Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ટૅરિફની તાણમાં રિઝર્વ બૅન્કનો રેટ-કટ કામ ન આવ્યો, બજારમાં ઘટાડો કન્ટિન્યુ

ટૅરિફની તાણમાં રિઝર્વ બૅન્કનો રેટ-કટ કામ ન આવ્યો, બજારમાં ઘટાડો કન્ટિન્યુ

Published : 10 April, 2025 07:46 AM | Modified : 12 April, 2025 07:17 AM | IST | Mumbai
Anil Patel

ફાર્મા પર ટૅરિફની વાત ટ્રમ્પે દોહરાવતાં માનસ નબળું પડ્યું : બન્ને બજારના મોટા ભાગના બેન્ચમાર્ક ડાઉન, માર્કેટ બ્રેડ્થ નેગેટિવ

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


ટૅરિફ-વૉર પછી હવે કરન્સી-વૉર શરૂ થવાની દહેશત : ક્રૂડ ખરડાઈને ૬૦ ડૉલરના નવા મલ્ટિયર તળિયે, પેઇન્ટ્સ શૅરોમાં શરૂઆતની ઝમક ટકી ન શકી : પરિણામની પૂર્વસંધ્યાએ ટીસીએસ નરમ, આઇટીના ૫૯માંથી ૪૯ શૅર માઇનસ : ફાર્મા પર ટૅરિફની વાત ટ્રમ્પે દોહરાવતાં માનસ નબળું પડ્યું : બન્ને બજારના મોટા ભાગના બેન્ચમાર્ક ડાઉન, માર્કેટ બ્રેડ્થ નેગેટિવ


ટ્રમ્પ દ્વારા ચાઇનીઝ આયાત પર ૫૦ ટકાની નવી જકાત નાખી દેવામાં આવી છે. સરવાળે બુધવારથી ચીન પર કુલ ૧૦૪ ટકાની ટૅરિફ અમલમાં આવે છે. વધુમાં અમેરિકા ખાતે થતી ફાર્માની આયાત પર પણ મોટા પાયે ટૅરિફ લાદવાની વાત ટ્રમ્પે દોહરાવી છે. ટ્રમ્પે આ ઉપરાંત ઘણી બધી લવરી કરી છે. તેણે કહ્યું છે કે દુનિયાભરના દેશો રેસિપ્રોકલ ટૅરિફથી ડરી ગયા છે. વિશ્વભરના જાણીતા કે અગ્રણી વૈશ્વિક નેતાઓ ટૅરિફમાંથી બચવા યેનકેન પ્રકરણે સમાધાન સાધવા તલપાપડ છે, તેઓ મારા બૂટ (ટ્રમ્પે જે શબ્દ વાપર્યો છે એ અહીં લખી શકાય એવો નથી) ચાટવા તૈયાર છે. આ ગાંડો માણસ તેની જાતને શું સમજે છે એ જ ખબર પડતી નથી. અમેરિકામાં મારીજુઆના એટલે કે ગાંજો કાયદેસર છે, પણ એ સિવાય બીજા માદક પદાર્થો પણ મળતા હોવા જોઈએ એના સેવન વગર આ પ્રકારનું ગાંડપણ શક્ય નથી. બાય ધ વે, ટ્રમ્પના ૫૦ ટકા ડ્યુટીના નવા વાર સામે ચાઇનાએ માત્ર એટલું જ જણાવ્યું છે કે અમારા ભાથામાં પણ ઘણા બાણ છે.



