Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકામાં ગ્રોથલેસ જૉબ, ભારતમાં જૉબલેસ ગ્રોથ

અમેરિકામાં ગ્રોથલેસ જૉબ, ભારતમાં જૉબલેસ ગ્રોથ

Published : 19 December, 2022 04:16 PM | IST | Mumbai
Jitendra Sanghvi

ચીનમાં કોવિડનો ઝડપી ફેલાવો અને ભારતની સરહદે ચીનનાં છમકલાં વિશ્વ સામેનાં આર્થિક જોખમો અને પડકારો માટે બળતામાં ઘી હોમશે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

આર્થિક પ્રવાહ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


ભારત, સાઉથ આફ્રિકા અને અમેરિકા સહિત વિશ્વના કેટલાક દેશોમા ભાવવધારો ધીમો પડ્યો છે. તો પણ ફેડરલ રિઝર્વે વ્યાજના દર વધાર્યા છે. ૨૦૨૨માં આ વધારો સાતમી વારનો છે. છેલ્લા દરેક ચાર વધારા ૭૫ બેસિસ પૉઇન્ટના હતા તો ગયા અઠવાડિયાનો વધારો ૫૦ બેસિસ પૉઇન્ટનો હતો. ‘પેસ સેટર’ ગણાતા આર્થિક સુપરપાવર અમેરિકાના આ પગલે ૨૪ કલાકથી પણ ઓછા સમયમાં યુકે, યુરોપિયન યુનિયન (ઈયુ) અને ​સ્વિટ્ઝરલૅન્ડ (દરેકે ૫૦ બેસિસ પૉઇન્ટનો) અને નૉર્વે (૨૫ બેસિસ પૉઇન્ટ)એ પણ વ્યાજના દર વધાર્યા છે. આપણી રિઝર્વ બૅન્કે આ મહિનાની શરૂઆતમાં વ્યાજના દર (૩૫ બેસિસ પૉઇન્ટ) વધાર્યા હતા.


અમેરિકન સ્ટૉક માર્કેટ અને ભારતનાં સ્ટૉક માર્કેટ ગગડ્યાં છે. એના માટે ફેડે કરેલા વ્યાજના દરનો વધારો તો કારણભૂત છે જ, પણ એ કરતાંય વધારે જવાબદાર તો છે ફેડના અધ્યક્ષે આપેલી ચેતવણી: દેશમાં મંદી આવે તો ભલે આવે, પણ ભાવવધારાના દૈત્યને નાથવા માટે ૨૦૨૩માં પણ વ્યાજના દરનો વધારો ચાલુ જ રહેશે, એથી ઉદ્યોગધંધા કે બજારે ૨૦૨૪ પહેલાં વ્યાજના દરના ઘટાડાની અપેક્ષા રાખવી નહીં.



ભારતમાં નવેમ્બર મહિને જથ્થાબંધ ભાવાંકનો ઘટાડો (૫.૯ ટકા) ૨૧ મહિનાનો સૌથી નીચો છે. ઑક્ટોબર મહિનાથી એ સિંગલ ડિજિટમાં છે. છૂટક ભાવાંક (સીપીઆઇ)નો વધારો (૫.૯ ટકા) પણ ૧૧ મહિનાનો સૌથી નીચો છે. એટલું જ નહીં, દસ મહિના બાદ પ્રથમ વાર એ રિઝર્વ બૅન્કની ઉપરની ટૉલરન્સ લિમિટ (છ ટકા) કરતાં ઓછો નોંધાયો છે.


ધીમો પડેલો ભાવવધારો  સૌને (રિઝર્વ બૅન્ક, સરકાર અને પ્રજા) માટે રાહતના સમાચાર છે, પણ બીજી તરફ ઑક્ટોબર મહિને ઔદ્યોગિક ઉત્પાદનના આંકમાં થયેલો ૨૬ મહિનાનો સૌથી મોટો ઘટાડો (ચાર ટકા) ફિસ્કલ ૨૩ના આર્થિક વિકાસના દરને ધીમો પાડી શકે, જે ચિંતાના સમાચાર  કહેવાય.

