આયાતમાં સતત બીજા મહિને ૩.૬૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
વૈશ્વિક મંદીને કારણે સતત બીજા મહિને ભારતની નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે. સરકારી આંકડાઓ મુજબ નિકાસ ૬.૫૮ ટકા ઘટીને ૩૨.૯૧ અબજ ડૉલરની થઈ છે. જોકે નિકાસ વધવા છતાં દેશની વેપારખાધ જાન્યુઆરીની ૧૨ મહિનાના તળિયે પહોંચી ગઈ હતી અને જાન્યુઆરીમાં કુલ ૧૭.૭૫ અબજ ડૉલરની વેપારખાધ જોવા મળી હતી એમ સત્તાવાર સરકારી આંકડાઓ કહે છે.
જાન્યુઆરીમાં પણ આયાત સતત બીજા મહિને ૩.૬૩ ટકા ઘટીને ૫૦.૬૬ અબજ ડૉલરની થઈ હતી.
સંયુક્ત રીતે ચાલુ વર્ષે એપ્રિલ-જાન્યુઆરી દરમ્યાન દેશની વેપારી નિકાસ ૮.૫૧ ટકા વધીને ૩૬૯.૨૫ અબજ ડૉલરની થઈ હતી, જ્યારે આયાત ૨૧.૮૯ ટકા વધીને ૬૦૨.૨૦ અબજ ડૉલરની થઈ હતી.
ADVERTISEMENT
ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-જાન્યુઆરી માટે વેપારખાધ લગભગ ૨૩૩ અબજ ડૉલરની થઈ હતી.
ડિસેમ્બર ૨૦૨૨માં દેશની નિકાસ ૧૨.૨ ટકા ઘટીને ૩૪.૪૮ અબજ ડૉલર થઈ હતી. દેશની જાન્યુઆરીની વેપારખાધ આ અગાઉ જાન્યુઆરી ૨૦૨૨માં ૧૭.૪૩ અબજ ડૉલરને સ્પર્શી હતી, ત્યાર બાદની આ સૌથી નીચી ખાધ છે.
આ નાણાકીય વર્ષના ૧૦ મહિનાના સમયગાળા દરમ્યાન નકારાત્મક વૃદ્ધિ નોંધાવનાર નિકાસ ક્ષેત્રોમાં એન્જિનિયરિંગ ગુડ્સ, આયર્ન ઑર, પ્લાસ્ટિક અને લિનોલિયમ, જેમ્સ અને જ્વેલરીનો સમાવેશ થાય છે. એન્જિનિયરિંગની નિકાસ ૩.૩૭ ટકા ઘટીને ૮૮.૨૭ અબજ ડૉલરની થઈ છે. આ જ સમયગાળામાં જેમ્સ અને જ્વેલરીનું શિપમેન્ટ ૦.૫૪ ટકા ઘટીને ૩૧.૬૧ અબજ ડૉલરનું થયું હતું.