અમેરિકન ડાઉ ફ્યુચર બે ટકા પ્લસ હતો એ જોતાં મંગળવારે ત્યાંનું બજાર સુધરવાની ધારણા રખાતી હતી અને ડાઉ ઇન્ડેક્સ એ પ્રમાણે ૮૯૨ પૉઇન્ટના સુધારે ૩૮,૮૨૭ ખુલ્યો હતો. ત્યાંથી વધી ઉપરમાં ૩૯,૪૨૬ વટાવી ગયો હતો, પરંતુ ટ્રમ્પનું ટૅરિફનું ગાંડપણ ફરીથી ઊપડતાં ડાઉ ઇન્ડેક્સ ત્યાંથી ૨૩૨૨ પૉઇન્ટ લથડી નીચામાં ૩૭,૧૦૪ થઈ છેવટે ૩૨૦ પૉઇન્ટના ઘટાડે ૩૭,૬૪૫ બંધ થયો છે. નૅસ્ડૅક પણ આગલા બંધથી ૭૧૨ પૉઇન્ટ વધ્યા પછી ૧૨૬૩ પૉઇન્ટ ઘટી અંતે સવાબે ટકા કે ૩૩૫ પૉઇન્ટ ડાઉન થયો હતો. આની પાછળ બુધવારે મોટા ભાગનાં એશિયન બજાર માઇનસ થયાં છે. જૅપનીઝ નિક્કી ચાર ટકા, સિંગાપોર સવાબે ટકા, તાઇવાન છ ટકાથી વધુ કે ૧૦૬૮ પૉઇન્ટ, સાઉથ કોરિયા પોણાબે ટકા, ઇન્ડોનેશિયા અડધો ટકો સાફ થયું હતું. સામે ચાઇના તથા થાઇલૅન્ડ સવા ટકો અને હૉન્ગકૉન્ગ પોણા ટકા નજીક પ્લસ હતાં. યુરોપ રનિંગમાં બેથી ત્રણ ટકા ખરડાયેલું હતું. પાકિસ્તાની શૅરબજાર રનિંગમાં ૧૦૪૦ પૉઇન્ટ લથડી, ૧,૧૪,૬૧૫ દેખાયું છે. બ્રેન્ટ ક્રૂડ પોણાત્રણ ટકાની ખરાબીમાં ૬૧ ડૉલર તો નાયમેક્સ ક્રૂડ ૫૮ ડૉલરની અંદર ચાલતું હતું. સોના-ચાંદી હાજર અને વાયદો બેથી અઢી ટકા વધ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન બિટકૉઇન નીચામાં ૭૪,૮૫૬ બતાવી રનિંગમાં સવા ટકાના સુધારે ૭૭,૨૧૪ ડૉલર જોવાયો છે.


ટૅરિફ-વૉર દિવસે-દિવસે ઉગ્ર બનવાની દહેશત છે. આપણે ત્યાં સબ કી ફટેગી, અપની થોડી કમ ફટેગીનો માહોલ છે. ચાઇનાએ યુઆનનું સિસ્ટમેટિક ડીવૅલ્યુએશન શરૂ કર્યું છે. ડૉલર સામે યુઆન નવા તળિયે ગયો છે. મતલબ કે ટૅરિફ-વૉર પછી હવે કરન્સી-વૉર જામવાની છે. એક અંદાજ પ્રમાણે અમેરિકન ટ્રેઝરી બોન્ડ્સમાં ચાઇનાનું હોલ્ડિંગ ૭૬૧ અબજ ડૉલરનું છે. આ હોલ્ડિંગ એ વેચવા માંડે તો અમેરિકા ખાતે ફાઇનૅન્શ્યલ માર્કેટમાં જબરો ધરતીકંપ આવી શકે છે.

 


રેટ સેન્સિટિવ સેક્ટર બહુધા નરમ, FMCG અપવાદ રહી

ટૅરિફના ટેરર વચ્ચે ઘરઆંગણે રિઝર્વ બૅન્કની ધિરાણનીતિ બુધવારે જાહેર થઈ છે. ધારણા મુજબ રેપો-રેટ ફરી એક વાર ૦.૨૫ ટકા ઘટાડાયો છે. બૅન્કરો આનો પૂરો લાભ ત્વરિત પાસ ઑન કરે તો હોમ લોન, વાહન લોન, પર્સનલ લોન સહિતના લોનધારકોને નોંધપાત્ર રાહત મળશે. જોકે આમ થવાનું નથી. મોટા ભાગે લાભ બૅન્ક જમી જશે. થાપણદર ઘટવાના છે, મોટા પાયે ઘટવાના છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૨૪ પૉઇન્ટ નીચે, ૭૪,૧૦૪ ખૂલી એને જ ઇન્ટ્રા-ડે હાઈ બનાવી અંતે ૩૮૦ પૉઇન્ટ ઘટી ૭૩,૮૪૭ તથા નિફ્ટી ૧૩૭ પૉઇન્ટની નરમાઈમાં ૨૨,૩૯૯ બંધ થયો છે. સેન્સેક્સ નીચામાં ૭૩,૬૭૩ તથા નિફ્ટી ૨૨,૩૫૩ દેખાયો હતો. સેન્સેક્સ-નિફ્ટીની અડધા ટકા જેવી નબળાઈ સામે રોકડું અને બ્રૉડર માર્કેટ અડધાથી એક ટકો ડાઉન હતું.