દરમ્યાન ચીન પછી હવે અમેરિકામાં પણ કોવિડના કેસ વધવા માંડ્યા છે. ચીનની સરકાર ઝીરો --કોવિડ પૉલિસીનો અમલ હળવો કરી રહી છે ત્યારે જ ચીનમાં નવા કેસ ઝડપભેર વધી રહ્યા છે. ચીનના કોઈ સાચા આંકડા મળતા નથી. અમેરિકાના એક અહેવાલ મુજબ ૨૦૨૩માં ચીનની ત્રીજા ભાગની વસ્તી (૪૭ કરોડ લોકો) કોરોનાથી સંક્રમિત થશે. આપણે ઇચ્છીએ કે આ અહેવાલ સાચા ન પડે. એ આંશિક રીતે પણ સાચા પડે તો ચીનના અર્થતંત્ર પર પડનારી અસરની કલ્પના પણ ધ્રુજાવી દે એવી છે.


વિશ્વના અર્થતંત્રમાં મોટું યોગદાન છે એવા આ બન્ને દેશો આર્થિક સમસ્યાઓથી ગળાબૂડ છે. એ સંજોગોમા ફરી એકવાર કોરોનાનો વધતો ઉપદ્રવ એ દેશોના અને પરિણામે વિશ્વના અર્થતંત્ર માટે મોટા ફટકારૂપ સાબિત થઈ શકે.

અધૂરામાં પૂરું ચીને સરહદ પર સૈનિકો ખડકીને તેમ જ માળખાકીય સવલતો વધારીને આપણી સરહદે ગલવાન પછી અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં તંગદિલી સર્જી છે. ભારત આજે ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે સક્ષમ છે. એટલે ચીન ભારત સાથેના હવેના યુદ્ધને (સૈનિકોના જીનોમ અને ડીએનએના ફેરફાર દ્વારા તેમને વધુ આક્રમક બનાવીને) બાયોલૉજિકલ યુદ્ધમાં ફેરવવાની મથામણમાં પડ્યું હોવાના સમાચાર પણ છે.

આ જ અરસામાં રશિયા હવાઈ, મિસાઇલ, રૉકેટ અને હુમલા દ્વારા યુક્રેન પરની ભીંસ વધારી રહ્યું છે. યુક્રેનની પાવરગ્રીડ સહિતની માળખાકીય સવલતોને ટાર્ગેટ બનાવીને એ યુક્રેનના નાગરિકો માટે જીવવાનું અસહ્ય કરી રહ્યું છે. વીજળીનો પુરવઠો ખોરવીને યુક્રેનની કાતિલ ઠંડીમાં લોકોની પરેશાની વધારી છે. આમ રશિયા-યુક્રેન, ચીન-ભારત કે ચીન-તાઇવાન જેવાં જિયો-પૉ​લિટિકલ પરિબળો વિશ્વ માટે ઘાતક નીવડી શકે.

આ પણ વાંચો : બૅન્કોએ પાંચ વર્ષમાં ૧૦ લાખ કરોડ રૂપિયાની લોન માંડવાળ કરી

ફેડના ચૅરમૅનના નિવેદનને પગલે સેન્સેક્સમાં ચાલુ મહિને (ડિસેમ્બર ૧૬ સુધી) ટોચ પરથી ૨૨૦૦ પૉઇન્ટ (૩.૫ ટકા)નો ઘટાડો થયો છે. તો ચાલુ નાણાકીય વરસે (ડિસેમ્બર ૧૫ સુધી) વિદેશી પોર્ટ ફોલિયો મૂડીરોકાણનો લગભગ બે બિલ્યન ડૉલરનો આઉટફ્લો (આગલા વરસે ૧૮.૫ બિલ્યન ડૉલરનો આઉટફ્લો) નોંધાયો છે.

ભારતમાં રાજકીય સ્થિરતા છે અને ભાવવધારો ધીમો પડી રહ્યો છે. વિદેશી હૂંડિયામણ પણ છેલ્લાં પાંચ અઠવાડિયાંથી સતત વધી રહ્યું  છે (૫૬૪ બિલ્યન ડૉલર). એટલે એને માથે ઢગલાબંધ  વૈશ્વિક આર્થિક જોખમો ઝળૂંબે છે તો પણ આઇએમએફના મતે અન્ય દેશો તેમના મૂડીરોકાણ માટે ભારતને ‘હૉટ ફેવરિટ’ ડે​સ્ટિનેશન ગણે છે. G20ના અધ્યક્ષ તરીકે આ વરસે ભારતની વરણી કરાઈ છે એટલે એની ભારતમાં યોજાનાર સંખ્યાબંધ મીટિંગોમાં ચીનના સ્લોડાઉન અને મજબૂત બની રહેલા ડૉલરને લીધે વિશ્વના જે દેશો તેમની સપ્લાય-ચેઇન ડાયવર્ટ કરવાનું વિચારે છે એમના માટે ભારત સારો વિકલ્પ છે એ વિશેની ચર્ચાનો સારો અવકાશ છે.

મોંઘવારી ઘટી તો પણ અમેરિકા વ્યાજના દર કેમ વધાર્યા કરશે?

અમેરિકાએ ફેડરલ ફન્ડના દર વધારીને ૪.૨૫—૪.૫૦ ટકા કર્યા છે જે ૧૫ વરસના સૌથી ઊંચા છે. આ દરે અમેરિકામાં એક બૅન્ક બીજી બૅન્કને ઓવરનાઇટ બેસિસ પર ધિરાણ કરે છે.
અમેરિકામાં નવેમ્બર મહિને મોંઘવારી ઘટીને ૭.૧ ટકા (ઑક્ટોબર મહિનેઃ ૭.૭  ટકા) થઈ છે તો પણ ફેડરલ રિઝર્વ ૨૦૨૩માં વ્યાજના દર વધારીને ૫.૧ ટકા જેટલા કરશે (અગાઉ આ અંદાજ ૪.૬ ટકા હતો). કારણ શું? ભાવવધારાના દર અને ફેડના વ્યાજના દર વચ્ચેનો તફાવત ઘટતો જોવા મળે છે. તો પણ ભાવવધારાનો ઘટેલો દર (૭.૧  ટકા) પણ ફેડરલ રિઝર્વના બે ટકાના લક્ષ્યાંકથી ઘણો ઊંચો છે.

ફેડના અધ્યક્ષ જેરોમ પોવેલ કહે છે ભાવવધારો છેલ્લા બે મહિનાથી ઘટી રહ્યો છે તો પણ હજી એ સતત ઘટતો રહીને એવો અહેસાસ ન કરાવે કે મોંઘવારી અંકુશ હેઠળ છે ત્યાં સુધી વ્યાજના દર વધતા રહેશે. આજે પણ અસરકારક વ્યાજના દર (૩.૮ ટકા) અને છૂટક ભાવવધારાના દર (૭.૧ ટકા) વચ્ચેનો તફાવત ઘણો મોટો (૩.૩ ટકા) છે. ૨૦૧૯ની શરૂઆતમાં ભાવવધારા (૧.૬ ટકા)નો દર વ્યાજના અસરકારક દર (૨.૪ ટકા) કરતાં નીચો હતો. આજે પરિસ્થિતિ વિપરીત છે. (ભાવવધારાનો દર વ્યાજના દર કરતાં ઊંચો છે).

અમેરિકામાં સ્લોડાઉન પછી પણ જૉબ વેકન્સી ઘણી છે અને બેરોજગારીનો દર ૫૦ વરસનો નીચો છે. પરિણામે ભાવવધારાને બળ મળે છે (ઉત્પાદન ઓછું થાય છે અને કુલ વેતન વધતાં રહે છે).

ફેડ સિસ્ટમમાંથી રોકડ રકમ પાછી ખેંચી રહી છે

મહામારીને કારણે વ્યાજના દર નીચા રાખવા માટે ફેડરલ રિઝર્વે નોટો છાપીને સિસ્ટમમાં મૂકેલી હોવાથી કંપનીઓ/વ્ય​ક્તિઓ લોન લઈને નાણાં ખર્ચી શકે અને  માગ વધારીને એ દ્વારા ઉત્પાદન વધારી શકે. એને લીધે અમેરિકામાં રિયલ એસ્ટેટ, સ્ટૉક અને ક્રિપ્ટોના ભાવ ઊંચકાયા. આજે ફેડરલ રિઝર્વ દર મહિને ૯૫ બિલ્યન ડૉલરના હિસાબે સિસ્ટમમાંથી નાણાં પાછાં ખેંચી રહી છે. જેથી વ્યાજના દર વધે, વપરાશ ઘટે અને મોંઘવારી કાબૂમાં આવે.

આ પણ વાંચો:  છટણીના દોર વચ્ચે 5 હજાર ભારતીયોને મેકડોનાલ્ડ્સ આપશે નોકરી, જાણો વિગત

ભારતમાં દસ મહિના પછી છૂટક ભાવો પહેલી વાર રિઝર્વ બૅન્કની ટૉલરન્સ લિમિટથી નીચા

નવેમ્બર મહિને છૂટક ભાવવધારો (૫.૯ ટકા) છેલ્લા ૧૧ મહિનાનો સૌથી નીચો છે (ઑક્ટોબરમાં ૬.૮ ટકા). આ ઘટાડો ખાદ્યપદાર્થોના ભાવોના ઘટાડાને અને બેઇઝ ઇફેક્ટને આભારી છે. ડિસેમ્બરમાં છૂટક ભાવવધારાનો દર હજી નીચો જઈ શકે. આર્થિક વિકાસ સામેનાં જોખમોને જોતાં અને નૉન-કોર ઇન્ફ્લેશનના ઘટાડાને જોતાં ફેબ્રુઆરી ૨૦૨૩માં રેપોરેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટના વધારાની સંભાવના ઓછી થતી લાગે છે.

અમેરિકામાં ગ્રોથલેસ જૉબ, ભારતમાં જૉબલેસ ગ્રોથ

બન્ને દેશોમાં મોંઘવારી ઘટવા તરફી છે. તફાવત એ છે કે અમેરિકામાં મોંઘવારીનો દર (૭.૧  ટકા) લક્ષ્યાંક (બે ટકા)થી હજી ઘણો ઊંચો છે. ભારતમાં એથી વિપરીત પરિસ્થિતિ છે. મોંઘવારીનો દર (૫.૯  ટકા) રિઝર્વ બૅન્કની ઉપરની ટૉલરન્સ લિમિટથી નીચે જતો રહ્યો છે. રિઝર્વ બૅન્કનું મોંઘવારીનું સાચું લક્ષ્ય (૪ ટકા) નજર સામે રાખીએ તો પણ આપણે એ લક્ષ્યાંકની ખૂબ નજીક છીએ. એટલે આપણો પ્રાણપ્રશ્ન આર્થિક વિકાસનો દર વધારવાનો છે; જ્યારે અમેરિકાનો પ્રાણપ્રશ્ન મોંઘવારી ઘટાડવાનો છે, એટલે આપણા અગ્રક્રમ જુદા હોઈ શકે તો પણ સહેલાઈથી સમજાય એવી વાત  છે કે અમેરિકાના વ્યાજના દરના હાલના ફેરફાર (વધારા)ની આપણે અવગણના કરી શકીએ એમ નથી.

આ પણ વાંચો : અર્થતંત્ર વધુ ડૅમેજ ન થાય એ માટે રિઝર્વ બૅન્કનો વ્યાજના દર ધીમા વધારવાનો નિર્ણય

આર્થિક વિકાસનો દર અડધા ટકાથી નીચો છે ત્યારે પણ અમેરિકામાં બેરોજગારીનો દર ૫૦ વરસનો નીચો છે. આપણા વિકાસનો દર સાત ટકા (વિશ્વના મોટા દેશોમાં સૌથી ઝડપી) છે ત્યારે પણ આપણે ત્યાં બેરોજગારી એ આપણી સૌથી મોટી સમસ્યા છે. ગ્રોથલેસ જૉબની સ્થિતિમાં ભાવવધારો હોય તો પણ સમસ્ત પ્રજાની અમુક સ્તરની આવક હોઈ  મોંઘવારીમાં પણ એ થોડીઘણી ખરીદી કરી શકે. આમ તો આ બન્નેમાંથી એક પણ સ્થિતિ ઇચ્છનીય નથી. વિકાસ સાથે થોડો ભાવવધારો તો થવાનો જ, પણ એ વિકાસમાં બાધક ન બને એ સ્તરે મર્યાદિત રહે અને વિકાસ સાથે રોજગારીનું સર્જન થતું રહે તો ગરીબીનું પ્રમાણ ઘટતું રહે. સંપૂર્ણ  રીતે આર્થિક અસમાનતાનો નકાર નથી. આર્થિક રીતે તદ્દન નીચલા સ્તરની પણ પ્રાથમિક જરૂરિયાત પૂરી કરી શકીએ એવી આદર્શ  પરિસ્થિતિ આપણો અગ્રક્રમ હોવો જોઈએ. આપણું અર્થતંત્ર ૧૦ ટ્રિલ્યન ડૉલરનું બને ત્યાં સુધીમાં આ આદર્શ પરિસ્થિતિએ પહોંચવાનું આપણું લક્ષ્ય સિદ્ધ થવું જોઈએ. 

Whatsapp-channel Whatsapp-channel

19 December, 2022 04:16 PM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK