રૂપિયામાં રેન્જબાઉન્ડ કારોબાર : ભારતમાં ફુગાવો ૧૫ માસની નીચી સપાટીએ
કરન્સી કૉર્નર
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ફુગાવાના આંકડા અપેક્ષા કરતાં સારા આવતાં રૂપિયામાં થોડો સુધારો હતો. લાંબા સમયગાળા પછી જથ્થાબંધ ભાવો ૫.૬૬ ટકા નોંધાયા હતા, રિઝર્વ બૅન્કના ૪-૬ ટકાની ટાર્ગેટ રેન્જની નીચે ગયા હતા. ફુગાવો ૧૫ માસની નીચી સપાટીએ આવ્યો છે. આર્થિક વિકાસદરમાં ધીમો ઘટાડો દેખાઈ રહ્યો છે, પણ ભારતીય અર્થતંત્રમાં મેક્રો આઉટલુક અન્ય ઘણા દેશોની તુલનાએ હજી પણ બ્રાઇટ સ્પૉટ દેખાય છે. રૂપિયો ગયા વરસે ૮૩.૨૦ થયા પછી ધીમે-ધીમે સુધરીને ૮૧.૬૦ થઈ છેલ્લે ૮૧.૮૦ આસપાસ બંધ હતો. વેપારખાધ અને ચાલુ ખાતાની ખાધમાં સ્થિતિ સારી છે.
રાજકોષીય ખાધ - ફિસ્કલ કૉન્સોલિડેશનમાં પણ સ્થિતિ અપેક્ષા કરતાં સારી છે. જોકે ઓપેકે જંગી ઉત્પાદનકાપ મૂક્યા પછી ક્રૂડ ઑઇલમાં તેજી આવી છે અને એ તેજી સ્થાયી બને તો અર્થતંત્ર માટે સ્ટૅગફ્લેશન રિસ્ક વધે, આયાતબિલ વધવાથી રૂપિયા પર દબાણ વધે. મે-જૂનમાં અમેરિકામાં સમર ડ્રાઇવિંગ સીઝન, જુલાઈ-ઑક્ટોબર હરીકેન સીઝન અને અમેરિકાએ પોતાની સ્ટ્રૅટેજિક રિઝર્વમાંથી નોંધપાત્ર ક્રૂડ વેચી નાખ્યું હોવાથી આવતા ત્રણ-ચાર મહિનામાં ક્રૂડ ૧૦૦ ડૉલર જવાની પ્રબળ સંભાવના છે.
ADVERTISEMENT
અલ નીનોની આગાહી પણ ચોમાસા મામલે થોડી ચિંતાજનક છે. અમેરિકાની વેધર એજન્સી એનએઓએના મતે જૂન-જુલાઈમાં એશિયામાં અલ નીનોને કારણે મલેશિયા, ઇન્ડોનેશિયા, આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાના અમુક હિસ્સામાં તેમ જ ભારતમાં પણ અમુક રાજ્યોમાં અપૂરતા વરસાદના સંજોગો છે, એટલે પામતેલ, કૉટન, શુગર, ચોખા, તેલીબિયાં જેવી બજારો હવામાન પર બારીક નજર રાખે છે. સારો વરસાદ આવે તો મોંઘવારી મામલે સરકારની ચિંતા હળવી થાય અને વ્યાજદરમાં ઘટાડો કરી લિક્વિડિટી અને આર્થિક વિકાસ પર ફોકસ કરી શકાય.
રૂપિયો હાલ ડૉલર સામે થોડો મજબૂત થયો છે. વૈશ્વિક ડૉલર નરમ હોવાથી રૂપિયામાં થોડી રિકવરી છે. જોકે રૂપિયો પાઉન્ડ અને યુરો સામે નોંધપાત્ર નરમ પડ્યો છે. વૈશ્વિક પરિપેક્ષ્યમાં પાઉન્ડમાં શાનદાર તેજી છે. ગયા ઑક્ટોબરમાં યુકેમાં લીઝ ટૂર્સ વડા પ્રધાન બન્યા ત્યારે થોડો સમય પાઉન્ડ અને યુકે બોન્ડમાં ભારે મંદી હતી, પણ હવે પાઉન્ડ ડૉલર સામે ટોટલ રિટર્નના હિસાબે પાંચ ટકા વધ્યો છે. રૂપિયા સામે પાઉન્ડ ૮૫થી વધીને ૧૦૨ થયો છે. એક વરસમાં ૧૯ ટકા વધ્યો છે. રૂપિયા સામે યુરો ૧૭ ટકા વધ્યો છે. ૭૭થી વધીને ૯૦ થયો છે. ડૉલર ઇન્ડેક્સ ૧૧૪.૫૦થી ઘટીને ૧૦૨ થયો છે. આમ ડૉલરની બ્રોડ બેઝ્ડ નરમાઈ રૂપિયા માટે મિશ્ર રહી છે. ડૉલરની મંદી રૂપિયા માટે તેજીકારક છે. બીજી બાજુ પાઉન્ડ, યુરોની તેજી રૂપિયાની તેજી માટે મંદીકારક છે.
વિશ્વ બજારની વાત કરીએ તો અમેરિકામાં ઇકૉનૉમી હજી પણ મક્કમ દેખાય છે. ફેડે એક વરસમાં વ્યાજદરમાં ૫૦૦ બેસિસ પૉઇન્ટ વધારો કર્યો, પણ ફુગાવો મચક આપતો નથી. આવતા મહિને ફેડની બેઠકમાં વ્યાજદર પા ટકા વધશે. જોકે બજાર ફેડથી બે પગલાં આગળ ચાલે છે. અમેરિકામાં બોન્ડ યિલ્ડ કર્વ ઊલટો થયો હોવાથી મંદીની શક્યતા વધી છે. ફેડને ૨૦૨૩માં એકાદ રેટકટ આપવો જ પડશે, એની બજારને પાકી ખાતરી છે. યુકેમાં વ્યાજદર હજી થોડા વધી શકે. ક્રેડિટ સુઈસ ડિબેકલ પછી મહાજનોના મહાજન એવા સ્વિસ ફ્રાન્કનું સેફ હેવન સ્ટેટસ ઝાંખું પડતાં હાલમાં પાઉન્ડને સેફ હેવન સ્ટેટસ તરીકે ફ્લાઇટ ટુ ક્વૉલિટીનો લાભ મળે છે. પાઉન્ડ ૨૦૨૩ની બેસ્ટ કમબૅક સ્ટોરી છે. યુરોને પણ પાઉન્ડની તેજીનો થોડો ફાયદો થયો છે.
આઉટલુક અને હેજ સ્ટ્રૅટેજી - રૂપિયામાં શૉર્ટ ટર્મ રેન્જ ૮૧.૫૦-૮૨.૩૦ ગણાય. હાલ રેન્જબાઉન્ડ બજાર છે. લૉન્ગ ટર્મ ટ્રેન્ડ થોડો બેરીશ છે. નિકાસકારો દરેક ઉછાળે ડૉલર વેચી હેજ વધારી શકે. આયાતકારો દરેક ઘટાડે ડૉલર બુક કરી હેજ વધારી શકે. યુરો-રૂપીમાં નિકાસકારો થોડા અન્ડર હેજ રહી શકે. આયાતમાં ફુલ્લી હેજ રહેવું પડે. પાઉન્ડ-રૂપીમાં હાલના સ્તરે આયાત-નિકાસ બેઉમાં ઓપ્ટિમલ હેજ હિતાવહ છે. પાઉન્ડ-ડૉલર ક્રૉસ અને યુરો-ડૉલરમાં એક્સપોર્ટર્સ માઇલ્ડ અન્ડર હેજ રહી શકે. બેઉ કરન્સી ડૉલર સામે મજબૂત દેખાય છે. યેન હજી પણ દિશાહીન બજાર છે.