મુદત પૂરી થઈ હોવાના કારણસર જીએસટી કાયદાની કલમ ૧૨૯ હેઠળ માલસામાન અને વાહનને અટકાવી શકાય કે નહીં એ મુદ્દો ચર્ચાનો વિષય હતો.
સમજો જીએસટી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુજરાત વડી અદાલતે ટાઇમ્સ પ્રોજેક્ટ વિરુદ્ધ રાજ્યના કરવેરા નિરીક્ષકના કેસમાં તાજેતરમાં ચુકાદામાં જણાવ્યું છે કે અપીલ કરવા માટેનો સમયગાળો આદેશની જાણ થાય એ તારીખથી ગણવામાં આવવો જોઈએ. આ કેસમાં કરદાતાને એકપક્ષી અસેસમેન્ટ ઑર્ડરની જાણ થઈ નહોતી, કારણ કે તેમની નોટિસ કોવિડ રોગચાળાના સમયમાં તેમના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને મોકલવામાં આવી હતી. કરદાતાને તેમનું બૅન્ક-અકાઉન્ટ ટાંચમાં લેવાયું એ સમયે ઉક્ત આદેશની જાણ થઈ અને ત્યાર પછી તેમણે અપીલ નોંધાવી હતી.
અપેલેટ ઑથોરિટીએ અપીલને ફગાવી દઈને આદેશમાં કહ્યું હતું કે સમયમર્યાદા પૂરી થઈ ગયા પછી અપીલ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
અહીં જણાવવું રહ્યું કે સર્વોચ્ચ અદાલતે તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ પરચૂરણ અરજી ક્રમાંક ૬૬૫ સંબંધે આપેલા ચુકાદા તથા કોવિડ રોગચાળાના સમગ્ર સમયગાળાને ધ્યાનમાં રાખીને ઉક્ત વિલંબને દરગુજર કરવાની જરૂર હતી. આમ, અપીલ કરવા માટેનો સમયગાળો કરદાતાને આદેશની જાણ થાય ત્યારથી ગણતરીમાં લેવાનો હતો.
ઉક્ત નિર્ણય પરથી કહી શકાય કે અદાલતો કોવિડ રોગચાળાને લીધે ઊભી થયેલી અસાધારણ સ્થિતિને અનુલક્ષીને ઉદાર અભિગમ અપનાવી રહી છે. જો કોઈ વ્યક્તિને વૈધાનિક નોટિસ કે સરકારે આપેલો આદેશ ધ્યાનમાં આવે નહીં અને એ આદેશ કે નોટિસ તેમના સુધી પહોંચી શકે નહીં એ સ્થિતિમાં થનારો વિલંબ માફ કરવામાં આવવો જોઈએ.
ગુજરાત વડી અદાલતે ઓરસન હોલ્ડિંગ્સ કંપની લિમિટેડ વિરુદ્ધ કેન્દ્ર સરકારના કેસમાં ઈ-વૅ બિલ વિશે ચર્ચા કરી હતી. માલસામાન લાવનાર વાહન અટકાવવામાં આવ્યું, કારણ કે એના ૪૮ કલાક પહેલાં જ ઈ-વૅ બિલની મુદત પૂરી થઈ ગઈ હતી. મુદત પૂરી થઈ હોવાના કારણસર જીએસટી કાયદાની કલમ ૧૨૯ હેઠળ માલસામાન અને વાહનને અટકાવી શકાય કે નહીં એ મુદ્દો ચર્ચાનો વિષય હતો.
આ કિસ્સામાં કરદાતાએ સીજીએસટી ઍક્ટની કલમ ૧૨૯(૩) હેઠળ ઇશ્યુ કરાયેલી નોટિસને પગલે કરવેરો તથા દંડ જમા કરી દીધો હતો. કરદાતા પશ્ચિમ બંગાળમાં હતા અને માલસામાનની ડિલિવરી ગુજરાતમાં કરવાની હતી. માલના પરિવહન દરમિયાન ઈ-વૅ બિલની મુદત પૂરી થઈ ગઈ હતી. વળી, કરદાતા મુદત પૂરી થઈ ગયેલા ઈ-વૅ બિલનો ઉપયોગ કરવાનો ઇરાદો ધરાવતા નહોતા.
આ પણ વાંચો : વીમા ક્ષેત્રે બનાવટી ઇન્વૉઇસિંગની સમસ્યા બાબતે સક્રિય થયેલા જીએસટી સત્તાવાળાઓ
આની પહેલાં ગુજરાત વડી અદાલતે શ્રી ગોવિંદ એલોયઝ પ્રા. લિ. વિરુદ્ધ ગુજરાત સરકારના કેસ (વિશેષ દીવાની અરજી ક્રમાંક ૨૩૮૩૫/૨૨)માં ઈ-વૅ બિલ સંબંધિતે વિલંબના મુદ્દાની જ ચર્ચા કરી હતી. ઈ-વૅ બિલનો વિલંબ સરકાર સાથે છેતરપિંડી કરવાના ઇરાદાસર થયો નહોતો, એ બાબત બન્ને કિસ્સામાં સામાન્ય હતી. આથી ઈ-વૅ બિલની મુદત પૂરી થવાના મુદ્દાને સ્વીકાર્ય ગણવામાં આવ્યો અને ગુજરાત વડી અદાલતે કહ્યું કે માલસામાન જપ્ત કરવાનો આદેશ રદ કરવામાં આવે અને જીએસટી ખાતું કરદાતાને કરવેરા તથા દંડની રકમનું રીફન્ડ આપે.
વડી અદાલતનો ચુકાદો કુદરતી ન્યાયના સિદ્ધાંતોને સમર્થન આપનારો છે. એમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ કોઈ ખોટું કામ કરવાનો ઇરાદો ધરાવતી ન હોય અને પરિસ્થિતિ તેમના હાથની વાત ન હોય ત્યારે અદાલત જે સત્ય અને ન્યાયી હશે એ જ વાતનો સ્વીકાર કરશે.
આ કેસમાં વડી અદાલતે નોંધ્યું હતું કે માલના પરિવહનમાં વિલંબ થયો એ વાત ખરી, પરંતુ કરદાતા સરકારની સાથે છેતરપિંડી કરવાનો ઇરાદો ધરાવતા નહોતા.
રવિ એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ કમિશનર ઑફ સેલ્સ ટૅક્સમાં ઉત્તરાખંડ વડી અદાલતે ૨૦૨૩ની રિટ અરજી ક્રમાંક ૧૪૧ સંબંધે કરદાતાના મૂલ્યવાન અધિકારનું જતન કર્યું હતું અને કહ્યું હતું કે કુદરતી ન્યાયના સિદ્ધાંતનું ઉલ્લંઘન થાય એ સ્વીકાર્ય નથી.
આ કેસમાં કરદાતાએ સીજીએસટી ઍક્ટની કલમ ૭૩(૯) હેઠળ બહાર પડાયેલા આદેશને પડકાર્યો હતો, કારણ કે તેમને ફૉર્મ ક્રમાંક જીએસટી ડીઆરસી-૦૧એ દ્વારા કરાયેલી જાણ (ઇન્ટિમેશન) સંબંધે પ્રત્યુત્તર આપવાની તક આપવામાં આવી નહોતી. આ જાણ સીજીએસટી ઍક્ટની કલમ ૭૩(૧) હેઠળ બજાવવામાં આવેલી કારણદર્શક નોટિસની સાથે-સાથે અપલોડ કરવામાં આવી હતી.
કાયદા હેઠળ એ અત્યંત સ્પષ્ટ છે કે કલમ ૭૩ હેઠળ નોટિસ આપવા પહેલાં કરદાતાને જાણ કરવામાં આવવી જોઈએ, જેથી તેઓ ફૉર્મના પાર્ટ-બીમાં પ્રત્યુત્તર આપી શકે. કરદાતાને આ પ્રત્યુત્તર આપવાની તક મળી નહીં હોવાથી તેમની સામેનો આદેશ રદ કરવામાં આવ્યો હતો અને એ બાબત ફરી સક્ષમ સત્તાને સોંપવામાં આવી હતી.
ઉપરોક્ત નિર્ણય પરથી સ્પષ્ટ થાય છે કે કાયદા હેઠળ મળતા દરેક અધિકારનું માન રાખવામાં આવવું જોઈએ અને ન્યાયતંત્ર નિર્ધારિત પ્રક્રિયા અનુસરવાને તથા કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થાય એ બાબતને પ્રાથમિકતા આપશે.