલ ઊભો ન થાય એ માટે પેમેન્ટની રસીદ સાચવીને રાખવી જોઈએ.
એમ તો ડિડક્શન મળતું ન હોય તો પણ હેલ્થ ચેક-અપ કરાવતા રહેવું જોઈએ, પરંતુ ડિડક્શન મળતું હોવાથી એ વધારે સારું પડે છે. પરિવારના કલ્યાણ અર્થે આ કામ નિયમિતપણે કરાવવું જોઈએ.
તમારી આરોગ્ય વીમા પૉલિસીમાં નિઃશુલ્ક હેલ્થ ચેક-અપની સુવિધા હોય તો ઉત્તમ. તમારે એનો લાભ કેવી રીતે લેવાનો હોય છે એ સમજી લેવું. જો તમારા પ્લાનમાં હેલ્થ ચેક-અપની સુવિધા ન હોય અથવા તમારી પાસે આરોગ્ય વીમો જ ન હોય તો પણ તમારે હેલ્થ ચેક-અપ કરાવવું જોઈએ. એનો ખર્ચ તમને ડિડક્શન તરીકે મળી શકે છે.