મણપ્પુરમમાં ઓપન ઑફરના ન્યુઝથી સુધારો, MRF સહિત પાંચની F&Oમાંથી વિદાય, NSE પર હવે મ્યુચ્યુઅલ બૉન્ડના સોદા અને ઇન્ડેક્સ
પ્રતીકાત્મક તસવીર
શુક્રવારે પૂરા થયેલા સપ્તાહમાં ડિફેન્સ, કૅપિટલ માર્કેટ અને ફાઇનૅન્શ્યલ સર્વિસિસના શૅરોએ ધૂમ મચાવીને એક જ સપ્તાહમાં ઇન્વેસ્ટરોને ૧૦ ટકા પ્લસ રિટર્ન આપી ન્યાલ કરી દીધા છે. એનએસઇનો નિફ્ટી કૅપિટલ માર્કેટ ઇન્ડેક્સ સપ્તાહના છેલ્લા દિવસે 3.27%, એક વીકમાં 13.92% અને એક મહિનામાં 0.52% વધીને 3336.10 બંધ હતો. એ જ રીતે નિફ્ટી મિડસ્મૉલ ફાઇનૅન્શ્યલ સર્વિસિસ દૈનિક 2.45%, સાપ્તાહિક 10.56%, માસિક 1.45% તથા વાર્ષિક ધોરણે 16.51%ના ગેઇને 14811.20ના સ્તરે વિરમ્યો હતો. થીમ ઑફ ધ વીક નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ અનુક્રમે 1.22%, 10.46%, 20.43% અને 41.73% વધી 6248 બંધ રહ્યો હતો. સાપ્તાહિક 7થી 10 ટકાનો સુધારો એનએસઇના 26 ઇન્ડેક્સમાં જોવા મળ્યો એમાં રિયલ્ટી, મીડિયા, હેલ્થકૅર ક્ષેત્રોના ઇન્ડેક્સ અને નિફ્ટી પીએસઈનો સમાવેશ હતો.પાંચથી ૭ ટકાના વીકલી ગેઇન સાથે ૪૪ ઇન્ડેક્સ બંધ હતા. આ શ્રેણીમાં ઇન્ડિયા ટૂરિઝમ, ન્યુ એજ કન્ઝમ્પ્શન, સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (CPSE), ટ્રાન્સપોર્ટેશન ઍન્ડ લૉજિસ્ટિક ઇન્ડેક્સ, એનર્જી, મોબિલિટી, ફાર્મા, નિફ્ટી EV ઍન્ડ ન્યુ એજ ઑટોમોટિવ, પીએસયુ બૅન્ક, પ્રાઇવેટ બૅન્ક, ઇન્ડિયા ડિજિટલ, ઑટો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઉસિંગ, નિફ્ટી ટોટલ માર્કેટ, ઇન્ડિયા મૅન્યુફૅક્ચરિંગ, કૉમોડિટીઝ, ઑઇલ ઍન્ડ ગૅસ, ઇન્ડિયા કન્ઝમ્પ્શન અને કોર હાઉસિંગ ઇન્ડેક્સ આવતા હતા.
આ જ શ્રેણીમાં જેના પર એફઍન્ડઓના સોદા થાય છે એ નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ, નિફ્ટી મિડકૅપ સિલેક્ટ, નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસ, નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ હતા. એક સપ્તાહમાં ૩થી પાંચ ટકાના પ્રમાણમાં ૨૯ ઇન્ડેક્સ સુધર્યા એમાં નિફ્ટી ફિફ્ટીને સ્થાન મળ્યું હતું. આ પૉપ્યુલર ઇન્ડેક્સ દૈનિક 0.69%, સાપ્તાહિક 4.26%, માસિક 1.07% અને વાર્ષિક 6.19%ના ગેઇન સાથે 23350.40ના સ્તરે ક્લોઝ થયો હતો.
