ડેબ્ટ મ્યુચ્યુઅલ ફન્ડ્સ કેટલાક અંશે જોખમ પણ ધરાવે છે. જ્યારે વ્યાજદરમાં વધઘટ અથવા ક્રેડિટ રેટિંગમાં ફેરફાર થાય ત્યારે ફન્ડમાંની સિક્યૉરિટીઝના મૂલ્યમાં વધઘટ થઈ શકે છે.
ફન્ડના ફન્ડા
પ્રતીકાત્મક તસવીર
ઓછું જોખમ લેવાની ક્ષમતા હોય એવા અસંખ્ય રોકાણકારો માટે બૅન્કો દ્વારા આપવામાં આવતી ફિક્સ ડિપોઝિટ (એફડી) એ પરંપરાગત રીતે રોકાણ માટેનો લોકપ્રિય વિકલ્પ છે. જોકે મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગની વૃદ્ધિ સાથે, ડેબ્ટ મ્યુચ્યુઅલ ફન્ડ્સ સ્થિર અને વિશ્વસનીય વળતર મેળવવા ઇચ્છતા લોકો માટે લોકપ્રિય વિકલ્પ બની ગયા છે. જે રોકાણકારોની ઓછું જોખમ લેવાની ઇચ્છા કે ક્ષમતા હોય તેવા લોકો માટે ડેબ્ટ મ્યુચ્યુઅલ ફન્ડ્સ શા માટે વધુ સારી પસંદગી હોઈ શકે એ બાબત ઉજાગર કરવા માટે આ લેખમાં આજે આપણે એની તુલના બૅન્ક-એફડી સાથે કરીશું.
ફિક્સ્ડ ડિપોઝિટ્સ (એફડી)
ફિક્સ્ડ ડિપોઝિટ્સ એ એક એવા પ્રકારનું રોકાણ છે જેમાં રોકાણકારો સામાન્ય રીતે એક વર્ષથી દસ વર્ષ સુધીની નિશ્ચિત અવધિ હોય એવી મુદત માટે લમ્પસમ રકમ જમા કરે છે. બદલામાં, બૅન્ક ડિપોઝિટની નિશ્ચિત મુદત સુધી નક્કી થયેલા વ્યાજના દરે બૅન્ક રોકાણકારને વ્યાજ ચૂકવે છે.
ADVERTISEMENT
સ્થિરતા અને ઇન્શ્યૉરન્સ : ફિક્સ્ડ ડિપોઝિટનો સૌથી મુખ્ય ફાયદો એ છે કે રોકાણનું આ સાધન સ્થિરતા આપે છે. ડિપોઝિટની મુદત સુધી વ્યાજદરની ખાતરી આપવામાં આવે છે જેને કારણે રોકાણકારોને અનુમાનિત વળતર મળી રહે છે. ઉપરાંત ડિપોઝિટ ઇન્શ્યૉરન્સ અને ક્રેડિટ ગૅરન્ટી કૉર્પોરેશન (ડીઆઇસીજીસી) દ્વારા એફડીનો ઇન્શ્યૉરન્સ આપવામાં આવે છે. બૅન્ક નાદારી નોંધાવે એવા કિસ્સામાં દરેક થાપણકારને દરેક બૅન્કદીઠ પાંચ લાખ રૂપિયા સુધીનું ઇન્શ્યૉરન્સ કવર મળી રહે છે.
સાવધાનીની આવશ્યકતા : જોકે ફિક્સ્ડ ડિપોઝિટની આ સ્થિરતાની કિંમત ચૂકવવી પડે છે. નામી એટલે કે સારી ક્રેડિટ ધરાવતી સંસ્થાઓ/બૅન્કો દ્વારા એફડી પર આપવામાં આવતા વ્યાજદર સામાન્ય રીતે ઓછા હોય છે અને ઓછી જાણીતી અથવા ઓછી ક્રેડિટ ધરાવતી સંસ્થાઓ/બૅન્કો વધુ વ્યાજદર આપતી હોય છે. રોકાણકારોએ આ જાળમાં ફસાતાં બચવાનું હોય છે.
વાર્ષિક ટૅક્સની લાયાબિલિટી : ઉપરાંત એફડી પર મેળવેલા વ્યાજ પર રોકાણકારોના આવકવેરા-સ્લૅબ મુજબ કર પણ લાદવામાં આવે છે.
