માર્ચમાં બેન્ચમાર્ક બ્રૅન્ટ ક્રૂડ ઘટીને બૅરલદીઠ ભાવ ૭૨ ડૉલર થયો હતો જે ૧૫ મહિનામાં સૌથી નીચો છે
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ક્રૂડ તેલમાં ફરી તેજી આવી છે. ઓપેક અને એના સાથી દેશો દ્વારા ક્રૂડ તેલના ઉત્પાદનમાં મોટો કાપ મૂકવાની જાહેરાતને પગલે વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલના ભાવ આઠ ટકા જેવા વધી ગયા હતા અને હવે ૧૦૦ ડૉલરના ભાવ થવાની આગાહીઓ આવી રહી છે.
ઓપેક દ્વારા સપ્લાય-કટના સમાચાર પર ત્રીજી એપ્રિલના રોજ ક્રૂડ તેલના ભાવમાં આઠ ટકાથી વધુનો ઉછાળો આવીને ભાવ ૮૩.૯૫ ડૉલર પ્રતિ બૅરલ હતો. છેલ્લા કેટલાક મહિનામાં વૈશ્વિક બૅન્કિંગ ગરબડ અને રેકૉર્ડ-ઊંચી ફુગાવા વચ્ચે મ્યુટ માગને કારણે કિંમતો નીચે ગયા પછી આ પહેલો સુધારો હતો.
ADVERTISEMENT
માર્ચમાં બેન્ચમાર્ક બ્રૅન્ટ ક્રૂડ ઘટીને બૅરલદીઠ ભાવ ૭૨ ડૉલર થયો હતો જે ૧૫ મહિનામાં સૌથી નીચો છે. સિલિકૉન વૅલી બૅન્ક અને ક્રેડિટ સુઇસ સહિતની મોટી વૈશ્વિક બૅન્કોના પતનને કારણે આ ઘટાડો આવ્યો હતો.
આ પણ વાંચો: ક્રૂડ તેલ પરનો વિન્ડફૉલ ટૅક્સ સરકારે રદ કર્યો
ચીનમાં તાજેતરના પુરવઠામાં ઘટાડો અને માગની પુનઃપ્રાપ્તિ સાથે, તેલની કિંમતો ફરીથી બૅરલદીઠ ૧૦૦ ડૉલરના સ્તરે વધી શકે છે જે છેલ્લે જુલાઈ ૨૦૨૨માં જોવા મળી હતી.
ઓપેક પ્લસ જૂથે આગામી સમયમાં ક્રૂડ તેલના ઉત્પાદનમાં હજી ઘટાડો કરવાની જાહેરાત કરતાં વાયદામાં ફરી તેજી આવી હતી. અંદાજ હતો કે વૈશ્વિક અર્થતંત્રની પરિસ્થિતિને જોતાં ઓપેક ઉત્પાદનમાં ફેરફાર કરશે નહીં, પરંતુ ઓપેક પ્લસે ક્રૂડ તેલના ઉત્પાદનમાં પ્રતિદિન ૧૧.૬ લાખ બૅરલ્સનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.
ઓપેક પ્લસના આ નિર્ણયથી જૂથ હવે પ્રતિદિન ૩૬.૬ લાખ બૅરલ્સનું જ ક્રૂડ તેલ ઉત્પાદન કરશે જે કુલ વૈશ્વિક ઑઇલ ઉત્પાદનના ૩.૭ ટકા છે. જૂથના આ નિર્ણયથી વાયદામાં તેજી આવી હતી.
કુલ ઉત્પાદનમાં ઘટાડામાં સાઉદી અરેબિયાનો હિસ્સો અડધા જેટલો (પાંચ લાખ બૅરલ્સ)નો હશે. આ સિવાય રશિયાએ પહેલાં જ જાહેરાત કરી હતી કે આ વર્ષના અંત સુધીમાં એ ઉત્પાદનમાં પ્રતિદિન પાંચ લાખ બૅરલ્સ સુધીનો ઘટાડો કરશે.