ADVERTISEMENT
બજાજ ફાઇનૅન્સમાં રાજીવ જૈનની વાઇસ ચૅરમૅનપદે બઢતી થયાના સમાચારે શુક્રવારે 9089 રૂપિયાનો નવો બાવન સપ્તાહનો હાઈ જોવા મળ્યો હતો. શૅર દૈનિક 2.67 ટકા વધી 8911 રૂપિયાના સ્તરે બંધ હતો. મણપ્પુરમ ફાઇનૅન્સ પણ 7.77% વધી 247.60ના બાવન વીક હાઈ પર દિવસ દરમ્યાન પહોંચ્યા પછી અંતે 234.40 રૂપિયા બંધ હતો. બેઇન કૅપિટલ સાથે રોકાણ કરાર થયાના અહેવાલે સુધારો જોવા મળ્યો હતો. બેઇન કૅપિટલની ઓપન ઑફર 236 રૂપિયાના ભાવે છે. મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રએ એપ્રિલથી એસયુવીના ભાવ ૩ ટકા વધારવાની જાહેરાત કરી છે. શૅરનો ભાવ દોઢ ટકો ઘટી 2787 રૂપિયા થઈ ગયો હતો.
NSEની મ્યુનિસિપલ બૉન્ડ માટેની વેબસાઇટ :www.IndiaMunicipalBonds.com
આ નવા પ્લૅટફૉર્મનું ઉદ્ઘાટન સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયાના પૂર્ણ સમયના સભ્ય અશ્વની ભાટિયા દ્વારા કરવામાં આવ્યું હતું. વેબસાઇટ રોકાણકારો, નીતિ ઘડનારાઓ અને બજારના ઇન્ટરમીડિયરીઝ માટે એક જ સ્થળથી તમામ માહિતીના કેન્દ્ર તરીકે કાર્ય કરશે. મ્યુનિસિપલ બૉન્ડ ઇશ્યુ, ક્રેડિટ રેટિંગ્સ, ટ્રેડિંગ વૉલ્યુમ્સ, ઇન્ટ્રિન્સિક વૅલ્યુ અને ભાવના ડેટા જેવી મૂળભૂત માહિતી આપશે.
એ ઉપરાંત ભારતનાં પ્રથમ મ્યુનિસિપલ બૉન્ડ ઇન્ડેક્સ-નિફ્ટી ઇન્ડિયા મ્યુનિસિપલ બૉન્ડ ઇન્ડેક્સ ઐતિહાસિક ડેટા સાથે પ્રદર્શિત કરશે, જે મ્યુનિસિપલ બૉન્ડ રોકાણોનું મૂલ્યાંકન કરવા માટે એક બેન્ચમાર્ક બની રહેશે. આ સેવા પાછળનો ઉદ્દેશ આ સંપત્તિવર્ગની બજાર પારદર્શિતા, રોકાણકારોની જાગૃતિ અને સુલભતામાં સુધારો કરવાનો છે.
માર્કેટ કૅપિટલાઇઝેશનમાં પાંચ લાખ કરોડ રૂપિયાનો વધારો
એનએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 410.79 રૂપિયા (406.16) લાખ કરોડ અને બીએસઈ લિસ્ટેડ શૅરોનું 413.31 (408.62) લાખ કરોડ રૂપિયા થતાં શુક્રવારે રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો હતો. એનએસઈના 2988 (2981) ટ્રેડેડ શૅરોમાંથી 804 (1143) તથા બીએસઈના 4162 (4145) ટ્રેડેડ શૅરોમાંથી 1286 (1630) માઇનસમાં બંધ થયા એની સામે એનએસઈના 2120 (1759) અને બીએસઈના 2772 (2395) શૅરો વધીને બંધ રહ્યા હતા. એનએસઈ ખાતે 33 (35) અને બીએસઈમાં 75 (69) શૅરો બાવન સપ્તાહની નવી ટોચે હતા તો સામે અનુક્રમે 49 (59) અને 96 (106) શૅરો બાવન વીક લો પર હતા. એનએસઈના 192 (184) શૅરો ઉપલી સર્કિટે અને 53 (55) શૅરો નીચલી સર્કિટે પહોંચ્યા હતા.
FIIની લેવાલીમાં જોશ
શુક્રવારે એફઆઇઆઇની 7470 કરોડ રૂપિયાની નેટ લેવાલી સામે ડીઆઇઆઇની નેટ 3202 કરોડ રૂપિયાની વેચવાલી રહેતાં કૅશ સેગમેન્ટમાં એકંદરે માત્ર 4268 કરોડ રૂપિયાની નેટ લેવાલી જોવા મળી હતી.
એક લાખ રૂપિયાથી વધુ ભાવવાળો MRF થયો F&Oમાંથી આઉટ
NSEએ પાંચ શૅરોને F&Oની જૂન સિરીઝ એટલે કે ૨૮ મે બુધવારથી F&Oમાંથી પડતા મૂકવાનો નિર્ણય કર્યો છે. આ પાંચ શૅરો છે : (૧) એમઆરએફ 1,12,100 રૂપિયા (2) અપોલો ટાયર્સ 426 રૂપિયા (3) દીપક નાઇટ્રાઇટ 2056 રૂપિયા (4) એસ્કોર્ટ્સ 3202 રૂપિયા અને (5) રામકો સિમેન્ટ્સ 859 રૂપિયા.
શુક્રવારે નિફ્ટીના 50માંથી 38 શૅરો, નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 38 શૅરો, મિડકૅપ સિલેક્ટના 25માંથી 20, નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસના 20માંથી 18 અને બૅન્ક નિફ્ટીના બારેબાર શૅરો સુધર્યા હતા. નિફ્ટી મિડકૅપ સિલેક્ટના ટૉપ ગેઇનર્સમાં હિન્દ પેટ્રો 5.82% વધી 356 રૂપિયા, એમ્ફેસિસ 5.65%ના ગેઇને 2436, વોડાફોન આઇડિયા 5.10% સુધરી 7.63, એયુ બૅન્ક સવાત્રણ ટકા વધી 542 અને કન્ટેનર કૉર્પોરેશન પોણાત્રણ ટકા વધીને 694 રૂપિયાના સ્તરે બંધ હતા. નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીના ટૉપ 5 ગેઇનર્સનો સુધારો 3-4 ટકાની રેન્જમાં રહ્યો એમાં ગેઇલ 175, અદાણી ગ્રીન 957, ટીવીએસ મોટર 2423, ચોલામંડલમ ફાઇનૅન્સ 1540 અને એનએચપીસી 82 રૂપિયાનાં નામ હતાં.
મુખ્ય પાંચ ઇન્ડેક્સના આ શૅરોમાં વીકલી ૧૦ ટકા પ્લસનો સુધારો
હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ 14.58%, 3891.25 રૂપિયા, ભારત ફોર્જ 13.67%, 1181.30 રૂપિયા, એમસીએક્સ 13.64%, 5464.10 રૂપિયા, ઝોમાટો 12.95%, 227.52 રૂપિયા, લોઢા (મેક્રોટેક ડેવલપર્સ) 11.89%, 1180.75 રૂપિયા, એસબીઆઇ લાઇફ 11.61%, 1546.40 રૂપિયા, LIC હાઉસિંગ ફાઇનૅન્સ 10.88%, 515.60 રૂપિયા, ગેઇલ 10.82%, 175.05 રૂપિયા, હિન્દુસ્તાન પેટ્રો 10.27%, 356.95 રૂપિયા, વરુણ બેવરેજિસ 10.20%, 537.95 રૂપિયા, એમ્ફેસિસ 10.19%, 2429.95 રૂપિયા અને આઇઆરએફસી 10.17%, 129.66 રૂપિયા.
સાપ્તાહિક ૪૯ ટકા આ શૅર વધ્યો
એક સપ્તાહમાં 49.23%, 96.63 રૂપિયા વધીને આઇકીઓ લાઇટિંગ 292.92 રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો. ૨૦૨૪ની ૩૦ જુલાઈએ 342.95 રૂપિયાના ઉચ્ચતમ ભાવે પહોંચેલા આ શૅરે ૨૦૨૫ની ૧૯ ફેબ્રુઆરીએ 166 રૂપિયાનો બાવન સપ્તાહનો લો ભાવ પણ જોયો હતો. ઐતિહાસિક ટૉપ 477 રૂપિયાનું 2023માં જોવા મળ્યું હતું.