હિન્દુસ્તાન યુનિલીવર, આઇટીસી, નેસ્લે, બ્રિટાનિયા, ગોદરેજ કન્ઝ્યુમર, તાતા કન્ઝ્યુમર, કોલગેટ જેવા ચલણી શૅરની આગેવાનીમાં FMCG ઇન્ડેક્સ ૮૧માંથી ૩૯ શૅરના સુધારે દોઢ ટકા મજબૂત થયો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ સાધારણ તો ઑટો બેન્ચમાર્ક ૨૯ પૉઇન્ટ જેવો મામૂલી પ્લસ હતો. અન્ય રેટ સેન્સિટિવ સેક્ટરમાં કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૧.૭ ટકા, બૅન્ક નિફ્ટી અડધો ટકો કે ૨૭૧ પૉઇન્ટ, ફાઇનૅન્સ ઇન્ડેક્સ પોણો ટકો નરમ હતા. રિયલ્ટી ઇન્ડેક્સ બે ટકા તરડાયો છે. આ ઉપરાંત આઇટી ઇન્ડેક્સ બે ટકા, હેલ્થકૅર સવા ટકો, નિફ્ટી ફાર્મા બે ટકા, મેટલ ઇન્ડેક્સ દોઢ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી અઢી ટકા ડૂલ થયા છે. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૦૮૩ શૅર સામે ૧૭૪૭ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૨.૭૫ લાખ કરોડના ઘટાડે ૩૯૩.૮૨ લાખ કરોડ રૂપિયા જોવાયું છે. કુલ ૪૧માંથી ૩૦ બૅન્કો સુધરી હતી. ઉજ્જીવન બૅન્ક ચાર ટકા, એયુ બૅન્ક ૧.૬ ટકા, IDFC ફર્સ્ટ બૅન્ક સવાબે ટકા તથા IDBI બૅન્ક ૨.૩ ટકા પ્લસ હતી. ફીનો પેમેન્ટ બૅન્ક ૫.૫ ટકા, ઇન્ડિયન બૅન્ક ૩.૭ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૩.૬ ટકા, યુનિયન બૅન્ક ૩.૪ ટકા તૂટી છે.

નવી ગાઇડલાઇન્સની વાતમાં ગોલ્ડ લોન શૅર ઝંખવાયા

રિઝર્વ બૅન્ક દ્વારા ગોલ્ડ લોન વિશે નવી ગાઇડલાઇન જાહેર કરવાની વાત થતાં ગોલ્ડ લોન કડક બનવાની આશંકા કામે લાગી હતી. રિઝર્વ બૅન્કે ગોલ્ડ લોન કડક બનાવવાનો ઇરાદો નહીં હોવાની સ્પષ્ટતા કરી છે, પરંતુ ગોલ્ડ લોન કંપનીઓના શૅરને એનાથી ખાસ કળ વળી નહોતી. મુથૂટ ફાઇનૅન્સ નીચામાં ૨૦૨૭ થઈ પોણાસાત ટકા ગગડી ૨૧૪૦ બંધ રહ્યો છે. આ ઉપરાંત મનપ્પુરમ ફાઇનૅન્સ ૧.૯ ટકા ઘટી ૨૨૪, આઇઆઇએફએલ કૅપિટલ દોઢ ટકો ઘટી ૨૦૩, આઇઆઇએફએલ ફાઇનૅન્સ અઢી ટકા ઘટી ૩૨૫, ચોલામંડલમ ફાઇનૅન્સ ૪ ટકા બગડી ૧૬૫૩, ચોલા ઇન્વેસ્ટમેન્ટ ૨.૪ ટકા ઘટી ૧૪૨૯ બંધ રહ્યા છે.

ટીસીએસનાં પરિણામ આજે, ૧૦મીએ છે. કંપનીની આવક ડિસેમ્બર ક્વૉર્ટરના મુકાબલે અડધો ટકો ઘટવાની ધારણા રખાય છે. શૅર દોઢ ટકા જેવા ઘટાડે ૩૨૪૬ બંધ થયો છે. ગ્રેટેક્સ કૉર્પોરેટ ૧૦ શૅરદીઠ નવ બોનસ શૅરમાં એક્સ બોનસ થવાની હોવા છતાં ગઈ કાલે કોઈ કામકાજ થયું નથી. ભાવ મંગળવારે સવાપાંચ ટકા વધી ૫૫૮ બંધ રહ્યો હતો. ક્રૂડ ગગડી મલ્ટિયર તળિયે આવી ગયું છે અને વર્સ્ટ કેસમાં ભાવ તૂટી ૪૦ ડૉલર થવાનો વરતારો ગોલ્ડમૅન સાક્સે કર્યો છે. ક્રૂડની નરમાઈથી ગઈ કાલે પેઇન્ટ્સ શૅર પ્રારંભે સારા વધ્યા હતા, છેવટે સુધારો ખાસ ટક્યો નથી. શાલીમાર પેઇન્ટ્સ સાડાત્રણ ટકા વધી છે. અન્યમાં સિરકા પેઇન્ટ્સ દોઢ ટકો, ઇન્ડીગો પેઇન્ટ્સ એક ટકો, એશિયન પેઇન્ટ્સ અને કન્સાઇ નેરોલેક અડધો ટકો પ્લસ હતા. સામે રેટિના પેઇન્ટ્સ પોણઆઆઠ ટકા, એક્ઝોનોબલ સાડાચાર ટકા અને કામધેનું વેન્ચર્સ સવા ટકો ઝંખવાયા છે. બજાર ગુરુવારે મહાવીર જયંતી નિમિત્તે રજામાં છે.