ડેબ્ટ મ્યુચ્યુઅલ ફન્ડ્સ
વૈવિધ્યકરણનો ફાયદો : સરકારી બૉન્ડ્સ, કૉર્પોરેટ બૉન્ડ્સ અને કમર્શિયલ પેપર્સ જેવી ફિક્સ્ડ આવક ધરાવતી સિક્યૉરિટીઝમાં ડેબ્ટ મ્યુચ્યુઅલ ફન્ડ્સ રોકાણ કરે છે. આમ કરવાથી તમારાં રોકાણોનું વિવિધ સિક્યૉરિટીઝમાં વૈવિધ્યકરણ થાય છે, જે રોકાણકારો માટે વિવિધ સિક્યૉરિટીઝમાં રોકાણ કરવાનું એક મહત્ત્વનું કારણ છે. આ બધાંને ઓછાં જોખમવાળાં રોકાણો માનવામાં આવે છે અને સ્થિરતા મેળવવા ઇચ્છતા રોકાણકારોને તેમના પોર્ટફોલિયો માટે એક સારો વિકલ્પ પ્રદાન કરે છે.
ખાસ કરીને જ્યારે વ્યાજના ઓછા દરોની સાઇકલ ચાલતી હોય એવા સમયે ડેબ્ટ મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે ફિક્સ્ડ ડિપોઝિટની તુલનામાં અહીં રોકાણમાં વૃદ્ધિની સંભાવના વધુ રહે છે. આ શક્ય છે, કારણ કે જ્યારે વ્યાજના દરમાં ઘટાડો થાય છે ત્યારે કૂપન રેટ ઉપરાંત બૉન્ડ્સ પર કૅપિટલ ગેઇનનો પણ લાભ મળી શકે છે.
ટૅક્સની લાયાબિલિટી : ડેબ્ટ મ્યુચ્યુઅલ ફન્ડ્સ પર રોકાણકારોના આવકવેરાના સ્લૅબ મુજબ કર લેવામાં આવે છે જે એફડી અનુસાર જ છે, પરંતુ મોટો ફાયદો એ છે કે રોકાણકારો જે વર્ષમાં તેમનાં નાણાંનો ઉપાડ કરે એ નાણાકીય વર્ષમાં કર ચૂકવવા માટે તેઓ જવાબદાર છે. આને કારણે રોકાણકારના કૅશફ્લો ઉપર સકારાત્મક અસર થાય છે. દા.ત. રોકાણકારે દર વર્ષે એફડી પર આવકવેરો ચૂકવવો પડે છે, પરંતુ ડેબ્ટ મ્યુચ્યુઅલ ફન્ડના રોકાણકારોને દર વર્ષે કર ચૂકવવાની જરૂર નથી અને એટલે વૃદ્ધિ પર સકારાત્મક અસર જોવા મળે છે.
સુગમતા : ડેબ્ટ મ્યુચ્યુઅલ ફન્ડ્સનો બીજો ફાયદો એમની સુગમતા છે. ફિક્સ ડિપોઝિટથી વિપરીત, જેની નિશ્ચિત મુદત હોય છે, ડેબ્ટ મ્યુચ્યુઅલ ફન્ડ્સને કોઈ પણ સમયે વેચી શકાય છે. આથી રોકાણકારોને કટોકટીના સમયમાં તેમનાં પોતાનાં નાણાં મળી શકે છે.
જોખમ : ડેબ્ટ મ્યુચ્યુઅલ ફન્ડ્સ કેટલાક અંશે જોખમ પણ ધરાવે છે. જ્યારે વ્યાજદરમાં વધઘટ અથવા ક્રેડિટ રેટિંગમાં ફેરફાર થાય ત્યારે ફન્ડમાંની સિક્યૉરિટીઝના મૂલ્યમાં વધઘટ થઈ શકે છે.
નિષ્કર્ષ
ડેબ્ટ મ્યુચ્યુઅલ ફન્ડ્સ અને ફિક્સ ડિપોઝિટ બન્નેના તેમના ફાયદા અને ગેરફાયદા છે, પરંતુ ઓછા જોખમવાળા રોકાણકારો માટે ડેબ્ટ મ્યુચ્યુઅલ ફન્ડ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. તેઓ કોઈ પણ સમયે રોકાણને છૂટા કરવાની સુગમતા સાથે એફડીની તુલનામાં ઉચ્ચ વળતર અને કરની વધુ કાર્યક્ષમતા માટેની સંભાવના પ્રદાન કરે છે. આ બે વિકલ્પો વચ્ચે પસંદગી કરતી વખતે તમારાં રોકાણ-લક્ષ્યો, જોખમ લેવાની ક્ષમતા અને તમારી નાણાકીય પરિસ્થિતિનો વિચાર કરો અને તમારા નાણાકીય સલાહકારની સલાહ લો.
હૅપી ઇન્વેસ્ટિંગ.