સ્ટેટ બૅન્ક સાડાત્રણ ટકા લથડી સેન્સેક્સમાં ટૉપ લૂઝર

ગઈ કાલે નેસ્લે સવાત્રણ ટકા વધી બન્ને બજારમાં ટૉપ ગેઇનર બની છે. હિન્દુસ્તાન યુનિલીવર અઢી ટકાની મજબૂતીમાં સેકન્ડ બેસ્ટ હતી. અન્યમાં પાવર ગ્રિડ બે ટકા, તાતા કન્ઝ્યુમર ૧.૯ ટકા, ટાઇટન ૧.૭ ટકા, હીરો મોટોકૉર્પ એક ટકો, અપોલો હૉસ્પિટલ સવા ટકો, બજાજ ઑટો એક ટકો વધીને મોખરે હતા. એશિયન પેઇન્ટ્સ, અલ્ટ્રા ટેક, આઇટીસી પોણાથી એકાદ ટકો વધ્યા છે. મારુતિ અડધો ટકો સુધરી હતી. રિલાયન્સ સામાન્ય સુધારામાં ૧૧૮૭ રહ્યો છે.

વિપ્રો સવાચાર ટકા તૂટી ૨૩૬ના બંધમાં નિફ્ટી ખાતે, તો સ્ટેટ બૅન્ક સાડાત્રણ ટકા નજીક લથડી ૭૪૨ના બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર રહી છે. લાર્સન સવાત્રણ ટકા બગડી ૩૦૬૧ બંધ થતાં બજારને સૌથી વધુ ૧૦૧ પૉઇન્ટ માર પડ્યો હતો. ટેક મહિન્દ્ર સવા ત્રણ ટકા, ઇન્ફોસિસ બે ટકા નજીક, ટીસીએસ દોઢ ટકાથી વધુ, HCL ટેક્નૉ ૧.૭ ટકા, તાતા સ્ટીલ સવાબે ટકા, સનફાર્મા ૨.૨ ટકા, ઝોમાટો બે ટકા, ઍક્સિસ બૅન્ક તથા NTPC સવા ટકો, તાતા મોટર્સ એક ટકો, ટ્રેન્ટ ત્રણ ટકા કે ૧૪૭ રૂપિયા, શ્રીરામ ફાઇનૅન્સ અઢી ટકા, કોલ ઇન્ડિયા ૨.૨ ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ બે ટકાથી વધુ, ONGC બે ટકા, જિયો ફાઇનૅન્સ પોણાબે ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ, ગ્રાસિમ અને સિપ્લા સવા ટકો ડૂલ થયા છે.

જ્યોતિ લૅબ ૧૭ ગણા વૉલ્યુમે સવાદસ ટકાની તેજીમાં ૩૮૦ નજીક બંધ આપી ‘એ’ ગ્રુપમાં બેસ્ટ ગેઇનર હતી. માસ્ટેક પોણાઆઠ ટકા, સુંદરમ ફાસ્ટનર્સ છ ટકા, પ્રુડેન્ટ કૉર્પોરેટ તથા અવન્તી ફીડ્સ પાંચ ટકા મજબૂત હતી. કાર ટ્રેડ નવ ટકા કે ૧૩૮ રૂપિયાના કડાકામાં ‘એ’ ગ્રુપમાં વર્સ્ટ પર્ફોર્મર હતી. ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ પોણાનવ ટકા, કૅપ્લીન પૉઇન્ટ ૧૪૮ રૂપિયા કે આઠ ટકા, ક્વેસ કૉર્પે પોણાઆઠ ટકા અને પારાદીપ ફૉસ્ફેટ સાત ટકા ધોવાયા છે.

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2025 07:17 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK